You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોરબંદર ખંડણી કેસ : અગાઉથી જ જેલમાં બંધ હીરલબા જાડેજા વધુ એક કેસમાં બે દિવસના રિમાન્ડ પર, પોલીસને કેવા પુરાવા મળ્યા?
પોરબંદરમાં અપહરણ કરીને ખંડણી ઉઘરાવવાના કેસમાં જેલમાં બંધ હીરલબા જાડેજાના બે દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.
હીરલબા જાડેજા અને સહઆરોપી હિતેશ ઓડેદરા સામે સાયબર ફ્રૉડ અને ડિજિટલ ઍરેસ્ટના માધ્યમથી નાણા પડાવવાના આરોપ મૂકવામાં આવ્યા છે.
તાજેતરમાં ઇઝરાયલમાં કામ કરતાં એક મહિલાએ સોશિયલ મીડિયા પર વીડિયો અપલૉડ કરીને હીરલબા જાડેજા અને તેમના માણસો ઉપર પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી વસૂલી કરવાનો આરોપ મૂક્યો હતો.
આ કેસની તપાસ દરમિયાન પોલીસને 40થી વધારે બૅન્ક એકાઉન્ટ મળી આવ્યાં હતાં, તેમાંથી 15થી વધુ એકાઉન્ટમાં 50 કરતાં વધારે સાયબર ફ્રૉડ થયા હોવાનું બહાર આવ્યું હતું.
પોલીસને તપાસ દરમિયાન આંગડિયા પેઢીના બેનામી વ્યવહારો પણ મળી આવ્યા હતા.
પોલીસને કેવા કેવા પુરાવા મળ્યા?
પોરબંદરના ડીવાયએસપી સુરજિત મહેડુએ મીડિયાને આ કેસની માહિતી આપતા કહ્યું, "હીરલબા જાડેજા તથા તેમના સાગરિતોની અટકાયત કરીને કોર્ટમાં રજૂ કરાયાં હતાં. હીરલબા અને હિતેશ ઓડેદરાના પોલીસને રિમાન્ડ મળ્યાં છે."
મહેડુએ કહ્યું, "આ ગુનાના સાક્ષીઓના મૅજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન લેવાયાં છે. એફ.આઈ.આર.માં (ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ) જે ખાતાંઓની વિગતો મળી હતી, તે સહિત 40થી વધુ એકાઉન્ટની માહિતી મળી હતી. તેમાં 15થી વધુ એકાઉન્ટમાં સાયબર ક્રાઇમ થયો હોય તેવી ફરિયાદ મળી છે."
"અમુક બૅન્ક ખાતાંમાં જે રૂપિયા આવતા હતા, તેને ઉપાડવા માટે આ લોકોના સાગરિતો સાથે જતા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ડીવાયએસપી મહેડુએ ઉમેર્યું હતું, "હીરલબા જાડેજાનાં મોબાઇલ તથા વૉટ્સઍપમાં પણ ગુના સંબંધિત ઘણા પુરાવા મળ્યા છે. આરોપીઓ અને તેમના સહાયકો સાથેની ચૅટમાંથી બૅન્ક ખાતાં વિશે માહિતી મળી છે. બૅન્ક ખાતાંમાં જે ટ્રાન્ઝેક્શન થયા હોય તેના ફોટો પ્રાપ્ત થયા છે, હિસાબના લખાણના પુરાવા પણ ચૅટમાંથી મળ્યા છે."
ડીવાયએસપી મહેડુએ કહ્યું, "આ ઉપરાંત કોરા ચેકના ફોટોગ્રાફ ચૅટમાંથી પ્રાપ્ત થયા છે. હીરલબા જાડેજા તમામ આરોપીઓ સાથે નિકટતાથી સંકળાયેલાં હતાં તેના પુરાવા મળ્યા છે. બૅન્ક એકાઉન્ટ ખોલતી વખતે બૅન્ક મૅનેજરને બોલાવ્યા હોય અને ખાતેદારોને પણ બોલાવ્યા હોય તેના કૉલ રેકૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. આ ખાતાંઓમાં સાયબર ક્રાઇમ સિવાયના પણ મોટા આર્થિકવ્યવહારો થયા છે."
ખાતેદારો બૅન્કમાંથી રૂપિયા ઉપાડવા જાય, ત્યારે સાયબર ફ્રૉડમાં સંડોવાયેલી ગૅંગના સાગરિતો પણ તેમની સાથે જતા હતા અને તેના સી.સી.ટી.વી. (ક્લૉઝ્ડ સર્કિટ ટેલિવિઝન) ફૂટેજ પોલીસને મળ્યાં છે.
'મદદના બહાને બૅન્ક ખાતાનો ઉપયોગ કરાતો'
હાલમાં પોલીસ હીરલબા અને તેના સાગરિતોએ દેશનાં અન્ય રાજ્યોમાં કેટલાં સાયબર ફ્રૉડ કર્યા છે તેની તપાસ કરી રહી છે.
હીરલબા જાડેજા એક ખાનગી સેવાભાવી સંસ્થાનાં પૂર્વ ગવર્નર છે, જેમાં તેઓ ધાર્મિક તહેવારો દરમિયાન જરૂરિયાતમંદોને રાશનની કિટ, દિવ્યાંગોને વ્હીલચૅર અને દાંતની સારવાર વગેરેમાં મદદ કરતાં.
હીરલબા જાડેજાની મૉડસ ઑપરેન્ડી વિશે માહિતી આપતાં બીબીસી ગુજરાતીના સહયોગી હિતેશ ઠકરાર જણાવે છે, "હીરલબા જેમને સહાય કરતાં તેમને એક મંડળી બનાવીને રૂપિયા મળશે તેવું જણાવતાં. ત્યાર પછી બૅન્કોમાં જઈને તેમના ખાતાં ખોલાવતાં. તેમાં જમા થતી રકમથી ખાતેદારો પણ અજાણ હતા, કારણ કે બૅન્કની કિટ હીરલબા અને તેમના સાગરિતો પોતાની પાસે રાખી લેતાં હતાં."
"સાયબર ફ્રૉડના રૂપિયા તેમાં જમા થાય, ત્યારે હીરલબાના સાગરિતો ગરીબ ખાતેદારને લઈને બૅન્કમાં જતા અને તેમના સેલ્ફ ચેકથી અથવા એ.ટી.એમ.થી (ઑટોમેટિક ટૅલરિંગ મશીન) રુપિયા ઉઠાવી લેતા. તેમાંથી પાંચ-દસ હજાર રૂપિયા ખાતેદારને આપતા અને બાકીના રૂપિયા જાતે રાખી લેતા હતા."
હીરલબાના બંગલાની તપાસ દરમિયાન પોલીસને 250 મિલ્કતોની ફાઇલો મળી છે, જે બીજા લોકોનાં નામે છે. આ ઉપરાંત 140થી વધુ કોરાં સ્ટૅમ્પ પેપર અને પ્રૉમિસરી નોટ અને મહત્ત્વનાં સી.સી.ટી.વી. ફૂટેજ મળ્યાં છે.
હીરલબા સામેનો જૂનો કેસ શું છે?
હીરલબા જાડેજા એ પોરબંદરના પૂર્વ ધારાસભ્ય ભૂરા મુંજા જાડેજાનાં પત્ની અને કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાનાં કાકી થાય છે.
લગભગ ત્રણ અઠવાડિયાં પહેલાં ઇઝરાયલમાં કામ કરતાં એક મહિલા લીલુબહેન કુછડિયાએ હીરલબા અને તેમના માણસો ઉપર પરિવારજનોનું અપહરણ કરીને ખંડણી વસૂલી કરવાનો આરોપ મૂક્યો હતો.
આ ઉપરાંત અપહૃત પરિવારજનોને હીરલબા જાડેજાના બંગલામાં ગોંધી રાખીને તેઓ મારી નાખવાની ધમકી આપી રહ્યા છે એવી રજૂઆત કરી હતી, જેથી પોરબંદર પોલીસ દોડતી થઈ ગઈ હતી.
વીડિયોના પગલે પોલીસે જેમનું કથિત રીતે અપહરણ કરાયું હતું, તે પરિવારજનોની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસના કહેવા મુજબ, તેમણે કથિત અપહૃતોની તપાસ હાથ ધરતા કલાકોની અંદર જ અપહરણકારોએ ગોંધી રખાયેલાં મહિલાનાં પરિવારજનોને મુક્ત કર્યાં હતાં.
છેવટે વિધિસરની ફરિયાદ નોંધાતા પોલીસે હીરલબા અને તેમના સહઆરોપીઓની ધરપકડ કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન