IPL 2025 Final: પંજાબ કિંગ્સને છ રને હરાવીને આરસીબીએ ટ્રૉફી જીતી

આરસીબી

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત સહિતના ક્રિકેટરસિકો જેની આતુરતાથી રાહ જોતા હતા એ આઈપીએલની ફાઇનલ મૅચ રમાઈ હતી, જેમાં આરસીબીએ છ રને વિજય મેળવ્યો છે.

ઇન્ડિયન પ્રીમિયર લીગની (IPL) 18મી સિઝનની અંતિમ મૅચમાં, પંજાબ કિંગ્સે ટોસ જીતીને પ્રથમ બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

આરસીબીએ 190 રન ફટકાર્યા હતા. જેમાં વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા.

ટીમના હાઇએસ્ટ સ્કોરર હોવા છતાં તેઓ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ ઉપર ટ્રૅન્ડ થવા લાગ્યા હતા અને તેમની ધીમી રમતની ટીકા થઈ હતી.

જીતેશ શર્માએ 10 બૉલમાં 24 રન અને લિવિંગસ્ટને 15 બૉલમાં 25 રન બનાવ્યા હતા.

191 રનના ટાર્ગેટ ચેઝ કરતા PBKS ફક્ત 184 રન જ બનાવી શક્યું હતું. પંજાબ કિંગ્સને એક પછી એક એવા ફટકા લાગ્યા હતા કે જેને કારણે પંજાબ કિંગ્સની હાર નિશ્ચિત મનાવા માંડી હતી.

પંજાબ કિંગ્સના ખેલાડી પ્રિયાંશ આર્ય 24 રન બનાવી થયો આઉટ, હેઝલવૂડે વિકેટ લીધી હતી. આ પછી પ્રભસિમરન 26 રન બનાવી આઉટ થયા. કૃણાલ પંડયાએ વિકેટ લીધી હતી.

પંજાબ કિંગ્સને સૌથી મોટો ઝટકો ગણીએ તો કેપ્ટન શ્રેયસ અય્યર માત્ર 2 રન બનાવી થયો આઉટ, શેફર્ડની કમાલ બોલિંગ, સૌથી મહત્વપૂર્ણ વિકેટ લીધી

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પંજાબ કિંગ્સના, જોશ ઈંગ્લિસ 39 રન બનાવી આઉટ થયા, નેહલ વઢેરા અને માર્કસ સ્ટોઈનિસને હરાવીને ભુવનેશ્વર કુમારે બે વિકેટ લીધી હતી. પંજાબ કિંગ્સના ઉમરઝાઈ માત્ર એક રન બનાવીને આઉટ થયા હતા.

રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ પહેલી ક્વૉલિફાયર મૅચમાં પંજાબ કિંગ્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

એ જ સમયે, પંજાબ કિંગ્સે બીજી ક્વૉલિફાયર મૅચમાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી.

ઉલ્લેખનીય છે કે આરસીબી અને પંજાબ કિંગ્સે અત્યાર સુધી એક પણ વખત આઈપીએલનો ખિતાબ જીત્યો નથી.

બંને ટીમના ખેલાડીઓ તરફ એક નજર નાખીએ.

પંજાબ કિંગ્સ પ્લેઈંગ ઇલેવન: પ્રિયાંશ આર્ય, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), નેહાલ વાઢેરા, શશાંક સિંહ, માર્કસ સ્ટોઈનિસ, અઝમતુલ્લા ઉમરઝાઈ, અર્શદીપ સિંહ, કાઇલ જેમિસન, વિજયકુમાર વૈશાક, યુજવેન્દ્ર ચહલ.

રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ પ્લેઇંગ ઇલેવન: ફિલ સૉલ્ટ, વિરાટ કોહલી, મયંક અગ્રવાલ, રજત પાટીદાર (કૅપ્ટન), લિયામ લિવિંગસ્ટૉન, જીતેશ શર્મા (વિકેટકીપર), રોમારિયો શૅફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, યશ દયાલ, જોશ હૈઝલવૂડ.

આરસીબીએ અત્યાર સુધી ત્રણવાર આઈપીએલ ફાઇનલમાં સ્થાન મેળવ્યું છે, પણ 2009, 2011 અને 2016માં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

બીજી તરફ, પીબીકેએસ 2014માં ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું, પણ કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે ટીમ હારી ગઈ હતી.

