હરિયાણામાં ભાજપ કઈ રીતે કૉંગ્રેસથી આગળ નીકળી ગયો? આંકડાથી સરળ રીતે સમજો

    • લેેખક, જેસમિન નિહલાણી
    • પદ, બીબીસી સંવાદદાતા

શાસનવિરોધી લહેર, ખેડૂત તેમજ પહેલવાન આંદોલન વચ્ચે ભાજપે હરિયાણામાં ત્રીજી વખત બહુમતી મેળવી છે.

લગભગ તમામ ઍક્ઝિટ પોલ્સે કૉંગ્રેસ જીતશે એવાં અનુમાન લગાવ્યાં હતાં. એને ખોટા ઠેરવીને ભાજપે સરળતાપૂર્વક બહુમતીનો આંકડો વટાવીને 48 બેઠકો પર વિજય મેળવ્યો હતો.

આ વખતની ચૂંટણીમાં ભાજપને 39.9 ટકા મત મળ્યા હતા જે ગત વિધાનસભા(2019) ચૂંટણી કરતાં 3.5 ટકા વધુ હતા. આઠ બેઠકો પણ ગત ચૂંટણી કરતાં વધારે મળી હતી.

કૉંગ્રેસને પાછલી ચૂંટણી કરતાં આ વખતે 11 ટકા વધારે મત મળ્યા અને ટકાવારીમાં લગભગ ભાજપ જેટલા જ સરેરાશ મત મળ્યા હતા.

39.09 ટકા મત મેળવીને પણ કૉંગ્રેસ ફક્ત 37 બેઠકો જ અંકે કરી શકી હતી. જોકે, ગઈ ચૂંટણી કરતાં છ બેઠક વધારે છે.

2019માં કિંગમૅકરની ભૂમિકા ભજવનારી પાર્ટી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ને એક પણ બેઠક ન મળી. ગયે વખતે તેને દસ બેઠક મળી હતી.

મતોની સરેરાશ ટકાવારી – વોટશેરમાં ભાજપ આ વખતે સાતમા ક્રમે રહ્યો હતો.

જેજેપીને નુકસાન થયું એનો ફાયદો કૉંગ્રેસને થયો અને તેના મતોની સરેરાશ ટકાવારી ભાજપ જેટલી થઈ ગઈ હતી.

આ ચૂંટણીમાં ભાજપે 40માંથી 26 બેઠક જાળવી રાખવામાં સફળતા મળી હતી. પાર્ટીએ 22 નવી બેઠક પણ જીતી હતી.

જ્યારે કૉંગ્રેસ તેની 31 બેઠકોમાંથી માત્ર 15 જ બચાવી શકી અને 22 નવી બેઠકો જીતી શકી.

ભાજપને તેના વોટશેરમાં સારો એવો વધારો ખરખોદા (SC) અને દાદરીમાં મળ્યો, જ્યાં પાર્ટી 2019ની ચૂંટણીમાં ત્રીજા ક્રમે રહી હતી.

આ વખતે ભાજપે 51 ટકા વોટશેર સાથે ખારખોદા સીટ અને 46 ટકા વોટશેર સાથે દાદરી સીટ જીતી છે.

હરિયાણાની લગભગ 11 બેઠકો પર અપક્ષ ઉમેદવારોએ કૉંગ્રેસને સૌથી વધુ નુકસાન પહોંચાડ્યું છે.

રાજ્યમાં કૉંગ્રેસ 45 બેઠકો પર બીજા ક્રમે છે. તેમાંથી 11 બેઠકો એવી છે કે જેમાં અપક્ષ ઉમેદવારોએ પરાજયના અંતર જેટલા મત મેળવીને કૉંગ્રેસનો ખેલ બગાડ્યો છે.

કૉંગ્રેસ અને અપક્ષ ઉમેદવારોનો વોટશેર સંયુકત રીતે નીચેના આલેખ - ચાર્ટમાં જોશો તો જણાશે કે તે ભાજપ કરતા વધુ છે, જે જીત માટે પૂરતું છે.

આ સિવાય હરિયાણામાં એવી પણ પાંચ બેઠક હતી જેમાં અપક્ષ ઉમેદવારો બીજા અને કૉંગ્રેસ ત્રીજા ક્રમે રહ્યા હતા.

આમાંથી ચાર બેઠકો પર કૉંગ્રેસના બળવાખોર ઉમેદવારોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને બીજા સ્થાને રહ્યા હતા.

જેમ કે, ચિત્રા સરવરાએ અંબાલા કૅન્ટ સીટ પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી અને 39.4 ટકા મત મેળવ્યા હતા. કૉંગ્રેસે તેમને ટિકિટ આપી નહોતી. જેને લીધે કૉંગ્રેસના ઉમેદવાર પરવિંદર પલીને માત્ર 10.9 ટકા મત જ મળ્યા હતા.

દલિત મતો પોતાની તરફેણમાં લાવવાના કૉંગ્રેસના પ્રયાસો પણ સફળ થયા ન હતા. અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠકોમાં પણ કૉંગ્રેસ અને ભાજપ બંનેને સરખી જ બેઠકો મળી હતી.

ભાજપને 8 જ્યારે કૉંગ્રેસને 9 બેઠકો મળી હતી. જ્યારે સામાન્ય બેઠકોમાં 40 પર ભાજપ અને 28 પર કૉંગ્રેસને બહુમતી મળી હતી.

કોઈ પક્ષે સતત ઓછામાં ઓછી ત્રણ ચૂંટણી જીતી હોય એવી બેઠકો વિશે વાત કરીએ તો ભાજપે એવી ત્રણ બેઠકો પર કૉંગ્રેસને હરાવી છે. જેમાં ખરખોદા, ગોહાના અને તોશામ સામેલ છે.

આવી જ એક બેઠક પુંડરી છે જ્યાં છ વખતથી સતત અપક્ષ ઉમેદવાર બહુમતી મેળવતા હતા, પણ આ વખતે મતદારોએ ભાજપના ઉમેદવાર સતપાલ લામ્બાને વિજયી બનાવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.