ઊંઘ તૂટવાની અસર તમારા મગજની કાર્યક્ષમતા પર અસર પડી શકે?

    • લેેખક, સુશીલા સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

જો તમને ઊંઘ બરાબર ન આવતી હોય અને ઑબસ્ટ્રક્ટિવ સ્લીપ ઍપનિયા(ઓએસએ)નાં લક્ષણ દેખાતાં હોય તો તેની મગજની વિચારવા-સમજવાની ક્ષમતા પર અસર પડી શકે છે.

આ વિષય પર આવેલા એક નવા રિપોર્ટ અનુસાર ભારતમાં દર દસમાંથી એક વ્યક્તિ આ સમસ્યાથી પીડાય છે અને ઉંમરમાં વધારા સાથે આ સ્થિતિ વ્યક્તિના મગજની કાર્યક્ષમતા પર અસર કરે છે.

આ શોધ અખિલ ભારતીય આર્યુવિજ્ઞાન સંસ્થામાં ન્યૂરોલૉજી વિભાગના પ્રમુખ રહેલા અને પદ્મશ્રી ડૉ. કામેશ્વરપ્રસાદના વડપણમાં થઈ.

આ શોધ 7,505 વયસ્કો પર કરાઈ હતી.

ભારતની ઘણી સ્વાસ્થ્ય સંસ્થાઓ ઉપરાંત નેધરલૅન્ડ્સના ઇરામસ મેડિકલ સેન્ટરના એપિડેમિયોલૉજી વિભાગ અને અમેરિકાના હાર્વર્ડ ટીએચ ચેન સ્કૂલના પબ્લિક હેલ્થના સોશિયલ અને બિહેવિયરલ સાઇન્સિસના ડૉક્ટરોએ મળીને આ વિષય પર અધ્યયન કર્યું.

બીબીસી સાથે વાતચીતમાં ડૉ. કામેશ્વરપ્રસાદ કહે છે, “ભારતમાં આ પ્રકારની શોધ પહેલી વાર થઈ છે, જેમાં જિનૉમિક્સ, ન્યૂરોઇમેજિંગ અને ઊંઘ સાથે જોડાયેલી ઘણી બાબતો પર અધ્યયન કરવામાં આવ્યું. આમાં મહિલાઓ અને પુરુષો સરખા પ્રમાણમાં હતાં.”

ઊંઘ અંગેની આ શોધમાં શું સામે આવ્યું?

તેઓ આ શોધનું કારણ જણાવતાં કહે છે કે ઘણા દેશોની માફક ભારતમાં લોકોની ઉંમરની સીમા સાથે વૃદ્ધોની સંખ્યા પણ વધી રહી છે. સમય જતાં આ સંખ્યામાં હજુ પણ વધારો થશે.

ડૉ. કામેશ્વરપ્રસાદ મુજબ, “ઉંમર વધતાં મોટી બીમારીઓ, જેમ કે ડિમેન્શિયા કે ભૂલવાની બીમારી, હાર્ટ ઍટેક અને સ્ટ્રોક સામે આવે છે. આ શોધ મુખ્યત્વે આ સમસ્યાઓ પર કેન્દ્રિત હતી.”

આ શોધમાં લોકોને ઊંઘ વિશે ઘણા પ્રશ્નો પૂછવામાં આવ્યા. જેમાં ઊંઘ સારી રીતે આવવી, ઑબસ્ટ્રક્ટિવ સ્લીપ ઍપનિયા(ઓએસએ) વગેરે વિશે પૂછાયું અને તેનો મગજની કાર્યક્ષમતા જેમ કે યાદશક્તિ, યોજના, ડિઝાઇન બનાવવી અને સિક્વન્સિંગ વગેરે સાથે શો સંબંધ છે?

ડૉ. કામેશ્વર પ્રસાદ કહે છે, “શોધમાં જાણવા મળ્યું કે જે લોકો ખરાબ ઊંઘની સમસ્યાની પીડાય છે અથવા તો જેમને ઓએસએ છે, તેમના મગજની કાર્યક્ષમતા, જે લોકોને સારી ઊંઘ આવે છે, તેમની સરખામણીએ એટલી સારી નથી.

ઑબ્સ્ટ્રક્ટિવ સ્લીપ ઍપનિયા (ઓએસએ) શું છે?

નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં છપાયેલી જાણકારી મુજબ ઓએસએ એક એવી સમસ્યા છે જેમાં વ્યક્તિનો શ્વાસ ઊંઘતી વખતે સતત રોકાતો રહે છે.

ડૉક્ટર જેસી સૂરી આ અંગે સમજાવતાં જણાવે છે કે દિવસમાં વ્યક્તિને શ્વાસોચ્છવાસની ક્રિયામાં કોઈ તકલીફ નથી પડતી.

પણ રાત્રે સૂતી વખતે આપણાં સ્નાયુઓ આરામની સ્થિતિમાં હોય છે કે શિથિલ બની જાય છે. કોઈ પણ વ્યક્તિ ઊભા-ઊભા નથી સૂઈ શકતી.

ડૉક્ટર જેસી સૂરી ફોર્ટિસ હૉસ્પિટલમાં પલ્મોનરી, ક્રિટિકલ કૅર ઍન્ડ સ્લીપ મેડિસિન વિભાગના પ્રમુખ અને નિર્દેશક છે અને દિલ્હીસ્થિત સફદરજંગ હૉસ્પિટલમાં 34 વર્ષ કામ કરી ચૂક્યા છે.

ડૉક્ટર જેસી સૂરી જણાવે છે, “ઊંઘતી વખતે આપણી જીભ ગળા તરફ પાછળની બાજુએ જતી રહે છે અને એનાથી રસ્તો બંધ થઈ જાય છે અને શ્વાસ રોકાઈ જાય છે.”

"જેનાથી વ્યક્તિને શ્વાસ લેવા લાગે છે. આ પછી વ્યક્તિ ફરી સૂઈ જાય છે અને ફરી જીભ પાછળ જતી રહે છે અને શ્વાસ રોકાવા લાગે છે. જેના કારણે ફરી ઊંઘ તૂટે છે. આખી રાત આવું થતું રહે છે. આને ઑબસ્ટ્રક્ટિવ સ્લીપ ઍપનિયા કહેવાય છે."

“રાત્રે જ્યારે કોઈ વ્યક્તિનો શ્વાસ રોકાઈ જાય, તો એ ઊઠી જાય છે અને જીભમાં હરકત આવી જાય છે. એ મોઢામાં આગળની તરફ આવી જાય છે અને શ્વસનમાર્ગ ખૂલી જાય છે. જેના કારણે વ્યક્તિ શ્વાસ લેવા માંડે છે. આ પછી વ્યક્તિ ફરી સૂઈ જાય છે અને ફરી જીભ પાછળ જતી રહે છે અને શ્વાસ રોકાવા લાગે છે. જેના કારણે ફરી ઊંઘ તૂટે છે. આખી રાત આવું થતું રહે છે. આ સ્થિતિને ઑબસ્ટ્રક્ટિવ સ્લીપ ઍપનિયા કહેવાય છે.''

ડૉક્ટર જણાવે છે કે ઊંઘના પણ ઘણા સ્તર હોય છે. જેમાં હળવી, ઊંડી, સપનાંવાળી કે સપનાં વગરની ઊંઘ સામેલ છે. તે શરીરનાં વિવિધ અંગોની મદદ કરે છે.

નસકોરાંની સમસ્યા

ડૉ. જેસી સૂરી જણાવે છે કે ઊંઘમાં જ્યારે શ્વાસનો રસ્તો સંકોચાઈ જાય છે, ત્યારે આંશિકરૂપે શ્વાસનો રસ્તો રોકાયેલો હોવાનું કહી શકાય છે.

આવી સ્થિતિમાં વ્યક્તિનાં નસકોરાં બોલાવે છે અને જ્યારે આ રસ્તો પૂરી રીતે રોકાઈ જાય તો તેને સ્લીપ ઍપનીયા કહેવાય છે.

આવામાં જ્યારે તમે શ્વાસ ના લઈ રહ્યા હોય ત્યારે શરીરમાં ઑક્સિજન ઘટી જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વધી જાય છે. શ્વાસનો માર્ગ ત્યારે જ ખુલે છે જ્યારે ઊંઘ તૂટે છે.

આવામાં જે લોકોને સ્લીપ ઍપનિયાની બીમારી થાય છે તે વ્યક્તિઓને એક કલાકમાં 15, 25 કે 50 વાર ઊંઘ તૂટે છે કારણ કે તેમને શ્વાસનો રસ્તો ખોલવા માટે જાગવું પડે છે.

જેના કારણે વ્યક્તિ ઊંડી ઊંઘ નથી લઈ શકતી અને ઊંઘ બગડે છે.

ડૉક્ટર સલાહ આપે છે કે નસકોરાંથી બચવા માટે વજનને કાબુમાં રાખો કારણ કે તમારી દાઢી પાસે વધારે ચરબીયુક્ત પેશીઓ હોય છે. તે શ્વાસનળીને સાંકડી કરીને હવાના આવન-જાવનના રસ્તામાં વિઘ્ન ઊભા કરે છે. આવામાં યોગ્ય વજન જાળવવામાં આવે તો નસકોરાંથી રાહત મળી શકે છે.

જો તમને શરદી થઈ છે અને નાક બંધ છે તો તમને નસકોરાં આવવાની શક્યતા વધારે છે. આવામાં ઊંઘતા પહેલાં નાકને સારી રીતે સાફ કરો.

દારૂને કારણે ઊંઘ દરમ્યાન સ્નાયુઓ વધારે આરામદાયક સ્થિતિમાં પહોંચી જાય છે. જેનાથી શ્વાસનળી વધારે સંકોચાઈને વધારે સાંકડી થઈ જાય છે. આવામાં સલાહ અપાય છે કે ઊંઘતા પહેલાં દારુ ના પીવો જોઈએ.

જ્યારે તમે સીધા ઊંઘો છો ત્યારે જીભ, દાઢી અને દાઢી નીચેની ચરબી બધું તમારા શ્વાસના રસ્તામાં અવરોધ ઊભા કરે છે. આવામાં જો તમને નસકોરાં બોલે તો તમે પડખું ફરીને ઊંઘો.

ઊંઘમાં જ્યારે શ્વાસનો રસ્તો સંકોચાઈ જાય છે ત્યારે વ્યક્તિને નસકોરાં આવવા લાગે છે અ જ્યારે રસ્તો સંપૂર્ણ રીતે રોકાઈ જાય છે તો તેને સ્લીપ ઍપનિયા કહેવાય છે.

ઊંઘ પૂરી ના થાય તો તેની શરીર પર અસરો

ડૉક્ટર જણાવે છે કે જો કોઈ વ્યક્તિની ઊંઘ પૂરી ના થાય તો આખા શરીર પર તેની અસર થાય છે અને કામ પર પણ તેની અસર દેખાય છે.

  • એકાગ્રતા ઘટે
  • યાદશક્તિ પર અસર
  • નિર્ણય લેવાની ક્ષમતા પર અસર
  • ભાવનાત્મક સ્વાસ્થ્ય પર અસર થાય છે જેનાથી ચીડિયાપણું, ગુસ્સો આવે છે
  • દિવસે ઊંઘ આવે છે
  • ઍગ્ઝાઇટી અને ઉદાસીનતા આવી શકે છે
  • ઊર્જાની ઉણપ
  • બ્લડપ્રેશર પર અસર
  • હ્રદયની બીમારીઓ થવાનું જોખમ
  • ડાયાબિટીસ હોય તો બીમારી સામે લડવાની ગતિ ધીમી પડે છે
  • થાક લાગે

કેટલી ઊંઘ લેવી જોઈએ?

ડૉક્ટર કહે છે કે એક નવજાત શિશુએ વધારે કલાકોની ઊંઘ લેવી જોઈએ. જેમ જેમ ઉંમર વધે તેમ તેમ ઊંઘ ઓછી થવા લાગે છે.

ડૉ. જેસી સૂરી જણાવે છે કે સ્લીપ ફાઉન્ડેશન અનુસાર નવજાત શિશુને 14 થી 17 કલાક ઊંઘવું જોઈએ. પુખ્ય(14થી17 વર્ષ) વ્યક્તિએ આઠથી દસ કલાક ઊંઘ લેવી જોઈએ.

18 થ 26 વર્ષની વ્યક્તિએ સાત થી નવ કલાક અને 65 વર્ષ અને તેથી વધારે ઉંમરવાળા લોકોએ સાત થી આઠ કલાક ઊંઘવું જોઈએ.

ડૉક્ટરો મુજબ આપણું જીવન દિવસ અને રાતના હિસાબે ચાલે છે જ્યાં આપણે દિવસે જાગીએ છીએ અને કામ કરીએ છીએ તો રાત્રે સૂઈ જઈએ છીએ. તે મુજબ આપણે ભોજન પણ લઈએ છીએ. ઊંઘ આપણાં મસ્તિષ્ક, શરીરના બધા ફંક્શનને યોગ્યરીતે ચલાવવા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ હોય છે.

બીજી બાજુ જે લોકોને ઊંઘ નથી આવતી તેમને સ્લીપ હાઇજીનનું ધ્યાન રાખવાનું ડૉક્ટરો કહે છે.

સ્લીપ હાઇજીનમાં લોકોને સલાહ અપાય છે કે તેઓ દિવસે ના ઊંઘે અને રાત્રે ચા કે કૉફી ના પીવે.

ડૉક્ટર મુજબ કેટલાય લોકોનો શ્વાસ લેવાનો રસ્તો જન્મથી જ સંકોચાયેલો હોય છે અને વજન વધતા આ સમસ્યા વધી જાય છે. મતલબ મેદસ્વિતાને કારણે પણ ઊંઘ ન આવવાની તકલીફ થઈ શકે છે. આવામાં સક્રિય જીવનશૈલી અપનાવવી જોઈએ.

ડૉ. કામેશ્વર પ્રસાદ કહે છે કે લોકો એ નથી સમજી શકતા કે તેમને ઊંઘ સાથે જોડાયેલી તકલીફ છે તો તપાસ કરાવીએ અને સારવાર કરાવીએ. જેથી ડિમેંશિયાની તકલીફ આગળ ના વધે અને તેના કારણે થનારી અન્ય બીમારીઓથી બચી શકાય.