You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ઉત્તરાખંડના હલ્દ્વાનીમાં હિંસા, વ્યવસ્થાતંત્ર પર સવાલો કેમ ઊઠી રહ્યા છે?
- લેેખક, રાઘવેન્દ્ર રાવ
- પદ, બીબીસી સંવાદદાતા, હલ્દ્વાનીથી
આઠ ફેબ્રુઆરીની સાંજે ઉત્તરાખંડનું હલ્દ્વાની શહેર હિંસાની આગમાં ગરકાવ થઈ ગયું હતું.
જ્યારે સ્થાનિક પ્રશાસન ભારે સુરક્ષા બંદોબસ્ત સાથે બનભૂલપુરા વિસ્તારમાં કથિત અતિક્રમણને હઠાવવા પહોંચ્યું ત્યારે આ હિંસા ત્યારે ભડકી હતી.
જોતજોતામાં સમગ્ર વિસ્તારમાં જાણે કે રમખાણો ફાટી નીકળ્યાં હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ હતી.
આ હિંસામાં પાંચ લોકોનાં મોત થઈ ગયાં અને અનેક લોકો ઘાયલ થયા હતા. જેમાં પોલીસકર્મીઓ પણ સામેલ હતા.
પ્રશાસન પ્રમાણે આ કાર્યવાહી કાયદાકીય સીમામાં રહીને કરવામાં આવી હતી.
પરંતુ સ્થાનિક વ્યવસ્થાતંત્રની આ કાર્યવાહીને લઈને સ્થાનિક લોકો અને આ મામલા સાથે જોડાયેલા વકીલો અનેક આરોપ લગાવી રહ્યા છે.
ઇન્ટેલિજન્સ ઍલર્ટને નજરઅંદાજ કરવામાં આવ્યું?
ઉત્તરાખંડ પોલીસની લોકલ ઇન્ટેલિજન્સ યુનિટ (એલઆઈયુ)એ 31 જાન્યુઆરી અને 3 ફેબ્રુઆરી વચ્ચે પાંચ વખત વ્યવસ્થાતંત્રને મોકલેલા રિપોર્ટમાં ઈશારો કર્યો હતો કે મસ્જિદ કે મદરસાને તોડી પાડવાને કારણે ભારે વિરોધ થવાની સંભાવના છે.
તેમાંથી એક રિપોર્ટમાં ઍન્ટી-એન્ક્રોચમેન્ટ ડ્રાઇવને સવારના સમયે કરવાની વાત કહેવામાં આવી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
એક અન્ય અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ડ્રાઇવ દરમિયાન મહિલાઓ અને બાળકોની હાજરીને કારણે બળપ્રયોગ કરવાને કારણે હાલત ખરાબ થઈ શકે છે.
રાજીવ લોચન સાહ ઉત્તરાખંડના વરિષ્ઠ પત્રકાર અને સામાજિક કાર્યકર્તા છે. તેઓ ચીપકો આંદોલન અને ઉત્તરાખંડ રાજ્ય બનાવવાની લડતમાં સામેલ રહ્યા છે. તેઓ ‘નૈનીતાલ સમાચાર’ નામના અખબારના તંત્રી છે.
તેઓ કહે છે, “આ પ્રકારનું જ્યારે ડિમોલિશન કરવામાં આવે છે ત્યારે તમે સવારના સમયે જાઓ છો, તો તમને આખો દિવસ મળે છે. તમે શિયાળાના દિવસોમાં પણ સાંજે જાઓ છો કે જ્યારે અંધારું જલદી થઈ જાય છે. તમે મોકો આપી રહ્યા છો કે જો આ પ્રકારની કંઈ ઘટના બને તો તમે ખતરામાં આવશો. આ તો વ્યવસ્થાતંત્રની બેદરકારી છે.”
જોકે, આ મામલે જિલ્લા વ્યવસ્થાતંત્રનું કહેવું કંઈક અલગ છે.
