Google : સુપર કમ્પ્યુટરને જે કામ કરતા લાખો વર્ષ લાગે તે મિનિટોમાં કરી શકતી ચિપ શોધાઈ, સેકંડોમાં કરશે આ જટિલ કામ

ગૂગલ, વિલો ચિપ, ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ, અબજો વર્ષની ગણતરી

ઇમેજ સ્રોત, તસવીર-એક

ઇમેજ કૅપ્શન, વિલો ચિપ
    • લેેખક, ક્રિસ વૅલૅન્સ
    • પદ, વરિષ્ઠ ટેક્નૉલૉજી સંવાદદાતા

ગૂગલે એક નવી ચિપનું અનાવરણ કર્યું છે અને દાવો કર્યો છે કે વિશ્વનું હાલનું સૌથી ઝડપી સુપર કમ્પ્યુટર જે સમસ્યાના નિરાકરણમાં દસ સૅપ્ટિલિયન અથવા 10,000,000,000,000,000,000,000,000 વર્ષ લેશે, તેના નિરાકરણ માટે આ ચિપ પાંચ જ મિનિટનો સમય લેશે.

આ ચિપ ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ તરીકે ઓળખાતા ક્ષેત્રમાં નવીનતમ સંશોધન છે. તેમાં નવા પ્રકારનું કલ્પનાથી પર શક્તિશાળી કમ્પ્યુટર બનાવવા માટે પાર્ટિકલ ફિઝિક્સના સિદ્ધાંતોના ઉપયોગનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ગૂગલ કહે છે કે 'વિલો' તરીકે ઓળખાતી તેની નવી ક્વૉન્ટમ ચિપમાં મહત્ત્વનું સંશોધન સમાવિષ્ટ છે અને તે "ઉપયોગી, શક્તિશાળી ક્વૉન્ટમ કમ્પ્યુટરનો માર્ગ મોકળો કરે છે."

જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે વિલો હાલ તો એક પ્રાયોગિક ઉપકરણ છે.

તેનો અર્થ એ થાય કે વાસ્તવિક દુનિયાની શ્રેણીબદ્ધ સમસ્યાઓના નિરાકરણ માટે ઉપયોગી બને તેવું ક્વૉન્ટમ કમ્પ્યુટર બનાવવામાં વર્ષો થશે અને તેમાં અબજો ડૉલરનો ખર્ચ થશે.

ક્વૉન્ટમ કમ્પ્યુટિંગની જટિલતા

ગૂગલ, વિલો ચિપ, ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ, અબજો વર્ષની ગણતરી

ઇમેજ સ્રોત, Oxford Ionics

ઇમેજ કૅપ્શન, ઑક્સફૉર્ડ આયૉનિક્સની ઔદ્યોગિકસ્તરે ઉત્પાદિત થઈ શકે તેવી ક્વૉન્ટમ ચિપ

ક્વૉન્ટમ કમ્પ્યુટર્સ તમારા ફોન અથવા લૅપટૉપથી મૂળભૂત રીતે અલગ પદ્ધતિથી કામ કરે છે.

પરંપરાગત કમ્પ્યુટર્સ કરતાં અનેક ગણી ઝડપે સમસ્યા ઉકેલવા માટે તેમાં ક્વૉન્ટમ મિકેનિક્સનો, અત્યંત સૂક્ષ્મ કણોની વિચિત્ર પ્રકૃતિનો ઉપયોગ કરવામાં આવે છે.

ક્વૉન્ટમ કમ્પ્યુટર્સ એક દિવસ તેની ક્ષમતાનો ઉપયોગ નવી દવાઓના નિર્માણ જેવી જટિલ પ્રક્રિયાઓને ઝડપી બનાવવા માટે કરી શકશે એવી આશા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તેનો ઉપયોગ ખરાબ હેતુઓ માટે પણ થઈ શકે છે. દાખલા તરીકે સંવેદનશીલ ડેટાની સુરક્ષા માટેના કેટલાક પ્રકારના ઍન્ક્રિપ્શન તોડવા માટે તેનો ઉપયોગ થઈ શકે છે.

એપલે ફેબ્રુઆરીમાં જાહેરાત કરી હતી કે તેની આઇમૅસેજ ચેટ્સને ભવિષ્યનાં શક્તિશાળી ક્વૉન્ટમ કમ્પ્યુટર્સ વાંચી ન શકે એટલા માટે આ ચેટ્સને "ક્વૉન્ટમ પ્રૂફ" બનાવવામાં આવી રહી છે.

ગૂગલની ક્વૉન્ટમ એઆઇ લૅબે વિલો બનાવી છે અને હાર્ટમન નેવેન એ લૅબનું નેતૃત્વ કરે છે. તેઓ ખુદને આ પ્રોજેક્ટના "મુખ્ય આશાવાદી" ગણાવે છે.

