વાઇબ્રન્ટ ગુજરાત 2024: નાદાર થવાના આરે પહોંચેલી ટેસ્લા કેવી રીતે ટ્રિલિયન ડૉલર કંપની બની હતી?

ઍલન મસ્ક અને ટેસ્લા

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, જયદીપ વસંત
    • પદ, બીબીસી ગુજરાતી માટે

વર્ષ 2003માં ઍલન મસ્કે ઇલેક્ટ્રિક કારનિર્માતા કંપની ટેસ્લામાં રોકાણ કર્યું હતું. વર્ષ 2008માં કંપની નાદાર થવાની અણી ઉપર હતી, ત્યારે મસ્કે તેની કમાન સંભાળી. કંપની ઐતિહાસિક મંદીને પાર કરી ગઈ.

13 વર્ષ સુધી કોઈ નફો ન કરનારી ટેસ્લા, પહેલીવાર 69 કરોડ ડૉલરનો નફો 2021માં રળ્યો. આ વાતની શૅરબજારમાં એવી સકારાત્મક અસર થઈ કે કંપની ટ્રિલિયન ડૉલરી ક્લબમાં સામેલ થઈ ગઈ.

એ પછી મસ્કના એક નિર્ણયને કારણે કંપની આ ક્લબમાંથી બહાર પણ ફેંકાઈ ગઈ. કંપની તેના બહુપ્રતિક્ષિત કિફાયતી મૉડલ પર મોટો મદાર રાખી રહી છે અને તેના થકી જંગી વેચાણની અપેક્ષા રાખે છે.

મસ્ક ઇચ્છતા હતા કે ભારત વિદેશમાં નિર્મિત ટેસ્લાની કાર ઉપરની આયાતજકાત ઘટાડે, પરંતુ મોદી સરકારે આ મુદ્દે મચક આપી ન હતી.

ગત વર્ષે મોદી અને મસ્કની વચ્ચે બેઠક થઈ હતી, ત્યારે ટેસ્લાએ ભારતમાં 'વહેલામાં વહેલી તકે' રોકાણ કરવાના અણસાર આપ્યા હતા.

મીડિયા અહેવાલ મુજબ, આ બાબતે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન કરાર કરાશે અને સાણંદ પાસે કંપનીને જમીન ફાળવાશે. ગુજરાત સરકારે પણ આ મુદ્દે આશાવાદ સેવ્યો છે.

કેવી રીતે થઈ ટેસ્લાની સ્થાપના?

ટેસ્લા

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકામાં 1956માં ફૉર્ડ કંપનીનું જાહેરભરણું આવ્યું હતું અને છેલ્લી સફળ કારનિર્માતા કંપની ક્રાઇસલર હતી. ઑટોમોબાઇલની દુનિયામાં કહેવાય છે કે 'એંજિનમાં સુધારો કરવો સહેલો છે, પરંતુ દરવાજામાં ફેરફાર કરવા મુશ્કેલ હોય.'

આ સંજોગોમાં જનરલ મૉટર્સ અને ફૉર્ડ વગેરેએ ઇલેક્ટ્રિક કારનું નિર્માણ કરવા અનેક પ્રયાસ કર્યા હતા, પરંતુ તેમાં અપેક્ષિત સફળતા નહોતી મળી. આવા સંજોગોમાં ઑટોમોબાઇલ સૅક્ટર માટે નવાસવા બે શખ્સ સમગ્ર પરિમાણ જ બદલી દેવાના હતા.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

માર્ટિન ઍબરહાર્ડ તથા માર્ક ટર્પેનિંગે વર્ષ 1998માં 'રૉકેટબુક' બજારમાં મૂકી હતી. જેને ઍમેઝોન કિંડલ રીડરની પુરોગામી જેવી કહી શકાય.

આ એવો સમય હતો કે જ્યારે અમેરિકામાં આઈટી અને ડૉટ કૉમ કંપનીઓની બોલબાલા હતી. નવી-નવી કંપનીઓ બજારમાં આવી રહી હતી અને જૂની કંપનીઓ માટે પડકાર ઊભી કરી રહી હતી. જૂની કંપનીઓ નવાં-નવાં સંશોધન, મર્જર અને અધિગ્રહણ થકી સમય સાથે તાલ મિલાવવા પ્રયાસરત રહેતી.

બે વર્ષમાં જેમસ્ટાર-ટીવી ગાઇડ ઇન્ટરનેશનલે 18 કરોડ 70 લાખ ડૉલરમાં કંપનીને ખરીદી લીધી. જીવનની ત્રીસીમાં બંને પાસે બ્રૅક લઈ શકાય એટલા પૈસા થઈ ગયા હતા. માર્ટિને ઇલેક્ટ્રિક કાર કંપની એસી પ્રપલ્સનમાં પૈસા રોક્યા હતા અને તેમને પરામર્શ પણ આપ્યું હતું.

જોકે, કંપનીએ માર્ટિનને તેનું 'ટીઝીરો' મૉડલ વેંચવાનો ઇન્કાર કર્યો. આ સિવાય કંપની તેમના મૉડલને બજારમાં ઉતારવા માટે પણ ઉત્સુક ન હતી.

આ સંજોગોમાં માર્ટિને તેમના જૂના મિત્ર માર્ક સાથે મળીને નવી કારનિર્માતા કંપની સ્થાપવાનો નિર્ણય કર્યો અને તેમનો વિચાર વર્ષ 2003માં ટેસ્લા સ્વરૂપે સાકાર થયો. આ રીતે તેઓ મહાન સંશોધક નિકોલા ટેસ્લાને અંજલિ આપવા માગતા હતા.

ઉપરોક્ત વિગતો અમેરિકાના રિપોર્ટર ઍશલે વાન્સે તેમના પુસ્તક 'ઍલન મસ્ક: ટેસ્લા, સ્પેસએક્સ ઍન્ડ ધ ક્વૅસ્ટ ફૉર ધ ફૅન્ટાસ્ટિક ફ્યૂચર'ના સાતમા પ્રકરણ 'ઑલ ઇલેક્ટ્રિક'માં લખી છે.

ટેકનૉલૉજીમાં ટેસ્લાએ શું ખાસ કર્યું?

ટેસ્લા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કારની બૅટરીમાં લિથિયિમ – આયર્ન સેલની શ્રૃંખલા બેસાડવામાં આવી હોય છે

ઇલેક્ટ્રિક કારની દિશામાં દાયકાઓ સુધી પ્રગતિ ન થવા પાછળનું કારણ સીસા અને ઍસિડ આધારિત બૅટરી હતી. કારને ચલાવવા માટે જરૂરી ઊર્જા મેળવવા જો બૅટરી ગોઠવવામાં આવે તો મોટાભાગની જગ્યા એ જ રોકી લે.

ઍસિડવાળી બૅટરી વજનદાર અને જોખમી હતી. એટલે તે ગૉલ્ફકાર કે બીજા નાના અને ટૂંકા પ્રવાસમાં તો ચાલતી પરંતુ લાંબું અંતર કાપી શકે તેવી ન હતી.

આ એવો સમય હતો કે જ્યારે મોબાઇલની શરૂઆત થઈ ગઈ હતી અને લૅપટોપ પણ બજારમાં આવવા લાગ્યા હતા. કૅમેરા, ટૉર્ચ વગેરે જેવાં ઇલેક્ટ્રિક ઉપકરણોમાં લિથિયમ-આયન બૅટરીનો ઉપયોગ થવા લાગ્યો હતો.

નવી બૅટરી હળવી, વધુ ઊર્જાનો સંગ્રહ કરી શકે તેવી તથા સલામત હતી. વળી, તેની ઊર્જાસંગ્રહ ક્ષમતામાં દરવર્ષે ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હતો.

વાન્સ તેમના પુસ્તકમાં લખે છે કે માર્ટિન અને માર્કે આગળ જતાં ઇયાન રાઇટને પણ સાથે લીધા. ટેસ્લામાં લિથિયમ-આયર્ન બૅટરીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું, પરંતુ અગાઉ કોઈએ આવો પ્રયોગ નહોતો કર્યો.

રોકાણકારોને નમૂનો દેખાડવા માટે એસી પ્રપલ્સને તેમની ટીઝીરો કારનો નમૂનો 'ઉછીનો' આપ્યો હતો. મિત્રો, પરિવારજનો તથા અન્ય કેટલાક લોકોએ ટેસ્લામાં પ્રારંભિક રોકાણ કર્યું હતું, પરંતુ તે પૂરતું ન હતું.

આ સંજોગોમાં માર્ટિન અને માર્કના મગજમાં ઍલન મસ્કનું નામ રમી રહ્યું હતું, જેઓ મંગળ ગ્રહ ઉપર ઉંદર મોકલવાનું સપનું જોઈ રહ્યા હતા અને સ્પેસએક્સ કંપની સાથે જોડાયેલા હતા.

ઍલન મસ્ક કેવી રીતે ટેસ્લા સાથે જોડાયા?

ટેસ્લા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકામાં વર્ષ 2010માં ટેસ્લા પછી વિનફાસ્ટ અને રિવિયાન જેવી ઈવી કારનિર્માતા કંપનીઓના જાહેરભરણાં આવ્યા

અમેરિકામાં વર્ષ 2010માં ટેસ્લા પછી વિનફાસ્ટ અને રિવિયાન જેવી ઈવી કારનિર્માતા કંપનીઓના જાહેરભરણાં આવ્યા.

18 વર્ષની ઉંમર પહેલાં તેઓ કૅનેડા ગયા અને ત્યાં નાનામોટા કામ કર્યાં. વર્ષ 1995માં તેમણે 'ઝીપ2' નામની કંપની કંપનીની સ્થાપના કરી. જે ગૂગલ મૅપ્સ તથા ટચુકડી જાહેરખબરના સમન્વય જેવી હતી. વર્ષ 1999માં કમ્પ્યુટરનિર્માતા કૉમ્પેકે આ કંપનીને 30 કરોડ ડૉલરમાં ખરીદી હતી.

મસ્ક ઍક્સ ડૉટકૉમ નામની ઑનલાઇન બૅન્કના સહ-સ્થાપક હતા. આગળ જતાં આ વેબસાઇટ ડૉમેઇન વધુ એક વખત તેમના જીવનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનું હતું.

વર્ષ 2000માં તેમણે હરીફ કંપની પેપાલ સાથે મર્જર કરી નાખ્યું. બે વર્ષ બાદ ઇન્ટરનેટ જાયન્ટ ઈબેએ આ કંપનીને એક અબજ 40 કરોડ ડૉલરમાં ખરીદી.

આ એવો સમય હતો કે જ્યારે દરેક રોકાણકાર સિલિકૉન વૅલીમાં પૈસા રોકવા તત્પર હતા. મસ્ક જેવા આઈટી કે ડૉટ કૉમ કંપની વેંચીને સફળ થયેલા સંસ્થાપકો પણ ફરી એજ ક્ષેત્રમાં પૈસા રોકી રહ્યા હતા.

તેમનાથી વિપરીત વર્ષ 2002માં મસ્કે સ્પેસઍક્સની સ્થાપના કરી. જે ખાનગી ક્ષેત્રે રૉકેટ બનાવવા માગતી હતી અને આ ક્ષેત્રમાં નાસાના ઈજારાને તોડવા માગતી હતી.

વર્ષ 2004માં મસ્ક ટેસ્લા કંપનીમાં રોકાણકાર તરીકે જોડાયા. તેમને ચૅરમૅન તથા સહ-સંસ્થાપક જણાવવામાં આવ્યા. મસ્ક જેફરી સ્ટ્રાઉબલને કંપનીમાં લાવ્યા. કાર ડિઝાઇનિંગ તથા ઇલેક્ટ્રિક કારની બાબતમાં તેમની નિપુણતા ચર્ચિત હતી. આમ ટેસ્લા કંપનીમાં હવે માર્ટિન, માર્ક, ઈયાન,મસ્ક અને જેફરી એમ પાંચ મુખ્ય લોકો કે સહ-સંસ્થાપક હતા.

આગળ જતાં મસ્કે સૅટેલાઇટ ઇન્ટરનેટ માટે સ્ટારલિંક, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સુપરફાસ્ટ હાયપરલૂપ, બૉરિંગ તથા માણસ જેવા રૉબટ એટલે કે હ્યુમનૉઇડમાં રોકાણ કર્યું. એક તબક્કે તેમણે ચેટ-જીપીટીમાં પણ રોકાણ કર્યું હતું અને તેના બોર્ડના સભ્ય પણ હતા. વર્ષ 2023માં હાયપરલૂપનો પ્રકલ્પ પડતો મૂકવામાં આવ્યો હતો.

ટેસ્લાનું બિઝનેસ મૉડલ કેવું છે?

ટેસ્લા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ત્રણ મહિલા દ્વારા ઍલન મસ્ક 11 સંતાનોના પિતા છે

1970ના દાયકાથી અમેરિકામાં કારઉત્પાદનનું હબ ગણાતા ડેટ્રોઇટની કંપનીઓએ ગાડીના નાના મોટા પાર્ટ્સનું નિર્માણનું કામ બીજી કંપનીઓને સોંપી દીધું હતું. મતલબ કે કારના કાચ, સીટ, વાઇપર, વાઇપરની મૉટર વગેરે જેવા સેંકડો સ્પૅરપાર્ટ્સ અલગ-અલગ કંપનીઓ બનાવે.

કારનિર્માતા કંપનીઓ તેમને ચોક્કસ પ્રકારના પાર્ટ્સ બનાવવાનો ઑર્ડર આપે. ચેસિસ, પાર્ટસના ઍસેમ્બ્લિંગ, રંગકામ, ડિઝાઇનિંગ જેવાં કામ કંપનીઓ પોતે કરતી. આજે પણ આવી જ વ્યવસ્થા ચાલે છે. કારની વેચાણ પછીની સેવાઓનું કામ ડિલર પર રહેતું. આમ એક કંપનીની આસપાસ આખી ઇકૉસિસ્ટમ વિકસે.

માર્ટિન અને માર્કને શરૂઆતથી જ અંદાજ આવી ગયો હતો કે આ મોટી કંપનીઓની ઇકૉસિસ્ટમમાં તેમની કંપની ફિટ નહીં બેસે અને અલગ-અલગ પાર્ટ્સ માટે ભિન્ન-ભિન્ન નિર્માતાનો સંપર્ક કરવો કે ડિલરોને મનાવવા સરળ નહીં હોય.

આ સિવાય ઉપલબ્ધ પાર્ટ્સમાં જ કામ ચલાવવું પડશે અને તેમાં સંશોધન કે સુધારને અવકાશ નહીં રહે. તત્કાલીન ટેસ્લા મૉટર્સે તેની ગાડીઓને સીધી ગ્રાહકોને જ વેંચવાનો નિર્ણય કર્યો. જેથી કરીને ડિલરોની જરૂર ન રહે અને કંપનીના જ આઉટલેટ્સ મારફત વેચાણ પછીની સેવાઓ આપવાનું મૉડલ અપનાવ્યું.

અશ્મિગત ઈંધણથી ચાલતી ગાડીઓની સરખામણીમાં ઇલેક્ટ્રિક કારમાં ઓછા સ્પૅરપાર્ટ્સ અને રખરખાવની જરૂર પડે છે. એટલે કંપનીઓએ પાર્ટ્સ જાતે જ ખરીદવાનો અને વેચાણ પછીની સેવાઓ આપવાનું નક્કી કર્યું.

આથી કારના માળખાની ડિઝાઇન અને નિર્માણ માટે તેમણે બ્રિટનની લૉટસ કંપનીનો સંપર્ક કર્યો. જે સ્પૉર્ટ્સ કાર ડિઝાઇન કરતી હતી અને તેમની જ એક પાંખ પરામર્શનું કામ પણ કરતી હતી.

બીજી બાજુ ટેસ્લાએ લિથિયમ-આયનના સેલને આગ ન લાગે એ રીતે ગોઠવવા, ડિઝાઇન અને બીજી બાબતો પર કામ ચાલુ કર્યું. માર્ટિન અને મસ્કની વચ્ચે અનેક મુદ્દે મતભેદ રહેતા, પરંતુ તે તંદુરસ્ત હોવાથી ચર્ચા પછી સર્વમાન્ય ઉકેલ આવી જતો.

મોટાપાયે ઉત્પાદન કરવું શક્ય ન હોવાથી કંપનીએ શરૂઆતનાં વર્ષોમાં વધુ તાકતવર અને ધનિકોને આકર્ષે તેવી સ્પૉર્ટ્સકાર બનાવવાનું નક્કી કર્યું. જેના ભાવ વધારે હતા અને તેમાં નફો પણ વધારે હતો. પરિણામસ્વરૂપે રૉડસ્ટર નામનું મૉડલ બજારમાં આવ્યું.

માર્ટિન અને મસ્ક સામસામે આવ્યા

ટેસ્લા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વર્ષ 2019માં ટેસ્લાના સૌપ્રથમ મૉડલ રૉડસ્ટર સાથે માર્ટિન ઍબરહાર્ડ

જુલાઈ-2006માં કંપનીએ તેનું રોડસ્ટર મૉડલ સાન્તા મૉનિકામાં લોકો સમક્ષ રજૂ કર્યું. હૉલિવૂડ, રાજકારણ, પત્રકારો તથા ટીવી ક્ષેત્રની સૅલિબ્રિટીઝની સમક્ષ નવી કારનું નિદર્શન કરવામાં આવ્યું. આ સિવાય ટેસ્લાના ડ્રાઇવર્સે મહેમાનોને કારમાં મુસાફરી પણ કરાવી.

માર્ટિન, મસ્ક તથા અન્ય લોકોએ ઉપસ્થિત લોકો સામે પોતાના વિચાર રજૂ કર્યા. લોકો રોડસ્ટરની ઝડપ, ડિઝાઇન, માઇલેજ તથા ચાર્જિંગ વગેરે જેવી બાબતોથી પ્રભાવિત થયા હતા. વળી તે પર્યાવરણ પ્રત્યે જાગૃતિનું 'સ્ટેટસ સિમ્બૉલ' પણ હતી.

કંપનીએ એક લાખ ડૉલરમાં એકસો ગ્રાહકોને સિગ્નેચર મૉડલ આપવાની જાહેરાત કરી. વર્ષ 2008માં કંપની તેની ડિલિવરી આપી દેવાની હતી.

મીડિયા ટેસ્લાના મૉડલ પર ઓવારી ગયું હતું. મીડિયામાં માત્ર માર્ટિનની જ ચર્ચા હતી. એ દિવસે તેમણે અનેક ઇન્ટરવ્યૂ આપ્યા. બીજી બાજુ, મસ્કની ચર્ચા ન હતી. ક્યાંક-ક્યાંક તેમનો ઉલ્લેખ માત્ર રોકાણકાર તરીકે થયો હતો. જેના કારણે મસ્ક નારાજ થયા હતા. તેમણે ઈમેલ લખીને નારાજગી વ્યક્ત કરી હતી.

એ પછી મસ્કે રોડસ્ટરના મૉડલમાં અનેક ફેરફાર સૂચવ્યા, જે વાજબી હોવા છતાં મોડા હતા અને તેના કારણે ડિલિવરી મોડી થાય એમ હતી. આમ છતાં મસ્કે જરૂરી સુધાર વગર કારની ડિલિવરી નહીં થવા દેવાનો આગ્રહ રાખ્યો.

એક તબક્કે મતભેદ વધી જતાં બોર્ડે માર્ટિનને તેમણે જ સ્થાપેલી કંપનીમાંથી હઠાવી દીધા અને વચગાળાના સીઈઓ નીમવામાં આવ્યા અને પછી મસ્કે જ સીઈઓનું પદ સંભાળી લીધું. આ સાથે જ તેમણે 25 ટકા જેટલો સ્ટાફ છુટ્ટો કરી નાખ્યો.

મસ્કના કહેવા પ્રમાણે, ટેસ્લા અને સ્પેસએક્સ ટકી જાય તેની શક્યતા માંડ 10 ટકા હતી. ઈબે સાથેની ડીલમાંથી તેમે 18 કરોડ ડૉલર મળ્યા હતા અને તેમણે બંને કંપનીમાં નવ-નવ કરોડ ડૉલર ફાળવ્યા હતા અને ખર્ચા વધી રહ્યા.

વર્ષ 2008માં સતત ત્રીજી વખત સ્પેસએક્સનું ફાલ્કન-1 રૉકેટ સતત નિષ્ફળ રહ્યું હતું. ક્રિસમસના બે દિવસ પહેલાં ટેસ્લા નાદાર થવાની અણિ ઉપર પહોંચી ગઈ હતી અને તેમની પાસે માંડ ચાર કરોડ ડૉલર વધ્યા હતા.

જો મેં કોઈ એક કંપનીમાં રોકાણ કર્યું હોત, તો બીજી કંપની ચોક્કસથી પડી ભાંગી હોત. પરંતુ બંને મારા બાળક જેવી હતી, એટલે મેં બંનેમાં પૈસા રોકવાનું નક્કી કર્યું અને બંને કંપનીઓ સફળ રહી છે.

વર્ષો પછી માર્કે ઍશલેએ મસ્ક સાથેના વિવાદ વિશે કહ્યું હતું કે તેઓ અમુક બાબતો અલગ રીતે કરી શક્યા હોત. વર્ષ 2009માં તેમની અને મસ્કની વચ્ચે થયેલા કરારને કારણે તેઓ વિવાદ મુદ્દે સાર્વજનિક રીતે બહુ કહી શકે તેમ નથી.

ટેસ્લા ટ્રિલિયન ડૉલરની કંપની કેવી રીતે બની?

ટેસ્લા

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ભારતના વડાપ્રધાન સાથે એલન મસ્ક

વર્ષ 2012થી કંપનીએ સામાન્ય નાગરિકો વાપરી શકે તેવી સીડેન કાર 'મૉડલ એસ'નું નિર્માણ શરૂ કર્યું. વર્ષ 2009થી મસ્ક સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર ઉપર સક્રિય થયા અને તેના ઉપરથી સીધા જ ટેસ્લાના અપડેટ્સ આપવા લાગ્યા અને સંવાદ કરવા લાગ્યા. અહીં તેમનું મોટું ફેન-ફૉલોઇંગ ઊભું થયું.

એ પછી કંપનીએ મૉડલ 3, મૉડલ ઍક્સ, મૉડલ વાય તથા સાયબર ટ્રક પણ લૉન્ચ કર્યા. કંપનીએ સેમિ-ઑટોપાઇલટ ગાડીઓ બજારમાં ઉતારી છે અને ચાલકરહિત કારની દિશામાં પરીક્ષણ ચાલુ છે.

કંપનીએ ચાર્જિંગ સ્ટેશન, સુપર ચાર્જિંગ સ્ટેશન તથા સૌરઊર્જા સંગ્રહ જેવા ક્ષેત્રે વિસ્તાર કર્યો. છતાં કંપની વર્ષ 2020 સુધી નુકસાનમાં જ હતી.

કંપનીએ વર્ષ 2021માં પહેલી વખત નફો કર્યો. આ પહેલાં કંપનીના શેરના ભાવ આકાશને આંબવા લાગ્યા. ખુદ મસ્કે ટ્વિટર ઉપર તેમની કંપનીના શેરના ભાવો પ્રત્યે આશ્ચર્ય વ્યક્ત કર્યું, જેના કારણે હંગામી ઘટાડો થયો, પરંતુ જોત-જોતામાં કંપનીનું માર્કેટ કૅપિટલ એક લાખ કરોડ ડૉલરને આંબી ગયું.

અમેરિકામાં ટેસ્લા સિવાય એપલ, ગૂગલ, ઍમેઝોન, માઇક્રોસૉફ્ટ, ફેસબુક, ચીપનિર્માતા એનવીડિયા જ આ ક્લબમાં સામેલ થઈ શકી છે. જોકે, ફેસબુક-વોટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામની માલિક એવી મેટા થોડો સમય માટે જ પોતાનું વૅલ્યૂએશન જાળવી શકી હતી.

એ સમયે ટેસ્લાનું વૅલ્યુએશને ફૉર્ડ, જનરલ મૉટર્સ, ફૉક્સવેગન, ટોયેટા જેવી વિશ્વની ટોચની નવ કારનિર્માતા કંપનીઓના કુલ માર્કેટ કૅપિટલ કરતાં વધુ હતું. તેમની સામે ટેસ્લા કુલ ઉત્પાદિતે કારોમાંથી માત્ર એક ટકા કારનું જ નિર્માણ કરતી હતી. આથી, ઘણાં નિષ્ણાતોના મતે ટેસ્લાના શૅરના ભાવ અસામાન્ય રીતે વધુ હતા.

વર્ષ 2021 થી ટેસ્લા કંપની ભારતમાં નોંધાયેલી છે અને તેનું સરનામું બેંગ્લુરુનું છે. હવે તે 'ગુજરાતના ડેટ્રોઇટ' ગણાતા સાણંદની પાસે પ્લાન્ટ નાખે તેવી સંભાવના છે.

આયાતજકાતમાં ઘટાડો ન થતા, જૂન-2023માં વડા પ્રધાન મોદી અને મસ્કની મુલાકાત થઈ, ત્યારે આ દિશામાં સકારાત્મક ચર્ચા થઈ હતી અને 'વહેલામાં વહેલી તકે' ભારતમાં આવવાની વાત કહી હતી. તેમણે પોતાને 'મોદીના ફેન' ગણાવ્યા હતા.

અગાઉથી જ ભારતીય બજારમાં ટાટા, મારૂતિ અને બીજી કંપનીઓનો ઇલેક્ટ્રિક કારની બજારમાં દબદબો છે. બીજી બાજુ, ટેસ્લાની ગાડીઓ મોંઘી છે.

ટેસ્લાની ગાડીઓની ખામીઓ અંગે વારંવાર ચર્ચા થવા છતાં તેનું બજાર વિસ્તરી રહ્યું છે. કંપનીએ વર્ષ 2023માં 18 લાખ ગાડીના વેચાણનું લક્ષ્યાંક રાખ્યું છે. ટેસ્લાની ગાડીઓના વેચાણ અને નફાની લક્ષ્યાંકસિદ્ધિને આધારે મસ્કને કંપનીમાં વધારાના શેર મળે છે.

જાણકારોના કહેવા પ્રમાણે, ટેસ્લા નવી બૅટરીનું પરીક્ષણ કરી રહી છે, જેના કારણે તે ભારતના 'પ્રાઇઝ સૅન્સેટિવ' બજારમાં કિફાયતી ગાડીઓ લૉન્ચ કરી શકશે.

આ સિવાય તેને ભારતના સૌરઊર્જાના બજારમાં પણ રસ છે. કંપની સોલાર રૂફટૉપ, સોલાર વૉલ અને બૅટરી સ્ટૉરેજને પણ બજાર તરીકે જુએ છે.

ટેસ્લા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એપલના સ્ટીવ જોબ્સની તર્જ પર ટેસ્લાનો ચહેરો બનેલા મસ્ક સાયબર ટ્રક રજૂ કરતી વેળાએ

કંપનીએ બિટકૉઇન અને ડોગી કૉઇનમાં ટેસ્લા ગાડી માટે ચૂકવણું લેવાનું નક્કી કર્યું, તો આ ક્રિપ્ટૉકરન્સીના ભાવ વધી ગયા હતા. કંપની અમેરિકા, જર્મની અને ચીનમાં કાર ઉત્પાદન કરે છે.

વર્ષ 2022માં મસ્કે સોશિયલ મીડિયા કંપની ટ્વિટરને 44 અબજ ડૉલરમાં ખરીદવાનો નિર્ણય કર્યો, તે પછી કંપનીના શૅરના ભાવોમાં કડાકો બોલી ગયો.

વર્ષ 2018માં ટેસ્લાને જાહેરમાંથી ખાનગી કંપની બનાવવા સંદર્ભના એક ટ્વિટને કારણે શૅરધારકોને થયેલા નુકસાનને પગલે મસ્કની ઉપર ટ્વિટ કરતાં પહેલાં વકીલને દેખાડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમને ચૅરમૅનપદેથી ખસવું પડ્યું, જોકે સીઈઓ તરીકે યથાવત્ છે.

વર્ષ 2023ની ફૉર્બ્સની યાદી પ્રમાણે, ઍલન મસ્ક દુનિયાની સૌથી ધનવાન વ્યક્તિ છે અનેતેમની વ્યક્તિગત સંપત્તિ 250 અબજ ડૉલર કરતાં વધારે છે. તેઓ ટેસ્લામાં સ્ટૉક તથા ઑપ્શન સ્વરૂપે 21 ટકા હિસ્સો ધરાવે છે.

આજે વર્ષ 2002માં સ્થાપિત સ્પૅસઍક્સનું વૅલ્યુએશન 150 અબજ ડૉલર આંકવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષમાં તેના વૅલ્યૂએશનમાં પાંચગણી વૃદ્ધિ થઈ છે.

મસ્ક ટ્વિટરમાં લગભગ 74 ટકા હિસ્સો ધરાવે છે. તેમણે ટ્વિટર ખરીદીને તેને એક્સ ડૉટકૉમ કરી નાખ્યું. આ ડૉમેઇને જ તેમને સ્પૅસઍક્સ અને ટેસ્લામાં રોકાણ કરવા માટે સક્ષમ બનાવ્યા હતા. આ સાથે જ મસ્ક માટે કદાચ સમયનું ચક્ર પૂર્ણ થયું હતું.

બીબીસી
બીબીસી