You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
યુકેમાં ભારતીયોને વિઝા આપવા પર કડક પ્રતિબંધની માગ, 'ગેરકાયદે ઘૂસેલા' લોકોનો મુદ્દો ચર્ચામાં
બ્રિટેનની કન્ઝર્વેટીવ પાર્ટીના વડા અને હાઉસ ઑફ કૉમન્સમાં વિરોધ પક્ષના નેતાના પદ માટે ચૂંટણી યોજાવવાની છે અને ટૂંક સમયમાં મતદાન થશે.
આ પદ માટે કન્ઝર્વેટીવ પાર્ટીના બે ઉમેદવારો વચ્ચે સીધી લડાઈ છે. રોબર્ટ જૅનરિક અને કૅમી બૅડનોચ વચ્ચે સીધો મુકાબલો છે. આ ચૂંટણીમાં 'ગેરકાયદે ઘૂસેલા' લોકોનો મુદ્દો સૌથી મોટો અને મહત્ત્વનો મુદ્દો બની ગયો છે.
બ્રિટેનમાં મોટી સંખ્યામાં ભારતીયો ગેરકાયદેસર રીતે રહેતા હોવા વિશે અલગ-અલગ દાવા કરવામાં આવે છે.
ફરીથી આ મુદ્દો કેમ ચર્ચામાં આવ્યો?
ચર્ચાની શરૂઆત થઈ એક સમાચારથી જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે બ્રિટેન ભારતીયોને વિઝા આપી રહ્યું નથી.
પીટીઆઈના અહેવાલ પ્રમાણે રોબર્ટ જૅનરિક અને કૅમી બૅડનોચએ કહ્યું છે કે, ''તેઓ બ્રિટેનમાં આવતા લોકોની સંખ્યામાં ઘટાડો લાવવાના પક્ષમાં છે. આનો સરળ અર્થ થાય છે કે મર્યાદિત સંખ્યામાં વિઝા આપવામાં આવે.''
રવિવારે બર્મિંગહમમાં કન્ઝર્વેટીવ પાર્ટીની ચાર દિવસ ચાલનારી કૉન્ફરેન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કૉન્ફરેન્સમાં રોબર્ટ જૅનરિકએ ગેરકાયદે ઘૂસેલા લોકોનો મુદ્દો ઉઠાવ્યો હતો.
તેમણે કહ્યું, બ્રિટેનમાં ગેરકાયદે ઘૂસેલા પોતાના નાગરિકોને ભારતે પરત બોલાવી લેવા જોઈએ. જ્યાં સુધી આમ નહીં કરવામાં આવે ત્યાં સુધી ભારત અને ભારતીયો માટે કડક વિઝા નીતિ લાગુ કરવી જોઈએ.
પીટીઆઈ અનુસાર રોબર્ટ જૅનરિકે બ્રિટેનના અખબાર 'ધ ડેલી ટેલીગ્રાફ'ને જણાવ્યું કે 2023ની સાલમાં 2.5 લાખ ભારતીયોને વિઝા આપવામાં આવ્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક અંદાજ મુજબ યુકેમાં એક લાખ ભારતીયો છે જેમણે ગેરકાદેસર રીતે પ્રવેશ કર્યો છે.
'ઇમિગ્રેશન પૉલિસીમાં સુધાર મારો ટૉપ ઍજેન્ડા'
રોબર્ટ જૅનરિકે બીબીસીના શોમાં ભાગ લીધો હતો, જેમાં તેમણે જણાવ્યું કે, ઇમિગ્રશન પૉલિસીમાં સુધાર કરવો મારો ટૉપ ઍજન્ડા છે.
''હું સંસદને વિનંતી કરીશ કે દર વર્ષે વિઝા આપવાની સંખ્યામાં ઘટાડો કરવા માટે કાયદો લાવવામાં આવે. એક ચોક્કસ સંખ્યામાં જ વિઝા અપાય અને તે માટે પણ હું સંસદને વિનંતી કરીશ.''
