You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીર : એક ફૅશન શોને કારણે હોબાળો, લોકોએ કહ્યું, "રમઝાન દરમિયાન આ પ્રકારનો શો શરમજનક"
- લેેખક, માજિદ જહાંગીર
- પદ, બીબીસી ન્યૂઝ
જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં આયોજિત એક ફૅશન શોને લઈને હંગામો થયો છે. ઘણા રાજકીય પક્ષો આ ફૅશન શોની ટીકા કરી રહ્યા છે.
વિધાનસભામાં પણ ગુલમર્ગના ફૅશન શોને લઈને ધમાલ થઈ છે.
નવમી માર્ચ, રવિવારે સોશિયલ મીડિયા પર ફૅશન શોની તસવીરો વાઇરલ થઈ તો લોકોએ તેના વિશે નારાજગી વ્યક્ત કરી. ત્યાર પછી મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ આ શો વિશે અધિકારીઓ પાસે રિપોર્ટ મગાવ્યો છે.
ગયા શુક્રવારે બરફની ચાદરમાં લપેટાયેલા ગુલમર્ગમાં આ ફૅશન શો યોજાયો હતો. આ પ્રોગ્રામને આયોજિત કરનારા ફૅશન ડિઝાઇનર શિવન અને નરેશ બિનકાશ્મીરી છે.
'આવો શો શરમજનક'
અલગતાવાદી નેતા અને હુર્રિયત કૉન્ફરન્સના ચૅરમૅન મિરવાઈઝ ઉમર ફારુકે સોશિયલ મીડિયા એકાઉન્ટ ઍક્સ પર લખ્યું કે, "આ બહુ શરમજનક છે. રમઝાનના પવિત્ર મહિનામાં અશ્લીલ ફૅશન શોનું આયોજન કરવામાં આવ્યું જેની તસવીરો અને વીડિયો વાઇરલ થયાં છે. લોકોમાં આ અંગે આક્રોશ અને ગુસ્સો છે. સુફી સંત સંસ્કૃતિ અને લોકોના ગાઢ ધાર્મિક દૃષ્ટિકોણ માટે જાણીતી ખીણમાં આ કેવી રીતે ચલાવી લેવાય? તેમાં સામેલ લોકોને તાત્કાલિક જવાબદાર ગણવા જોઈએ. પર્યટનને ઉત્તેજન આપવાના નામે આ પ્રકારની અશ્લીલતા કાશ્મીરમાં ચલાવી લેવામાં નહીં આવે."
નૅશનલ કૉન્ફરન્સના સાંસદ આગા રુહુલ્લાહે પણ ફૅશન શોની ટીકા કરતાં ઍક્સ પર લખ્યું, "ગુલમર્ગથી જે તસવીરો આવી તે ચોંકાવનારી છે. એવું લાગે છે કે આ અમારી સંસ્કૃતિ પર હુમલો છે."
આ હંગામા દરમિયાન સોમવારે મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં કહ્યું કે, "આ કોઈ સરકારી આયોજન ન હતું, પરંતુ એક પ્રાઇવેટ શો હતો. આ મામલે તપાસના આદેશ અપાયા છે. રમઝાન વખતે જ નહીં, પણ કોઈ પણ સમયે આ પ્રકારનો શો યોજાવો ન જોઈએ."
પીપલ્સ ડેમૉક્રેટિક પાર્ટી (પીડીપી)ના નેતા ઇલ્તિજા મુફ્તીએ કહ્યું કે, "આ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે. પર્યટન મંત્રાલય ઓમર અબ્દુલ્લા પાસે છે. ગુલમર્ગના ધારાસભ્ય પણ નૅશનલ કૉન્ફરન્સના છે. તેમને ખબર હતી કે કાર્યક્રમ ચાલુ છે અને અશ્લીલ તસવીરો પ્રસારિત થઈ રહી છે. પરંતુ તેમણે તેને અટકાવ્યો નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભાજપ શું કહે છે?
જમ્મુ અને કાશ્મીર ભાજપના પ્રવક્તા સુનીલ શેઠીએ ઓમર અબ્દુલ્લાના નિવેદન પર સવાલ ઉઠાવ્યો કે તેમને આ શો વિશે જાણકારી ન હતી.
તેમણે કહ્યું કે, "જો મુખ્ય મંત્રીને એ વાતનો વાંધો હોય કે રમઝાનમાં ગુલમર્ગમાં ફૅશન શો યોજાવો ન જોઈએ કે તેઓ કેવા મુખ્યમં ત્રી છે જેમને રમઝાન મહિનામાં આ શો થયો અને ખબર પણ ન પડી."
તેમણે કહ્યું કે, "પ્રોગ્રામ જ્યારે પૂરો થાય ત્યારે તેમને ખબર પડે છે. તેમના મંત્રી ક્યાં છે? આ બધું વિન્ટર સ્પૉર્ટ્સ સાથે સંબંધિત હતું. આ જે સમયે થયું ત્યારે વિન્ટર સ્પૉર્ટ્સની તૈયારીઓ ચાલતી હતી. જ્યારે કંઈક થાય ત્યારે તેઓ પોતાની આંખો મીંચી નાખે છે. ત્યાર પછી સોશિયલ મીડિયા પર હંગામો થાય ત્યારે આ લોકો જાગે છે. ઓમર અબ્દુલ્લા કહે છે કે રમઝાન મહિનામાં આ ન થવું જોઈએ. શું સરકારે એવી કોઈ ઍડવાઈઝરી જાહેર કરી છે કે રમઝાન મહિનામાં આ ન થવું જોઈતું હતું."
આયોજકો શું કહે છે?
ફૅશન શો અંગે હંગામો થયા પછી શોના આયોજકો ફૅશન ડિઝાઈનર શિવન અને નરેશે ઍક્સ પર નિવેદન આપીને માફી માંગી છે.
તેમણે લખ્યું છે કે, "ગુલમર્ગમાં રમઝાન દરમિયાન આયોજિત અમારા ફૅશન શોથી કોઈની લાગણી દુભાઈ હોય તો અમને તેના બદલ ખેદ છે. અમારો એકમાત્ર હેતુ સર્જનાત્મકતાની ઉજવણી કરવાનો હતો, કોઈની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડ્યા વગર. અમે લોકોને ઠેસ પહોંચાડવા માંગતા ન હતા. લોકોને જે પરેશાની થઈ તે બદલ અમે હૃદયપૂર્વક માફી માગીએ છીએ. ભવિષ્યમાં અમે વધુ સાવધાની રાખીશું."
સામાન્ય લોકો શું કહે છે?
શ્રીનગરના રહેવાસી સુમન લોન આ ફૅશન શો પર પોતાનો મત વ્યક્ત કરતા કહે છે કે, "ફૅશન શોના આયોજનમાં કોઈ વાંધો નથી. પરંતુ જે રીતે અને જે સમયે યોજવામાં આવ્યો તે ઠીક નથી."
તેમણે કહ્યું કે, "ફૅશન શો આખી દુનિયામાં યોજાય છે. કાશ્મીરમાં પણ તેનું આયોજન થયું. પરંતુ જે રીતે થયું તે અમારા મિજાજથી વિરુદ્ધ છે, અમારી સંસ્કૃતિની વિરુદ્ધ છે. મેં પણ ગુલમર્ગના વીડિયો જોયા હતા. તેમાં જે કપડાં હતાં તે વલ્ગર હતાં. તેમના માટે તે ડિઝાઈન સામાન્ય હશે, પરંતુ કાશ્મીર માટે નહીં."
બીજી તરફ કાશ્મીરના એક યુવાન ખુરશીદ અહમદ કહે છે, "જો આ એક પ્રાઇવેટ ફૅશન શો હતો તો તેને બહુ પ્રાઇવેટ રીતે કરવાની જરૂર હતી, સોશિયલ મીડિયા પર ચર્ચા કરવાની જરૂર ન હતી. કાશ્મીરી સંસ્કૃતિની પોતાની એક ઓળખ છે. આ મામલે સંવેદનશીલતાનું ધ્યાન રાખવાની જરૂર હતી."
કાશ્મીરના એક યુવા મૉડેલ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સેહરિન રોમાસિયા મુજબ "કમસે કમ રમઝાન મહિનામાં ગુલમર્ગ જેવા ફૅશન શો યોજવા કોઈ પણ સ્થિતિમાં યોગ્ય નથી."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન