આઈપીએલમાં આરસીબીના બૉલરોની કમાલ, વિરાટની ટીમ નવ વર્ષ બાદ ફાઇનલમાં પહોંચી

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
- પદ, બીબીસી હિંદી માટે
પંજાબ કિંગ્સને આઠ વિકેટે પરાજય આપીને રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની ટીમે નવ વર્ષ બાદ ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
આરસીબી વર્ષ 2009, 2011 તથા 2016 બાદ ચોથી વખત ફાઇનલમાં પહોંચ્યું છે, જોકે એક પણ વખત વિજેતા નથી બન્યું.
ઑસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલર જોશ હેઝલવૂડ પંજાબ કિંગ્સના બૅટ્સમૅનની પર ભારે પડ્યા હતા. જ્યારે પંજાબની ટીમ ઉપર દબાણ વધારવાની જરૂર હતી, ત્યારે જ તેમણે કૅપ્ટન શ્રેયસ અય્યર સહિત ત્રણ બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા.
છેલ્લી કેટલીક મૅચ દરમિયાન હેઝલવૂડ રમ્યા ન હતા, જેના કારણે આરસીબીની બૉલિંગની ધાર કાચી પડી ગઈ હતી.
આરસીબીના અન્ય બૉલર રન આપી રહ્યા હતા, ત્યારે હેઝલવૂડે બૉલિંગનો મોરચો સંભાળ્યો હતો. તેમના નેતૃત્વમાં યશ દયાલે વિકેટો લીધી, તો સુયશે પણ તેમની ફિરકીથી સ્ટમ્પ્સ ઉખેડી હતી.
ડેનિયલ વિટોરીની કૅપ્ટનશિપમાં આરસીબી માટે આઈપીએલમાં રમનારા મોહમ્મદ કૈફનું કહેવું છે, "ક્રિકેટનું જૂનું તથ્ય સમજતા આરસીબીને થોડો સમય લાગી ગયો છે. બૉલરો તમને મૅચ જીતાડે છે."
બીજી બાજુ, પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આરસીબીની બૉલિંગ દમદાર હતી."
યશ દયાલે વિકેટો ખેરવવાની શરૂઆત કરી

ઇમેજ સ્રોત, ANI
પ્રિયાંશ આર્યાએ ભુવનેશ્વરકુમારના લૅંથવાળા બૉલ પર ચોકો મારવાની શરૂઆત કરી, પરંતુ બીજી જ ઓવરમાં યશ દયાલે ફેંકેલા બૉલ પર કવરમાં કૅચ આઉટ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
દયાલે ઑફ-સ્ટમ્પની બહાર લૅંથ બૉલ નાખ્યો હતો, જેની ઉપર પ્રિયાંશ કવર ડ્રાઇવ પરથી ચોક્કો મારવા માગતા હતા, પરંતુ બૉલ ઉછાળ્યો, જેને કૃણાલ પંડ્યાએ કૅચ પકડી લીધો.
આ ઓવરમાં પ્રભસિમરને છગ્ગો માર્યો. એ પછીની ઓવરમાં ભુવનેશ્વરકુમારે સતત બે ચોગ્ગા માર્યા, પરંતુ ભુવનેશ્વરની લૅંથ બૉલ ઉપર ઉપર વિકેટની પાછળ કૅચ પકડાયો ગયો હતો.
આમ પહેલી ત્રણ ઓવરમાં જ પંજાબના બંને ઓપનર્સ આઉટ થઈ ગયા હતા.
હેઝલવૂડની ઍન્ટ્રી

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
એવું લાગતું હતું કે કૅપ્ટન શ્રેયસ અય્યર તથા જૉશ ઇંગ્લિસે ઇનિંગને સંભાળી લેશે, પરંતુ શ્રેયસ પીચ ઉપર આવ્યા હતા, એ પછી રજત પાટીદારે જૉશ હેઝલવૂડને બૉલિંગ આપી હતી. જેઓ અગાઉ ત્રણ વખત તેમને આઉટ કરી ચૂક્યા હતા.
હૂઝલવૂડે સતતપણે શ્રેયસને શૉર્ટ-ઑફ-ગૂડ-લૅંથ બૉલ નાખી હતી, એજ ઓવરમાં આવા જ એક બૉલ ઉપર તેમણે કૅપ્ટન અય્યરને આઉટ કરી દીધા હતા.
એ પછીની ઓવરમાં હેઝલવૂડ જૉશ ઇંગ્લિસને પણ આઉટ કરી દીધા અને પંજાબની ટીમને આઘાતમાંથી ઊગરવાની તક આપી ન હતી.
બાકીનું કામ સુયશ શર્માએ પૂરું કર્યું. તેમણે મીડલ ઑર્ડરના માર્ક્સ સ્ટોયનિસ, શશાંકસિંહ તથા મુશીર ખાનને આઉટ કરી દીધા.
સ્ટોયનિસે થોડો સમય માટે પીચ ઉપર રહીને ઇનિંગને સંભાળવાનો પ્રયાસ કર્યો, પરંતુ સુયશે નાખેલા સ્પીન બૉલ ઉપર ચૂક કરી ગયા અને બૉલ્ડ આઉટ થઈ ગયા. તેમણે પંજાબની ટીમ વતી સૌથી વધુ 26 રન બનાવ્યા.
પ્રારંભિક છ ઓવર દરમિયાન પંજાબે 48 રન બનાવ્યા, પરંતુ ખરા અર્થમાં તો તે આરસીબીના બૉલરો માટે 'પાવર-પ્લે' હતો.
પંજાબ કિંગ્સનો સ્કોર 27 રન હતો, ત્યારે પહેલી વિકેટ પડી હતી, એ પછી વધુ 74 રન ઉમેરવા જતાં ટીમે નવ વિકેટ ગુમાવી હતી અને 101 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી.
હેઝલવૂડ અને સુયશ શર્માએ ત્રણ-ત્રણ, યશ દયાલે બે વિકેટો લીધી હતી. આ સિવાય ભુવનેશ્વરકુમાર તથા રોમારિયો શૅફર્ડે એક-એક બૅટ્સમૅનને પેવોલિયન ભેગા કર્યા હતા.
હેઝલવૂડે હાલની આઈપીએલ ટુર્નામેન્ટમાં 21 વિકેટો લીધી છે. તેઓ 'પર્પલ કૅપ' માટે નૂર અહમદ તથા પ્રસિધ કૃષ્ણા બાદ ત્રીજા ક્રમે પહોંચી ગયા છે.
શ્રેયસના શૉટથી ગાવસ્કર પણ ચોંક્યા

ઇમેજ સ્રોત, Getty Images
પંજાબ કિંગ્સના ઓપનિંગ બૅટ્સમૅને વર્તમાન સિઝન દરમિયાન સારી શરૂઆત આપી હતી, તેમણે ન કેવળ ઝડપભેર રન ઉમેર્યા, પરંતુ પ્રથમ વિકેટ માટે નોંધપાત્ર ઇનિંગ્સ પણ રમી.
જોકે, પહેલી ક્વૉલિફાયર જેવા મહત્ત્વપૂર્ણ મૅચ દરમિયાન પ્રિયાંશ આર્ય તથા પ્રભસીમરનસિંહ બંને સસ્તામાં આઉટ થઈ ગયા હતા. આના માટે આરસીબીની ઉત્કૃષ્ઠ બૉલિંગ તો કારણભૂત હતી જ, સાથે જ બંને બૅટસમૅને તેમના શૉટ પણ ખરાબ રીતે રમ્યા હતા.
કૅપ્ટન શ્રેયસ અય્યર જે રીતે આઉટ થયા, તેનાથી ક્રિકેટના દિગ્ગજ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શ્રેયસે એ બૉલને ખૂબ જ ખરાબ રીતે રમી હતી. બૉલ તેમના બૅટના બહારના ભાગને અડકીને વિકેટની પાછળ ગઈ, જ્યાં જિતેશે કોઈ પણ જાતની ચૂક વગર કૅચ પકડી લીધો.
કૉમેન્ટરી બૉક્સમાં પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કર પણ શ્રેયસનો આ શૉટ જોઈને અવાક રહી ગયા હતા, તેમણે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું, "વેરી પુઅર શૉટ સિલેક્શન."
શ્રેયસ અય્યરે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
મૅચ પછી શ્રેયસ અય્યરે કહ્યું, "આ દિવસ ભૂલી ન શકાય એવો છે, અમારે પાછું ડ્રૉઇંગ બોર્ડ પર જવું પડશે, અમે ઘણી ભૂલો કરી અને ટૂંક સમયમાં બહુ બધી વિકેટો ગુમાવી દીધી. અમારે આના વિશે વિચારણા કરવી રહી. હું આયોજનના સ્તરે અમારા નિર્ણય ઉપર સંદેહ વ્યક્ત નથી કરી રહ્યો."
"મેદાનની બહાર બધું બરાબર હતું, પરંતુ અમે તેને અંજામ સુધી પહોંચાડી ન શક્યા. સ્કોર ખૂબ જ ઓછો હતો, એટલે બૉલરોને દોષ ન આપી શકાય. અમારે અમારી બૅટિંગ ઉપર મહેનત કરવી પડશે. અમે એમ ન કહી શકીએ કે પિચ ઉપર ઉછાળ અસામાન્ય હતો, કારણ કે અમે પ્રોફેશનલ છીએ અને ભવિષ્યમાં પણ અમારે આવી પિચો ઉપર રમવાનું છે."
શ્રેયસ અય્યરે પુનરાગમનના સંકેત આપ્યા હતા, તેમણે કહ્યું, "અમે લડાઈ હાર્યા છીએ, યુદ્ધ નહીં."
આર.સી.બી.ની ટીમ 102 રનના ટાર્ગેટને પાર કરવ માટે મેદાન ઉપર ઊતરી, ત્યારે તેના ઓપનર ફિલ સૉલ્ટે પોતાના ચીરપરિચિત અંદાજમાં રન લેવાનું શરૂ કર્યું હતું.
આ મૅચમાં પણ તેમણે ઝડપ દેખાડી અને આ ટુર્નામેન્ટમાં પોતાની સૌથી ઝડપી અડધી સદી ફટકારી. આરસીબીએ આઠ વિકેટે આ મૅચ જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો.
જીતની ઉજવણી
મૅચ દરમિયાન વિરાટ કોહલીનો ઉત્સાહ ઊડીને આંખે વળગતો હતો. દરેક વિકેટ પડતી ત્યારે તેઓ પોતાની છાતી ઠોકીને જશ્ન મનાવતા નજરે પડ્યા હતા. આને કારણે વિરાટ કોહલી મોડી રાત્રિ સુધી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યા હતા.
આરસીબીની ટીમ નવ વર્ષ બાદ ફાઇનલ સુધી પહોંચી છે, જેની ફેન્સે સોશિયલ મીડિયા ઉપર ઉત્સાહભેર ઉજવણી કરી હતી. તો કેટલાકે એવું પણ લખ્યું, "આરસીબીનું હૃદય અને આત્મા વિરાટ કોહલી છે, તેમનાથી વધુ આ ટ્રૉફી માટે બીજું કોઈ હક્કદાર નથી."
મૅચ પછી વિરાટ કોહલી ઉપરાંત આરસીબીના અનેક ખેલાડીઓ કૅમેરા તરફ ઈશારો કરીને, "વન મૉર, વન મૉર" કહેતા સંભળાયા હતા.
હવે ત્રીજી જૂનના રોજ ફાઇનલ મૅચ રમાશે. એ પહેલાં આજે મુંબઈ ઇન્ડિયન્સ તથા ગુજરાત ટાઇટન્સની વચ્ચે ઍલિમિનેટર મૅચ રમાશે. આ મૅચમાં જે ટીમ હારશે, તે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. વિજેતા ટીમ રવિવારે બીજી ક્વૉલિફાયર મૅચમાં પંજાબ કિગ્સ સાથે ટકરાશે.
બીજી ક્વૉલિફાયર જીતનારી ટીમનો મુકાબલો ફાઇનલ મૅચમાં આરસીબી સાથે થશે.
આરસીબીના કૅપ્ટન રજત પાટીદારના કહેવા પ્રમાણે, "સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમે ખૂબ જ મહેનત કરી છે, હવે એક મૅચ બાકી છે. એ પછી જોડે જ ઉજવણી કરીશું."
શું બૅંગ્લુરુની ટીમ વિરાટને માટે ફાઇનલ મૅચ જીતશે?

ઇમેજ સ્રોત, ANI
હાલમાં આઈપીએલની (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 18મી સિઝન ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ શરૂ થઈ, એ પહેલાં ટીવી, વેબસાઇટ્સ ઉપર એક જાહેરાત સતત પ્રસારિત થઈ રહી હતી.
જેમાં વિરાટ કોહલીના જર્સી નંબર-18ને ટુર્નામેન્ટની 18મી આવૃત્તિ સાથે જોડીને દર્શાવવામાં આવી હતી. હવે, બે મહિનાના પ્રયાસો બાદ વિરાટ કોહલીની આરસીબી ફાઇનલમાં પહોંચી છે.
તો શું આ વર્ષે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની ટીમ પોતાના મહત્ત્વપૂર્ણ ખેલાડી વિરાટ કોહલી તથા તેની 18 નંબરની જર્સીને માટે ટુર્નામેન્ટ જીતશે?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












