ગુજરાત : વીસાવદરમાં સરેરાશ 56.89 ટકા અને કડીમાં 57.9 ટકા મતદાન, ઉમેદવારોનાં ભાવિ EVMમાં સીલ

ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ગુરુવારે વીસાવદર તથા કડીની બેઠક પર પેટાચૂંટણી યોજાઈ ગઈ અને હવે 23 જૂને મતગણતરી થશે

જોકે, વરસાદને કારણે મતદાન કેવું થશે, તેની ચિંતા રાજકીય પક્ષોમાં જોવા મળી હતી. આ બંને બેઠક પર સત્તારૂઢ ભાજપ, મુખ્ય વિપક્ષ કૉંગ્રેસ તથા આપની વચ્ચે ત્રિપાંખિયો જંગ છે.

આમ આદમી પાર્ટીના ધારાસભ્યના રાજીનામા બાદ વીસાવદરની બેઠક ખાલી પડી હતી, જ્યારે ભાજપના વર્તમાન ધારાસભ્યનું અવસાન થતાં કડીની બેઠક ઉપર ચૂંટણી યોજવાની જરૂર ઊભી થઈ છે.

સૌરાષ્ટ્રના જૂનાગઢ જિલ્લાની વીસાવદર બેઠક ઉપર 56.89 ટકા તથા ઉત્તર ગુજરાતમાં અનુસૂચિત જાતિ માટે અનામત કડીની બેઠક ઉપર 57.9 ટકા વૉટિંગ થયું હતું.

વીસાવદરમાં 54.61 ટકા અને કડીમાં 57.9 ટકા મતદાન

કડીથી બીબીસી સંવાદદાતા તેજસ વૈદ્ય જણાવે છે કે વહેલી સવારે સાત વાગ્યે મતદાન શરૂ થયું હતું, જે સાંજ પડતા લગભગ સુવ્યવસ્થિત અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું હતું.

વીસાવદરમાં વાવણીની સિઝનની વચ્ચે નાગરિકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું.

વીસાવદરથી બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશીયા જણાવે છે, "આ બેઠક માટે એક લાખ 35 હજાર 613 પુરુષ તથા એક લાખ 25 હજાર 493 મહિલા મતદારો હતાં. જેમાંથી 79 હજાર 459 પુરુષ મતદારોએ તથા 63 હજાર 144 મહિલાઓ તેમનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો."

"આમ પુરુષોમાં મતદાનની ટકાવારી 58.59 ટકા, મહિલાઓમાં 50.32 ટકા અને સરેરાશ 54.61 ટકા જેટલી રહેવા પામી હતી. ઉલ્લેખનીય છે કે આ આંકડા 'પ્રૉગ્રેસિવ' હોવાનું ચૂંટણીપંચ દ્વારા જણાવવામાં આવ્યું છે."

વાવણીની સિઝન છતાં વીસાવદરમાં મતદાનનો ઉત્સાહ

જૂનાગઢ તાલુકાના બલિયાવાડ ગમે રહેતા અને બાજુના ભેસાણ તાલુકામાં ખારચીયા ગામે ખેતીની જમીન ધરાવતા ખેડૂત સુરેશભાઈ વાળા (ઉ. 46) સવારના આઠ વાગતા સુધીમાં પોતાની વાડીએ પહોંચી જઈ મગફળી અને સોયાબીનનું વાવેતર ચાલુ કરી દીધું હતું.

વાળાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતા કહ્યું, "મારે આજે મગફળી વાવવાની હતી, પરંતુ મતદાન એ અધિકાર અને ફરજ બંને છે. તેથી, હું સવારમાં વહેલો ઉઠીને સાત વાગ્યે જ મતદાન કરી પછી વાવણી કરવા પહોંચી ગયો કારણ કે વાવણીનો સમય પણ ખેડૂત માટે અતિ મહત્ત્વનો હોય છે."

વાળાએ ઉમેર્યું કે ટેકાના ભાવે સરકાર દ્વારા મગફળી અને સોયાબીનની ટેકાના ભાવે ખેડૂતો પાસેથી થતી ખરીદીથી ખેડૂતોને ફાયદો છે.

તો વળી, ભેસાણ ગામના અક્ષરધામમાં રહેતા એક મહિલાએ કહ્યું: "મતદાન કરીએ તો આપણા કામ થાય. અમે અક્ષરધામમાં રહીએ છીએ ત્યાં રસ્તો ખરાબ છે."

