You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પોપ ફ્રાન્સિસનું 88 વર્ષેની ઉંમરે નિધન, લાંબા સમયથી હતા બીમાર
પોપ ફ્રાન્સિસનું સોમવારે સવારે નિધન થઈ ગયું. કાર્ડિનલ કેવિન ફેરેલે પોપના નિધનની ઘોષણા કરી. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર હતા.
ફેરલે પોતાની ઘોષણામાં કહ્યું, "રોમના સ્થાનિક સમય સવારે 7-35 કલાકે પોપ ફ્રાન્સિસે છેલ્લો શ્વાસ લીધો હતો. ફ્રાન્સિસનું આખું જીવન લૉર્ડ અને ચર્ચની સેવામાં સમર્પિત હતું."
"તેઓ અમને સૌને હંમેશાં સાહસ, પ્રેમ અને હાશિયા પરના લોકોના પક્ષમાં ઊભા રહેવાની પ્રેરણા આપતા રહ્યા. પોપ ફ્રાન્સિસ લૉર્ડ જીસસના સાચા શિષ્ય હતા."
પોપ ફ્રાન્સિસને કૅથોલિક ચર્ચોમાં સુધાર માટે પણ યાદ રખાશે. છતાં પોપ પરંપરાવાદીઓ વચ્ચે પણ લોકપ્રિય હતા. ફ્રાન્સિસ લૅટિન અમેરિકાથી બનનારા પહેલા પોપ હતા.
રવિવારે જ પોપ ફ્રાન્સિસ ઇસ્ટર ડેને વૅટિકનમાં સેંટ પીટર્સ સ્ક્વૅયર પર સૌને મળ્યા હતા.
આ કાર્યક્રમના 24 કલાકમાં જ તેમના નિધનના સમાચાર મળ્યા. પોપે વ્હીલચૅર પર બાલ્કનીમાં બેસીને લોકોનું અભિવાદન કર્યું હતું. તેમણે કહ્યું હતું, "ભાઈઓ અને બહેનો, તમને સૌને ઇસ્ટર ડેની શુભેચ્છાઓ."
પારંપરિક ઇસ્ટર સંબોધન તેમના સહયોગીએ વાંચ્યું હતું અને પોપ બેઠા હતા.
કોણ હતા પોપ ફ્રાન્સિસ?
જોર્જ મારિયો બર્ગોગ્લિયોનો જન્મ 17 ડિસેમ્બર 1936ના રોજ બ્યુનોસ આયરસમાં ઇટાલિયન મૂળના પરિવારમાં થયો હતો. તેમના સત્તાવાર વૅટિકન જીવનચરિત્ર અનુસાર, તેઓ 1969માં જેસુઇટ તરીકે નિયુક્ત થયા હતા અને ત્યાર બાદ તેમણે આર્જેન્ટિના અને જર્મનીમાં અભ્યાસ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
યુવાન વયે, ચેપના કારણે તેમનું એક ફેફસું કાઢી નાખવામાં આવ્યું હતું.
તેઓ 1992માં બિશપ અને 1998માં બ્યુનોસ આયરસના આર્કબિશપ બન્યા હતા. 2005ના કૉન્ક્લેવમાં તેમને પોપપદના દાવેદાર તરીકે જોવામાં આવતા હતા.
કાર્ડિનલ બર્ગોગ્લિયો તરીકે તેમના ઉપદેશોની હંમેશાં આર્જેન્ટિનામાં અસર થતી હતી અને તેઓ ઘણીવાર સામાજિક સમાવેશ પર ભાર મૂકતા હતા, પરોક્ષ રીતે એવી સરકારોની ટીકા કરતા હતા જે સમાજના હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકો પર ધ્યાન આપતી ન હતી.
પોપનું નિધન થાય ત્યારે શું થાય?
પોપની અંતિમ વિધિ પરંપરાગત રીતે એક મોટો સમારોહ હોય છે, પરંતુ પોપ ફ્રાન્સિસે તાજેતરમાં જ સમગ્ર પ્રક્રિયાને ઓછી જટિલ બનાવવા માટેની યોજના મંજૂર કરી હતી.
અગાઉ પોપની દફનવિધિ સાઇપ્રસ, લેડ અને ઓકના બનેલા ત્રિસ્તરીય તાબૂતમાં કરાતી હતી.
જોકે, પોપ ફ્રાન્સિસે પોતાની દફનવિધિ માટે ઝિંકની લાઇનિંગવાળું સાદું તાબૂત પસંદ કર્યું હતું.
તેમણે પોપના મૃતદેહને લોકો જોઈ શકે એ માટે ઊંચા પ્લૅટફૉર્મ પર મૂકવાની પરંપરા પણ ન અનુસરવાનું નક્કી કર્યું હતું.
એના સ્થાને શોકગ્રસ્ત લોકો પોતાનું સન્માન વ્યક્ત કરી શકે એ માટે મૃતદેહને તાબૂતમાં ઉપરનું ઢાંકણું હઠાવીને રાખવામાં આવશે.
એક સદી કરતાં પણ વધુ સમયમાં પોપ ફ્રાન્સિસ એ પહેલાં એવા પોપ હશે જેમના મૃતદેહને વેટિકનની બહાર દફન કરાશે.
તેમને સેન્ટ મૅરી મેજર બેસિલિકા (પોપ દ્વારા ખાસ વિશેષાધિકાર અપાયા હોય એવા ચર્ચ) ખાતે દફન કરાશે, જે રોમની મોટી ચાર પેપલ બેસિલિકા પૈકી એક છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન