ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના : 'અમને જુઠ્ઠું ન કહેશો, અમારું મનોબળ તૂટી રહ્યું છે જલ્દી બહાર કાઢો'

ટનલની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, ઝુબૈર અહમદ
    • પદ, બીબીસી સંવાદદાતા

ઉત્તરાખંડમાં ઉત્તરકાશીના સિલક્યારા ગામમાં સુરંગમાં ફસાયેલા લગભગ 40 મજૂરોને બહાર કાઢવાના બચાવ અભિયાનનો 7મો દિવસ છે.

રેસ્ક્યૂ ઑપરેશન માટે શનિવારે એક વધુ મશીન ઇંદોરથી ઍરલિફ્ટ કરીને સુરંગ સુધી પહોંચાડવામાં આવ્યું છે.

જોકે, અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવાનું કામ સ્થગિત થતા પરિવારમાં નિરાશા જાગી છે.

કેમ કે દિલ્હીથી આવેલી ઑગર મશીને શુક્રવાર સાંજથી કામ કરવાનું બંધ કરી દીધું હતું.

બીબીસી સહયોગી આસિફ અલીએ ઉત્તરકાશીથી જણાવ્યા મુજબ ઇંદોરથી મંગાવવામાં આવેલી આ ત્રીજી અમેરિકન ઑગર મશીન ટનલ (સુરંગ) પાસે શનિવારે સવારે 11 વાગ્યે પહોંચી ગઈ હતી.

ગત શુક્રવારે સરકારની હાઈવે અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની એનએચઆઈડીસીએલના ડિરેક્ટર અંશુ મનીષ ખલકોએ કહ્યું હતું, “જો આ મશીન ક્યાંય રોકાય છે, તો ઇંદોરથી મંગાવવામાં આવેલી મશીનની મદદથી અમે કામ આગળ વધારી શકીશું.”

તેમનું કહેવું હતું કે ટનલમાં રહેલા કાટમાળમાં 24 મીટર સુધી ડ્રીલ થઈ ચૂક્યું છે.

આ સિવાય કોઈ અન્ય જગ્યાએથી પણ રસ્તો શોધવા માટે નિષ્ણાતોની સલાહ લેવાઈ રહી છે અને બેઠકો થઈ રહી છે.

શનિવારે વડા પ્રધાન કાર્યાલયના ડેપ્યૂટી સેક્રેટરી મંગેશ ઘિલ્ડિયાલ પણ ટનલની મુલાકાત લેવા પહોંચ્યા હતા.

વડા પ્રધાનની ટીમને મોકલવામાં આવી હતી તેમણે પત્રકારો સાથે પણ વાત કરી.

તેમણે કહ્યું કે, તેઓ પહાડ ઉપરથી સીધું જ નીચે ટનલમાં હોલ કરવાના વિકલ્પ પર ચર્ચા કરી રહ્યા છે. તેમણે પહાડ પર 4 પૉઇન્ટ્સ નક્કી કરી લીધા છે જ્યાંથી હોલ કરી શકાય છે.

આ વિશે તેમની બેઠક ચાલુ છે. કેમ કે પહાડ ઉપરથી નીચે હોલ કરવા માટે 103 મીટર હોલ કરવો પડશે અને આ એક જોખમ ભરેલું કામ હશે.

આ બધી સ્થિતિને લીધે કાલ સુધી ફસાયેલા મજૂરોના પરિવારો અને સાથી મજૂરો મીડિયા સાથે વાત નહોતા કરતા તેઓ હવે મીડિયા સામે તેમનું દુખ વ્યક્ત કરવા આગળ આવી રહ્યા છે.

કામદારોનું વિરોધ પ્રદર્શન

પ્રદર્શન

ઇમેજ સ્રોત, Asifali/BBC

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીજી તરફ રેસ્ક્યૂ ઑપરેશનમાં વિલંબને કારણે મજૂરોએ ટનલથી કેટલાક અંતરે દૂર હાજર એનએચઆઈડીસીએલના કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યું.

મજૂરોનો સમૂહ ફસાયેલા સાથીઓને બહાર કાઢવા વિશે કંપનીના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાત કરવા માગતો હતો જ્યાર બાદ અધિકારીઓ બેઠક છોડીને તેમની સાથે વાત કરી.

ટનલમાં લોડર અપલોડરનું કાન કરતા મૃત્યુંજય કુમારે બીબીસીને ટનલની અંદલ પ્રવર્તી રહેલી પરિસ્થિતિ વિશે જણાવ્યું.

તેમણે કહ્યું, “ટનલની અંદરની સ્થિતિ ખરાબ છે. ટનલની અંદર લૂઝ પૉઝિશન છે. અમે એ જ હાલતમાં કામ કરી રહ્યા છે.”

મૃત્યંજયે કહ્યું, “આજે 7 દિવસ થઈ ગયા અમે લોકો એમને ક્યાં સુધી જૂઠ્ઠુ બોલીએ કે બહાર મશીન લાગેલી છે અને તમને જલ્દી જ બહાર કાઢી લેવામાં આવશે. હવે અંદર રહેલા લોકોનું મનોબળ તૂટી રહ્યું છે. ક્યાં સુધી તેઓ સૂકા ખોરાક પર જીવતા રહેશે.”

તેમણે જણાવ્યું કે જ્યારે ટનલમાં ફસાયેલા મજૂરો સાથે પાઇપ મારફતે વાત થાય છે ત્યારે તેઓ કહે છે, “તમે લોકો કામ પણ કરી રહ્યા છો કે પછી અમને જૂઠ્ઠું બોલી રહ્યા છો.”

સોનૂકુમાર નામના મજૂરનો ઉલ્લેખ કરતા મૃત્યુંજયે જણાવ્યું, “તે અંદરથી ભાંગી પડ્યો છે અને રડી રહ્યો છે. તે કહે છે કે અંદરથી ઘણી અશક્તિ લાગી રહી છે. કોઈ ઊર્જા નથી મળી રહી, ડ્રાયફ્રૂટ્સ (સૂકામેવા) પર કેટલા દિવસો સુધી જીવતા રહીએ.”

મૃત્યુંજય કુમારે એક નવી માહિતી આપતા એ પણ કહ્યું કે જ્યાં આગળ મશીન લાગેલી છે, ત્યાં છતમાં 20 મીટર પાછળ તિરાડ પણ પડી છે.

સાથી મજૂરો પણ તણાવમાં

ટનલ

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC

ઉત્તરકાશીના સિલક્યારા ગામમાં એક સુરંગમાં ફસાયેલા લગભગ 40 મજૂરોને બહાર કાઢવાની કોશિશ ચાલુ જ છે. શુક્રવારે રેસ્ક્યૂ ઑપરેશનનો છઠ્ઠો દિવસ હતો પરંતુ સફળતા નહોતી મળી.

ગિરિડીહના રહેવાસી એક મજૂરે જણાવ્યું કે, તેમના ઘણાં સાથી મજૂરો સુરંગમાં ફસાયેલા છે જેના કારણે તેઓ તણાવમાં છે.

તેઓ જણાવે છે, “હું પણ તેમની સાથે આ ટનલમાં કામ કરું છું. એ દિવસે તેઓ રવિવારે રાતની શિફ્ટમાં હતા અને હું દિવસની શિફ્ટમાં કામ કરું છું, પરંતુ એ દિવસે દિવાળીના કારણે મને રજા મળેલી હતી. જો દુર્ઘટના ન ઘટી હોત તો અંદર ફસાયેલા લોકો દિવાળી મનાવી રહ્યાં હોત. પરંતુ મારા સાથીઓ પર રાતની શિફ્ટ ખતમ થતાં પહેલાં જ 5 વાગ્યે સવારે સુરંગથી 200 મીટર અંદર ઉપર એક મોટો કાટમાળ આવીને ધરાશાયી થયો અને લગભગ 70 મીટર સુધી કાટમાળ ફેલાઈ ગયો.”

ગિરિડીહથી આવેલા મજૂરોએ કહ્યું કે, તેમના રાજ્ય ઝારખંડના 15 મજૂરો અંદર ફસાયેલા છે. તેઓ કહે છે કે, અધિકારીઓ આશા તો આપી રહ્યા છે પણ અમે દુખી છીએ.

મોટાભાગના મજૂરો એટલા ડરેલા છે કે તેમણે કૅમેરા સામે વાત ન કરી અને જે લોકોએ વાત કરી તેમણે પોતાના નામ જાહેર ન કર્યાં. તેમનું કહેવું હતું કે તેમની કંપનીએ મીડિયા સાથે વાત કરવાની મનાઈ કરેલી છે.

ગ્રે લાઇન

કેવી છે મજૂરોની હાલત?

ટનલ

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC

આરા, બિહારના નફીસ અહમદના પિતરાઈ ભાઈ સબા અહમદ ટનલની અંદર ફસાયેલા છે.

નફીસ કહે છે, “અમારા એક ભાઈએ સબા અહમદ સાથે ગુરુવારે વાત કરી હતી અને તેઓ ઠીક છે. પરંતુ તેમનો પરિવાર ઘણો પરેશાન છે. તેમનાં પત્ની અને બાળકો રડી રહ્યાં છે. તેઓ આરાથી અહીં આવી નથી શકતાં. આથી મને મોકલ્યો છે.”

નફીસ અહમદે બીબીસીને કહ્યું, “અધિકારીઓએ તેમને જણાવ્યું કે સબા અને અન્ય બીજા મજૂરોને સુરક્ષિત બહાર કાઢી લવાશે. અમે આવ્યા છીએ તો તેમને લઈને જ ઘરે જઈશું. ભલે તેમને ગમે તેટલો સમય લાગે.”

સુરંગની બહાર મજૂરો, રેસ્ક્યૂ ટીમના સભ્યો, મીડિયાવાળા અને પોલીસકર્મીઓની ભીડ છે. કેટલાંય પ્રકારનાં વાહનો અને ક્રૅઇનને રેસ્ક્યૂ ઑપરેશનમાં લગાવવામાં આવ્યાં છે.

ઉત્તરકાશીના એસએસપી અર્પણ યદુવંશીએ બીબીસા સાથેની વાતચીતમાં કહ્યું, “અંદર ફસાયેલા મજૂરો સ્વસ્થ છે. મજૂરોને ઑક્સિજન, પાણી અને ખોરાકની સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. તેઓ અંદર 2 કિલોમીટર સુધી ચાલી શકે છે. તેમની માનસિક હાલત પણ ઠીક છે.”

મજૂરોને કાઢ્યા બાદ તેમણે કયા પ્રકારની રાહત મળવી જોઈએ, એના વિશે યદુવંશીએ જણાવ્યું, “આના માટે ડ્રીલ કરવામાં આવી રહી છે. મેડિકલ ટીમ, પોલીસ ટીમ અને રેસ્ક્યૂ ટીમના બચાવનું કૉ-ઑર્ડિનેશન પણ થઈ રહ્યું છે.”

બીબીસીએ જ્યારે તેમને પૂછ્યું કે મજૂરોને બહાર કાઢવાનો કોઈ સમય જણાવી શકો છો તો તેમનું કહેવું હતું કે આવો કોઈ સમય આપવો મુશ્કેલ છે કેમ કે અંદર કાટમાળ કેટલા દૂર સુધી ફેલાયો છે એ આ સમયે કહેવું મુશ્કેલ છે.

પરંતુ સામાન્ય રીતે ત્યાં હાજર અન્ય અધિકારીઓ અનુસાર શુક્રવારની રાતે અને શનિવારે બપોર વચ્ચે મજૂરોને કાઢવા શક્ય છે પણ જો કોઈ અવરોધ ન આવે તો જ આવું થઈ શકશે.

ગ્રે લાઇન

ટનલ એક વિવાદિત પ્રોજેક્ટનો ભાગ

ટનલ

સુરંગ બહાર મજૂરોના સંબંધીઓ અને સાથી મજૂરો ઉદાસ ચહેરા સાથે રાહ જોઈ રહ્યા છે કે ક્યારે તેમને સારા સમાચાર પ્રાપ્ત થાય.

સુરંગ અંદર ફસાયેલા મજૂરો અને બહાર બેઠેલા મજૂરો જેની સાથે અમે વાત કરી તેઓ સુરંગ અને હાઈવે બનાવતી કંપની, નવયુગ એન્જિનિયરીંગ કંપની લિમિટેડ (એનઈસીએલ) માટે કામ કરે છે.

કંપનીના બે સુપરવાઇઝરોએ અમને જણાવ્યું કે આ ટનલનું કામ વર્ષ 2018માં શરૂ થયું હતું.

તેમાંથી એક સુપરવાઇઝરે કહ્યું, “સુરંગમાં કામ શરૂ થતાં પહેલાં એક ભૂસ્ખલનમાં એ જ જગ્યા પર નુકસાન થયું હતું જ્યાં રવિવારે ભૂસ્ખલનના કારણે ટનલનો એક ભાગ ધસી પડ્યો. તેને બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો. પરંતુ કદાચ તેને મજબૂતીથી નહોતો બનાવાયો.”

અમે આની પુષ્ટિ કંપનીની સાઇટ ઑફિસમાં અધિકારીઓ પાસે કરવાની કોશિશ કરી પરંતુ તેમના અનુસાર તેઓ મીડિયા સાથે વાતચીત નથી કરતા.

નિર્માણાધીન સુરંગ મહત્ત્વકાંક્ષી ચાર ધામ પરિયોજનાનો ભાગ છે. જે બદ્રીનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રીના હિંદુ તીર્થ સ્થળો સુધી કનેક્ટિવીટી વધારવા માટે એક રાષ્ટ્રીય મૂળભૂત માળખાગત પહેલ છે.

આ એક વિવાદીત પ્રોજેક્ટ છે અને પર્યાવરણના નિષ્ણાતોનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી એકાએક પૂર અને ભૂસ્ખલનની શક્યતા વધી ગઈ છે જે આ વિસ્તાર માટે પહેલાંથી જ એક મોટી સમસ્યા છે.

આ દુર્ઘટના રવિવારની સવારે દિવાળીના દિવસે થઈ. શુક્રવારે મજૂરોને ટનલથી બહાર કાઢવાના ઑપરેશનનો છઠ્ઠો દિવસ હતો. પહેલાં ચાર દિવસોની કોશિશ નાકામ રહી કેમકે કાટમાળને હઠાવવામાં ઉપયોગમાં લેવાનારી મશીન કાટમાળ કાઢી ન શકી.

ગ્રે લાઇન

હાલ તો પાઇપલાઇનનો આધાર છે

મજૂર

દિલ્હીથી માટી અને પહાડ કાપનારાં નવાં મશીનો લાવવામાં આવ્યાં છે જે બરાબર કામ કરી રહ્યાં છે. ગુરુવારની રાતે મશીનમાં કંઈક તકનિકી ખરાબી આવી હતી જેને કેટલાક કલાકોમાં ઠીક કરી દેવાઈ છે.

અધિકારીઓએ એ સ્વીકાર્યું કે, મશીનનું કામ ધીરે ધીરે થઈ રહ્યું છે. આ મશીન કાટમાળમાં બાકોરું પાડે છે અને પછી 6 મિટરવાળી એક પાઇપલાઇનને અંદર નાખી શકાય છે.

આ પાઇપલાઇન 900 એમએમ ડાયામિટરની છે જેની અંદરથી મજૂરો બહાર નીકળી શકે છે.

એક પાઇપલાઇનને બીજી પાઇપલાઇન સાથે જોડવામાં ત્રણ કલાક લાગી રહ્યા છે. અત્યાર સુધી આવી 4 પાઇપલાઇન અંદર ફિટ કરવામાં આવી ચૂકી છે. અધિકારીઓ કહે છે કે 6થી 8 પાઇપલાઇન ફિટ કરવાની બાકી છે. જો આ કામ વગર અવરોધે ચાલ્યું તો શુક્રવારે અડધી રાતથી શનિવાર બપોર સુધી મજૂરોને બહાર કાઢવાનું કામ શરૂ થઈ જશે.

સાડા ચાર કિલોમીટર લાંબી આ સુરંગ બનાવનારી કંપનીના કેટલાક અધિકારીઓએ જણાવ્યું કે સુરંગ બનાવવાનું કમ વર્ષ 2018માં થયું. સુરંગ બનાવવાનું કામ બંને તરફથી શરૂ કરાયું. અંદર 400 મિટર પહાડ હજુ પણ કાપવાના બાકી છે. જ્યાં દુર્ઘટના ઘટી છે એ સુરંગના પ્રવેશથી 200 મિટરના અંતરે છે.

આની આગળ કાટમાળ 70 મિટર ફેલાયેલો છે અને ત્યાર બાદ 2500 મિટર સુધીની સુરંગ બનેલી છે. એટલે કે મજૂર 2500 મિટર સુધી ફરી શકે છે. સુરંગમાં વીજળી ઉપલબ્ધ છે. પાણી અને ઑક્સિજન એક પાઇપથી પહોંચાડવામાં આવી રહ્યો છે. ખોરાકનાં પૅકેટ પણ આ પાઇપથી મોકલવામાં આવી રહ્યાં છે.

અંદર ફસાયેલા મોટાભાગના મજૂરો બિહાર, ઓડિશા, ઝારખંડ અને બંગાળના છે.

રેડ લાઇન
રેડ લાઇન