તેમણે બીબીસીને જણાવ્યું હતું કે વિલોનો ઉપયોગ કેટલીક પ્રૅક્ટિકલ ઍપ્લિકેશનમાં કરવામાં આવશે. તેમણે વધુ વિગત આપવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે ઉમેર્યું હતું કે કૉમર્શિયલ ઍપ્લિકેશન્સ માટે સક્ષમ હોય તેવી ચિપ દાયકના અંત પહેલાં તૈયાર થઈ જાય તેવી શક્યતા નથી.

શરૂઆતમાં આ ઍપ્લિકેશન્સ સિસ્ટમ્સનું આભાસી પ્રતિબિંબ હશે, જેમાં ક્વૉન્ટમની અસર મહત્ત્વપૂર્ણ હોય છે.

"દાખલા તરીકે, દવાઓ અને ફાર્માસ્યુટિકલ્સ વિકાસની કામગીરીને સમજવા માટે ન્યુક્લિયર ફ્યુઝન રિઍક્ટર ડિઝાઇન કરવાના કે વધુ સારી કાર બૅટરી વિકસાવવાના સંદર્ભમાં તે સુસંગત હશે. એ ઉપયોગી થાય એવાં કાર્યોની યાદી લાંબી છે."

સફરજન અને સંતરાની સરખામણી

વીડિયો કૅપ્શન, Google : Search Engine ની સૌથી મોટી કંપની ગૂગલ સામે સવાલો કેમ ઊભા થયા?

હાર્ટમન નેવેને બીબીસીને જણાવ્યું હતું કે વિલોના પર્ફૉર્મન્સનો અર્થ એ છે કે તે "તે અત્યાર સુધીનું શ્રેષ્ઠ ક્વૉન્ટમ પ્રોસેસર છે."

જોકે, સરે યુનિવર્સિટીના કમ્પ્યુટિંગના નિષ્ણાત પ્રોફસર ઍલેન વુડવર્ડના કહેવા મુજબ, ક્વૉન્ટમ કમ્પ્યુટર્સ વર્તમાન ક્લાસિકલ કમ્પ્યુટર્સ કરતાં શ્રેણીબદ્ધ કાર્યો માટે વધુ સારાં હશે, પરંતુ એ વર્તમાન કમ્પ્યુટર્સનું સ્થાન લઈ શકશે નહીં.

માત્ર એક જ પરીક્ષણના આધારે વિલોની સિદ્ધિનાં વધુ પડતાં ગુણગાન કરવા સામે તેમણે ચેતવણી આપી હતી.

તેમણે બીબીસીને કહ્યું હતું, "સફરજન અને સંતરાની સરખામણી કરવામાં આવે તેનું ધ્યાન રાખવું જોઈએ."

ગૂગલે "ક્વૉન્ટમ કમ્પ્યુટર માટે જ તૈયાર કરવામાં આવેલી" એક સમસ્યાને પર્ફૉર્મન્સના માપદંડ તરીકે પસંદ કરી હતી અને તે "ક્લાસિકલ કમ્પ્યુટરની સરખામણીએ સાર્વત્રિક ગતિ" દર્શાવતી ન હતી.

તેમ છતાં, વિલો નોંધપાત્ર પ્રગતિનું પ્રતિનિધિત્વ કરે છે, જે ખાસ કરીને ભૂલસુધારણા તરીકે ઓળખાય છે.

ક્વૉન્ટમક્ષેત્ર અપાર સંભાવનાઓ

ગૂગલ, વિલો ચિપ, ક્વૉન્ટમ કમ્પ્યૂટિંગ, અબજો વર્ષની ગણતરી

ઇમેજ સ્રોત, Google

ઇમેજ કૅપ્શન, વિલો ચિપને ઠંડી રાખવા માટેની વિશિષ્ટ કુલિંગ વ્યવસ્થાની સંભાળ લઈ રહેલાં ગૂગલનાં કર્મીઓ

ખૂબ જ સરળ શબ્દોમાં કહીએ તો જેટલું વધુ ઉપયોગી ક્વૉન્ટમ કમ્પ્યુટર હોય તેટલા જ વધારે તેમાં ક્યુબિટ્સ હોય છે.

જોકે, આ ટેકનૉલૉજીની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમાં ભૂલો થવાની સંભાવના હોય છે. આ એક એવી સમસ્યા છે, જેનાથી ચિપમાં અગાઉ કરતાં વધુ ક્યુબિટ્સનો ઉમેરો કર્યો છે.

અલબત્ત, ગૂગલના સંશોધકો જણાવે છે કે તેમણે આનું નિરાકરણ કર્યું છે અને નવી ચિપ તથા પ્રોગ્રામ બનાવ્યો છે, જેથી ક્યુબિટ્સની સંખ્યા વધવાને કારણે સમગ્ર સિસ્ટમમાં થતી ભૂલોનો દર ઘટી ગયો છે.

હાર્ટમન નેવેન માને છે કે આ ક્ષેત્ર "લગભગ 30 વર્ષથી" જે મુખ્ય પડકારનું નિરાકરણ શોધતું હતું તેમાં આ એક મોટી "સફળતા" છે.

તેમણે બીબીસીને કહ્યું હતું, "તમારી પાસે એક એન્જિનવાળું વિમાન હોય તો એ કામ જરૂર કરશે, પરંતુ બે એન્જિનવાળું વિમાન વધારે સલામત હોય છે અને ચાર એન્જિનવાળું વિમાન તેના કરતાં પણ વધારે સલામત હોય છે."

પ્રોફેસર વૂડવર્ડે જણાવ્યું હતું કે વધુ શક્તિશાળી ક્વૉન્ટમ કમ્પ્યુટર્સ બનાવવામાં ઍરર્સ નોંધપાત્ર અવરોધ છે અને પ્રસ્તુત સંશોધન "પ્રૅક્ટિકલ ક્વૉન્ટમ કમ્પ્યુટર બનાવવા પ્રયત્નશીલ દરેક માટે પ્રોત્સાહક છે."

બીજી તરફ ગૂગલે પોતે નોંધ્યું છે કે વ્યવહારિક રીતે ઉપયોગી ક્વૉન્ટમ કમ્પ્યુટર્સ વિકસાવવા માટે ભૂલોનો દર, વિલોએ દર્શાવ્યો છે તેના કરતાં પણ ઘણો ઓછો હોવો જરૂરી છે.

વિલોનું નિર્માણ ગૂગલના ખાસ હેતુસર બનાવવામાં આવેલા કૅલિફોર્નિયામાંના મૅન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાં કરવામાં આવ્યું છે.

વિશ્વભરના દેશો ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ ક્ષેત્રે રોકાણ કરી રહ્યા છે.

બ્રિટને તાજેતરમાં નૅશનલ ક્વૉન્ટમ કમ્પ્યુટિંગ સેન્ટર (એનક્યુસીસી)નો પ્રારંભ કર્યો છે.

તેના ડિરેક્ટર માઇકલ કુથબર્ટે બીબીસીને જણાવ્યુ હતું કે તેઓ "અતિશયોક્તિપૂર્ણ" ભાષા બાબતે સાવધ છે અને માને છે કે વિલો એ કોઈ "નક્કર સંશોધન નહીં, પણ સીમાચિહ્નરૂપ છે." તેમ છતાં "એ અત્યંત પ્રભાવશાળી કામ છે."

તેમણે કહ્યું હતું, ક્વૉન્ટમ કમ્પ્યુટર્સ આખરે "વિમાનમાં કાર્ગો ફ્રૅઇટ ડિસ્ટ્રિબ્યુશન અથવા ટેલિકોમ સિગ્નલના રૂટિંગ અથવા સમગ્ર નૅશનલ ગ્રીડમાં સંગ્રહિત ઊર્જા જેવી શ્રેણીબદ્ધ લૉજિસ્ટિકલ સમસ્યાઓના નિવારણમાં મદદરૂપ થશે."

બ્રિટનમાં પહેલેથી જ 50 ક્વૉન્ટમ બિઝનેસ છે, જે 800 મિલિયન પાઉન્ડ ભંડોળને આકર્ષે છે અને 1,300 લોકોને રોજગાર આપે છે.

ઑક્સફોર્ડ યુનિવર્સિટી અને જાપાનની ઓસાકા યુનિવર્સિટીના સંશોધકોએ ટ્રેપ્ડ-આયન ક્યુબિટમાં ભૂલોનો ખૂબ જ ઓછો દર દર્શાવતું સંશોધનપત્ર તાજેતરમાં રજૂ કર્યું હતું.

રૂમ ટૅમ્પચેરમાં કામ કરવા સક્ષમ હોય તેવું ક્વૉન્ટમ કમ્પ્યુટર બનાવવાનો તેમનો અભિગમ અલગ છે, જ્યારે ગૂગલની ચિપને અસરકારક બનાવવા માટે અત્યંત નીચા તાપમાન પર સ્ટોર કરવી પડે છે.

ગૂગલ દ્વારા વિકસાવવામાં આવેલા વિલોના વૈજ્ઞાનિક તારણો નેચર જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.