ડીસા વિસ્ફોટ: 'અમને પૂછ્યા વગર મૃતદેહો મધ્ય પ્રદેશ કેમ મોકલી દીધા'- પુત્ર અને પુત્રવધૂ ગુમાવી ચૂકેલાં માતાની વ્યથા

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ
ઇમેજ કૅપ્શન, ડીસા વિસ્ફોટમાં એક મૃતકનાં માતા કાલીબાઈનો આરોપ છે કે પોલીસે તેમને પૂછ્યા વગર તેમનાં દીકરા-વહુના મૃતદેહને મધ્ય પ્રદેશ મોકલી દીધા.
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ડીસામાં આવેલા ઢુવા રોડ પર આવેલી ફટાકડા બનાવવાની એક ફૅક્ટરીમાં મંગળવારે થયેલા બ્લાસ્ટમાં મધ્ય પ્રદેશથી આવેલા 21 શ્રમીકોનાં મૃત્યુ થયાં હતાં. આ શ્રમીકોના મૃતદેહોને લઈને ઍમ્બુલન્સનો કાફલો પોલીસ પાયલોટિંગ સાથે ડીસાથી મધ્ય પ્રદેશ જવા રવાના થયો હતો.

બનાસકાંઠાના કલેક્ટરે મિહિર પટેલે જણાવ્યું હતું કે "મધ્ય પ્રદેશની સરકારના મંત્રી નગરસિંહ ચૌહાણ અને સ્થાનિક તંત્રના ઉચ્ચ અધિકારીઓ અહીં આવ્યા હતા. મૃતકોના પરિવારજનો પણ ડીસાની સિવિલ હૉસ્પિટલમાં આવ્યા હતા. પરિવારજનોની ઉપસ્થિતિમાં મૃતકોની ઓળખ કરીને મૃતદેહોને મધ્ય પ્રદેશ મોકલવામાં આવ્યા છે."

માત્ર બે મૃતદેહોની ઓળખવિધિ બાકી છે.

જોકે, મૃતદેહોની ઓળખવિધિ કરીને તેમને મધ્ય પ્રદેશ મોકલવાને લઈને વિવાદ પેદા થયો છે. કારણકે એક તરફ કલેક્ટર એમ કહી રહ્યા છે કે મૃતકોની ઓળખવિધિ કર્યા બાદ મૃતદેહોને રવાના કરાયા છે જ્યારે કે પરિવારજનો કહે છે કે તેમને પૂછ્યું નથી તો તેમની ઓળખવિધિ થઈ કેવી રીતે?

મૃતકોના પરિવારજનોનો એ પણ આરોપ છે કે તેમના સ્વજનોના મૃતદેહોને તેમને પૂછ્યા વગર મધ્ય પ્રદેશ મોકલી દેવામાં આવ્યા છે.

મૃતદેહોને મોકલી દેવા મામલે ડીસાની સિવિલ હૉસ્પિટલમાં હોબાળો પણ થયો હતો.

મૃતદેહોને મોકલવા સામે સવાલ

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ
ઇમેજ કૅપ્શન, બનાસકાંઠાના ડીસામાં આવેલા ફટાકડાના ગોડાઉનમાં થયેલા બ્લાસ્ટને કારણે 21નાં મૃત્યુ થયાં હતાં. વિસ્ફોટ બાદ કાટમાળમાં ફેરવાઈ ગયેલું ફટાકડાનું કારખાનું નજરે પડે છે.

એક મૃતકનાં માતા કાલીબાઈએ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો કે પોલીસ અને પ્રશાસને તેમને પૂછ્યા વગર તેમના મૃત સ્વજનની ઓળખવિધિ કરાવીને અમારા વતન મોકલી દીધા છે.

કાલીબાઈ રડતાં રડતાં અને આક્રાંદ કરતાં કહે છે, "મેં મારાં દીકરા-વહુ ખોયાં છે. કેમ અમને પૂછ્યા વગર તેમણે મૃતદેહોને મોકલી દીધા, સરકાર શા માટે છે? મારે ન્યાય જોઈએ છે, મારે કશું બીજું જોઈતું નથી."

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વધુમાં તેમણે આલાપ કરતાં કહ્યું, "હવે હું જીવીને શું કરીશ?"

ડીસા ફટાકડાની ફૅક્ટરીમાં માર્યા ગયેલા વધુ એક મૃતકના સ્વજન દૂલીચંદે પણ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં આ જ પ્રકારના આરોપો લગાવ્યા.

તેમણે કહ્યું, "મારા પરિવારમાં છ લોકો હતા. તેમના મૃતદેહોને અમારી જાણ વગર મોકલી દીધા."

બનાસકાંઠાના ડીસા શહેરથી પાંચેક કિલોમીટર દૂર ઢુવા કરીને ગામ છે. જે ઢુવા રોડ તરીકે પણ ઓળખાય છે. અમે જ્યારે જ્યાં આ દુર્ઘટના ઘટી ત્યાં જવા રવાના થયા ત્યારે ઢુવા ગામથી એકાદ કિલોમીટર દૂર પહોંચ્યા ત્યારે જ હવામાં ગંધકની વાસ આવવા લાગી હતી.

ડીસાના ઢુવા રોડ પર જીઆઈડીસીની બહાર દીપક ટ્રેડર્સ નામનું ફટાકડાનું ગોડાઉન આવેલું છે.

ઢુવામાં આ જ ફટાકડાના કારખાના કે ગોદામમાં વિસ્ફોટ થયો અને 21 લોકો હોમાઈ ગયા, ત્યાં પહોંચો એટલે ગંધકની વાસની તીવ્રતા વધી જાય.

મંગળવારે, પહેલી એપ્રિલે સવારે કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. કારખાનાને અડીને જ તેમને રહેવા માટે ઝૂંપડીઓ બનાવી આપવામાં આવી હતી. કામદારોના પરિવારજનો ત્યાં ઝૂંપડીમાં રસોઈ કે અન્ય કામ કરતા હતા.

સવારે સાડા નવથી દસની વચ્ચે અચાનક વિસ્ફોટ થયો અને ઉપરની છત તૂટી પડી. ત્યાં કામ કરી રહેલા 21 કામદારોના જીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. કલેક્ટર મિહિર પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમાં 4 મહિલા અને 3 બાળકો પણ છે.

ડીસામાં થયેલા વિસ્ફોટમાં એક મજૂર કેવી રીતે બચી ગયો?

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ
ઇમેજ કૅપ્શન, ઘટનામાં બચી ગયેલો રાજેશ નાયક

જે લોકો ઘાયલ થયા તેમને તાબડતોબ ડીસા અને પાલનપુરની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા.

રાત્રે દસ વાગ્યા હતા ત્યારે ડીસા હૉસ્પિટલની પથારી પર રાજેશ નાયક નામના એક યુવાન અમને નજરે પડ્યા. તેમની બાજુમાં એક નાની બાળકી હતી અને તેના માથા પર પણ પાટો બાંધેલો હતો.

રાજેશ પણ એ જ મજૂર છે જેઓ એ જ કારખાનામાં કામ કરતા હતા જ્યાં 21 લોકો માર્યા ગયા. જોકે, તેઓ પાણી પીવા માટે બહાર ગયા અને તે બચી ગયા. હૉસ્પિટલમાં પોલીસ સ્ટાફે તેમના માટે સાંજના ભોજનની વ્યવસ્થા પણ કરી હતી પરંતુ તેઓ કહે છે કે આજે રાતે મારા ગળામાં કોળિયો નહીં ઊતરે.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, "જે લોકો મૃત્યુ પામ્યાં છે તેમાં મારા ભાઈ પણ છે. મારા પરિવારજનો પણ છે. રવિવારથી જ હું કામે આવ્યો હતો. ફટાકડાની ફૅક્ટરી હતી અને હું તેમાં કામ કરતો હતો. અમે બધા મજૂરો મધ્ય પ્રદેશના હતા. કેટલાક હરદા જિલ્લાના હતા તો કેટલાક દેવાસ જિલ્લાના હતા."

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયાર અનુસાર ગોડાઉનના માલિક ખૂબચંદભાઈ તેમજ દીપક ખૂબચંદ મોહનાણી દ્વારા ફટાકડા રાખવાના ગોડાઉનની આડમાં ફટાકડા ઉત્પાદન કરવાની પ્રવૃત્તિ કોઈ પણ જાતની તંત્રની 'મંજૂરી વગર' શરૂ કરવામાં આવી હતી.

વીડિયો કૅપ્શન, Deesa: ફટાકડા ફેકટરીમાં બ્લાસ્ટ બાદ પોતાના પુત્રોને શોધી રહેલાં માતાની વ્યથા

સ્થાનિક લોકો અનુસાર તાજેતરમાં જ હોળી -ધુળેટીના તહેવાર બાદ મધ્ય પ્રદેશથી 25 જેટલા મજૂરો ફૅકટરીમાં આવ્યા હતા અને ફટાકડા બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવી હતી.

