You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
100 વર્ષ બાદ હિંદ મહાસાગરમાં આવેલું એ ખતરનાક વાવાઝોડું, જેમાં 225 કિમીની ઝડપે ફૂંકાયો પવન, આખા ટાપુની કેવી સ્થિતિ થઈ?
- લેેખક, ડૅની ઍબરહર્ડ અને ટૉમ બેનેટ
- પદ, બીબીસી ન્યૂઝ
હિંદ મહાસાગરમાં આવેલ માયોત્તે આઇલૅન્ડ પર સદીનું સૌથી ભયાનક વાવાઝોડું ત્રાટક્યું છે. આ ટાપુ જોકે, ફ્રાન્સના તાબા હેઠળ છે.
ચિડો નામના આ વાવાઝોડાને કારણે અંદાજે 11 લોકોનાં મૃત્યુ થયાં છે. ગઈકાલે જ આ વાવાઝોડાએ લૅન્ડફૉલ કર્યું હતું. એ સમયે તેની ઝડપ 225 કિમી/કલાકની હતી. હજુ પણ મૃત્યુઆંક વધી શકે છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેનુએલ મેક્રોંએ કહ્યું હતું કે, "માયોત્તે ટાપુના લોકો સાથે ફ્રાન્સ ખડેપગે છે." જ્યારે ફ્રાન્સના અધિકારીઓએ કહ્યું છે કે 250 જેટલા અગ્નિશામકદળના કર્મચારી અને સુરક્ષા કર્મચારીઓને આ ટાપુ પર મોકલવામાં આવશે. તેમાંથી કેટલીક ટુકડીઓ પહોંચી ગઈ છે.
ફ્રાન્સના મંત્રી બ્રુનો રીતેઇલીયુએ કહ્યું હતું કે, "તમામ અસ્થાયી અને કાચાં મકાનો સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ ગયાં છે અને તેમને ડર છે મૃત્યુઆંક ખૂબ ઊંચો જઈ શકે છે."
એક સ્થાનિક સમાચારના અહેવાલ અનુસાર ઓછામાં ઓછા 11 લોકોનાં મૃત્યુ થયાં છે અને 246 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
ન્યૂઝ એજન્સી એએફપીએ આ આંકડો 14 નોંધ્યો છે.
માડાગાસ્કરની ઉત્તર-પશ્ચિમ દિશામાં આવેલા માયોત્તે એ એક દ્વીપસમૂહ છે, જેમાં એક મુખ્ય દ્વીપ અને અનેક નાનકડા ટાપુઓ આવેલા છે.
આ ટાપુ પર કુલ ત્રણ લાખ લોકો રહે છે અને તેમાંથી મોટા ભાગના લોકો પતરાની છતોથી બનેલાં મકાનો અને ઝૂંપડાંમાં રહે છે. હજારો લોકો પોતાનું ઘર ગુમાવી ચૂક્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અહીં વીજળી, પાણી, ઇન્ટરનેટ કનેક્શન બધુંય ઠપ છે. પેરિસની સરકારે અહીં સામાન અને ઇમર્જન્સી કર્મચારીઓ સાથે એક સૈન્ય પરિવહન વિમાન પણ મોકલ્યું છે.
ફ્રાન્સના કાર્યવાહક પરિવહનમંત્રી ફ્રૅન્કોઇસ દુરોવ્રેએ ઍક્સ પર લખ્યું હતું કે, "માયોત્તેના પામાંડજી ઍરપૉર્ટને પણ ખૂબ નુકસાન થયું છે, ખાસ કરીને કમાન્ડ ટાવરને નુકસાન પહોંચ્યું છે."
તેમણે કહ્યું કે, "શરૂઆતમાં સૈન્યની મદદથી હવાઈ પરિવહન નિયમિત કરવામાં આવશે. ફરીથી પુરવઠો પૂર્વવત્ કરવા માટે વિમાન મોકલવામાં આવી રહ્યાં છે. "
શનિવારે સવારે જ્યારે વાવાઝોડું ત્રાટક્યું એ પહેલાંથી જ વૃક્ષ ઊખડી પડવાં, ઇમારતોનાં છાપરાં ઊડી જવાં જેવા સમાચારો આવવા લાગ્યા હતા.
માયોત્તેના અગ્નિશમનદળના કર્મચારી યુનિયનના પ્રમુખ અબ્દુલ કરીમ અહેમદ અલ્લાઉઈએ શનિવારે બીએફએમ ચેનલને જણાવ્યું હતું કે, "અહીં આપાતકાલીન સેવાઓ પણ બંધ પડી છે."
તેઓ કહે છે, "મોબાઇલ સેવાઓ પણ ઠપ છે, અમે ટાપુ પર રહેતા લોકોનો પણ સંપર્ક કરી શકતા નથી. ભૂકંપરોધક ઇમારતો પણ ધ્વસ્ત થઈ ગઈ છે."
તેઓ કહે છે, "ઇમર્જન્સી સર્વિસિઝ કમાન્ડ સેન્ટર ખાલી કરી દેવામાં આવ્યું છે અને ધીમે ધીમે પોતાની કામગીરી ઓછા માણસો સાથે કરી રહ્યું છે."
'1934 પછી પહેલી વાર આટલું ભયાનક વાવાઝોડું ત્રાટક્યું'
ફ્રાન્સના મંત્રી રિટેલેઉએ ઍક્સ પર એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "હું માયોત્તેના લોકોને સંપૂર્ણ સહયોગનું વચન આપું છું. દેશની ઇમર્જન્સી અને સ્થાનિક ઇમર્જન્સી સેવાઓ સંપૂર્ણપણે સક્રિય છે. 110 નાગરિક સુરક્ષાકર્મીઓ અને અગ્નિશમનદળના કર્મચારીઓને પહેલાં જ મોકલી દેવામાં આવ્યા છે અને તેઓ સ્થળ પર હાજર છે. આવતી કાલે વધુ 140 લોકોનું જૂથ મોકલવામાં આવશે."
શુક્રવારે જ પદભાર સંભાળનાર ફ્રાન્સના નવા વડા પ્રધાન ફ્રાંસ્વા બાએરુએ કહ્યું હતું કે, "વાવાઝોડું અતિશય ગંભીર હતું અને તેમને દર કલાકે પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવી રહ્યા હતા."
તેમણે મંત્રીઓ સાથે પેરિસમાં એક બેઠક પણ કરી છે.
માયોત્તેમાં પહેલાં પર્પલ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યો હતો, જે સૌથી ઉચ્ચતમ અને જોખમી ઍલર્ટ છે. આ ઍલર્ટ હેઠળ તમામ માયોત્તેની તમામ વસ્તી માટે સખત લૉકડાઉન અને ઇમર્જન્સી સેવાઓ પણ બંધ કરવામાં આવી હતી.
મંત્રી રિટેલેઉએનું કહેવું છે કે આ ટાપુએ 1934 પછી આટલું ભયાનક હવામાન ક્યારેય જોયું નથી.
આસપાસના વિસ્તારોમાં પણ નુકસાન
માયોત્તેમાં ટકરાયા બાદ વાવાઝોડું રાતોરાત વધું તીવ્ર બની ગયું છે અને તેણે મોઝામ્બિક ચેનલ પણ પસાર કરી દીધી છે.
તટીય શહેર પેમ્બામાં ભારે વરસાદ અને પવનોને કારણે નુકસાન થયું છે, ત્યાં પણ પવનની ઝડપ 185 કિમી પ્રતિ કલાક રહી હતી.
સોશિયલ મીડિયામાં વાઇરલ વીડિયો પરથી ખ્યાલ આવે છે કે પેમ્બા શહેરમાં પણ પૂર આવેલું છે, વૃક્ષો ઊખડી ગયાં છે અને અમુક ઘરોને નુકસાન પહોંચ્યું છે.
હજુ વાવાઝોડું આગળ વધી રહ્યું છે અને આજુબાજુનાં પ્રાંતો જેવા કે નામ્પુલામાં પણ ભારે વરસાદ પડ્યો છે.
હવે પવનની ગતિ ઘટે તેવું લાગી રહ્યું છે, પરંતુ ભારે વરસાદ અને પૂર દક્ષિણ મલાવી અને ઝિમ્બાબ્વેમાં પણ નુકસાન કરશે તેવું લાગે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન