સીરિયામાં વિદ્રોહી જૂથોએ જોર્ડનની સરહદ પાસેના દરાઆ વિસ્તાર પર પણ કબજો કર્યો- ન્યૂઝ અપડેટ

સીરિયામાં વિદ્રોહી જૂથોએ દરાઆ ક્ષેત્રના મહત્તમ વિસ્તારો પર કબજો કર્યો છે. દરાઆ એ વિસ્તાર છે જ્યાંથી વર્ષ 2011માં રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સામે વિદ્રોહની શરૂઆત થઈ હતી.

સમાચાર એજન્સી રૉયટર્સના જણાવ્યા પ્રમાણે વિદ્રોહી જૂથોએ કહ્યું છે કે તેઓ પોતાના લડવૈયાઓને પરત બોલાવવા અને સૈન્યઅધિકારીઓને રાજધાની દમાસ્કસ સુધી સુરક્ષિત રસ્તો આપવા માટે એક સમજૂતી પર પહોંચી ગયા છે.

આ વચ્ચે સીરિયાની સેનાનું કહેવું છે કે તે હોમ્સ શહેરની આસપાર હવાઈહુમલા કરી રહી છે જેથી શહેરમાં પ્રવેશેલા વિદ્રોહીઓને પાછળ ધકેલી શકે.

બ્રિટન સ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સ એટલે કે એસઓએચઆરના જણાવ્યા પ્રમાણે વિદ્રોહી જૂથોએ દરાઆના 90 ટકા વિસ્તાર પર કબજો કરી લીધો છે.

દરાઆ રણનીતિક વિસ્તાર છે અને તે જોર્ડનની સરહદ પાસે મેનક્રૉસિંગની નજીક છે.

શુક્રવારે જોર્ડનના ગૃહમંત્રીએ સીરિયા સાથે લાગેલી સરહદ બંધ કરવાનું ઍલાન કર્યું હતું અને પોતાના નાગરિકોને સીરિયા છોડવાની અપીલ કરી હતી.

એડિલેડ ટેસ્ટમૅચમાં ભારતની સ્થિતિ કફોડી, બીજા દિવસના અંતે ભારતનો સ્કોર 128/5

ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટેસ્ટમૅચના બીજા દિવસે ભારતની ટીમ ફરી લડખડાતી નજરે પડે છે. બીજા દિવસના અંતે ભારતનો સ્કોર પાંચ વિકેટના ભોગે 128 રન હતો. ભારત 29 રન પાછળ છે અને ઑસ્ટ્રેલિયાનો દાવ બાકી છે.

ભારતની ટીમ પહેલા દાવમાં માત્ર 180 રનોમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 337 રન બનાવ્યા.

ઋષભ પંત 28 અને નીતિશકુમાર રેડ્ડી 15 રન બનાવીને રમી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાએ ભારત પર 157 રનોની લીડ હાંસલ કરી હતી.

ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. તેમણે 140 રન બનાવ્યા. માર્નસ લાબુશેને પણ અર્ધસદી ફટકારી હતી.

ભારત વતી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝે 4-4 વિકેટો લીધી

આ પહેલાં ભારતની પહેલી ઇનિંગ 180 રનમાં સમેટાઈ ગઈ હતી.

દક્ષિણ કોરિયામાં રાષ્ટ્રપતિ સામેનો મહાભિયોગ પ્રસ્તાવ પડે તેવી સંભાવના

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલને હઠાવવા માટે લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવ માટે હવે પછીનું મતદાન હવે 11 ડિસેમ્બરના રોજ થશે.

શનિવારે સંસદમાં બેત્રત્યાંશથી ઓછા સાંસદો ઉપસ્થિત હતા તેને કારણે મહાભિયોગ પ્રસ્તાવ પડવાની સંભાવના છે.

જો શનિવારે એટલે કે આજે મહાભિયોગ પ્રસ્તાવ પાસ નહીં થાય તો હવે પછીનું મતદાન 11 ડિસેમ્બરે થશે. હાલ મતદાન કરી રહેલા સંસદા પાસે મહાભિયોગને પસાર કરાવવા માટે જરૂરી સંખ્યાબળ નથી.

સત્તાધારી પાર્ટીના એક સાંસદને છોડીને તમામ મતદાન પહેલાં જ સંસદમાંથી બહાર નીકળી ગયા હતા.

સત્તાધારી પીપલ્સ પાવર પાર્ટીના સાંસદ આહ્ન ચેઓલ-સૂ જ સદનમાં ઉપસ્થિત હતા.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ ચોંકાવનારો નિર્ણય લેતા દેશમાં પહેલીવાર માર્શલ લૉ લાગુ કરવાનું ઍલાન કર્યું હતું. જોકે બીજા જ દિવસે તેમણે આ નિર્ણય પરત લીધો હતો અને માફી માગી હતી.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિએ માર્શલ લૉ લાગુ કરવા પાછળ દેશવિરોધી તાકતો અને ઉત્તર કોરિયાથી જોખમ હોવાનું કારણ આગળ ધર્યું હતું.

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ સામે મહાભિયોગ પહેલા રસ્તા પર ઉતર્યા લોકો

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ યૂન સુક-યોલે આ સપ્તાહે માર્શલ લૉ લાગુ કરવા અને તેને હઠાવી લેવાને લઈને માફી માગી છે.

આ બધા વચ્ચે યૂન સુક-યોલની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની સામે દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યાં છે.

લોકો માની રહ્યા હતા કે રાષ્ટ્રપતિ આ વિવાદ બાદ પોતાનાં પદ પરથી રાજીનામું આપશે.

સંસદની બહાર હજારો લોકો રાષ્ટ્રપતિ સામે પ્રદર્શનો કરી રહ્યા છે અને રાષ્ટ્રપતિને હઠાવવાની માગ કરી રહ્યા છે.

પ્રદર્શન એવા સમયે થઈ રહ્યું છે જ્યારે યૂન સુક- યોલ પોતાની સામે મહાભિયોગનો સામનો કરી રહ્યા છે.

ઑસ્ટ્રેલિયાએ ભારતને 157 રનની આપી લીડ, ટ્રેવિસ હેડની સદી

એડિલેડમાં રમાઈ રહેલી ડે-નાઇટ ટેસ્ટમૅચમાં ઑસ્ટ્રેલિયાની પહેલી ઇનિંગ 337 રનમાં સમાપ્ત થઈ છે.

આ સાથે ઑસ્ટ્રેલિયાએ ભારત પર 157 રનોની લીડ હાંસલ કરી છે.

ઑસ્ટ્રેલિયાના ટ્રેવિસ હેડે સદી ફટકારી હતી. તેમણે 140 રન બનાવ્યા. માર્નસ લાબુશેને પણ અર્ધસદી ફટકારી હતી.

ભારત વતી જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાઝે 4-4 વિકેટો લીધી

આ પહેલાં ભારતની પહેલી ઇનિંગ 180 રનમાં સમેટાઈ ગઈ હતી.

સીરિયા મુદ્દે ભારતે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરીને શું કહ્યું

સીરિયામાં વિદ્રોહી જૂથો દેશની રાજધાની દમિશ્ક તરફ વધ્યાના સમાચાર બાદ સ્થિતિને જોતાં ભારતીય વિદેશ મંત્રાલયે ટ્રાવેલ ઍડવાઇઝરી જાહેર કરી છે.

ઍડવાઇઝરીમાં વિદેશ મંત્રાલયે ભારતીય નાગરિકોને કહ્યું કે સીરિયા જવાથી બચે.

વિદેશ મંત્રાલયે કહ્યું કે સીરિયામાં રહેતા ભારતીય દમિશ્કમાં આવેલા ભારતીય દૂતાવાસમાં સંપર્કમાં રહે.

વિદેશ મંત્રાલયે ઇમરજન્સી હેલ્પાઇન નંબર (+963 993385973) જાહેર કર્યો છે અને કહ્યું કે નાગરિકો ફોન નંબર અને વૉટ્સઍૅપના માધ્યમથી ભારતીય દૂતાવાસનો સંપર્ક કરી શકે છે. આ સિવાય મંત્રાલયે ઈમેલ આઈડી [email protected] પણ જાહેર કર્યો છે.

જે લોકો સીરિયા છોડી શકે છે તેમના માટે વિદેશ મંત્રાલયે કહ્યું કે "જે ઉડાન ચાલી રહી છે તેનો ઉપયોગ કરે."

વિદેશ મંત્રાલયે સીરિયામાં રહેતા ભારતીયોને વિનંતી કરી કે તેઓ પોતાની સુરક્ષા અંગે બહુ સાવધ રહે.

સીરિયામાં વિદ્રોહીઓએ ક્યાં ક્યાં કબજો કર્યો?

સીરિયામાં ઇસ્લામી વિદ્રોહી પાટનગર દમિશ્ક તરફ આગળ વધી રહ્યા છે. આ દરમિયાન વિદ્રોહીઓએ દક્ષિણ સીરિયાના ડેરાના મોટા ભાગના ભાગો પર કબજો કરી લીધો છે.

ડેરા એ જ ક્ષેત્ર છે જ્યાં વર્ષ 2011માં રાષ્ટ્રપતિ બશર અલ-અસદનો વિરોધ શરૂ થયો હતો. જે બાદ દેશમાં ગૃહયુદ્ધની સ્થિતિ ઊભી થઈ ગઈ હતી અને આ સંઘર્ષમાં પાંચ લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં.

વ્યૂહરચનાત્મક અને સાંકેતિક રીતે આ ક્ષેત્રનું ઘણું મહત્ત્વ છે. આ વિસ્તાર જૉર્ડનની સરહદ સાથે જોડાયેલ મુખ્ય ક્રૉસિંગની નજીક છે.

બ્રિટનસ્થિત સીરિયન ઑબ્ઝર્વેટરીએ જણાવ્યું છે કે સરકારી દળો સાથે 'હિંસક ઘર્ષણ' બાદ 'સ્થાનિક વિદ્રોહી જૂથો' સૈન્યનાં ઘણાં ઠેકાણાં પર કબજો કરવામાં સફળ રહ્યાં છે.

જૉર્ડનના ગૃહમંત્રીએ કહ્યું કે, "સીરિયાના દક્ષિણમાં સુરક્ષા સ્થિતિને જોતાં દેશ સીરિયાના આ વિસ્તાર સાથે જોડાયેલી બૉર્ડરને બંધ કરી દેવાઈ છે."

થોડા દિવસો અગાઉ વિદ્રોહી હમા પર કબજો કરી ચૂક્યા છે અને હોમ્સથી હજારો લોકો પલાયન કરી ચૂક્યા છે.

રાષ્ટ્રપતિ બશર અલ-અસદ માટે આ બીજો મોટો ફટકો હતો, કારણ કે ગત અઠવાડિયે સરકારી દળોએ અલેપ્પો પર નિયંત્રણ ગુમાવી દીધું હતું.

ગત અઠવાડિયે સીરિયામાં વિદ્રોહીએ અચાનક હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું અને એ બાદથી લઘુમતી સમુદાય અલાવિતના લોકોએ ઘર છોડવાનું શરૂ કરી દીધું છે.

બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે ભારતનો મહત્ત્વપૂર્ણ નિર્ણય

ભારતના વિદેશસચિવ વિક્રમ મિસ્રી 9 ડિસેમ્બરે બાંગ્લાદેશ જશે.

શુક્રવારે ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું કે વિક્રમ મિસ્રી આ પ્રવાસમાં ઘણી બેઠકો કરશે.

વિક્રમ મિસ્ત્રી ઢાકા એવા સમયે જઈ રહ્યા છે, જ્યારે બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે.

શેખ હસીનાના સત્તાથી બેદખલ થયાં બાદથી ભારત ઘણી વાર બાંગ્લાદેશમાં હિંદુઓ સહિત અન્ય લઘુમતીઓની સુરક્ષા પર ચિંતા વ્યક્ત કરી ચૂક્યું છે.

બીજી તરફ બાંગ્લાદેશ ભારતની ચિંતાઓને ખારિજ કરતું આવ્યું છે. બાંગ્લાદેશે તો એટલે સુધી કહ્યું છે કે ભારત તેના આંતરિક મામલામાં હસ્તક્ષેપ કરી રહ્યું છે.

નોંધનીય છે કે શેખ હસીનાએ ગત 5 ઑગસ્ટે સત્તા છોડી હતી, જે બાદથી તેઓ ભારતમાં રહી રહ્યાં છે અને બાંગ્લાદેશની કમાન મોહમ્મદ યુનૂસના હાથમાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.