જોકે, આ સિઝનમાં પંજાબ કિંગ્સે શાનદાર પ્રદર્શન કરીને ફાઇનલમાં પોતાનું સ્થાન હાંસલ કર્યું છે. હવે એ જોવાનું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કે RCB સામેની ફાઇનલ મૅચમાં પંજાબ કિંગ્સના ખેલાડીઓ કેવું પ્રદર્શન કરે છે?

આરસીબી વિ. પંજાબ કિંગ્સ,તો કોહલી અને શ્રેયસ અય્યર વચ્ચે મુકાબલો

વિરાટ કોહલી, આઇપીએલ, બીબીસી, ગુજરાતી, આઈપીએલ ફાઇનલ મેચ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, આરસીબી, પંજાબ કિંગ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વિરાટ કોહલીએ આ સિઝનમાં પોતાની ટીમ માટે અત્યારસુધી 614 રન બનાવ્યા છે.

આરસીબી પાસે અને પંજાબ કિંગ્સ પાસે અનુક્રમે વિરાટ કોહલી અને શ્રેયસ અય્યર ઉપરાંત અન્ય મૅચ વિનર પણ છે, પરંતુ આ મૅચ આ બંને ખેલાડીઓ વચ્ચેની કાંટાની ટક્કર તરીકે જોવાઈ રહી છે.

હકીકતમાં આ બંને ખેલાડીઓને ટીમની કરોડરજ્જૂ માનવામાં આવે છે. તેમના વિકેટ પર રહેવાને કારણે મૅચનું પરિણામ બદલાઈ જાય છે.

વિરાટ કોહલીની વાત કરીએ તો તે ઑરેન્જ કૅપની રેસમાં પણ છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી 14 મેચમાં 55.82ની સરેરાશથી 614 રન બનાવ્યા છે અને તેઓ આ કૅપની સ્પર્ધામાં પાંચમા સ્થાને છે.

જોકે, વિરાટનો સહયોગ કરનારા બૅટ્સમૅન ફિલ સૉલ્ટ, કૅપ્ટન રજત પાટીદાર, મયંક અગ્રવાલ અને જિતેશ શર્મા પણ સામેલ છે.

વિરાટને આ બૅટ્સમૅનોનો સહયોગ મળ્યો અને તેનું જ પરિણામ છે કે આરસીબી આજે ફાઇનલમાં છે અને આ વર્ષે આરસીબી જાણે કે ચૅમ્પિયનની જેમ રમી છે.

ઘરની બહાર પણ જાણે કે તે અજય રહી છે. ફાઇનલ આ વખતે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહી છે, ત્યારે તેની અજેય રહેવાની ટેવને અમદાવાદમાં પણ વધાવવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.

શ્રેયસ અય્યરને મોટી મૅચના ખેલાડી માનવામાં આવે છે. આ બાબત તેમણે ક્વૉલિફાયર-2માં મુંબઈ ઇન્ડિયન્સ સામે સાબિત કરી દેખાડી.

તેમણે પંજાબ કિંગ્સની તૂટેલી આશાઓને પોતાની 41 બૉલમાં રમેલી 87 રનની ઇનિંગથી જીતમાં બદલી નાખી હતી.

શ્રેયસે આ ઇનિંગ દરમિયાન દેખાડ્યું કે જરૂર પડે, ત્યારે તેઓ આક્રમક અંદાજમાં રમી શકે છે. આ વાત તેમણે આઠ છક્કા લગાવીને સાબિત કરી.

આરબીસી પાસે પંજાબ કિંગ્સની સરખામણીએ અનુભવી ખેલાડીઓ

આરસીબી, પંજાબ કિંગ્સ, અમદાવાદ, આઇપીએલ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, RCBના કૅપ્ટન રજત પાટીદાર (ડાબે) પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ અય્યર

શ્રેયસ અય્યરે કૅપ્ટન તરીકે ત્રણ અલગ-અલગ ટીમોને ફાઇનલ સુધી પહોંચાડવાનો અનોખો રેકૉર્ડ બનાવ્યો છે. તેઓ દિલ્હી કૅપિટલ્સ (2020), કોલકાતા નાઇટ રાઇડર્સ (2024) અને પંજાબ કિંગ્સને ફાઇનલ સુધી દોરી ગયા છે.

શ્રેયસ અય્યરની કૅપ્ટનશિપમાં જ ગત વર્ષે શાહરુખ ખાનની ટીમે 10 વર્ષ બાદ આઈપીએલની ટ્રૉફી જીતી હતી. તેમણે ટુર્નામેન્ટ દરમિયાન પોતાના પર્ફૉર્મન્સ દ્વારા નૅશનલ સિલેક્શન કમિટીને પણ પોતાનો સંદેશ આપ્યો છે.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જો મુંબઈ ઇન્ડિયન્સના બૉલર જસપ્રીત બુમરાહ પછી જો કોઈ ખેલાડીની સૌથી વધુ ચર્ચા થઈ હોય, તો તે પંજાબ કિંગ્સના અર્શદીપની છે. જોકે, છેલ્લી અમુક મૅચો દરમિયાન તેમનું પ્રદર્શન સરેરાશ રહેવા પામ્યું હતું.

પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર રાહુલ શર્માએ પંજાબની ટીમની બૉલિંગ લાઇન-અપ અંગે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અર્શદીપે હજુસુધી સારી બૉલિંગ કરી છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે પણ તેનો દેખાવ સારો રહ્યો હતો."

"ટીમના મુખ્ય બૉલર હોવાને કારણે તેમની ઉપર દબાણ રહે છે, પરંતુ તેઓ માનસિક રીતે મજબૂત છે. હરપ્રીત બરાડ સારા બૉલર છે, પરંતુ તેઓ આપબળે મૅચ જીતાડવાની ક્ષમતા નથી ધરાવતા."

રાહુલ શર્માએ ઉમેર્યું, "ચહલ આઈપીએલના શ્રેષ્ઠતમ બૉલરોમાંથી એક છે, પરંતુ આ સિઝનમાં તેમણે નિરાશ કર્યા છે. ટીમે તેમનો વિકલ્પ શોધવાનો પણ પ્રયાસ નથી કર્યો. આઈપીએલની ટીમને બે સારા સ્પીન બૉલર્સની જરૂર છે."

ઍકસપર્ટના માનવા અનુસાર પંજાબની ટીમના અનકૅપ્ડ ખેલાડીઓની સરાખામણીમાં RBC પાસે અનુભવી ખેલાડીઓ છે.

યશ દયાલ, ભુવનેશ્વરકુમાર તથા હૈઝલવૂડ જેવા અનુભવી બૉલર્સ પણ છે. હૈઝલવૂડ ટુર્નામેન્ટ દરમિયાન વિકેટ લેવાના ક્રમમાં ત્રીજા ક્રમે છે. તેઓ પર્પલ કૅપ માટે દાવેદાર બની શકે છે કે કેમ, તે જોવું રહે. આ સિવાય સુયશ શર્મા અને રોમારિયો શૅફર્ડ પણ છે.

પહેલી ક્વૉલિફાયર મૅચ જીતીને આરસીબીએ તેનું ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું હતું. એ મૅચ દરમિયાન વિરાટ કોહલીનો ઉત્સાહ ઊડીને આંખે વળગતો હતો. દરેક વિકેટ પડતી, ત્યારે તેઓ પોતાની છાતી ઠોકીને જશ્ન મનાવતા નજરે પડ્યા હતા.

મૅચ પછી વિરાટ કોહલી ઉપરાંત આરસીબીના અનેક ખેલાડીઓ કૅમેરા તરફ ઇશારો કરીને, "વન મૉર, વન મૉર" કહેતા સંભળાયા હતા.

RCBના કૅપ્ટન રજત પાટીદારે કહ્યું હતું, "સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમે ખૂબ જ મહેનત કરી છે, હવે એક મૅચ બાકી છે. એ પછી જોડે જ ઊજવણી કરીશું."

અમદાવાદનું નમો સ્ટેડિયમ બંને ટીમ માટે કેવું રહ્યું છે?

નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ક્રિકેટ, વરસાદ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ, પંજાબ કિ્ંગ્સ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રવિવારની મૅચમાં વરસાદે વિઘ્ન ઊભું કર્યું હતું, ત્યારે મંગળવારની મૅચમાં શું થાય છે તેના ઉપર ક્રિકેટરસિકોની મીટ

ભારત અને પાકિસ્તાનની વચ્ચેના તણાવને પગલે લગભગ એક અઠવાડિયા માટે આઈ.પી.એલ.ની મૅચોને મોકૂફ કરી દેવામાં આવી હતી. એ પછી નવા સ્થળોએ બાકીની મૅચો રમાઈ હતી, જેમાં છેલ્લી બે મૅચ અમદાવાદમાં યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબે અત્યાર સુધી કુલ 7 મેચ રમી છે. જેમાં ટીમ 5 મેચ જીતી, તો 2 મેચ હારી છે. ટીમનો પરાજય અહીં 2021માં છેલ્લે આવ્યો હતો. ત્યારે તેઓ કોલકાતા અને દિલ્હી સામે હાર્યા હતા. તો RCB સામે તેઓ આ સ્ટેડિયમમાં 2021માં રમ્યા હતા. જ્યાં પંજાબે તેમની સામે 34 રને જીત મેળવી હતી.

RCBની વાત કરીએ તો આ ગ્રાઉન્ડ પર તેમનો રેકોર્ડ ઠીક-ઠાક રહ્યો છે. ટીમ અહીં કુલ 5 મેચ રમી છે. જેમાંથી 3 મેચ હારી છે, તો 2માં જીત મેળવી છે. આ જ ગ્રાઉન્ડ પર ટીમ પંજાબ સામે 2021માં હારી ગઈ હતી. ઉપરાંત RCBની ટીમ અહીં બે પ્લેઑફ મેચ રમી છે. જેમાંથી એક એલિમિનેટર અને એક ક્વોલિફાયર-2 મેચ હતી. જેમાં બન્નેમાં રાજસ્થાન સામે હાર મળી હતી. બેંગલુરુનો રેકોર્ડ નમો સ્ટેડિયમમાં પ્લેઑફમાં ખરાબ છે. આજે હવે ટીમ ફાઈનલ જેવી મોટી મેચ રમશે.

આરસીબી અને પંજાબ કિંગ્સની સફળતાનો આધાર ક્યા ખેલાડીઓ પર છે?

આરસીબી, પંજાબ કિંગ્સ, આઇપીએલ, બીબીસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઓપનર ફિલ સૉલ્ટ અને બૉલર જૉશ હૈઝલવૂડના પ્રદર્શન પર પણ આરસીબીની સફળતાનો આધાર છે. સૉલ્ટને પાવરપ્લેમાં સૌથી વધુ પ્રભાવશાળી ખેલાડી તરીકે પસંદ કરાયા છે.

સૉલ્ટ ગત સાલ સુધી રમતા ફાફ ડુ પ્લેસીને ભુલાવવામાં સફળ થયા છે.

તેમણે અત્યાર સુધી 12 મૅચોમાં 387 રન બનાવ્યા છે. તેમનો સ્ટ્રાઇક રેટ 175 ઉપરનો છે. આની સામે પંજાબ કિંગ્સની વાત કરીએ તો પ્રિયાંશ આર્ય અને પ્રભસિમરનસિંહની જોડી પંજાબની સફળતામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

આ જોડી આ સિઝનમાં પોતાના આક્રમક અંદાજને કારણે ચર્ચામાં રહી છે.

આઈપીએલમાં છવાયું ઓપરેશન સિંદૂર

અર્શદીપ સિંહ, પંજાબ કિંગ્સ, બોલર્સ, બીબીસી ગુજરાતી, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અર્શદીપસિંહ

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્લોઝિંગ સૅરેમની પણ જોવા મળશે. આ સૅરેમની ઑપરેશન સિંદૂરની થીમ પર રાખવામાં આવી છે.

આ સમાપન સમારોહમાં પ્રસિદ્ધ ગાયક શંકર મહાદેવન પરફૉર્મ કરવાના છે, જેઓ પોતાના ગીતોથી ભારતીય સૈનિકોને સન્માનિત કરશે અને પહલગામ હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રત્યે શ્રદ્ધાંજલી વ્યક્ત કરશે.

એમની સાથે એમના પુત્રો શિવમ્ અને સિદ્ધાર્થ મહાદેવન પણ પરફૉર્મ કરશે. સમાપન સમારોહ બાદ ટોસ ઉછાળ્યા બાદ મેચ સાડા સાત કલાકે શરૂ થશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન