અમદાવાદમાં વરસાદની આગાહી : IPLની RCB અને PBKS વચ્ચેની ફાઇનલમાં વરસાદ પડે, મેચ ન રમાય તો શું થશે, નિયમ શું કહે છે?

ગુજરાત આઈ.પી. એલ. ફાઇનલ મૅચ, મોટેરા સ્ટેડિયમ વરસાદનું વિઘ્ન, પંજાબ કિંગ્સ ઇલેવન અને રોયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ, કોનું પલડું કેટલું ભારે, કોની તરફેણમાં કોણ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, RCBના કૅપ્ટન રજત પાટીદાર (ડાબે) પંજાબ કિંગ્સના કૅપ્ટન શ્રેયસ અય્યર

મંગળવારે અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આઈ.પી.એલ.ની અઢારમી આવૃત્તિની ફાઇનલ મૅચ રમાશે.

જેમાં રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ તથા પંજાબ કિંગ્સની ટીમ સામ-સામે ટકરાશે. રવિવારે દીલધડક મુકાબલામાં મુંબઈ ઇન્ડિયન્સને હરાવીને પંજાબ કિંગ્સે ફાઇનલમાં તેમનું સ્થાન પાક્કું કર્યું હતું.

રવિવારની મૅચ ઉપર વરસાદનું વિઘ્ન ઉતર્યું હતું, જેના કારણે મૅચ લગભગ અઢી કલાક મોડી શરૂ થઈ હતી. ત્યારે વરસાદ આજની મૅચના પરિણામને પણ પ્રભાવિત કરી શકે છે. હવામાન વિભાગની આગાહી છે તે પ્રમાણે અમદાવાદમાં વરસાદ પડી શકે છે.

રવિવારે શ્રેયસ અય્યરની કપ્તાની ઇનિંગે તેમની ટીમને ફાઇનલ સુધી પહોંચાડવામાં મદદ કરી હતી. એટલે મંગળવારે પણ તેમના પ્રદર્શન ઉપર નજર રહેશે.

પહેલી ક્વૉલિફાયર મૅચમાં આરસીબી સામે હાર્યા બાદ મુંબઈ ઇન્ડિયન્સ ઉપરના વિજયને કારણે પંજાબ કિંગ્સની ટીમનું મનોબળ પરત ફર્યું હશે, જોકે, ફાઇનલમાં આરસીબી સાથેની ટક્કર પહેલી મૅચમાં થયેલી હાર મનોવૈજ્ઞાનિક દબાણ પણ ઊભું કરશે.

આ સિવાય કેટલીક બાબતો છે, જે મૅચના પરિણામની ઉપર અસર કરી શકે છે.

કૅપ્ટન શ્રેયસ અય્યર

ગુજરાત આઈ.પી. એલ. ફાઇનલ મૅચ, મોટેરા સ્ટેડિયમ વરસાદનું વિઘ્ન, પંજાબ કિંગ્સ ઇલેવન અને રોયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ, કોનું પલડું કેટલું ભારે, કોની તરફેણમાં કોણ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રવિવારની મૅચમાં શ્રેયસ અય્યરે 41 બૉલમાં 87 રન ફટકાર્યા હતા

"અમે લડાઈ હાર્યા છીએ, યુદ્ધ નહીં."

બુધવારે આઈપીએલની પહેલી ક્વૉલિફાયર મૅચમાં પરાજય બાદ શ્રેયસ અય્યરે આ શબ્દો દ્વારા તેમના મિજાજનો પરિચય આપ્યો હતો. તેમના આ નિવેદનની સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા થઈ હતી.

રવિવારની મુંબઈ સામેની મૅચમાં તેમણે પોતાના આક્રમક મિજાજનો વધુ એક વખત પરિચય આપ્યો હતો. તેમણે 41 બૉલમાં 87 રન બનાવ્યા, જેની મદદથી મૅચમાં છ બૉલ ફેંકાવાની બાકી હતી, એ પહેલાં જ પંજાબ કિંગ્સે 204 રનનું લક્ષ્યાંક મેળવી લીધું હતું.

શ્રેયસ અય્યરે કૅપ્ટન તરીકે ત્રણ અલગ-અલગ ટીમોને ફાઇનલ સુધી પહોંચાડવાનો અનોખો રેકૉર્ડ પણ બનાવ્યો છે. તેઓ દિલ્હી કૅપિટલ્સ (2020), કોલકાતા નાઇટ રાઇડર્સ (2024) અને પંજાબ કિંગ્સને ફાઇનલ સુધી દોરી ગયા છે.

શ્રેયસ અય્યરની કૅપ્ટનશિપમાં જ ગત વર્ષે શાહરુખ ખાનની ટીમે 10 વર્ષ બાદ આઈપીએલની ટ્રૉફી જીતી હતી. તેમણે ટુર્નામેન્ટ દરમિયાન પોતાના પર્ફૉર્મન્સ દ્વારા નૅશનલ સિલેક્શન કમિટીને પણ પોતાનો સંદેશ આપ્યો છે.

પંજાબનું ટીમ સ્પિરિટ

ગુજરાત આઈ.પી. એલ. ફાઇનલ મૅચ, મોટેરા સ્ટેડિયમ વરસાદનું વિઘ્ન, પંજાબ કિંગ્સ ઇલેવન અને રોયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ, કોનું પલડું કેટલું ભારે, કોની તરફેણમાં કોણ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બૅંગ્લુરુની ટીમ 18 નંબરની જર્સી પહેરનારા વિરાટ કોહલીને આઈપીએલની અઢારમી સિઝનમાં ટ્રૉફીરુપે સ્મૃતિચિહ્ન આપી શકશે?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સમગ્ર સિઝન દરમિયાન પંજાબની ટીમે તેના આક્રમક વલણને કારણે પૉઇન્ટ્સ ટેબલમાં ટોચનું સ્થાન જાળવી રાખ્યું હતું, જેના કારણે જ બુધવારની ક્વૉલિફાયર મૅચમાં પરાજય બાદ ટીમને બીજી તક મળી હતી, જેનો શ્રેયસ અય્યર ઍન્ડ કંપનીએ પૂરો લાભ લીધો હતો.

રવિવારની મૅચમાં પ્રભસિમરનસિંહની વિકેટ પછી પંજાબની ટીમ દબાણ હેઠળ જણાય રહી હતી, ત્યારે જૉશ ઇંગ્લિસે આવતાની સાથે જ ટ્રૅન્ટ બૉલની ઓવરમાં બે ચોગ્ગા ફટકારીને દબાણને હળવું કરી નાખ્યું હતું.

હાર્દિક પંડ્યાએ કમાલની આશાએ જસપ્રીત બુમરાહને બૉલ સોંપ્યો, પરંતુ તેમની પહેલી ઓવરમાં જ બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકારીને પંજાબના વિજયનો પાયો નાખ્યો હતો. બુમરાહે પહેલી ઓવરમાં 20 રન આપ્યા હતા.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન પંજાબના અનકૅપ્ડ ખેલાડીઓ વિશે ચર્ચા રહી છે. રવિવારે ફરી એક વખત આ સવાલ પૂછવામાં આવ્યો, ત્યારે શ્રેયસ અય્યરે કહ્યું, "ભલે અમારા અમુક ખેલાડીઓને મોટી મૅચો રમવાની તકો નથી મળી, પરંતુ તેઓ નિડર છે. તેમની પાસે અનુભવ ન હોય, તો પણ અમે તેમને અમારી વાતચીતમાં સામેલ કરીએ છીએ. ચોક્કસ પ્રકારની પરિસ્થિતિનો સામનો કેવી રીતે કરવો, તેના વિશે તેમના વિચાર સાંભળીએ છીએ."

શ્રેયસ ઉમેરે છે, "હું મારા સાથીઓને કહું છું કે જેટલી મોટી તક, એટલા જ શાંત રહો, તો જ સારાં પરિણામ મળે. આજની મૅચ તેનું ઉદાહરણ હતી."

પંજાબ માટે બૉલિંગની સમસ્યા RCB માટે ક્ટલી ફાયદાકારક?


ગુજરાત આઈ.પી. એલ. ફાઇનલ મૅચ, મોટેરા સ્ટેડિયમ વરસાદનું વિઘ્ન, પંજાબ કિંગ્સ ઇલેવન અને રોયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ, કોનું પલડું કેટલું ભારે, કોની તરફેણમાં કોણ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પંજાબની બૉલિંગનો ભાર અર્શદીપસિંહ ઉપર

ક્રિકેટમાં ટીમને પોતાની ક્ષમતાનો તો લાભ મળે જ છે, પરંતુ ઘણી વખત હરીફ ટીમની મર્યાદાઓ પણ ટીમ માટે 'લાભકારક' સાબિત થઈ શકે છે.

સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન જો મુંબઈ ઇન્ડિયન્સના બૉલર જસપ્રીત બુમરાહ પછી જો કોઈ ખેલાડીની સૌથી વધુ ચર્ચા થઈ હોય, તો તે પંજાબ કિંગ્સના અર્શદીપની છે. જોકે, છેલ્લી અમુક મૅચો દરમિયાન તેમનું પ્રદર્શન સરેરાશ રહેવા પામ્યું હતું.

પૂર્વ ક્રિકેટર અને કૉમેન્ટેટર રાહુલ શર્માએ પંજાબની ટીમની બૉલિંગ લાઇન-અપ અંગે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, "અર્શદીપે હજુસુધી સારી બૉલિંગ કરી છે. મુંબઈ ઇન્ડિયન્સ સામે પણ તેનો દેખાવ સારો રહ્યો હતો. ટીમના મુખ્ય બૉલર હોવાને કારણે તેમની ઉપર દબાણ રહે છે, પરંતુ તેઓ માનસિક રીતે મજબૂત છે. હરપ્રીત બરાડ સારા બૉલર છે, પરંતુ તેઓ આપબળે મૅચ જીતાડવાની ક્ષમતા નથી ધરાવતા."

રાહુલ શર્માએ ઉમેર્યું, "ચહલ આઈપીએલના શ્રેષ્ઠતમ બૉલરોમાંથી એક છે, પરંતુ આ સિઝનમાં તેમણે નિરાશ કર્યા છે. ટીમે તેમનો વિકલ્પ શોધવાનો પણ પ્રયાસ નથી કર્યો. આઈ.પી.એલ.ની ટીમને બે સારા સ્પીન બૉલર્સની જરૂર છે."

વિરાટ કોહલીનો અનુભવ RCBને કેટલો કામ આવશે?


ગુજરાત આઈ.પી. એલ. ફાઇનલ મૅચ, મોટેરા સ્ટેડિયમ વરસાદનું વિઘ્ન, પંજાબ કિંગ્સ ઇલેવન અને રોયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ, કોનું પલડું કેટલું ભારે, કોની તરફેણમાં કોણ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પર્પલ કૅપ માટેની દાવેદારી માટે હૈઝલવૂડ ત્રીજાક્રમે પહોંચી ગયા છે

જે મુદ્દો રવિવારની મૅચ દરમિયાન પંજાબ કિંગ્સની ટીમની વિરુદ્ધ હતો, એજ મુદ્દો મંગળવારની મૅચ માટે પણ ચર્ચાય શકે છે. પંજાબની ટીમના અનકૅપ્ડ ખેલાડીઓની સરાખામણીમાં RBC પાસે અનુભવી ખેલાડીઓ છે.

યશ દયાલ, ભુવનેશ્વરકુમાર તથા હૈઝલવૂડ જેવા અનુભવી બૉલર્સ પણ છે. હૈઝલવૂડ ટુર્નામેન્ટ દરમિયાન વિકેટ લેવાના ક્રમમાં ત્રીજાક્રમે છે. તેઓ પર્પલ કૅપ માટે દાવેદાર બની શકે છે કે કેમ, તે જોવું રહે. આ સિવાય સુયશ શર્મા અને રોમારિયો શૅફર્ડ પણ છે.

પહેલી ક્વૉલિફાયર મૅચ જીતીને આરસીબીએ તેનું ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું હતું. એ મૅચ દરમિયાન વિરાટ કોહલીનો ઉત્સાહ ઊડીને આંખે વળગતો હતો. દરેક વિકેટ પડતી ત્યારે તેઓ પોતાની છાતી ઠોકીને જશ્ન મનાવતા નજરે પડ્યા હતા.

મૅચ પછી વિરાટ કોહલી ઉપરાંત આરસીબીના અનેક ખેલાડીઓ કૅમેરા તરફ ઇશારો કરીને, "વન મૉર, વન મૉર" કહેતા સંભળાયા હતા.

RCBના કૅપ્ટન રજત પાટીદારે કહ્યું હતું, "સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન અમે ખૂબ જ મહેનત કરી છે, હવે એક મૅચ બાકી છે. એ પછી જોડે જ ઊજવણી કરીશું."

હાલમાં આઈપીએલની (ઇન્ડિયન પ્રીમિયર લીગ) 18મી સિઝન ચાલી રહી છે. આ ટુર્નામેન્ટ શરૂ થઈ, એ પહેલાં ટીવી, વેબસાઇટ્સ ઉપર એક જાહેરાત સતત પ્રસારિત થઈ રહી હતી.

જેમાં વિરાટ કોહલીના જર્સી નંબર-18ને ટુર્નામેન્ટની 18મી આવૃત્તિ સાથે જોડીને દર્શાવવામાં આવી હતી. હવે, બે મહિનાના પ્રયાસો બાદ વિરાટ કોહલીની આરસીબી ફાઇનલમાં પહોંચી છે.

તો શું આ વર્ષે રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુની ટીમ પોતાના મહત્ત્વપૂર્ણ ખેલાડી વિરાટ કોહલી તથા તેની 18 નંબરની જર્સીને માટે ટુર્નામેન્ટ જીતશે?

વરસાદ મૅચમાં વિઘ્ન ઊભું કરશે?


ગુજરાત આઈ.પી. એલ. ફાઇનલ મૅચ, મોટેરા સ્ટેડિયમ વરસાદનું વિઘ્ન, પંજાબ કિંગ્સ ઇલેવન અને રોયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુ, કોનું પલડું કેટલું ભારે, કોની તરફેણમાં કોણ, બીબીસી ગુજરાતી સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમદાવાદમાં યોજાયેલી રવિવારની મૅચને વરસાદનું વિઘ્ન નડ્યું હતું.

મંગળવારે અમદાવાદસ્થિત નરેન્દ્ર મોદી (અગાઉ મોટેરા સ્ટેડિયમ) ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુ વચ્ચે ફાઇનલની મૅચ રમાશે. જે સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચેના તણાવને પગલે લગભગ એક અઠવાડિયા માટે આઈ.પી.એલ.ની મૅચોને મોકૂફ કરી દેવામાં આવી હતી. એ પછી નવા સ્થળોએ બાકીની મૅચો રમાઈ હતી, જેમાં છેલ્લી બે મૅચ અમદાવાદમાં યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી.

એ સમયે એવી ચર્ચા હતી કે હવામાન સારું રહેવાની શક્યતાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હતો, પરંતુ રવિવારની મૅચે આ નિર્ણય અંગે ક્રિકેટરસિકોના મનમાં સવાલ ઊભા કર્યા હતા.

એ સિવાય કેટલાક આંતરરાષ્ટ્રીય ખેલાડીઓએ પોત-પોતાની રાષ્ટ્રીય ટીમ વતી આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટો રમવાની હોવાથી પોતાની આઈ.પી.એલ. ટીમને ટુર્નામેન્ટમાં અણિના સમયે છોડી જવી પડી હતી.

ખાનગી હવામાન સંસ્થા ઍક્યવેધરના અનુમાન પ્રમાણે, મંગળવારે મોટેરામાં વરસાદ પડવાની શક્યતા 80 ટકા છે અને ભારે પવન અને મેઘગર્જના સાથે વરસાદની શક્યતા 16 ટકા જેટલી છે. વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના 52 ટકા છે.

દિવસ દરમિયાન મહત્ત્મ તાપમાન 38 ડિગ્રી સુધી પહોંચશે, જે 41 ડિગ્રી તાપમાન જેવો અનુભવ કરાવશે. જ્યારે લઘુતમ તાપમાન 28 ડિગ્રી સે. રહેશે.

આ વખતે ફાઇનલ મૅચ માટે કોઈ રિઝર્વ ડે છે. એટલે કે જો ત્રણ જૂને મૅચ વરસાદથી ધોવાઈ જાય તો રિઝર્વ ડેના દિવસે રમાશે. સાથે વધારાના બે કલાક પણ જરૂર મળ્યા છે. રિઝર્વ ડેમાં પણ જો વરસાદની સ્થિતિમાં મૅચ પૂર્ણ ન કરાવી શકાય તો આઈપીએલ 2025ના નિયમો અનુસાર પૉઇન્ટ ટેબલમાં લીગ સ્ટેજમાં જે ટીમે વધુ સારું પ્રદર્શન કર્યું હશે તે વિજેતા બનશે.

હવે લીગ સ્ટેજમાં આરસીબી અને પંજાબ કિંગ્સ એમ બંને ટીમે 19-19 અંક પ્રાપ્ત કર્યા હતા. પરંતુ નેટ રનરેટ મામલે પંજાબ કિંગ્સ આરસીબીની ટીમ કરતાં આગળ હતી.

પંજાબ કિંગ્સની ટીમ 11 વર્ષ બાદ અને રૉયલ ચેલેન્જર્સ બૅંગ્લુરુની ટીમ નવ વર્ષ બાદ પહોંચી છે. બંને ટીમે અગાઉ ક્યારેય આઈપીએલની ચમકદાર ટ્રૉફી મેળવી નથી. એટલે મંગળવારની મૅચનું પરિણામ જે કંઈ હોય, આઈ.પી.એલ.ને નવી વિજેતા ટીમ મળશે, તે નક્કી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન