BZ ગ્રૂપ: ગુજરાતના 6,000 કરોડ રૂ.ના કથિત કૌભાંડમાં અત્યાર સુધી શું બહાર આવ્યું?

BZ ફાઇનાન્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા, બિટકૉઇન, ક્રિપ્ટો,

ઇમેજ સ્રોત, BHUPENDRA ZALA-FB/ANKIT CHAUHAN

ગુજરાતમાં હજારો કરોડ રૂપિયાના કથિત BZ ફાઇનાન્સ કૌભાંડમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ ઝાલાની સીઆઇડી ક્રાઇમે શુક્રવારે મહેસાણા પાસેના એક ફાર્મ હાઉસમાંથી ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના સાત દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. ત્યારે પોલીસ રિમાન્ડમાં દરમિયાન નવા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા લગભગ એક મહિનાથી ફરાર હતા અને એક તબક્કે એવું માનવામાં આવતું હતું કે ઝાલા વિદેશ નાસી છૂટ્યા છે, જોકે પોલીસની ટેકનિકલ સર્વેલન્સને કારણે ધરપકડ થવા પામી હતી.

જોકે, તેની ટીપનો હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જ મળી હતી.

મળેલ માહિતી અનુસાર ઝાલાએ ધરપકડથી બચવા માટે ધાર્મિક કર્મકાંડનો આશરો પણ લીધો હતો.

વ્યક્તિ એક સવાલ અનેક

BZ ફાઇનાન્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા છેતરપિંડી ધરપકડ ઠગાઈ, બિટકૉઇન, ક્રિપ્ટો, પૉન્ઝી સ્કીમ, ગુજરાત સીઆઈડી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, રાજસ્થાનના ડુંગરપુર ખાતે બ્રાન્ચની જાહેરાતની પ્રચારસામગ્રી

સીઆઇડી ભૂપેન્દ્રસિંહ ઝાલાની ધરપકડ કરી તેમને ગાંધીનગર લાવ્યા હતા. મેડિકલ ચેકઅપ બાદ અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા.

અહીં લિગલ સર્વિસ ઑથૉરિટી દ્વારા ઝાલા માટે વકીલની વ્યવસ્થા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા.

પોલીસનું કહેવું હતું કે ઝાલા 34 દિવસથી ફરાર હતા, આ દરમિયાન કોણે-કોણે તેને મદદ કરી, આ ગાળા દરમિયાન કોનો-કોનો સંપર્ક સાધ્યો હતો, કોણ-કોણ રોકાણકાર છે, તેમની પાસે કેટલી સ્થાવર અને જંગમ મિલકત છે એના વિશે માહિતી મેળવવાની છે.

પોલીસ દ્વારા અલગ અલગ 28 મુદ્દા રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, તમામ પક્ષકારોને સાંભળ્યા બાદ કોર્ટે સાત દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.

ગુજરાત હાઇકોર્ટે BZ ગ્રૂપના સીઈઓના આગોતરા જામીન નામંજૂર કર્યા હતા. એ પછી ઇન્ટરનેટ કૉલિંગની મદદથી કાયદાકીય વ્યૂહરચના રચીને જામીન મેળવવા પ્રયાસ કર્યા હતા.

આ દરમિયાન આ કૉલિંગ વધી જવા પામ્યા હતા, જેના આધારે પોલીસની શંકા પ્રબળ બની હતી.

સીઆઇડીએ આ કેસમાં સાતથી વધુ લોકોની ધરપકડ કરી છે અને તેમની સંપત્તિને ટાંચમાં લેવાની તજવીજ હાથ ધરી છે. આ સિવાય ઉત્તર ગુજરાતમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા છે.

પોલીસને મળેલી પ્રાથમિક માહિતી પ્રમાણે ઝાલાએ ધરપકડથી બચવા માટે મધ્ય પ્રદેશના એક મંદિરમાં વિશેષ પૂજા કરાવી હતી.

એટલું જ નહીં, જે ફાર્મ હાઉસમાં આશરો લીધો હતો, ત્યાં એક ઝાડની નીચે મંદિર બનાવ્યું હતું. ત્યાં પૂજા કરવા માટે પૂજારીને પણ બોલાવ્યા હતા.

જોકે, પૂજારીને શંકા હતી કે જે પૂજા કરવાની છે, તે કાળી વિદ્યા સંબંધિત છે એટલે તેમણે પૂજા કરવાનો ઇનકાર કરી દીધો હતો.

નનામી અરજી બાદ કાર્યવાહી

BZ ફાઇનાન્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા છેતરપિંડી ધરપકડ ઠગાઈ, બિટકૉઇન, ક્રિપ્ટો, પૉન્ઝી સ્કીમ, ગુજરાત સીઆઈડી

ઇમેજ સ્રોત, ANKIT CHAUHAN

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્રસિંહ ઝાલાના બંગલામાં પાર્ક થયેલી પ્રિમિયમ કારો કથિત રીતે કૌભાંડના રૂપિયાથી ખરીદવામાં આવી હતી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

થોડા દિવસ પહેલાં ગુજરાત પોલીસના સીઆઇડી ક્રાઇમ વિભાગ દ્વારા રૂપિયા 6,000 કરોડનું કથિત કૌભાંડ પકડવામાં આવ્યું હતું, જેમાં BZ ગ્રૂપ તરીકે ઓળખાતી ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરતી ખાનગી પેઢીની ઑફિસો પર મોડાસા, હિંમતનગર, મહેસાણા, ગાંધીનગર જેવાં ઉત્તર ગુજરાતનાં વિવિધ શહેરોમાં દરોડા પાડીને દસ્તાવેજો એકઠા કરાયા હતા.

નોંધપાત્ર બાબત એ છે કે પોલીસે મળેલી એક નામ વિનાની અરજીને આધારે પગલાં ભરીને દરોડા પાડવાની આ તમામ કાર્યવાહી કરી હતી.

દરોડામાં મળેલા દસ્તાવેજોને આધારે પોલીસે 27 નવેમ્બરના રોજ BZ ગ્રૂપના સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધી હતી અને ગ્રૂપ માટે રોકાણ લઈ આવવાનું કામ કરતા સાત એજન્ટોની અટકાયત કરી હતી.

પોતાના રોકાણ પર વધુ વ્યાજ કમાઈ લેવાની લાલચમાં આવીને ઉત્તર ગુજરાતના હજારો લોકોએ કરોડો રૂપિયોનું રોકાણ કર્યું હોવાની સીઆઇડી ક્રાઇમને માહિતી મળી હતી.

જ્યારે પોલીસની કાર્યવાહી શરૂ થઈ, ત્યારે વૉટ્સઍપ તથા અન્ય માધ્યમોથી રોકાણકારોનો સંપર્ક કરીને તેમને શાંત પાડવાના પ્રયાસ આરોપી દ્વારા કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં ખાસ સફળતા મળી ન હતી તથા અનેક રોકાણકારો પોલીસ પાસે પહોંચ્યા હતા.

શું હતી મૉડસ ઑપરેન્ડી ?

BZ ફાઇનાન્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા છેતરપિંડી ધરપકડ ઠગાઈ, બિટકૉઇન, ક્રિપ્ટો, પૉન્ઝી સ્કીમ, ગુજરાત સીઆઈડી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, સોશિયલ મીડિયામાં મૅસેજ થકી BZ ગ્રૂપ સામે ફરિયાદ ન કરવા માટે આડકતરી રીતે સલાહ આપતા મૅસેજ ફરતા થયા હતા

પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર BZ ગ્રૂપ દ્વારા રોકાણકારોને કરાર કરી આપવામાં આવતા હતા. કરારમાં લેખિતમાં સાત ટકા વ્યાજ તેમજ મૌખિક 18 ટકા વ્યાજની આપવાની લાલચ આપવામાં આવતી હતી.

