પાકિસ્તાન ચૂંટણીનાં બધાં પરિણામ જાહેર કરાયાં, કોને કેટલી સીટ મળી?

મરિયમ નવાઝ અને નવાઝ શરીફ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી થવાના ત્રણ દિવસ બાદ આખરે ચૂંટણીપંચે રાષ્ટ્રીય અને પ્રાંતની એસેમ્બલીનાં બધાં પરિણામ આવી ગયાં છે.

તાજા પરિણામમાં સ્વતંત્ર ઉમેદવારોએ 101 બેઠકો પર જીત મેળવી છે અને બીબીસી ઉર્દૂ અનુસાર આમાં 93 બેઠકો પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ પાર્ટી એટલે ઇમરાન ખાન સમર્થિત ઉમેદવારો છે.

બીજા નંબર પર પાકિસ્તાન મુસ્લિમ લીગ- એનના ખાતામાં 75 બેઠકો આવી છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટી 54 બેઠકો સાથે ત્રીજા સ્થાન પર છે જ્યારે એમક્યુએમ પાકિસ્તાનના ખાતામાં 17 બેઠકો આવી છે.

આની સાથે જ ચાર પ્રાન્તોની ઍસેમ્બલીની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં છે.

પંજાબ એસેમ્બલી

પાકિસ્તાન ચૂંટણીપંચ મુજબ પંજાબ એસેમ્બલીમાં પીએમએલ (એન)ને સૌથી વધુ 137 બેઠકો મળી છે. જોકે પીએમએલ-ક્યુને આઠ બેઠકો મળી છે. જોકે અપક્ષ ઉમેદવારોને 138 બેઠકો મળી છે પરંતુ આ બધા પીટીઆઈ સમર્થિત નથી.

પંજાબ એસેમ્બલીમાં 297 બેઠકો છે અને એક બેઠક પર ચૂંટણી રદ કરવામાં આવી છે.

સિંધ એસેમ્બલી

130 બેઠકોવાળી સિંધ એસેમ્બલીમાં પીપીપીને 84 બેઠકો મળી છે. 28 બેઠકો એમક્યુએમને મળી છે.

ખૈબર પખ્તુનખ્વાહ

ખૈબર પખ્તુનખ્વાહ પ્રાંત એસેમ્બલીમાં પીટીઆઈ સમર્થિત ઉમેદવારો સરકાર બનાવવાની પરિસ્થિતિમાં છે.

115 બેઠકોવાળી આ એસેમ્બલીમાં તેમને 90 બેઠકો મળી છે. અહીં સાત બેઠકો સાથે જમીયત ઉલેમા-એ ઇસ્લામ સાત બેઠકો સાથે બીજા અને પાંચ બેઠકો સાથે પીએમએલ-એન ત્રીજા ક્રમે છે.

બલૂચિસ્તાન

બલૂચિસ્તાન એસેમ્બલીની 51 બેઠકોમાંથી 50 બેઠકોનાં પરિણામ આવી ગયાં છે.

ચૂંટણીપંચ અનુસાર, પીપીસી અને જમીયત ઉલેમા-એ- ઇસ્લામને 11 બેઠકો મળી છે જ્યારે પીએમએલ(એન)ની 10 બેઠકો જીતી છે.

પાકિસ્તાનના પંજાબ પ્રાંતના લાહોર શહેરમાં ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈના સંભવિત પ્રદર્શનને જોતાં સુરક્ષાની વ્યવસ્થા કરવામાં આવી છે.

પીટીઆઈએ ચૂંટણીમાં ગોટાળાના આરોપ કર્યા છે અને પ્રદર્શનની જાહેરાત કરી છે.

નવાઝ શરીફ, ઇમરાન ખાન અને બિલાવલ ભુટ્ટો
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ચૂંટણી બાદ પરિણામોની પ્રતીક્ષા ચાલી રહી હતી. સંપૂર્ણ પરિણામ આવવામાં ત્રણ દિવસ લાગી ગયા.

ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈનો દાવો છે કે ચૂંટણીમાં ગોટાળો થયો છે. તો બીજી તરફ નવાઝ શરીફની પાર્ટીએ એમક્યુએમ પાર્ટી સાથે સરકાર રચવા માટે બેઠક કરવાની જાહેરાત કરી દીધી છે.

બીજી તરફ બિલાવલ ભુટ્ટોની પીપીપી પાર્ટીએ કહ્યું હતું કે તેઓ કોઈ પાર્ટી સાથે સરકાર રચવા અંગે વાત કરી રહ્યા નથી. આ બધા ઘટનાક્રમ પહેલાં શું શું થયું એ વાંચો-

પાકિસ્તાન ચૂંટણીપંચ દ્વારા જાહેર કરાયેલાં શરૂઆતનાં વલણો અનુસાર સામાન્ય ચૂંટણીમાં ભારે સંખ્યામાં સ્વતંત્ર ઉમેદવાર જીતી રહ્યા હતા. આ પૈકી મોટા ભાગનાને ઇમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફનું સમર્થન પ્રાપ્ત છે. ત્યારથી જ રાજકીય રસાકસી શરૂ થઈ ગઈ હતી.

નેશનલ ઍસેમ્બલી (પાકિસ્તાની સંસદ)માં તહેરિક-એ-ઇન્સાફના અધ્યક્ષ બૅરિસ્ટર ગોહર અલી ખાન, વરિષ્ઠ ઉપાધ્યક્ષ લતીફ ખોસા, પૂર્વ નૅશનલ ઍસેમ્બલી સ્પીકર અસર કૈસર અને પાર્ટીના સભ્ય અલી અમીન ગંડાપુર જીતી ગયા હતા.

આ સિવાય તહરિક-એ-ઇન્સાફના સમર્થનવાળા સ્વતંત્ર ઉમેદવારો ખૈબર પખ્તૂનખ્વાની વિધાનસભામાં ભારે બહુમતી હાંસલ કરી લીધી હતી.

અહીં ઉલ્લેખનીય છે કે ચૂંટણીપંચ ચૂંટણીપંચે ઇમરાન ખાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફમાં પાર્ટીની આંતરિક ચૂંટણી રદ કરીને તેમનું ચૂંટણીચિહ્ન ‘બૅટ’ પરત લઈ લીધું હતું.

પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચના આ નિર્ણયને વાજબી ઠેરવ્યો હતો. આ જ કારણે પીટીઆઈના ઉમેદવારો પાર્ટીના ચિહ્ન પર ચૂંટણીમેદાને ન ઊતરીને, સ્વતંત્રપણે ચૂંટણીમાં ઊતર્યા હતા.

પરિણામોમાં 'વિલંબ'ને લઈને વિવાદ

શરૂઆતમાં ચૂંટણીપંચ દ્વારા પરિણામ જાહેર કરવામાં ‘વિલંબ’ મુદ્દે સવાલ ઊઠ્યા હતા.

નોંધનીય છે કે ગુરુવારે થયેલા મતદાનના 18 કલાક બાદ પરિણામ જાહેર કરાયાં છે.

અત્યાર સુધી જાહેર કરાયેલાં પરિણામો અનુસાર પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ), પાકિસ્તાન પીપલ્સ પાર્ટી અને ઇમરાન ખાનનથી પાકિસ્તાન તહેરિક-એ- ઇન્સાફ પાર્ટીના સમર્થનવાળા અપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો હોય એવી સ્થિતિ સર્જાઈ છે.

પરિણામ જાહેર કરવામાં શરૂઆતના તબક્કામાં થયેલા વિલંબને કારણે સ્થાનિક ટીવી ચેનલો દ્વારા જાહેર કરાયેલાં બિનઆધિકારિક પરિણામોને આધારે ઇમરાન ખાનની પાર્ટીએ પક્ષને 100 કરતાં વધુ બેઠકો પર આગળ હોવાનું જાહેર કર્યું હતું.

જોકે, ચૂંટણીપંચે પોતાની જાતને આ દાવાથી અળગું કરી લીધું અને આને “બિનઆધિકારિક અને અધૂરાં પરિણામ” ગણાવ્યાં હતાં. તેમજ પરિણામ જાહેર કરવામાં થઈ રહેલા વિલંબ માટે ફોન અને ઇન્ટરનેટ સેવા મોકૂફ રાખવાના નિર્ણયને જવાબદાર ગણાવ્યો હતો.

આ વિલંબને કારણે ઘણા ઉમેદવારો ચૂંટણીપંચ પર ‘પરિણામ બદલવાનો’ આરોપ કરતાં મામલો વધુ ચર્ચાસ્પદ બન્યો હતો.

ચૂંટણીના કાયદા અનુસાર પાકિસ્તાનનું ચૂંટણીપંચ નવ તારીખે બે વાગ્યા સુધી પ્રારંભિક પરિણામો જાહેર કરવા બંધાયેલું હતું. વિલંબની સ્થિતિમાં આ સમય વધીને દસ વાગ્યા સુધીનો થઈ શકે. જોકે, આ વિલંબ માટેનાં કારણો જે-તે અધિકારીએ પંચને જણાવવા જરૂરી છે.

સવારના દસ વાગ્યાની ડેડલાઇન વીત્યાને કલાકો થયા છતા હજુ સુધી સમગ્ર પરિણામો જાહેર કરવામાં હજુ વધુ કેટલો સમય લાગશે એ સ્પષ્ટ નથી.

નવાઝ અને મરિયમને મળી જીત

મરિયમ નવાઝ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને લાહોરની એનએ-130 બેઠક પર જીત મળી છે.

પરંતુ ઇમરાન ખાનના નેતૃત્વવાળી પીટીઆઈએ નવાઝ શરીફની જીત પર સવાલ ઉઠાવ્યા છે. પીટીઆઈ દ્વારા કરાયેલા ટ્વીટમાં લખાયું છે કે, “ગણાયેલા કુલ માન્ય મતોની સંખ્યા કુલ મતોની સંખ્યા કરતાં વધુ છે. નવાઝ શરીફને જનમતની ચોરી બદલ શરમ આવવી જોઈએ.”

આ ટ્વીટ સાથે એક તસવીર શૅર કરાઈ છે જેમાં કુલ મતોની સંખ્યા 2,93,693 લખાઈ છે. તેમજ કુલ માન્ય મતોની સંખ્યા 2,94,043 લખાયેલી છે.

જોકે, પાકિસ્તાન મુસ્લિમ લીગે (નવાઝ) ટ્વીટ કરીને લખ્યું છે કે એનએ – 130 પર નવાઝ શરીફને ભારે અંતરથી જીત મળી છે.

જોકે, અહીં નોંધનીય છે કે આ દાવા રાજકીય દળોના છે, આ મુદ્દે ચૂંટણીપંચે કંઈ જ નથી કહ્યું.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝનાં વરિષ્ઠ ઉપાધ્યક્ષ મરિયમ નવાઝને લાહોરની નેશનલ ઍસેમ્બલી વિસ્તાર એનએ-119થી વિજેતા જાહેર કરાયાં છે.

ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા અનુસાર, મરિયમને 83,855 મત મળ્યા છે. તેમના હરીફ પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ સમર્થિત અપક્ષ ઉમેદવાર શહજાદ ફારુકને 68,376 મત મળ્યા છે.

ઉલ્લેખનીય છે કે 8 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં મતદાન થયું હતું. પાકિસ્તાનમાં સરકાર બનાવવા માટે 169 સીટની જરૂર હોય છે.

આ પહેલાં ચૂંટણીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને પ્રશાસને મોબાઇલ અને ઇન્ટરનેટ સેવા પર રોક લગાવી દીધી હતી. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે આતંકવાદ સાથે જોડાયેલા મામલાને જોતા આ પગલું લેવું જરૂરી હતું.

તો ઇમરાન ખાનની પાર્ટી પીટીઆઈએ ઇન્ટરનેટ સેવા બંધ કરવાના પગલાને 'કાયરતાપૂર્ણ' ગણાવ્યું હતું. પાકિસ્તાનમાં આ ચૂંટણી પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન સામે અવિશ્વાસમત લાવ્યા બાદ બે વર્ષે થઈ છે. પાકિસ્તાનમાં પહેલી વાર ઇમરાન ખાન વિના ચૂંટણી થઈ છે, ઇમરાન ખાન હાલ જેલમાં છે.

આ ચૂંટણીમાં લગભગ 128 મિલિયન મતદારો નોંધાયેલા છે, જેમાંથી લગભગ અડધા મતદારો 35 વર્ષથી ઓછી ઉંમરના છે. 5,000થી વધુ ઉમેદવારો (જેમાંથી માત્ર 313 મહિલા) છે. આ ચૂંટણીમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ (નવાઝ) (પીએમએલ-એન) અને પીપીપીને મતદાન માટે બે મુખ્ય પક્ષો માનવામાં આવે છે.

ઇમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીમાંથી ઉમેદવારોને પસંદ કરવાનું વધુ મુશ્કેલ છે, કેમ કે પાર્ટીના ક્રિકેટ બેટના પ્રતીકનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આથી પાર્ટીના ઉમેદવારો અપક્ષ તરીકે ચૂંટણી લડ્યા છે.

ઇમરાન વિના પાકિસ્તાનની ચૂંટણી

ઇમરાન ખાન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમરાન ખાન પાકિસ્તાનના લોકપ્રિય નેતા છે, પરંતુ હાલ જેલમાં છે અને ચૂંટણી લડી શકે તેમ નથી. પાકિસ્તાનમાં કોઈ પણ વડા પ્રધાન તેમની પાંચ વર્ષની ટર્મ પૂરી કરી શકતા નથી તેવો ઇતિહાસ રહ્યો છે.

બે વર્ષ પહેલા જ દેશમાં અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની સરકાર પાડી દેવામાં આવી હતી અને હવે તેઓ ભ્રષ્ટાચારના મામલામાં જેલમાં બંધ છે. તેમને 14 વર્ષની સજા સંભળાવવામાં આવી છે.

એમના બાદ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફે પાકિસ્તાનનું નેતૃત્વ સંભાળ્યું હતું.

2018માં ઇમરાન ખાનની છબી એક એવા નેતાની બની રહી હતી કે તેઓ પાકિસ્તાનનું ભવિષ્ય બદલી શકે છે. પરંતુ તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં આર્થિક સ્થિતિ બગડી, મોંઘવારી વધી અને અનેક વિપક્ષી નેતાઓ જેલમાં ગયા, મીડિયા પર પ્રતિબંધ મુકાયો અને પત્રકારો પર માનવાધિકાર ભંગ સહિતના હુમલાના અહેવાલો સામે આવ્યા હતા.

પાકિસ્તાનના કેટલાક રાજકીય વિશ્લેષકો દલીલ કરે છે કે તાજેતરનાં વર્ષોમાં ઇમરાન ખાનની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. વિશ્લેષકોનું કહેવું છે કે જો તેઓ જેલમાંથી બહાર આવ્યા હોત તો પણ 2023માં તેમની હાર નિશ્ચિત હતી. પરંતુ સર્વેક્ષણ કંપની 'ગેલપે' જાન્યુઆરી 2024માં એક સર્વેમાં કહ્યું હતું કે ખાન હજુ પણ પાકિસ્તાનના સૌથી લોકપ્રિય નેતા છે.

નવાઝ શરીફ ફરી સત્તા મેળવશે?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

ત્રણ વાર વડા પ્રધાન રહી ચૂકેલા નવાઝ શરીફ આ વખતે ચૂંટણીમેદાનમાં છે. યુકેના વૈભવી ફ્લૅટમાં છ વર્ષ સુધી દેશનિકાલમાં રહ્યા બાદ નવાઝ શરીફ પાકિસ્તાન પાછા ફર્યા છે. નવાઝ શરીફ ફરી એક વાર પાકિસ્તાન ચૂંટણીના કેન્દ્રમાં રહ્યા છે. 2018માં તેઓ ચૂંટણી લડ્યા ન હતા. તેમને પણ ભ્રષ્ટાચારના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા.

ત્રણ વખત વડા પ્રધાન બનેલા નવાઝ શરીફ 2018ની ચૂંટણી લડ્યા ન હતા, કારણ કે તેઓ જેલમાં હતા અને કરોડો પાઉન્ડના એપાર્ટમેન્ટ સંબંધી ભ્રષ્ટાચારના કેસ સંદર્ભે તેમના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. 2022માં ઇમરાન ખાનની હકાલપટ્ટી પછી તેમના ભાઈના નેતૃત્વ હેઠળના પીએમએલ(એન) પક્ષે પાકિસ્તાન પર નિયંત્રણ મેળવ્યું હતું.

દરમિયાન, છેલ્લા બે મહિનામાં 2024ની ચૂંટણી માટે સમયસર તેમને તમામ આરોપમાંથી મુક્ત કરવામાં આવ્યા. તેમના ચૂંટણી લડવા પરના આજીવન પ્રતિબંધને ગેરબંધારણીય ગણાવવામાં આવ્યો હતો.

ઘણા લોકો માને છે કે ઇમરાન ખાન સાથે મતભેદ પછી દેશનાં સૈન્ય અને ન્યાયતંત્રનું સમર્થન મેળવી શક્યા હોવાને કારણે નવાઝ શરીફ માટે વડા પ્રધાન તરીકેના તેમના સંભવિત ચોથા કાર્યકાળનો માર્ગ મોકળો થયો છે.

અલબત્ત, નવાઝ શરીફ પણ સારી રીતે જાણે છે કે સૈન્ય પલટી મારી શકે છે.

2013માં વડા પ્રધાન તરીકેના ત્રીજા કાર્યકાળ દરમિયાન સૈન્ય સાથેના તંગ સંબંધને કારણે નવાઝ શરીફની હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમનો બીજો કાર્યકાળ 1999માં સૈન્યના બળવાને કારણે ટૂંકાઈ ગયો હતો.

બિલાવલ ભુટ્ટો 'કિંગમેકર' બનશે?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

માત્ર 35 વર્ષના બિલાવલ ભુટ્ટો-ઝરદારી પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી)ના અધ્યક્ષ છે. ગત ચૂંટણીમાં પીપીપી ત્રીજા સ્થાને રહી હતી.

જ્યાં વંશવાદી રાજકારણીઓ અપવાદને બદલે શિરસ્તો છે એ દેશમાં આવું થાય તે આશ્ચર્યજનક ગણાય.

ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટો અને પૂર્વ રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના ઑક્સફર્ડમાંથી શિક્ષિત પુત્ર બિલાવલે ઇમરાન ખાન સરકારની હકાલપટ્ટી પછી સત્તા પર આવેલી ગઠબંધન સરકારમાં વિદેશમંત્રી તરીકે સેવા આપી હતી.

આ ચૂંટણીમાં તેમના પક્ષે બમણા વેતન જેવાં શ્રેણીબદ્ધ ખર્ચાળ વચનો સાથેનો ચૂંટણીઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે બજેટમાં અને શ્રીમંતોને આપવામાં આવતી સબસિડીમાં કાપ મૂકીને વેતન બમણું કરવું શક્ય છે.

આ નીતિના અમલ માટેની તક પક્ષને મળે તેવી શક્યતા નથી, પરંતુ રાજકીય પંડિતો સૂચવે છે કે શાસકીય જોડાણમાં બિલાવલનો પક્ષ કિંગમેકર બની શકે છે.

સંકટમાં પાકિસ્તાન

પાકિસ્તાનમાં રાજકીય સંકટની સાથોસાથ આર્થિક સંકટ પણ એટલું જ ઘેરું બનેલું છે. છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાનથી સતત એવા અહેવાલ આવી રહ્યા છે દેશમાં આર્થિક સંકટ છે.

પાકિસ્તાન હાલમાં પણ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. 2022માં ભીષણ પૂર આવ્યું હતું, બાદમાં લોકો મોંઘવારીથી પરેશાન છે. તો દેશમાં થતી હિંસા અને ચરમપંથી હુમલાઓ પણ ચૂંટણીના કેન્દ્રમાં રહ્યા હતા.

7 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીના એક દિવસ પહેલાં જ બલૂચિસ્તાન પ્રાંતમાં ઉમેદવારોના કાર્યાલયની બહાર બે બૉમ્બવિસ્ફોટ થયા હતા. જેમાં ઓછામાં ઓછા 28 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા.

બીબીસી
બીબીસી