ઇમરાન ખાનની ધરપકડ બાદ પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શનો શરૂ, જાણો અત્યાર સુધી શું શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, શુમાઇલા ઝાફરી
- પદ, બીબીસી સંવાદદાતા, ઇસ્લામાબાદથી
પાકિસ્તાનના પૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની ધરપકડ પછી તેમના સમર્થકો દ્વારા પાકિસ્તાનમાં હિંસક પ્રદર્શન વધુ ઉગ્ર બની રહ્યાં છે.
મંગળવારે બપોરથી પાકિસ્તાનના અલગ-અલગ પ્રદેશોમાંથી હિંસાના સમાચારો આવવા લાગ્યા હતા અને રાત સુધીમાં મામલો ખૂબ ગંભીર બની ગયો હતો.
ઇમરાન ખાનના સમર્થકો અને તહરીક-એ-ઇન્સાફના કાર્યકર્તાઓ રાવલપિંડી ખાતે આવેલા સેનાના મુખ્ય મથકમાં પણ ઘૂસી ગયા હતા.

મંગળવારની રાતથી બુધવાર સુધીમાં શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાન સરકારે ઇસ્લામાબાદની પોલીસ લાઇન ખાતે આવેલા મુખ્ય મથકને સબ-જેલમાં રૂપાંતરિત કરી દીધું છે અને ઇમરાન ખાનને રાતોરાત ત્યાં મોકલી દેવાયા છે.
સરકાર તરફથી પીટીઆઈને સૂચના મળી છે કે નેશનલ અકાઉન્ટીબિલિટી બ્યૂરો (નૅબ) ની અદાલત ગેસ્ટ હાઉસમાં જ ભારે સુરક્ષા વચ્ચે ચાલશે. જો કે મીડિયા પાસેથી તેની કોઈ સત્તાવાર માહિતી મળી નથી.
નૅબ ઈમરાન ખાનની 14 દિવસની રિમાન્ડ માંગી શકે છે.
ઇસ્લામાબાદ હાઈકોર્ટે મોડી રાત્રે ઈમરાન ખાનની ધરપકડને કાનૂની રીતે યોગ્ય ગણાવી છે. તહરીક-એ-ઇન્સાફના નેતા ફવાદ ચૌધરીએ હાઈકોર્ટના આ નિર્ણયને આંચકાજનક ગણાવ્યો છે.
તેમણે કહ્યું કે, ‘ઇમરાન ખાનની જામીન પર નિર્ણય આપ્યા પહેલાં ધરપકડ ગેરકાનૂની છે અને પીટીઆઈ (પાકિસ્તાન તહેરીક-એ-ઇન્સાફ) આ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નારાજ થયેલા પીટીઆઈના કાર્યકર્તાઓએ લાહોરના લિબર્ટી ચોક પર આવેલા અસ્કરી ટાવરમાં આગ લગાવી દીધી હતી. આ બિલ્ડીંગમાં ઑડી કારનો એક શો-રૂમ પણ હતો, જેને પ્રદર્શનકારીઓએ પોતાના કબ્જામાં લઈ લીધો અને ગાડીઓમાં આગ લગાવી દીધી.
પીટીઆઈના નેતાઓએ તેમની ઇમર્જન્સી બેઠકમાં ઇમરાન ખાનની ગેરકાનૂની ધરપકડની નિંદા કરી છે અને તેમને છોડી દેવામાં ન આવે ત્યાં સુધી શાંતિપૂર્ણ પ્રદર્શન શરૂ રાખવાનું નક્કી કર્યું છે.
દેશમાં સુરક્ષા વ્યવસ્થા હાઈ-એલર્ટ પર રહેશે અને મોબાઈલ બ્રૉડબેન્ડ અને સોશિયલ મીડિયાને સમગ્ર દેશમાં સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે.

અમેરિકી દૂતાવાસે જાહેર કર્યો એલર્ટ

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના અત્યારના સંજોગોને ધ્યાનમાં રાખીને અમેરિકી દૂતાવાસે ઍલર્ટ જાહેર કરી છે.
દૂતાવાસે તેના નિવેદનમાં જણાવ્યું છે કે, “ઇસ્લામાબાદમાં પ્રદર્શનકર્તાઓ અને પોલીસ વચ્ચે થઈ રહેલાં ઘર્ષણો, ભવિષ્યમાં થનારાં પ્રદર્શનો કે અથડામણોની સંભાવનાઓ – એ તમામ પર નજર છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઇસ્લામાબાદ સ્થિત અમેરિકી દૂતાવાસે 10 મે 2023ની બધી જ અપૉઇમેન્ટ રદ્દ કરી દીધી છે.”
આ સાથે જ દૂતાવાસે એક વિસ્તૃત ગાઈડલાઇન જાહેર કરી છે, જેમાં પાકિસ્તાનમાં રહેનારા અમેરિકી નાગરિકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી આપવામાં આવી છે.