''મારી ઇચ્છા છે કે બ્રિટેનનું અર્થતંત્ર ફરીથી ધમધમતું થાય પરંતુ વિકાસ માટે ઇમિગ્રેશનની જરૂર નથી. બંને વચ્ચે કોઈ સંબંધ નથી. હું નથી માનતો કે ઇમિગ્રેશનના કારણે આપણા દેશનું અર્થતંત્ર મજબૂત થયું છે.''
કૅમી બૅડનોચ પણ આ મામલે તેમના પ્રતિદ્વંદી સાથે સહમત જણાય છે. તેમણે કહ્યું કે, ''જે લોકો વિવાદ સાથે જોડાયલા છે અને યુકે આવવા માગે છે તેમને આવકાર આપવો જોઈએ નહીં.''
''હું પશ્ચિમી મૂલ્યોમાં વિશ્વાસ ધરાવું છું. આ એ મૂલ્યો છે જેને આપણા દેશને મહાન બનાવ્યો છે. મને લાગે એ જરૂરી છે કે આપણે આ મૂલ્યો પ્રમાણે વર્તન કરીએ.''
યુકે સરકારે ઇમિગ્રેશનના કાયદામાં શું ફેરફાર કર્યા?
યુકેમાં વડા પ્રધાન કિઅર સ્ટાર્મર આગેવાની હેઠળની નવી સરકાર ઇમિગ્રેશન મામલે કડક વલણ ધરાવે છે. ઑગસ્ટ મહિનામાં યુકેએ નવી ઇમિગ્રેશન પૉલિસી જાહેર કરી હતી.
ત્યારે વડા પ્રધાનએ કહ્યું હતું કે, જે રીતે લોકો યુકેમાં આવી રહ્યા છે તેમાં સુધાર લાવવાની જરૂર છે.
યુકે સરકારે એક નિવેદન બહાર પાડીને જણાવ્યું હતું કે સાલ 2024ની શરૂઆતથી જ ઇમિગ્રેશનની સંખ્યામાં ઘટાડો આવે તે માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. ઇમિગ્રેશન પૉલિસીમાં જે ફેરફાર કરવામાં આવ્યો છે તે ચાલુ રહેશે. જે ફેરફાર છે તે આ પ્રમાણે છે:
- વિદેશી વિદ્યાર્થીના પરિવારજનોને યુકે લાવવાના નિયમો કડક કરવામાં આવ્યા છે
- યુકેમાં કૅર વર્કર તરીકે કામ કરતી વ્યક્તિને પરિવારના સભ્યોને વિઝા આપવાના નિયમો કડક કરવામાં આવ્યા છે
- સ્કીલ્ડ વર્કર વિઝામાં આવતી વ્યક્તિની લઘુતમ વાર્ષિક આવક 26200 પાઉન્ડથી વધારીને 38700 પાઉન્ડ કરવામાં આવી છે.
- બ્રિટેનની કંપનીઓ વિદેશી કર્મચારીઓને 20 ટકા ઓછો પગાર નહીં આપી શકે
સૌથી વધુ ઇમિગ્રેન્ટસ ભારતીય
યુકેની ઑફિસ ઑફ નૅશનલ સ્ટૅટિસ્ટિક અનુસાર, સાલ 2023માં 12 લાખ 18 હજાર ઇમિગ્રેન્ટસ્ બ્રિટેન આવ્યા હતા. કુલ સંખ્યાના આશરે 10 ટકા ઇમિગ્રેન્ટસ્ એટલે કે 1 લાખ 26 હજાર અરજીકર્તા યુરોપિયન યુનિયનના નાગરિકો હતા.
85 ટકા અરજીકર્તા અન્ય દેશોના હતા, જેમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. બે લાખ 50 હજાર ભારતીયો યુકે ગયા હતા. નાઇજિરીયાથી એક લાખ 41 હજાર લોકો યુકે ગયા હતા. ચીનથી 90 હજાર, પાકિસ્તાનથી 83 હજાર અને ઝિમ્બાબ્વેથી 36 હજાર લોકો 2023માં યુકે ગયા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન