ઝોમેટોની ‘શુદ્ધ શાકાહારી ફ્લીટ’ શું છે, ડિલિવરી બૉય્ઝના યુનિફોર્મનો વિવાદ શું છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, @DEEPIGOYAL

'પ્યોર વેજ ફ્લીટ' લૉન્ચ થયા બાદ થઈ રહેલી ટીકાઓ વચ્ચે ઝોમેટોના સીઈઓ દીપેન્દ્ર ગોયલે હવે તેમાં ફેરફાર કરવાની વાત કરી છે.

'પ્યોર વેજ ફ્લીટ' લૉન્ચ થયા બાદ થઈ રહેલી ટીકાઓ વચ્ચે ઝોમેટોના સીઈઓ દીપેન્દ્ર ગોયલે હવે તેમાં ફેરફાર કરવાની વાત કરી છે.

અગાઉ, કંપનીએ કહ્યું હતું કે, તે તેના ગ્રાહકો માટે 'શુદ્ધ શાકાહારી' ડિલિવરીની સુવિધા શરૂ કરી રહી છે, જેઓ 100 ટકા શાકાહારી ખોરાક પસંદ કરે છે. તેણે આને 'શુદ્ધ શાકાહારી મોડ' કહ્યું હતું.

ઝોમેટોના સહ-સ્થાપક અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે શરૂઆતમાં દાવો કર્યો હતો કે, શાકાહારી ફૂડની અલગ ડિલિવરી માટેની યોજનાને લોકો તરફથી હકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. પરંતુ 11 કલાકમાં જ દીપેન્દ્ર ગોયલે પ્લાન બદલવો પડ્યો.

સોશિયલ મીડિયા પર ભારે ટીકા થયા બાદ તેમણે હવે આ નિર્ણય બદલ્યો છે.

ગ્રે લાઇન

નિર્ણય કેમ બદલ્યો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, SOPA IMAGES

દીપેન્દ્ર ગોયલે થોડા સમય પહેલાં તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર પોસ્ટ કર્યું હતું કે, "અમે નક્કી કર્યું છે કે અમે શાકાહારી ખોરાકની ડિલિવરી કરતા અમારા રાઇડર્સના જૂથને અકબંધ રાખીશું પરંતુ લીલા ડ્રેસનો ઉપયોગ કરીશું નહીં જે તેમને અન્ય કરતા અલગ પાડે છે. અમારા નિયમિત રાઇડર્સ અને વેજિટેરિયન ડિલિવરી રાઇડર્સ માત્ર લાલ રંગનાં કપડાં પહેરશે."

તેમણે લખ્યું, "શાકાહારી ખોરાકની ડિલિવરી કરનારા અમારા રાઇડર્સ જમીની સ્તરે અન્ય લોકોથી અલગ નહીં હોય, પરંતુ વ્યક્તિ તેની મોબાઇલ ઍપ્લિકેશનમાં જોશે કે શાકાહારી ઑર્ડર ફક્ત શાકાહારી રાઇડર્સ દ્વારા જ ડિલિવરી કરવામાં આવી રહ્યો છે."

તેમણે કહ્યું કે, કંપની તેના રાઇડર્સની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે. તેમણે કહ્યું, "કંપની સુનિશ્ચિત કરશે કે લાલ કપડાં પહેરેલા અમારા રાઇડર્સ નૉન-વેજ ફૂડ સાથે સંકળાયેલ નહીં હોય અને તેમને ચોક્કસ દિવસોમાં RWA દ્વારા રોકવામાં આવશે નહીં."

"અમને ખ્યાલ છે કે આનાથી જે લોકો ભાડે રહી રહ્યા છે તેમના માટે પણ જોખમ ઊભું થઈ શકે છે."

ઇન્ડિયન ફેડરેશન ઑફ ઍપ-બેઝ્ડ ટ્રાન્સપોર્ટ વર્કર્સ (IFAT)ના પ્રમુખ શેખ સલાઉદ્દીને અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસને જણાવ્યું હતું કે, "છેલ્લી વખત કોઈએ ઝોમેટોને કોઈ ચોક્કસ ધર્મના ડિલિવરી પાર્ટનર્સ મોકલવા માટે વિનંતી કરી ત્યારે દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું કે ફૂડનો કોઈ ધર્મ નથી હોતો. હવે એવું લાગે છે કે તે આ વિચારથી પીછેહઠ કરી રહ્યા છે. હું તેમને સીધો જ પૂછું છું કે શું તે ડિલિવરી પાર્ટનરને જાતિ, સમુદાય અને ધર્મના આધારે વર્ગીકૃત કરી રહ્યા છે?

ઝોમેટો ભૂતકાળમાં પણ તેની જાહેરાતોને કારણે વિવાદોમાં રહી છે. ગયા વર્ષે ઝોમેટોએ એક જાહેરાત બદલ માફી માંગી હતી.

આ જાહેરાતમાં લગાન ફિલ્મના દલિત પાત્ર 'કચરા'ને 'રિસાયકલ' સ્વરૂપમાં બતાવવામાં આવ્યું હતું. આ જાહેરાતમાં લગાનના દલિત પાત્રને નિર્જીવ પદાર્થ તરીકે દર્શાવવામાં આવ્યું હતું. ઝોમેટોને આ જાહેરાતના કારણે નેશનલ કમિશન ફૉર શેડ્યૂલ કાસ્ટ તરફથી નોટિસ મળી હતી.

ગ્રે લાઇન

શું છે સમગ્ર મામલો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

મંગળવારે, દીપેન્દ્ર ગોયલે કહ્યું હતું કે, કંપની "શુદ્ધ શાકાહારી મોડ" શરૂ કરી રહી છે, જેમાં શાકાહારી ખોરાકનો ઑર્ડર આપનારાઓને ઍપ્લિકેશન પર ફક્ત શુદ્ધ શાકાહારી રેસ્ટોરાં જ દેખાશે અને નૉન-વેજ ફૂડ ઑફર કરતી રેસ્ટોરાં દેખાશે નહીં.

"શુદ્ધ શાકાહારી રાઇડર્સનું અમારું જૂથ શુદ્ધ શાકાહારી રેસ્ટોરાંમાંથી ખોરાક લેશે અને તેને ગ્રાહકો સુધી પહોંચાડશે. આ માટે લીલા રંગનાં બૉક્સ હશે."

"આવી સ્થિતિમાં, શુદ્ધ શાકાહારી ખોરાક અને માંસાહારી ખોરાક એક જ બૉક્સમાં ક્યારેય પહોંચાડવામાં આવશે નહીં."

લોકોએ સોશિયલ મીડિયા પર તેની આકરી ટીકા કરી હતી. ઘણા લોકોએ કહ્યું કે, શાકાહારી ખાનારાઓને શુદ્ધ તરીકે લેબલ કરવું એ ઝોમેટોની ભેદભાવની નીતિ દર્શાવે છે.

ગ્રે લાઇન

સોશિયલ મીડિયા પર ચર્ચા જાગી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઝોમેટોએ પ્યૉર વેજ મોડ લૉન્ચ કર્યા બાદ અને તેનો યુનિફોર્મ પાછો ખેંચી લીધા બાદ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા અને ટીકા થઈ રહી છે.

શરૂઆતમાં જ્યારે આ મોડ શરૂ કરવામાં આવ્યો ત્યારે યુનિફોર્મની સાથે શુદ્ધ વેતન મોડની પણ ટીકા થઈ હતી.

રશ્મિલતા નામનાં યુઝરે ટ્વીટ કર્યું, "આ પ્રકારનો ભેદભાવ બંધ કરો. આપણે તેના નામે ઘણું જોયું છે. હું શુદ્ધ માંસાહારી છું. આ શાકાહારી સર્વોપરિતાને બંધ કરો."

શ્રેયા નામનાં યુઝરે લખ્યું છે કે, "ગ્રીન ફ્લીટ શું મદદ કરશે તે મારી સમજની બહાર છે, જો મારો ઑર્ડર યોગ્ય રીતે પૅક કરવામાં આવશે તો ગ્રીન ફ્લીટ શું મદદ કરશે? સારી પૅકિંગ સામગ્રી નવી યુક્તિ કરશે."

આકાશ શાહ નામના યુઝરે X પર લખ્યું કે, "હું એવા ઘણા લોકોને ઓળખું છું જેઓ ઑનલાઇન ઑર્ડર આપતા નથી કારણ કે તેઓ શુદ્ધ શાકાહારી છે. મને આશા છે કે આ તેમના માટે ફાયદાકારક રહેશે. ઝોમેટોને તેના વપરાશકર્તાઓને હંમેશા સાંભળવા બદલ અભિનંદન."

ઝોમેટોએ ગ્રીન યુનિફોર્મનો નિર્ણય પાછો ખેંચી લીધો છે પરંતુ પ્યૉર વેજ મોડ ચાલુ રહેશે. આ મોડને લઈને હજુ પણ ચર્ચા ચાલી રહી છે.

રેડ લાઇન
રેડ લાઇન