નૈનીતાલના કલેક્ટર વંદનાસિંહ કહે છે, “અમારાં દળો અતિક્રમણની હઠાવવાની કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર હતાં અને અમારી તૈયારી ઇન્ટેલિજન્સ ઇનપુટના આધારે જ હતી. અમે તૈયારી સાથે જ ગયા હતા અને એટલે જ નગરનિગમના કર્મચારીઓને કોઈ જીવલેણ ઈજા નથી થઈ. ડિમોલિશન ડ્રાઇવ પણ શાંતિપૂર્વક થઈ. જે લોકો ઉપદ્રવી હતા તેમણે ત્યાર બાદ પ્રતિક્રિયા આપી.”
સાંજના સમયે કાર્યવાહી કરવાના સવાલ પર વંદનાસિંહે કહ્યું, “અમારું આકલન હતું કે અમે વહેલી સવારે કે મોડી સાંજે કરીશું તો તેનાથી રેલવે પર પણ ખતરો હતો. એક-બે ટ્રેન તો ત્યાં જ ઊભી રહે છે જે સવારે આવે છે અને સાંજે જાય છે. કોઈ પ્રકારની હિંસક પ્રતિક્રિયા થઈ હોત તો એ પણ રેલવે પર થાત. જે પ્રતિક્રિયા થાણામાં જોવા મળી.”
શું વ્યવસ્થાતંત્રે ઉતાવળ કરી?
હલ્દ્વાની પ્રશાસને 30 જાન્યુઆરીએ કથિત અતિક્રમણને તોડી પાડવા માટે નોટિસ આપી હતી. આમાં એક મદરેસા અને એક મસ્જિદ સામેલ હતી.
3જી ફેબ્રુઆરીની રાત્રે તેને સીલ કરી દેવામાં આવ્યા હતા.
6 ફેબ્રુઆરીએ ઉત્તરાખંડ હાઈકોર્ટમાં 30 જાન્યુઆરીની નોટિસ રદ કરવાની માગણી કરતી અરજી દાખલ કરવામાં આવી હતી.
તેમજ અરજીમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે વહીવટીતંત્રને આ જમીન પર બળજબરીથી કબજો કરવાની અથવા તોડી પાડવાની મંજૂરી આપવી જોઈએ નહીં.
હાઈકોર્ટે આ કેસની સુનાવણી માટે 14 ફેબ્રુઆરીની તારીખ આપી છે.
વહીવટીતંત્રે 8 ફેબ્રુઆરીની સાંજે તેને તોડી પાડી ત્યાર બાદ બનભૂલપુરામાં હિંસા ફાટી નીકળી હતી.
હાઇકોર્ટમાં છે મામલો
રાજીવ લોચન સાહ કહે છે, “કેસ ચાલી રહ્યો છે, તેની સુનાવણી 14મી તારીખે થવાની છે. તમે તે સુનાવણીની પણ રાહ જોઈ રહ્યા નથી. તમારે શું ઉતાવળ હતી? અગાઉ તમે એક વાર એ જગ્યા સીલ કરી ચૂક્યા હતા. તમે 14મી તારીખ સુધી રાહ જોઈ શકતા હતા. તો ખ્યાલ આવત કે કોર્ટનું વલણ શું છે, તેમને સ્ટે મળે છે કે નહીં."
એહરાર બેગ અરજદારના વકીલ છે. તેમનો દાવો છે કે પ્રશાસને આ મામલે યોગ્ય પ્રક્રિયાને અનુસરી નથી.
બેગ કહે છે, "ન તો માનનીય હાઈકોર્ટે અમને આ કેસમાં કોઈ પ્રકારનો સ્ટે આપ્યો અને ન તો વહીવટીતંત્રે તેને તોડી પાડવાનો આદેશ આપ્યો હતો. એક વાર મિલકત સીલ થઈ જાય પછી આપણે થોડો સમય રાહ જોવી જોઈતી હતી. મિલકત સીલ થઈ ગઈ હતી અને અચાનક તેઓ તેને તોડી પાડવા આવ્યા."
એહરાર બેગ કહે છે કે આ ઇમારતો બિનવારસી જમીન પર બનાવવામાં આવી હતી અને વર્ષ 1937માં સરકારે આ જમીન મોહમ્મદ યાસીનને ખેતી માટે લીઝ પર આપી હતી.
આ બિનવારસી જમીનો એ સરકારની માલિકીની છે પણ તે રાજ્યની મિલકત તરીકે સરકાર દ્વારા સીધી રીતે સંચાલિત નથી.
સરકારો મોટે ભાગે આવી જમીન ચોક્કસ સમયગાળા માટે લીઝ પર આપે છે.
બેગના જણાવ્યા અનુસાર, આ જમીનની માલિકી પેઢી દર પેઢી બદલાઈ હતી અને અરજીકર્તા સફિયા મલિકને વારસામાં મળી હતી.
નૈનીતાલનાં કલેક્ટર વંદનાસિંહ કહે છે, "બે સુનાવણી થઈ હતી અને બંને સુનાવણીમાં કોર્ટે સ્ટેના સ્વરૂપમાં કોઈ રાહત આપી ન હતી. જો કોર્ટે અંતિમ નિકાલ નહોતો આપ્યો પણ તેણે સ્ટે પણ આપ્યો ન હતો. જો કોઈ યોગ્યતા હોત તો પ્રથમ સુનાવણીમાં જ સ્ટે મંજૂર કરવામાં આવ્યા હોત. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે કોર્ટ મૌખિક દલીલો દરમિયાન અરજદારની તરફેણમાં કોઈ આદેશ આપવા તૈયાર ન હતી."
30 લોકોની ધરપકડ થઈ
અધિકૃત માહિતી અનુસાર, બનભૂલપુરામાં થયેલી હિંસામાં પાંચ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા. ઘાયલોમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ પણ સામેલ છે.
બનભૂલપુરામાં હિંસાના મામલામાં ત્રણ એફઆઈઆર નોંધવામાં આવી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓના કબજામાંથી પોલીસ સ્ટેશનમાંથી લૂંટવામાં આવેલી સાત પિસ્તોલ, 54 જીવતા કારતૂસ અને પોલીસ સ્ટેશનમાંથી 99 જીવતા કારતૂસ મળી આવ્યા છે.
પોલીસનું કહેવું છે કે તેમની ટીમોએ ગુનાના સ્થળોની નજીકના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાઓના આધારે ગુનાના સ્થળોની નજીક આવેલાં ઘરો પર દરોડા પાડ્યા અને નોંધાયેલા કેસોમાં જે આરોપીઓનાં નામ હતાં તેમની ધરપકડ કરી છે અને તેમના કબજામાંથી ગેરકાયદેસર હથિયારો અને કારતૂસ જપ્ત કર્યાં.
પોલીસે એમ પણ કહ્યું છે કે ડિમોલિશન ઑપરેશન દરમિયાન બદમાશોએ પોલીસ અને વહીવટી અધિકારીઓ પર લાઇસન્સવાળાં હથિયારો અને ગેરકાયદેસર ઘાતક હથિયારોથી હુમલો કર્યો હતો, જેના કારણે સેંકડો અધિકારીઓ અને કર્મચારીઓ ઘાયલ થયા હતા.
જિલ્લા મૅજિસ્ટ્રેટે કુલ 120 લાઇસન્સધારકોના 127 શસ્ત્ર લાઇસન્સ રદ કર્યાં છે. તેમજ પોલીસને સસ્પેન્ડેડ લાઇસન્સ સાથે હથિયારો કબજે કરવા આદેશ આપવામાં આવ્યો છે.
હલ્દ્વાનીમાં 8 ફેબ્રુઆરીની રાત્રે જ કર્ફ્યૂ લાદવામાં આવ્યો હતો. ઘટનાના થોડા દિવસો બાદ હવે આ કર્ફ્યૂ માત્ર બનભૂલપુરા પૂરતો જ સીમિત છે.
પોલીસે આ વિસ્તારને ચારે બાજુથી નાકાબંધી કરી દીધી છે અને કોઈને પણ અંદર પ્રવેશવા દેવામાં આવી રહ્યા નથી. બનભૂલપુરાની મોટી વસ્તી પોતાના ઘર સુધી સીમિત છે.
પોલીસ પર બળજબરીનો આરોપ
દરમિયાન સ્થાનિક પોલીસ પર એ આરોપ લાગી રહ્યા છે કે બનભૂલપુરાના લોકો પર બળજબરી કરવામાં આવી રહી છે.
બનભૂલપુરાની સ્થિતિથી પરિચિત વ્યક્તિએ અમારી સાથે વાત કરી પણ પોતાની ઓળખ છુપાવવાની શરતે બીબીસી સાથે વાત કરી હતી.
તેમણે કહ્યું, "શહેરના ધારાસભ્યે બધાની સામે કહ્યું કે મલિકના બગીચામાં અને અન્ય અસરગ્રસ્ત વિસ્તારોમાં પોલીસ ઘરોમાં ઘૂસીને મહિલાઓને માર મારી રહી છે. પોલીસે આ સમયગાળા દરમિયાન ઘણી ક્રૂરતા કરી છે. ઘરોને તોડી પાડ્યાં છે. તેમને લાકડી વડે માર મારવો, ધમકાવવું આ તો બહુ સામાન્ય વાત બની ગઈ છે. લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ઇન્ટરનેટ શરૂ થશે ત્યારે બધી વાત સામે આવશે, ઇન્ટરનેટ જ્યારે બંધ થઈ ગયું ત્યારે લોકો વધુ ડરી ગયા."
બનભૂલપુરા વિસ્તાર સિવાય સમગ્ર હલ્દ્વાનીમાંથી કર્ફ્યૂ હઠાવી લેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં હજુ પણ ઇન્ટરનેટ બંધ છે.
રાજીવ લોચન સાહ કહે છે, "જે ઘટના બની રહી છે તેના પરથી એવું પણ લાગે છે કે તમે બળજબરીથી કર્ફ્યૂ લંબાવ્યો છે જેથી પોલીસ ત્યાં જઈને બદલો લઈ શકે અને વીણીવીણીને લોકોને તેમનાં ઘરોમાંથી બહાર કાઢીને મારી શકે."
જિલ્લા વહીવટીતંત્ર આ આરોપોને નકારે છે.
પ્રશાસનનું શું કહેવું છે?
જિલ્લા કલેક્ટર વંદનાસિંહ કહે છે, “મારી પાસે અલગ-અલગ સંગઠનોના એક-બે ફોન આવ્યા. પછી મેં એએસપીને ફોન કર્યો અને તેમણે કહ્યું કે કેટલાક લોકો ખોટી માહિતી ફેલાવી રહ્યા છે અને અમે અમારી ફોર્સને બ્રીફિંગ કરી દીધું છે જેના કારણે કોઈ પણ આવી ઘટના ન બને. કોઈ નિર્દોષ વ્યક્તિને નુકસાન ન થાય.”
"તેના તુરંત બાદ અમે તમને નુકસાન પહોંચાડવા માગતા નથી તે સંદેશ આપવા માટે, અમે કર્ફ્યૂ હોવા છતાં અમારી ટીમો દ્વારા રાત્રે દૂધ અને બધી વસ્તુઓ સપ્લાય કરવાનું શરૂ કર્યું. અમારો કે સરકારનો કોઈ ઈરાદો નિર્દોષોને સજા કરવાનો નથી. પરંતુ જે લોકો કાયદાનું પાલન નહીં કરે તેમને અમે સજા કરીશું."
જમીન અંગેની આગામી સુનાવણી ઉત્તરાખંડ હાઈકોર્ટમાં 14 ફેબ્રુઆરીએ થવાની છે.
પરંતુ ઉત્તરાખંડના મુખ્ય મંત્રી પુષ્કરસિંહ ધામીએ પહેલાંથી જ જાહેરાત કરી દીધી છે કે હવે બનભૂલપુરામાં જ્યાંથી અતિક્રમણ હટાવવામાં આવ્યું છે ત્યાં પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે.
ધામીએ ટ્વીટર પર લખ્યું, "આ અમારી સરકાર તરફથી બદમાશો અને તોફાનીઓને સ્પષ્ટ સંદેશ છે કે દેવભૂમિની શાંતિ સાથે ખેલ કરનાર કોઈ પણ વ્યક્તિને બક્ષવામાં આવશે નહીં. ઉત્તરાખંડમાં આવા બદમાશો માટે કોઈ સ્થાન નથી."