રોકાણ કરનારઓને જણાવવામાં આવતું હતું કે કંપની ક્રિપ્ટૉકરન્સી તથા ઇલેક્ટ્રિકનો વેપાર કરે છે એટલે સરકારી-ખાનગી અને સહકારી બૅન્કો કરતાં વધુ વ્યાજ આપી શકે છે.

જોકે, પ્રાથમિક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ કથિત કૌભાંડથી મેળવેલા પૈસાને સગેવગે કરવા માટે બિટકૉઇનનો ઉપયોગ કર્યો છે.

આ યોજનાઓમાં રૂ. પાંચલાખથી વધુનું રોકાણ કરનારાઓને ગોવા ટ્રીપ અને એલઈડી ટીવી વગેરે જેવી લાલચો આપવામાં આવતી. આ સિવાય એસયુવી ગાડીઓ પણ ભેટમાં આપી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું

BZ ગ્રૂપ દ્વારા મોટા ભાગે શિક્ષકો અને નિવૃત્ત કર્મચારીઓને નિશાન બનાવવામાં આવતા હતા. વધારે વળતર આપવાની લાલચ આપી તેમની પાસે રોકાણ કરાવવામાં આવતું હતું.

લોકોને ભરોસો અપાવવા માટે શરૂઆતમાં થોડું-થોડું વળતર પણ આપવામાં આવતું હતું. રોકાણ લાવવા માટે એજન્ટ રાખવામાં આવતા હતા. કેટલાક શિક્ષકોએ પણ ભૂપેન્દ્રસિંહ ઝાલાના એજન્ટ બની રોકાણ કરાવડાવ્યું હોવાની વિગતો બહાર આવી છે.

આ એજન્ટોને BZ ગ્રૂપ પાંચ ટકાથી 25 ટકા સુધી કમિશન આપતું હોવાની માહિતી મળી છે. અન્ય એજન્ટો કોણ છે તે અંગે પણ નામ તથા ફોનનંબરોના આધારે તપાસ ચાલી રહી છે.

ભૂપેન્દ્રસિંહ ઝાલા કોણ છે ?

BZ ફાઇનાન્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા છેતરપિંડી ધરપકડ ઠગાઈ, બિટકૉઇન, ક્રિપ્ટો, પૉન્ઝી સ્કીમ, ગુજરાત સીઆઈડી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, ભૂપેન્દ્રસિંહ ખાસ અવરજવર ન હોય તથા ઇન્ટરનેટ-મોબાઇલની ઓછી સુવિધા હોય તેવા ગામમાં આશરો લીધો હતો, પરંતુ વાઇફાઇને કારણે તેનું પગેરું દાબી શકાયું હતું

ભૂપેન્દ્રસિંહ ઝાલાએ લોકસભાની ચૂંટણી દરમિયાન અપક્ષ ફૉર્મ ભર્યું હતું. તેણે કાયદાનો અધૂરો અભ્યાસ કર્યો છે. આ સિવાય પણ તેણે ત્રણેક ડિગ્રી મેળવી હોવાના અહેવાલ છે.

એક રાજકીય નેતાએ પોતાનું નામ ન આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, સૌપ્રથમ ઝાલા બિટકૉઇનનો જ વેપાર કરતા હતા, તેમાં એકાદ વખત સારો ફાયદો દેખાયો હશે તો લોકોના પૈસા ઉઘરાવીને વધારે બિટકૉઇન ખરીદવાનો ધંધો શરૂ કર્યો, જે અંતે BZ Finance કંપની અને બીજી અનેક કંપનીઓમાં પરિવર્તિત થઈ ગઈ.

BZ Finance તરીકે તેમની દુબઈ સહિત અનેક શહેરોમાં ઑફિસો હતી અને ગુજરાતી ઉપરાંત હિંદી ભાષામાં તેમની ફાઇનાન્સ કંપનીનો પ્રચાર કરતા હતા.

આ નેતાઓ વધુમાં જણાવ્યું કે મોટા ભાગના ધાર્મિક કાર્યક્રમોમાં તેમનો ફાળો રહેતો હતો, માટે જિલ્લાના દરેક ધાર્મિક કાર્યક્રમમાં તેમની હાજરી અચૂક જોવા મળતી હતી.

ઝાલાએ બે એસયુવી માટે રજીસ્ટ્રેશનમાં '12' નંબર મળે તે માટે આરટીઓમાં મોટી રકમ પણ ભરી હતી.

તેમની નજીકના અમુક લોકો સાથે જ્યારે બીબીસી ગુજરાતીએ વાત કરી તો જાણવા મળ્યું કે તેમણે BZ નામથી પોતાની વિવિધ પ્રોડક્ટ બજારમાં મૂકી હતી, જેમ કે BZ Air Cooler, BZ Air conditioner વગેરે.

એક પોલીસ અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી, "આ તમામ પ્રોડક્ટને તેમની કંપનીમાં અસેમ્બલ કરીને તેના પર BZનું બ્રાન્ડિંગ કરીને વેચવામાં આવતી હતી, જેને BZ ઇલેક્ટ્રૉનિક્સની વિવિધ દુકાનોથી વેચવામાં આવતી હતી."

એક ભૂલ, એક તક

BZ ફાઇનાન્સ, ભૂપેન્દ્રસિંહ ઝાલા છેતરપિંડી ધરપકડ ઠગાઈ, બિટકૉઇન, ક્રિપ્ટો, પૉન્ઝી સ્કીમ, ગુજરાત સીઆઈડી

ઇમેજ સ્રોત, Bhargav Parikh

ઇમેજ કૅપ્શન, પોલીસને ટેકનિકલ સર્વેલન્સમાં મદદ કરનાર સાયબર ઍક્સપર્ટ નેહલ દેસાઈ

સીઆઇડી ક્રાઇમનાં વડાં પરીક્ષિતા રાઠોડે બીબીસી સંવાદદાતા રૉક્સી ગાગડેકર છારા સાથે આ મુદ્દે વાત કરી હતી.

શરૂઆતમાં પોલીસ પાસે પણ એ બાતમી ન હતી કે ભૂપેન્દ્રસિંહ ઝાલા ખરેખરમાં ભારતમાં જ છે કે વિદેશ ભાગી ગયા છે.

પરીક્ષિતા રાઠોડે આ વિશે કહ્યું કે, "પહેલાં તો એવી જ માહિતી મળી હતી કે ભૂપેન્દ્ર ઝાલા વિદેશ જ ભાગી ગયો છે. પરંતુ પછી હ્યુમન ઇન્ટેલિજન્સથી ખ્યાલ આવ્યો કે તે ઉત્તર ગુજરાતમાં જ પોતાના મિત્રને ત્યાં રોકાયો છે. પોલીસે ત્યાર બાદ તેના લાગતા-વળગતા લોકોના સંપર્ક નંબરને સર્વેલન્સ હેઠળ મૂકી દીધા હતા. તેમાંથી જ પોલીસને એક નંબર શંકાસ્પદ લાગ્યો. આ નંબરથી વૉટ્સઍપથી કૉમ્યુનિકેશન થઈ રહ્યું હતું."

તેઓ કહે છે, "એ નંબર ટ્રૅક કર્યો પછી પોલીસને ખ્યાલ આવ્યો કે એ ભૂપેન્દ્રસિંહ ઝાલાનો જ નંબર છે. ત્યાર બાદ પોલીસની ટીમોએ સતત તેના પર વૉચ રાખી હતી. તેના રોકાણના પૈસા ક્યાં છે અને કઈ રીતે મહત્તમ રિકવરી કરી શકાય તેના પર અમારી નજર છે અને વધુ તપાસ એ દિશામાં આગળ થશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.