રાતે દસ વાગ્યે કલેક્ટર મિહિર પટેલ પણ સિવિલ હૉસ્પિટલમાં હાજર હતા. તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું, "જ્યાં વિસ્ફોટ થયો ત્યાં ઔદ્યોગિક વસાહત હતી. જે ફૅક્ટરીમાં વિસ્ફોટ થયો ત્યાં જ કામદારો રહેતા હતા. મોટા ભાગે પીડિતો મધ્ય પ્રદેશના હતા."

વધુમાં તેમણે જણાવ્યું, "રાત્રે મધ્ય પ્રદેશથી એક ટીમ ડીસા પહોંચી હતી. તેમની હાજરીમાં મૃતદેહોની ઓળખવિધિ કરવામાં આવી. દેવાસ જિલ્લાના 10 મૃતદેહને લઈને આ ટીમ રવાના થઈ છે. હરદા જિલ્લાના 8 મૃતદેહોને ત્યાંનું સ્થાનિક તંત્ર પહોંચે પછી રવાના કરાશે."

દેવાસ જિલ્લામાંથી આ મજૂરો સાથે ગયેલા ઠેકેદાર પંકજનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.

આ દુર્ઘટના અંગે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે પણ ઍક્સ પર ઘટના અંગે દુ:ખ વ્યક્ત કરતા લખ્યું હતું કે, "બનાસકાંઠામાં ફાયર ફૅકટરીમાં બ્લાસ્ટ થવાથી જે મજૂરો મૃત્યુ પામ્યા તેનાથી હું દુ:ખની લાગણી અનુભવું છું. રાજ્ય સરકાર મૃતકો પ્રત્યે દિલસોજી વ્યકત કરે છે. રાજ્ય સરકાર ઘાયલ મજૂરો અને મૃતકોના પરિવારને શક્ય તમામ મદદ કરશે. હું મહાકાલને પ્રાર્થના કરું છું કે કે આ દુ:ખને સહન કરવાની સૌને શક્તિ આપે."

બાળકના મૃતદેહ જોઈને સફાઈ કામદારે શું કહ્યું?

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ
ઇમેજ કૅપ્શન, કારખાનાને અડીને અહીં કામ કરતા કામદારો માટે ઝૂંપડી જેવાં આવાસો બનાવવામાં આવ્યાં હતાં.

ઢુવાના જે ફટાકડાના કારખાનામાં વિસ્ફોટ થયો એ એટલો પ્રચંડ હતો કે એ પરિસરમાં એક રિક્ષા હતી તેનો પણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને તેની પાછળ ઊભેલી એક વ્યક્તિ પણ મોતને ભેટી હતી.

દીપક ટ્રેડર્સની જે ફટાકડાના કારખાનાની ઑફીસ હતી તેના લોખંડના શટરમાં વિસ્ફોટને કારણે મોટું ગાબડું પડી ગયું હતું.

કારખાનાની સામે જે ઑફીસ હતી તેના કાચ તૂટીને આખી ઑફીસ તેમજ ટેબલ અને ખૂરશીઓ પર ફેલાઈ ગયા હતા. સવારે દસ – સાડા દશથી જે રાહત અને બચાવ કાર્ય શરૂ થયું હતું તે રાત સુધી યથાવત્ હતું.

રાતે ફાયર બ્રિગેડે ડ્રેગન લાઇટ ગોઠવીને પણ કાટમાળ ફંફોસ્યો હતો. એસડીઆરએફ, પોલીસ, ફાયર બ્રિગેડના જવાનોની સાથે નગરપાલિકાના સફાઇ કામદારો પણ કાટમાળ હઠાવવામાં લાગી ગયા હતા.

એક સફાઈ કામદારે બીબીસીને જણાવ્યું હતું કે "મેં ચાર મૃતદેહો બહાર કાઢ્યા હતા. તેમને સ્ટ્રેચરમાં મૂકીને હું કેવી રીતે લઈ ગયો તે મારું મન જાણે છે. બાળકના મૃતદેહને જોઈને મારું કાળજું કંપી ઉઠ્યું હતું."

કારખાનાની બાજુમાં જ મજૂરોના આવાસ હતા

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ
ઇમેજ કૅપ્શન, કામદારોના પરિવારજનોએ ધોવા માટે પલાળેલાં કપડાં નજરે પડે છે

બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર પરેશ પઢિયારના જણાવ્યા અનુસાર વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મજૂરોનાં માનવ અંગો દૂર દૂર સુધી ઊડીને પડ્યાં હતાં.

ધડાકાનો અવાજ આજુબાજુના ત્રણ કિલોમીટર સુધીના વિસ્તારમાં સંભળાયો હતો.

વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે મજૂરોનાં માનવ અંગો 200 ફૂટ દૂર સુધી ખેતરોમાં ઊડ્યાં હતાં. જ્યારે ગોડાઉનનો આરસીસી સ્લૅબ પણ તૂટી પડ્યો હતો અને બાજુની ફૅક્ટરીની દીવાલ પણ ધરાશાયી થઈ જવા પામી હતી. જ્યારે આરસીસીના મોટા સ્લૅબના ટુકડા પણ 300 ફૂટ દૂર સુધી ઊડ્યા હતા.

ગોડાઉનનું ધાબુ તૂટી પડ્યું હતું. જેમાં વિસ્ફોટથી ઘાયલ થયેલા મજૂરો દટાઈ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં ડીસા નગરપાલિકાના ફાયર વિભાગ તાત્કાલિક પહોંચી આગ ઓલવવાની કામગીરી હાથ ધરી હતી. જ્યારે પોલીસ તંત્ર, વહીવટીતંત્ર તેમજ સ્ટેટ ડિઝાસ્ટર રિલીફ ફોર્સ (એસડીઆરએફ) દોડી આવી કાટમાળ હટાવી એક બાદ એક મજૂરોની લાશ બહાર કાઢી હતી. મૃતકોના પરિવારજનોના આક્રંદથી ગમગીન માહોલ છવાઈ ગયો હતો.

ગોડાઉનની આરસીસી ભરેલી છત તૂટી પડતા મજૂરો દટાઈ જતા સાંજ સુધી મૃતદેહો બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ હતી.

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ
ઇમેજ કૅપ્શન, વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે કારખાનાની ઑફીસની શટરમાં મોટું ગાબડું પડી ગયું હતું.

દુર્ઘટના ખૂબ મોટી હતી. તે જોવા માટે ઢુવા તેમજ છેક ડીસાથી લોકો ત્યાં ઊમટી પડ્યા હતા. પોલીસ વારંવાર બધાને સાઇટ પરથી દૂર જવા હાકલ કરતી હતી. મોડી સાંજ સુધી લોકોનાં ટોળાં કાટમાળમાં ફેરવાઈ ગયેલા કારખાનાની આસપાસ નજરે પડતાં હતાં.

જે કારખાનું હતું ત્યાં ખાતરની થેલીમાં વાટ વિનાના સૂતળી બૉમ્બ તેમજ ફટાકડાને લગતી અન્ય સામગ્રી જોવા મળતી હતી.

આ ઘટનામાં છ લોકો ઘાયલ થયા હતા. આ તમામ ઘાયલોને ડીસા, પાલનપુર અને અમદાવાદની સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું હતું કે "સ્લૅબ પડી જવાથી આ દુર્ઘટના બની હતી. સ્લૅબ પડવાને કારણે લોકોનાં મૃત્યુ થયાં છે. અમે ભારતીય ન્યાય સંહિતાની ધારા 304 હેઠળ એફઆઈઆર નોંધવા જઈ રહ્યા છીએ. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે."

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ
ઇમેજ કૅપ્શન, વિસ્ફોટને લીધે ઑફીસની બારીના કાચ તૂટી ગયેલા નજરે પડે છે.

બીબીસી સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા પ્રમાણે હાલ પોલીસે કારખાનાના માલિકના ભાઈ જગદીશ સિંધી તેમજ દીપક ખૂબચંદની ધરપકડ કરી લીધી છે.

આ મામલે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દુ:ખ વ્યક્ત કર્યું છે. આ દુર્ઘટના બાદ તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર સંવેદના વ્યક્ત કરી હતી.

તેમણે લખ્યું હતું કે, "બનાસકાંઠામાં ફટાકડાની ફૅકટરીમાં વિસ્ફોટથી લોકોના જીવ ગયા છે તેનાથી હું ખૂબ દુ:ખી છું. જેમણે પોતાનાં સ્વજનો ગુમાવ્યાં છે તેમને સાંત્વના, ઈજાગ્રસ્તો જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના. મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને 2 લાખ અને ઘાયલોને 50 હજારની સહાય PMNRFમાંથી આપવામાં આવશે."

સરકારે ઘટનાના પીડિતો માટે સહાયતાની જાહેરાત કરી છે. સરકારે મૃતકોના પરિજનો માટે ચાર લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તો માટે 50 હજાર રૂપિયાની સહાયતાની જાહેરાત કરી છે.

સરકારે આ ઘટનાની તપાસ માટે પાંચ સભ્યોની એસઆઈટીની જાહેરાત કરી છે.

જોકે, અન્ય એક આરોપી ખૂબચંદ મોહનાણી હજુ લાપતા છે. આ લખાય છે ત્યાં સુધી તેનો પત્તો પોલીસને મળ્યો નથી.

ડીસાના આ ગોડાઉનમાં શું ચાલી રહ્યું હતું?

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ
ઇમેજ કૅપ્શન, કારખાનાની અંદર વાટ વગરના સૂતળી બૉમ્બ આ રીતે ખાતરની થેલીમાં ભરેલા જોવા મળ્યા હતા.

ડીસાના જે ગોડાઉનમાં દુર્ઘટના બની તે જગ્યાએ ફટાકડા બનાવવાનું કામ થતું હોવાના અહેવાલ છે.

જોકે સરકારે આ મામલે તપાસ માટે એસઆઈટીની રચના કરી છે. ઘટના બાદ કલેક્ટરે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, "અહીં ફટાકડા બનાવવાનું કામ ચાલતું હતું ત્યારે ધડાકો થયો તેવી પ્રાથમિક માહિતી મળી છે."

બીબીસી સહયોગી પરેશ પઢિયારના જણાવ્યા પ્રમાણે દીપક ટ્રેડર્સ નામની કંપની ખૂબચંદ રેલુમલ મોહનાણીની માલિકીની હતી જેમાં ફટાકાડા બનાવવામાં આવતા હતા કે કેમ તે અંગે હાલ પોલીસ તપાસ ચાલુ છે. જોકે બનાસકાંઠા એસપીએ ગોડાઉનમાં ફટાકડા રાખ્યા હોવા અંગે મનાઈ કરી હતી.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં એસપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે પ્રાથમિક તપાસમાં બહાર આવેલી જાણકારી પ્રમાણે અહીં કોઈ પણ પ્રકારના ફટાકડા બનાવવામાં આવતા હોવાની જાણકારી સામે આવી નથી. અહીં ફટાકડા બનાવવામાં આવતા હોવાનો પુરાવો અમારી એફએસએલની ટીમને મળ્યા નથી.

બનાસકાંઠા, ડીસા, બીબીસી ગુજરાતી, બ્લાસ્ટ, વિસ્ફોટ, મૃત્યુ, ફટાકડા, ફૅક્ટરી, મજૂર, ગુજરાત સરકાર, ન્યૂઝ, ગુજરાત, ગુજરાતી સમાચાર, એસઆઈટી, દીપક ટ્રેડર્સ

ઇમેજ સ્રોત, Paresh Padhiyar

ઇમેજ કૅપ્શન, દીપક ટ્રેડર્સના માલિક ખૂબચંદભાઈ મોહનાણી અને દીપક મોહનાણી

સાંજે કલેક્ટર મિહિર પટેલે ફરી મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, "આ ગોડાઉન ફટાકડાના સ્ટોરેજ માટેનું ગોડાઉન હતું અને વર્ષ 2021માં લાયસન્સ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર-2024માં લાયસન્સની સમય અવધિ સમાપ્ત થતા રિન્યૂઅલ માટે ગોડાઉનના માલિકોએ એપ્લાય પણ કર્યું હતું."

તેમણે આગળ કહ્યું કે, "અંદાજે 15 માર્ચની આજુબાજુ પોલીસ અને મામલતદારે ઘટના જ્યાં બની છે એ સ્થળની મુલાકાત પણ લીધી હતી અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી પરંતુ ત્યારે સમગ્ર પ્રિમાઇસીસ ખાલી હતું અને કોઈ જથ્થો જોવા મળ્યો ન હતો. પાછલા પંદરેક દિવસમાં ગેરકાયદેસર જથ્થાનો સંગ્રહ કર્યો હોય એવું જણાઈ આવે છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.