ગુજરાતની ઔદ્યોગિક કંપનીઓમાં વારંવાર થતાં આગ-અકસ્માતમાં કામદારો કેમ માર્યા જાય છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
બનાસકાંઠાના ડીસામાં આજે ફટાકડાની એક ફેક્ટરી તથા ગોડાઉનમાં ધડાકા પછી આગ ફાટી નીકળતા ઓછામાં ઓછા 18 શ્રમિકોનાં મૃત્યુ થયાં હોવાના અહેવાલ છે.
ડીસા નગરપાલિકાના ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને આગ બુજાવવાની કામગીરી હાથ ધરી હતી.
ઍમ્બ્યુલન્સની ટીમ અને સરકારી અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ લાગ્યાના કલાકો પછી પણ કાટમાળમાંથી મૃતદેહો કાઢવાની કામગીરી ચાલુ હતી.
સવારે લગભગ 9.45 વાગ્યાની આસપાસ વિસ્ફોટ થયો હતો. તેનાથી સ્લૅબ નીચે બેસી ગયો. કામ કરતા મજૂરોના પરિવારજનો પણ ત્યાં જ રહેતા હોવાથી સ્લૅબ નીચે દટાયા હોવાનું જાણવા મળ્યું છે.
ડીસાની ફેકટરીની આગ પહેલાં પણ ગુજરાત રાજ્ય ભયંકર આગની ઘટનાઓને લઈને ચર્ચામાં રહ્યું છે.
ઔદ્યોગિક હબ તરીકે ઓળખાતા ગુજરાતમાં ગુજરાતમાં ઔદ્યોગિક વિસ્તારમાં આગની ઘટનાઓ રોકી શકાતી નથી. રાજયના 16 જિલ્લામાં છેલ્લાં બે વર્ષમાં ઔદ્યોગિક વિસ્તારમાં આગ લાગવાની 115 ઘટનાઓ બની છે. જેમાં 12 લોકોનાં મોત થયાં છે.
દર વર્ષે 200 જેટલા અકસ્માતો નોંધાય છે. ફૅક્ટરીમાં કામ કરતા વર્કરોની હેલ્થ અને સેફ્ટી માટે કાયદામાં જોગવાઈ કરવામાં આવી છે. પરંતુ તેમ છતાં આ અકસ્માતો ઘટાતા નથી.
આ ક્ષેત્રમાં કામ કરતા લોકોનો દાવો છે કે કાયદાનું માત્ર કાગળ પર જ અમલીકરણ કરાય છે. તેમજ હેલ્થ સેફ્ટી વિભાગ દ્વારા ઘટનાઓ બન્યા બાદ તપાસ કરવામાં આવે છે. પરંતુ ઘટનાઓ ન બને તે માટે પ્રોએક્ટિવ ધ્યાન અપાતું નથી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત રાજ્યમાં આગની ઘટનાઓ

ઇમેજ સ્રોત, PARESH PADHIYAR
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત વિધાનસભાના સત્રમાં 29 માર્ચ 2025ના રોજ અલગ અલગ ધારાસભ્યોએ શ્રમ અને રોજગાર વિભાગને અલગ અલગ જિલ્લામાં લાગેલી આગની ઘટના અંગે સવાલ કર્યા હતા.શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપેલા અંકડા અનુસાર 1 ફેબ્રુઆરી 2023થી 31 જાન્યુઆરી 2025 સુધી છેલ્લાં બે વર્ષમાં ગુજરાત રાજ્યના 16 જિલ્લાઓમાં ઔધોગિક આગની 115 ઘટનાઓ બની છે. આ ઘટનાઓમાં 12 કામદારોનાં મોત થયાં છે, તેમજ 14 લોકો ઘાયલ થયા હતા.
શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા આપવામાં આવેલા જવાબ અનુસાર ઔદ્યોગિક વિસ્તારમાં લાગેલી આગનાં કારણોમાં મોટોભાગની આગ ઇલેક્ટ્રિક શૉર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું આવ્યું છે. આ ઉપરાંત ઑઇલ ઓવર હીટિંગ, ઘર્ષણ થવાથી, સ્પાર્ક થવાથી, મિક્સર સ્પાર્ક થવાથી, વેન્ડિંગના કારણે તણખા ઊડવા, જેવાં કારણોથી આગ હતી.
ઔધોગિક વિસ્તારમાં આગ લાગવાની ઘટના અંગે શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા શું પગલાં લેવામાં આવ્યાં છે. શ્રમ અને રોજગાર વિભાગે જવાબમાં જણાવ્યું હતું કે દરેક ઘટનામાં કારખાના ધારા 1948 હેઠળ ફોજદારી ગુનાઓ નોંધવામાં આવ્યા છે. તેમજ કેટલાક યુનિટોના સીલ કરવામાં આવ્યા હોવાની શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા માહિતી આપવામાં આવી છે.
નિવૃત્ત ચીફ ફાયર ઑફિસર રાજેશ ભટ્ટે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતુ કે, "લોકો પ્રોડક્શન પર ધ્યાન આપે છે. પરંતુ સલામતીના મુદ્દે બેદરાકરી દાખવે છે. અકસ્માતો રોકી શકવા મુશ્કેલ છે. પરંતુ તેમાં ચોકસાઈ રાખીને ઓછા કરી શકાય છે. તેમજ જોખમ ટાળી શકાય છે. સલામતીને ધ્યાનમાં રાખ્યા સિવાય માત્ર પ્રોડક્શન પર ધ્યાન આપવામાં આવશે તો હોનારતોના સામનો કરવો પડશે. જેમાં લોકોના જીવ જાય છે."
ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતમાં સૌથી વધુ મોત

ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માત અંગેનો ટ્રૅક રેકૉર્ડ સારો ન હોવાનું આંકડા પરથી ફલિત થાય છે.
વર્ષ 2021માં લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં શ્રમ અને રોજગારમંત્રી સંતોષકુમાર ગંગવારે રાજ્યવાર આપેલી માહિતી અનુસાર વર્ષ 2014થી વર્ષ 2018માં ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતમાં મોત વધારે થાય છે.
તો બનાસકાંઠાના વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ વર્ષ 2023માં ગુજરાત વિધાનસભામાં ચોમાસા સત્રમાં ઔદ્યોગિક અકસ્માત અંગે પૂછેલા પ્રશ્નના જવાબમાં સરકારે આપેલા આંકડા અનુસાર વર્ષ 2020-21થી 2022-2023 સુધીમાં 587 ઔદ્યોગિક અકસ્માત નોંધાયા હતા. જેમાં 700 કરતાં વધારે કામદારોનાં મોત થયાં હતાં, જ્યારે 213 કામદારોને ઈજા થઈ હતી.
સરકારે જવાબમાં કહ્યું હતું કે ત્રણ વર્ષમાં કાયદાના ભંગ બદલ 599 ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવ્યા છે.
ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ ઍન્ડ સેફ્ટીની વેબસાઇટ પર આપેલા આંકડા અનુસાર વર્ષ 2019માં 188, 2020માં 167, 2021માં 202 અને વર્ષ 2022માં 199 લોકોનાં અકસ્માતમાં મોત થયાં હતાં.
વર્ષ 2023 અને 2024ના આંકડા વેબસાઇટ પર અપડેટ કરવામાં આવ્યા નથી.
આ આંકડા મેળવવા બીબીસી ગુજરાતીએ ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ અને સેફ્ટી વિભાગ ડિરેક્ટર સાથે વાત કરી હતી તો તેમણે જણાવ્યું હતું કે "આંકડા અમે વેબસાઇટ પર જલદી અપડેટ કરીશું."
ઘટના બન્યા બાદ કેવી રીતે તપાસ હાથ ધરવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ અને સેફ્ટી વિભાગના ભરૂચ જિલ્લાનાં ફેક્ટરી ઇન્સ્પેક્ટર જાગૃતિબહેન ચૌહાણ દહેજ ફેક્ટરીમાં ચાર લોકોનાં મોત થયાં તે ફેક્ટરીમાં તપાસ કરી રહ્યાં હતાં.
તે સમયે તેમણે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "કોઈ પણ ફેક્ટરીમાં કોઈ પણ દુર્ઘટના બને તો જીપીસીબી (ગુજરાત પૉલ્યુશન કંટ્રોલ બોર્ડ) , બૉઇલર, ઇલેક્ટ્રિસિટી, પેટ્રોલિયમ, એક્ઝપ્લોઝિવ જેવા વિભાગના અલગ-અલગ કર્મચારી દ્વારા તપાસ હાથ ધરવામાં આવે છે. સૌપ્રથમ ફેક્ટરીને ક્લોઝર નોટિસ આપીને કામ બંધ કરાવવામાં આવે છે. કારખાના ધારામાં દરેક પ્રકારની બેદરકારીને લઈને ધારાઓ છે."
તેમના અનુસાર, "તપાસમાં જે પ્રકારની બેદરકારી સામે આવશે તે અનુસાર કારખાના ઍક્ટ મુજબની કલમથી ક્રિમિનલ કેસ દાખલ કરવામાં આવશે. ફેક્ટરીના કેસ ઇન્ડસ્ટ્રિયલ કોર્ટમાં ચાલે છે."
દહેજ GFL કંપનીમાં બનેલી ઘટના અંગે વાત કરતાં તેઓ કહે છે કે "દુર્ઘટનામાં ફેક્ટરીની કોઈ બેદરકારી હતી કે હાલ કશું કહી શકાય નહીં, કેમ તે અંગે અમારી તપાસ ચાલી રહી છે."
તેઓ કહે છે કે કાયદા અનુસાર અમારે ફેક્ટરીઓમાં વર્ષમાં એક વાર ચેકિંગ કરવાનું હોય છે, જે અમે કરીએ છીએ.
કાયદો હોવા છતાં ઔદ્યોગિક અકસ્માત કેમ રોકી શકાતા નથી?
આજીવિકા બ્યુરો સંસ્થામાં કામ કરતાં સંજય પટેલ ઑક્યુપેશન હેલ્થ ઍન્ડ સેફ્ટીના મુદ્દે કામદારો સાથે કામ કરે છે.
સંજય પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે "કંપનીઓ દ્વારા હેલ્થ અને સેફ્ટીની જોગવાઈનું અમલીકરણ માત્ર કાગળ પર કરવામાં આવે છે. જોગવાઈ અનુસાર મશીનરી અને સાધનોનું સમયાંતરે સમારકામ કરાવવું ફરજિયાત છે. પરંતુ ફેક્ટરીમાં બૉઇલર, પાઇપો જેવાં જોખમી સાધનોની યોગ્ય જાળવણી ન થતી હોવાનું અમારા ધ્યાને આવ્યું છે, જેને કારણે આ પ્રકારના અકસ્માતો રોકી શકાતા નથી."
સંજય પટેલે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે "સરકારનો ઇન્ડસ્ટ્રિયલ સેફ્ટી ઍન્ડ હેલ્થ વિભાગ ઘટના બન્યા બાદ દોડે છે, પરંતુ ઘટના ન બને તે માટે પ્રોઍક્ટિવ કામ કરતો નથી. કંપનીઓમાં સેફ્ટી નોર્મ્સ ફૉલો થાય છે કે નહીં તે જોવાનું કામ તેમનું છે. ઘટના પણ મોટી હોય તો જ લોકોના ધ્યાનમાં આવે છે. બાકી નાની નાની ઘટનાઓ બનતી રહે છે."
ઇન્ડસ્ટ્રિયલ કામદારોની હેલ્થ અને સેફ્ટીના મુદ્દે કામ કરતાં કર્મશીલ જગદીશ પટેલ જણાવે છે કે "ગુજરાતમાં દર વર્ષે લગભગ 200 મજૂરો ઇન્ડ્રસ્ટિયલ અકસ્માતમાં મરી જાય છે. ગ્રાઉન્ડ પર અમે લોકો સાથે સંપર્કમાં હોઈએ છીએ તે જોતા મને લાગે છે કે ઇન્ડસ્ટ્રિયલ વિભાગ દ્વારા આંકડા છુપાવાઈ રહ્યા છે."
તેમણે વધુમાં જણાવ્યું હતું કે "અકસ્માત રોકવા માટે કારખાનાના માલિકોએ નિયમ મુજબની સેફ્ટી ગિયર રાખવા પડે. સાધનો રિપૅર કરવાં જોઈએ, જેના માટે પૈસા ખર્ચવા પડે. કારખાનાના માલિકો નિયમોનું પાલન માત્ર કાગળ પર જ કરે છે, જેને કારણે ગમે તેટલી સારા કાયદા બનાવવામાં આવે પરંતુ અકસ્માત અટકતા નથી."
આ અંગે વાત કરવા માટે બીબીસી ગુજરાતીએ ઇન્ડસ્ટ્રિયલ હેલ્થ ઍન્ડ સેફ્ટી ડિરેક્ટર પી.એમ. શાહ સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે "કાયદા અનુસાર અમે કાર્યવાહી કરીએ છીએ." આ અંગે તેમણે વધુ વાત કરવાની ના પાડી હતી.
જગદીશ પટેલે અકસ્માત માટેનું એક કારણે કૉન્ટ્રાક્ટ પદ્ધતિને પણ ગણાવ્યું હતું.
તેઓ જણાવે છે કે "કાયમી પ્રોડક્શન ચાલતું હોય તેવી ફેક્ટરીઓમાં કૉન્ટ્રાક્ટના કર્મચારીઓ રાખી શકાય નહીં. કૉન્ટ્રાકટના કર્મચારીઓને બદલાતા રહે છે. તેમને યોગ્ય તાલીમ આપવામાં આવી હોતી નથી. સુપરવિઝનનો અભાવ જેવી બાબતોને કારણે અકસ્માતો સર્જાતા રહે છે."
"આ ઉપરાંત ફેકટરીમાં કોઈ ઘટના બને તો દરેક વિભાગમાં સંકલનનો અભાવ જોવા મળે છે. તેઓ દરેક બાબતો એકબીજા ઢોળતા રહે છે. આથી તપાસમાં ક્યારેક ખામી રહી જાય છે અને યોગ્ય સજા થઈ શકતી નથી."
પી.એમ. શાહે જણાવ્યું હતું કે" કંપનીમાં કાયમી કર્મચારી છે કે નહીં તાલીમ પામેલા છે કે નહીં તે જોવાનું કામ અમારું નથી."
અલગઅલગ વિભાગના સંકલનના અભાવ અંગે પૂછતા પી.એમ. શાહે આ અંગે જવાબ આપવાનું ટાળ્યું હતું.
ઔદ્યોગિક કાયદામાં ફેક્ટરીમાં કામ કરતા વર્કરોની હેલ્થ અને સેફ્ટી માટેની કારખાના ધારામાં જોગવાઈ આવી છે. તેમ છતાં આ પ્રકારની ઘટનાઓ કેમ રોકી શકાતી નથી.
આ અંગે બીબીસીએ શ્રમ અને રોજગાર, ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતનો સંપર્ક સાધવાનો પ્રયત્ન કયો હતો. પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.
કારખાના ધારામાં આરોગ્ય અને સલામતી અંગે શું જોગવાઈ છે?

ઇમેજ સ્રોત, Getty Images
કારખાના અધિનિયમ 1948 મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. કારખાના અધિનિયમમાં કર્મચારીઓના આરોગ્ય અને સલામતીને લઈને જોગવાઈઓ કરવામાં આવી છે.
આરોગ્ય
- શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છ ટૉઇલેટ-બાથરૂમ તેમજ કામ કરવાની જગ્યા સ્વચ્છ હોવી જોઈએ. થૂંકદાની હોવી જોઈએ
- કામ કરવાની જગ્યા પર દર અઠવાડિયે એક વાર જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો
- કારખાનાના ગંદા કચરા કે પ્રવાહીનો યોગ્ય નિકાલ કરવો
- કામદારો કામ કરતાં હોય તે ઓરડામાંથી ધૂળ-ધુમાડાને બહાર જવાનો યોગ્ય નિકાલ હોવો જોઈએ.
જે ઓરડામાં કામદારો કામ કરતાં હોય તે ઓરડામાં અજવાળું-હવાઉજાસ હોવાં જોઈએ
કામદારોને જ્યાં કામ કરતાં હોય ત્યાં ભીડ ન થવી જોઈએ. કામદારો પ્રમાણે જગ્યા હોવી જોઈએ. દરેક કામદારને ઓછામાં ઓછી 9.9 ઘનમીટર જગ્યા મળવી જોઈએ.

ઇમેજ સ્રોત, Getty Images
સલામતી
- કારખાનામાં મશીનરીની ફરતે વાડ કરવી ફરજિયાત છે. જોખમ ન જણાય તો પણ
- મશીનરી પાસે કે ચાલુ મશીનમાં કામ કરનાર કામદારો તાલીમ પામેલા હોવા જોઈએ. તેમજ તેમને નિમણૂકપત્ર મળેલા હોવું જોઈએ
નવાં મશીનો ઢાંકવાં
- મહિલાઓ અને બાળકોને જોખમી ગણાતાં મશીનો પર કામ કરાવી શકાય નહીં
- મશીનો સારી ગુણવત્તાવાળાં અને મજબૂત હોવાં જોઈએ. મશીનોની યોગ્ય વ્યક્તિ પાસે દર છ મહિને સર્વિસ કરાવવી જોઈએ. તેમજ તેનો રજિસ્ટર રેકૉર્ડ રાખવો જોઈએ
- કોઈ પણ વ્યક્તિ માટે સામાન-વસ્તુ લઈ જવા અને નીચે લાવવા લિફ્ટ, સાંકળ, દોરડા મજબૂત હોવાં જોઈએ. તેની નિયમિત ચકાસણી થવી જોઈએ
- ફરસ-પગથિયાં મજબૂત બાંધકામનાં હોવાં જોઈએ, તેમજ તેને યોગ્ય રીતે નિભાવવા જોઈએ
- ઊંચાઈ પર કામ કરતી વ્યક્તિ પડી ન જાય તે માટે સલામતીનાં પગલાં લેવાં જોઈએ
- કારખાનામાં પ્રક્રિયા ચાલુ હોય તે દરમિયાન તેમાંથી ઊડતા ટુકડા-કણીઓથી આંખને ઈજા થવાનો ભય હોય કે વધારે પ્રકાશ આવતો હોય તો રક્ષણ પૂરા પાડે તેવા પડદા લગાવવા કે જરૂર જણાય ત્યાં કાળાં ચશ્માં પૂરાં પાડવાં
- નુકસાનકારક ધુમાડો-ગૅસ હોય (જેનાથી વ્યક્તિ ગૂંગળાઈ શકે) તેવી જગ્યા જવાની મંજૂરી આપી શકાય નહીં.
- આગ લાગે ત્યારે વ્યકિત સલામત રીતે નીકળી શકે તેવા રસ્તા રાખવા, આગ ઓલવવાની વ્યવસ્થા હોવી જોઈએ. તેમજ આગ ઓલવવાનાં સાધનોની નિભાવવાં જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન













