ઝોમેટો ડિલિવરી બૉયનો આરોપ, દલિત હોવાના કારણે ન સ્વીકાર્યું ભોજન, FIR દાખલ

    • લેેખક, અનંત ઝણાણે
    • પદ, બીબીસી સંવાદદાતા, લખનૌથી

ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં ઝોમેટોના એક ડિલિવરી બૉયે આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ ભોજનની ડિલિવીરી કરવા માટે લૉકેશન પર પહોંચ્યા ત્યારે તેમની જ્ઞાતિ વિશે જાણ થતાં ગ્રાહકે ભોજન લેવાનો ઇનકાર કરી દીધો.

ડિલિવરી બૉયનો આરોપ છે કે ન માત્ર તેમને ગાળો અપાઈ, પરંતુ તેમના મોઢા પર તમાકુ પણ થૂંકવામાં આવી અને તેમની સાથે મારઝૂડ પણ કરાઈ. (પ્રતીકાત્મક તસવીર)

ઇમેજ સ્રોત, SOPA IMAGES

ઇમેજ કૅપ્શન, ડિલિવરી બૉયનો આરોપ છે કે ન માત્ર તેમને ગાળો અપાઈ, પરંતુ તેમના મોઢા પર તમાકુ પણ થૂંકવામાં આવી અને તેમની સાથે મારઝૂડ પણ કરાઈ. (પ્રતીકાત્મક તસવીર)

ડિલિવરી કરનારનો આરોપ છે કે ન માત્ર તેમને ગાળો અપાઈ, પરંતુ તેમના મોઢા પર તમાકુ પણ થૂંકવામાં આવી અને તેમની સાથે મારઝૂડ પણ કરાઈ.

line

એફઆઈઆરમાં શું લખાયું છે?

આ ઘટના શનિવાર 18 જૂનની છે. આ મામલે દાખલ કરાયેલ એફઆઈઆર પ્રમાણે, વિનીતકુમાર રાવત લખનૌના આશિયાના વિસ્તારમાં ઝોમેટો ડિલિવરી બૉય તરીકે કામ કરે છે. શનિવાર સાંજે તેઓ એક ઑર્ડરની ડિલિવરી કરવા માટે આશિયાનાના સૅક્ટર-એચમાં રહેનારા અજયસિંહને ત્યાં ગયા હતા.

વિનીતનું કહેવું છે કે જ્યારે તેઓ ઑર્ડર આપવા માટે અજયસિંહના દરવાજે ગયા ત્યારે ઘંટડી વગાડ્યા બાદ વ્યક્તિ બહાર આવી અને તેમણે તેમનું નામ પૂછ્યું. વિનીતે પોતાનું પૂરું નામ વિનીતકુમાર રાવત હોવાનું જણાવ્યું.

વિનીત અનુસાર, તેમનું નામ બતાવ્યા બાદ વ્યક્તિએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતાં કહ્યું કે, "અમે દલિતોના હાથે અડેલો સામાન નહીં લઈએ. મેં કહ્યું જો તમારે ઑર્ડર લેવો હોય તો લઈ લો, નહીં તો કૅન્સલ કરી દો, આટલું કહેવા પર એ વ્યક્તિએ મારા મોઢા પર તમાકુ થૂકી દીધી. મેં કહ્યું સર આ શું કરી રહ્યા છો? તે બાદ તેઓ મને ગંદી ગંદી ગાળો બોલવા લાગ્યા. ત્યારબાદ બાદ દસ-12 અજ્ઞાત લોકો અને ભોજન ઑર્ડર કરનારા અજયસિંહે મને લાકડી વડે માર માર્યો."

વિનીતકુમાર રાવતનું કહેવું છે કે તેઓ માંડમાંડ જીવ બચાવીને ત્યાંથી નીકળ્યા અને આ ઘટનાની જાણકારી તેમણે પોલીસને આપી. પોલીસે જ તેમને તેમની ગાડી પાછી અપાવી.

આ મામલે દાખલ એફઆઈઆરમાં બે લોકો પર નામજોગ અને 12 અજ્ઞાત લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાઈ છે.

line

મારા પર થૂંક્યા, લાકડીઓ મારી

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એસસી-એસટી એટ્રોસિટી ઍક્ટ અંતર્ગત આરોપી સામે ફરિયાદ દાખલ કરાઈ

બીબીસી સાથેની વાતચીત દરમિયાન ઘટના વિશે વિનીત કહે છે કે, "મારી પાસે અજયસિંહ નામના એક ગ્રાહકનો ઑર્ડર હતો. ઑર્ડર ડિલિવર કરવા જ્યારે હું ગયો તો હું સરનામું કન્ફર્મ કરવા માટે વાત જ કરી રહ્યો હતો ત્યારે તેમણે કહ્યું કે હું મારા નોકરને મોકલું છું."

"નોકર આવે એ પહેલાં જ તેમના કોઈ ભાઈ મારી પાસે આવ્યા, તેમનું નામ અભયસિંહ હતું. તેમણે નશામાં મારા પર થૂંકી દીધું. જ્યારે મેં આનો વિરોધ કર્યો તો તેમના નોકરચાકર પણ લાકડીઓ લઈને આવી ગયા."

જાતિ વિશે પ્રશ્ન પૂછાયો તે અંગે વિનીતકુમાર કહે છે કે, "તેમણે મારું નામ પૂછ્યું, મેં તે જણાવ્યું. તેમણે પછી મારું સરનામું પૂછ્યું. તો મેં પાસી કિલા રહેતો હોવાની વાત કરી. તે પછી તેઓ કહેવા લાગ્યા કે તેઓ દલિતનું અડકેલું ખાશે? તે પછી મારા માથ પર લાકડીનો ફટકો મારી દીધો. મેં હેલમેટ પહેરેલ હતું."

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વિનીતકુમારનું કહેવું છે કે તેમણે આ બધું તેમના વકીલને જણાવ્યું જે બાદ તેમણે તેની FIR નોંધાવડાવી. તેમનું કહેવું હતું કે તેમને ખૂબ ઈજા થઈ છે અને તેમનું મેડિકલ ચેકઅપ પણ થયું છે.

વિનીતકુમાર કહે છે કે, "હું ત્યાંથી મારો જીવ બચાવીને ભાગ્યો, નહીંતર તેઓ મારું મૃત્યુ નિપજાવી દેત."

હાલ પોલીસે સમગ્ર મામલામાં પાંચ કલમો અંતર્ગત ફરિયાદ દાખલ કરી છે, બે વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ દાખલ કરાઈ છે. એસસી/એસટી ઍક્ટની કલમ 3(2)(V) અંતર્ગત ફરિયાદ દાખલ કરાઈ છે.

આ પ્રકરણની તપાસ વિશે લખનૌ-પૂર્વના ડીસીપી અમિતકુમાર આનંદ કહે છે કે, "તપાસ ચાલી રહી છે. જે પણ હકીકતો સામે આવશે તે અનુસાર કાર્યવાહી કરાશે. પૂરી પાડવામાં આવેલી વિગતો અનુસાર કેસ દાખલ કરાયો છે. બીજી પાર્ટીનું કહેવું છે કે લડાઈ તો થઈ હતી. પરંતુ ફરિયાદીએ જણાવ્યું કે તેઓ અનુસૂચિત જાતિના છે તો તપાસ એ પ્રમાણે ચાલશે. જેમના પર આરોપ લાગ્યા છે તેમનો દાવો છે કે તેમના ઘરમાં પણ એસસી વર્ગનાં એક મહિલા કામ કરે છે."

line

આરોપો વિશે અજયસિંહનું શું કહેવું છે?

"જો કોઈ વ્યક્તિ કોગળા કર્યા પછી કોઈના મોં પર થૂંકે તો શું શર્ટ પર ડાઘ ન લાગે?"

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરોપીઓનો ગુનો આચર્યા હોવાની કબૂલાત કરવાથી ઇનકાર

વિનીતકુમાર રાવતના આરોપો અંગે અજયસિંહ કહે છે કે, "મારું પૂરું નામ અજયસિંહ ગંગવાર છે અને હું ઓબીસીમાંથી આવું છું."

જાતિસૂચક ટિપ્પણીના આરોપ વિશે તેઓ જણાવે છે કે, "મારા ઘરમાં એક મહિલા કામ કરે છે. તેઓ મારાં બાળકોની સારસંભાળ રાખે છે, તેમના માટે ભોજન રાંધે છે અને તેમને જમાડે પણ છે. તે પણ રાવત છે અને આ જ જ્ઞાતિનાં છે. અમારા પર જે આરોપ લગાવાયા છે તે નિરાધાર છે."

"અમે લોકો સમાજના શિક્ષિત વર્ગના છીએ. સ્વિગી કે ઝોમેટોમાંથી કોણ જ્ઞાતિ પૂછીને ડિલિવરી લે છે? આ વ્યક્તિ તો ડિલિવરી કરી રહ્યા હતા, પરંતુ શું અમને ખબર છે કે ભોજન રાંધી કોણ રહ્યું હતું? જો તમે મારો પાછલાં અઢી વર્ષનો ઝોમેટો અને સ્વિગીનો રેકર્ડ ચેક કરશો તો જણાશે કે અમારા વિરુદ્ધ એક પણ ફરિયાદ નથી નોંધાઈ."

પોતાના પક્ષમાં તેઓ તેઓ પોતાને ત્યાં કામ કરતા મહિલાની વીડિયો બાઇટ પણ દેખાડે છે જેમાં તેઓ કહી રહ્યાં છે કે તેમને કામ કરતી વખતે ક્યારેય જાતિસૂચક શબ્દનો પ્રયોગ કરતા નથી જોયા.

લડાઈનું કારણ જણાવતાં અજયસિંહ કહે છે કે, "લડાઈ થઈ છે, પરંતુ મારઝૂડ નહીં. આવું એટલા માટે થયું કારણ કે તેમણે આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કર્યો અને એકબીજાના કૉલર પકડ્યા, તેમણે અમને ધક્કો માર્યો તો અમે પણ ધક્કો માર્યો. તેઓ લાકડીના ઢગલામાં જઈને પટકાયા, ફરી પાછા આવ્યા તો પણ આવા જ હાલ થયા."

"તે બાદ સીધી પોલીસ જ આવી. પહેલાં 112 નંબર પરથી લોકો આવ્યા, જો અમે કંઈ કર્યું હોત તો તેઓ અમને પોલીસ સ્ટેશન લઈ ગયા હોત ને? રાહદારીઓ તેમણે અમારા લોકો ગણાવી દીધા, મારો પરિવાર નાનો છે, અમે માત્ર ચાર લોકો જ રહીએ છીએ."

વિનીતકુમાર રાવત પર થૂંકવાના આરોપ અંગે પૂછતા અજયસિંહ કહે છે, "અમે ઑર્ડર આપ્યો હતો અને હું ડિલિવરી લેવા માટે સ્થળ પર પણ નહોતો. મારો નાનો ભાઈ પરસાળમાં કાર પાર્ક કરવા જઈ રહ્યો હતો. અને તેના મોઢામા મસાલો ભરેલો હતો. તેણે મસાલો થૂંકવા માટે કોગળા કર્યા તો તેનો એકાદ છાંટો તેમની કાર પર પડ્યો. તો તેણે કહ્યું - આંધળા છો, તમને દેખાતું નથી."

"તેમનો આરોપ છે કે મોઢા પર થૂંક્યાં, પરંતુ હું પૂછવા માંગુ છું કે જો કોઈ વ્યક્તિ કોગળા કર્યા પછી કોઈના મોં પર થૂંકે તો શું શર્ટ પર ડાઘ ન લાગે? જ્યારે તેણે 112 નંબર સામે આરોપ લગાવ્યો ત્યારે તેણે તે જ શર્ટ પહેર્યો હતો. તો મેં 112ને એ જ કહ્યું કે જો તેઓ મારા ભાઈ પર તેમના મોઢા પર થૂંક્યાનો આરોપ લગાવતા હોય તો તેમના શર્ટ પરનો ડાઘ બતાવો. તેઓ ડાઘ બતાવી શક્યા ન હતા. ત્યાર બાદ 112 પાછી જતી રહી હતી."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2