વીસાવદર શહેરમાં રહેતા વિજયભાઈ સાવલિયા નામના ખેડૂતે પણ રસ્તાઓ બાબતે ફરિયાદ કરતા કહ્યું: "આ વિસ્તારમાં ખેડૂતોના પ્રશ્નો વીસ વર્ષથી ઉકેલાયા નથી. એક તો ગામડેથી પોતાના તાલુકા તરફથી આવવા માટેના રોડ-રસ્તાના પ્રશ્નો છે, મગફળી ટેકાના ભાવે આપવાની હોય તેના ઘણા બધા પ્રશ્નો છે. વીસાવદર શહેરમાં પણ બસ સ્ટેશન રોડ ત્રણ મહિનાથી બની રહ્યો છે, પરંતુ હજુ અડધા કિલોમીટરનું કામ પણ પૂરું નથી થયું."

વીસાવદર શહેરમાં રહેતા અન્ય એક ખેડૂત, નીતિન રાજ્યગુરૂએ રોજગારીની તકોના કથિત અભાવને દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.

તેમણે કહ્યું, "અહીંની પ્રજા ખેતી પર આધારિત છે. ખેતીમાં ક્યારેક અતિવૃષ્ટિ કે ક્યારેક અનાવૃષ્ટિ થાય છે. તેથી, જો કોઈ જીઆઈડીસી અહીં બને અને સ્મૉલ ઇન્ડસ્ટ્રિઝ સ્થપાય, તો અહીંના બે-પાંચ હજાર લોકોને રોજરોટી મળી રહે."

કડીની બેઠક પરનો રાજકીય જંગ

વર્ષ 2022માં કડીની વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન ભાજપે તેના ધારાસભ્ય કરસન સોલંકીને રિપીટ કર્યા હતા. તેઓ 2022માં ફરી ચૂંટાઈ આવ્યા હતા, પરંતુ ફેબ્રુઆરી મહિનામાં તેમનું અવસાન થતાં આ બેઠક ખાલી પડી હતી.

વર્ષ 2017માં રાજ્યભરમાં ભાજપ માટે કપરાં ચઢાણ હતાં ત્યારે કરસન સોલંકી આ બેઠક પરથી ભાજપની ટિકિટ પર જીતી આવ્યા હતા. પુન:સીમાંકન બાદ આ બેઠક અનુસૂચિત જાતિ માટે અનામત જાહેર થઈ તે પહેલાં ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય મંત્રી નીતિન પટેલ આ બેઠક પરથી ભાજપનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે.

ભાજપે કડીમાં રાજેન્દ્ર ચાવડાને ટિકિટ આપી છે જેઓ મહેસાણાના જોટાણાના રહેવાસી છે. 66 વર્ષીય ચાવડા અર્થશાસ્ત્ર સાથે બીએની ડિગ્રી ધરાવે છે.

રાજેન્દ્ર ચાવડા 1980થી ભાજપના સક્રિય સભ્ય છે અને વર્ષ 1985માં પહેલી વખત જોટાણા વિધાનસભા ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો પરાજય થયો હતો.

આમ આદમી પાર્ટીએ પાર્ટીએ કડીમાં જગદીશ ચાવડાને ટિકિટ આપી છે. તેઓ આપના અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. આ ઉપરાંત તેઓ રાષ્ટ્રીય દલિત મંચ સાથે પણ સંકળાયેલા છે.

39 વર્ષીય જગદીશ ચાવડાએ ગ્રૅજ્યુએશન સુધીનો અભ્યાસ કર્યો છે અને રેસ્ટોરાં ચલાવે છે. તેઓ ત્રણ વર્ષથી આપ સાથે જોડાયેલા છે.

કૉંગ્રેસે કડીમાં રમેશ ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. રમેશ ચાવડા 2012ની વિધાનસભા ચૂંટણી સમયે ભાજપના ઉમેદવાર અને ગુજરાતી ફિલ્મોના અભિનેતા હિતુ કનોડિયાને હરાવીને વિધાનસભા સુધી પહોંચ્યા હતા.

વીસાવદરની બેઠક પર કેવી પરિસ્થિતિ છે?

આ પેટાચૂંટણીમાં 16 ઉમેદવારો છે, પરંતુ તેમાંથી 12 તો એવા છે જેઓ વીસાવદર વિધાનસભામાં મતદાતા તરીકે નોંધાયેલા નથી.

વીસાવદરની બેઠક ઉપરથી ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ જૂનાગઢ જિલ્લા સહકારી બૅન્કના પ્રમુખ છે અને થોડા સમય પહેલાં સુધી જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ પણ હતા.

આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા મૂળે ભાવનગરના વતની છે અને સુરતમાં રહે છે. કૉંગ્રેસના ઉમેદવાર નીતિન રાણપરિયા ભેંસાણના વતની છે, જે વીસાવદર વિધાનસભા બેઠકના વિસ્તારમાં આવે છે.

કિરીટ પટેલ જૂનાગઢ શહેરમાં રહે છે જે વીસાવદર વિધાનસભા સીટમાં નથી આવતું, પરંતુ જૂનાગઢ તાલુકાના આણંદપુર ગામની મતદાર યાદીમાં તેમનું નામ છે અને આ ગામ વીસાવદર વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.

2017માં પણ કિરીટ પટેલ અહીં વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, પરંતુ કૉંગ્રેસના હર્ષદ રિબડિયા સામે તેમનો પરાજય થયો હતો.

2022ની વિધાનસભાની ચૂંટણીને બે મહિનાની વાર હતી ત્યારે રિબડિયા કૉંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા. ભાજપે ચૂંટણીમાં ટિકિટ આપી, પણ આપના ભૂપત ભાયાણી સામે રિબડિયા 7063 મતોથી હારી ગયા હતા.

ભાયાણી પણ ડિસેમ્બર, 2023માં આપના ધારાસભ્ય તરીકે રાજીનામું આપી, પક્ષપલટો કરીને ભાજપમાં જોડાઈ ગયા જેના કારણે આ પેટાચૂંટણી યોજાઈ રહી છે.

ભાજપના દિગ્ગજ નેતા તથા પૂર્વ મુખ્ય મંત્રી કેશુભાઈ પટેલ રાજકોટમાં રહેતા, પરંતુ વર્ષ 1995 અને વર્ષ 1998માં તેઓ વીસાવદરની બેઠક ઉપરથી ચૂંટાઈ આવ્યા હતા. કેશુભાઈ ત્યાર પછીની બે ચૂંટણી ન લડ્યા.

તેથી વીસાવદરની સીટ પરથી ભાજપના કનુભાઈ ભાલાળાનો 2002 અને 2007માં વિજય થયો હતો અને તેઓ રાજ્યના કૃષિમંત્રી પણ બન્યા હતા.

વર્ષ 2012માં કેશુભાઈએ ભાજપથી છેડો ફાડીને ગુજરાત પરિવર્તન પાર્ટીની (જીપીપી) સ્થાપના કરી. કેશુભાઈ તેમના રાજકીય જીવનની છેલ્લી ચૂંટણી લડવા માટે વીસાવદર આવ્યા હતા.

કૉંગ્રેસના ઉમેદવારનો મૅન્ડેટ છીનવાઈ જતા ભાજપ અને જીપીપી વચ્ચે ટક્કર થઈ. જીપીપીને માત્ર બે બેઠક મળી, જેમાંથી એક વીસાવદરની હતી.

વર્ષ 2014માં જ યોજાયેલી અહીંની પેટાચૂંટણીમાં ભાજપે કેશુભાઈના દીકરા ભરત પટેલને ઉમેદવાર બનાવ્યા જયારે કૉંગ્રેસે હર્ષદ રિબડિયાને ટિકિટ આપી હતી. તે ચૂંટણીમાં રિબડિયાએ ભરત પટેલને હરાવતા કૉંગ્રેસનો વીસાવદરમાં લગભગ ત્રીસ વર્ષ પછી વિજય થયો હતો.

વીસાવદર તથા કડી વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ

25મી મેના રોજ કેન્દ્રીય ચૂંટણીપંચે ગુજરાત વિધાનસભાની કડી તથા વીસાવદર બેઠક સહિત ચાર રાજ્યની પાંચ વિધાનસભા બેઠક માટે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરી હતી.

જે મુજબ, 26મી મેના રોજ ચૂંટણી માટેની અધિસૂચના બહાર પાડવામાં આવી હતી. ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ બીજી જૂનનો હતો.

ત્રીજી જૂનના દિવસે ઉમેદવારીપત્રક ચકાસવામાં આવ્યા હતા તથા ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ પાંચમી જૂન હતી.

આજ રોજ મતદાન થશે તથા સોમવારે (23મી જૂન) મતગણતરી થશે. કેન્દ્રીય ચૂંટણીપંચ 25મી જૂન સુધીમાં ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી દેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન