ઉત્તરકાશી: 'મેં ઓક્સિજન પાઇપથી પિતા સાથે વાત કરી છે', ફસાયેલા 40 મજૂરોને કેમ કાઢી શકાતા નથી?

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
- લેેખક, આસિફ અલી
- પદ, ઉત્તરકાશીથી બીબીસી માટે
ઉત્તરકાશી-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધીની નિર્માણાધીન સુરંગમાં રવિવારે સવારે લગભગ પાંચ વાગ્યે ભૂસ્ખલન થયાના 60 કલાક પછી પણ સુરંગની અંદર ફસાયેલા કામદારોને બચાવવાનો સંઘર્ષ ચાલુ છે.
SDRF, NDRF, ITBP સહિત ફાયર સર્વિસની ટીમો રાહત અને બચાવ માટે ઘટનાસ્થળે હાજર છે.
નિષ્ણાતોની સલાહ મુજબ ફસાયેલા મજૂરો સુધી પહોંચવા માટે કાટમાળ હટાવી, સેટરિંગ પ્લેટ લગાવી ફસાયેલા કામદારોને બહાર કાઢવા સલામત માર્ગ તૈયાર કરવાના પ્રયાસો કરાઈ રહ્યા છે.
પરંતુ સુરંગના ઉપરના ભાગમાંથી આવતા કાટમાળને કારણે કામમાં અડચણ આવી રહી છે.
ઉત્તરકાશી જિલ્લાના યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ધારસુ અને બરકોટની વચ્ચે સિલ્ક્યારા પાસે લગભગ 4,531 મીટર લાંબી સુરંગ બનાવવાનું કામ ચાલુ છે, જેમાં સિલ્ક્યારા બાજુથી 2,340 મીટર અને બરકોટ બાજુથી 1,600 મીટર સુરંગ બની ગઈ છે.
અહીં 12 નવેમ્બરે સવારે 5 વાગ્યાની આસપાસ સિલ્ક્યારા બાજુથી લગભગ 270 મીટર અંદરથી સુરંગમાં કાટમાળ આશરે 30 મીટર જેટલા વિસ્તારમાં પડતાં 40 લોકો ફસાયા છે.
સુરંગ બનાવી રહેલી એન.એચ.આઈ.ડી.સી.એલ. દ્વારા અપાયેલી માહિતી મુજબ ફસાયેલી વ્યક્તિમાં બે ઉત્તરાખંડના, એક હિમાચલ પ્રદેશ, ચાર બિહાર, ત્રણ પશ્ચિમ બંગાળ, આઠ ઉત્તર પ્રદેશ, પાંચ ઓડિશા, બે આસમ અને 15 ઝારખંડના છે. ટનલમાં ફસાયેલા મોટા ભાગના લોકો ઝારખંડ, ઉત્તર પ્રદેશ, હિમાચલ, ઓડિશા, બિહાર, પશ્ચિમ બંગાળ વગેરે રાજ્યોના છે.
સુરંગમાં ફસાયેલા લોકોના પરિવારજનોએ શું કહ્યું?

આકાશ કોટદ્વારના રહેવાસી છે અને સુરંગમાં ફસાયેલા તેમના પિતા માટે સિલ્ક્યારા સુરંગ બહાર પહોંચ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આકાશની તકલીફ જોઈને તેમને સુરંગની અંદર જવા અને કાટમાળની બીજી બાજુ ફસાયેલા તેમના પિતા સાથે વાત કરવાની મંજૂરી અપાઈ.
સુરંગમાંથી બહાર આવ્યા પછી આકાશ તેમના પિતાના કારણે ખૂબ જ પરેશાન દેખાતા હતા પરંતુ તેમણે અમારી સાથે વાત કરી.

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
આકાશે કહ્યું, "હું સુરંગમાં ગયો અને મેં મારા પિતા સાથે ઓક્સિજન પાઇપથી વાત કરી. વાતચીત દરમિયાન મારા પિતાએ મને કહ્યું કે મારા બધા લોકો સાથે છે અને હું જલદી બહાર આવીશ."
આકાશના કહેવા પ્રમાણે તેમના પિતા સંપૂર્ણપણે સ્વસ્થ છે. તેમણે કહ્યું, "મારા પિતાએ હૈયાધારણ આપી અને કહ્યું કે હું અહીં ઠીક છું, મારું ખાવા-પીવાનું પણ સારું છે."

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
આકાશે તેમના પિતા સાથે થયેલી વાતચીતના આધારે એમ પણ કહ્યું કે ફસાયેલા લોકોમાં કોઈને ઈજા થઈ નથી, તેથી ચિંતા કરશો નહીં.
આકાશની સાથે તેમના કાકા પ્રેમસિંહ નેગી પણ સિલ્ક્યારા ટનલની બહાર મળ્યા. પ્રેમસિંહ તેમના ભાઈ ગોવર્ધનના સુરંગમાંથી બહાર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
પ્રેમસિંહે કહ્યું, "અમે ગઈ કાલે (સોમવારે) રાત્રે અહીં પહોંચ્યા હતા. મને અહીં કામ સંતોષકારક નથી લાગતું. અહીં બચાવકાર્ય ધીમી ગતિએ ચાલી રહ્યું છે."
તેમણે ફરિયાદના સ્વરમાં કહ્યું, "અમે ગઈ કાલે રાત્રે અહીં પહોંચ્યા ત્યારે અમને કહેવાયું કે રેસ્ક્યુ મશીનો રાત્રે 11 વાગ્યે આવશે. અમે સવારે પૂછપરછ કરી તો મશીનો સવારે 5 વાગ્યે આવ્યાં. આટલા વિલંબ પછી હજી કામ શરૂ થયું નથી."
બહાર રાહ જોતાં લોકોએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
સુરંગમાં ફસાયેલા લોકોના સાથીઓને શોધતા શોધતા અમે સુરંગથી થોડે દૂર કામદારોના ટીનથી બનેલાં મકાનો સુધી પહોંચ્યા.
અહીં અમે સુંરગમાં કામ કરતા કેટલાક કામદારોને મળ્યા જેઓ સુરંગમાં ફસાયેલા તેમના સાથી કામદારોને લઈને ખૂબ જ ચિંતિત હતા.
ઉત્તર પ્રદેશના સરાવસ્તી જિલ્લાના રહેવાસી રામસુંદર સુરંગમાં મજૂરીનું કામ કરે છે. રામસુંદર પણ સુરંગમાં ફસાયેલા તેમના મિત્રોના બહાર આવવાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
રામસુંદરે બીબીસીને જણાવ્યું, "અકસ્માત સમયે સુરંગમાં 17 લોકો હતા. તેમાંથી કેટલાક શૌચ માટે બહાર આવ્યા હતા. હું પણ લગભગ પાંચ વાગ્યાની આસપાસ થોડી વાર માટે બહાર આવ્યો હતો. હું ફરી અંદર જતો હતો ત્યારે જ ભૂસ્ખલન થયું. પછી હું અંદર ના જઈ શક્યો.”
રામસુંદરે કહ્યું, “મારા કાકાનો દીકરો અંદર છે. હું તેને મારી સાથે અહીં કામ કરવા માટે લાવ્યો હતો. હવે હું ઘરે જઈને શું કહીશ? અમારી દિવાળી પણ આ વર્ષે બગડી ગઈ. બસ હવે કોઈ પણ રીતે લોકો સુરંગમાંથી બહાર નીકળી જાય. મારી ભગવાનને આ જ પ્રાર્થના છે.”
બિહારના વતની ગુડ્ડુ યાદવે જણાવ્યુ, “સુરંગમાં અમારા 35થી વધારે લોકો ફસાયેલા છે. દિવાળીના દિવસે સવારે આશરે પાંચ વાગ્યે આ દુર્ઘટના સર્જાઈ હતી. હજી સુધી કોઈ બહાર નથી નીકળ્યું.”
સુરંગ બનાવનારી કંપનીનું શું કહેવું છે?

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
NHIDCL કંપનીને આ સુરંગની દેખરેખની જવાબદારી કેન્દ્ર સરકારે સોંપી હતી. સુરંગ બનાવવાનું કામ નવયુગ કંપનીને અપાયું હતું.
NHIDCLના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર નિવૃત્ત કર્નલ સંદીપ સુધેરાએ જણાવ્યું કે સિલક્યારા સુરંગ અંદર ફસાયેલા મજૂરોને બહાર કાઢવાના પ્રયત્નો ચાલી રહ્યા છે.
તેમણે કહ્યું, "તજજ્ઞો અને એન્જિનિયરો જરૂરી સાધનો સાથે સ્થળ પર હાજર છે. સુરંગની અંદરથી 21 મીટર સુધીનો કાટમાળ બહાર કાઢવામાં આવ્યો છે અને સુરંગની અંદર હજુ પણ 19 મીટર સુધી કાટમાળ બાકી છે."

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
તેમણે કહ્યું, "સિલક્યારા સુરંગના મુખદ્વારથી અંદરની બાજુએ આશરે 205 મીટરથી 245 મીટર સુધી ભૂસ્ખલન થયું છે. સુરંગ સુરક્ષિત અને ખાલી છે અને તેમાં ફસાયેલા તમામ લોકો સુરક્ષિત છે."
સંદીપ સુધરાએ કહ્યું કે શૉટ ક્રિટિંગ મશીનોથી કાટમાળને રોકવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. છતાં કાટમાળ પડતો અટક્યો નથી. આથી બચાવ ટીમોએ નવી વ્યૂહરચના અપનાવી.
તેમણે કહ્યું, "દહેરાદૂનથી ઓગર મશીન મંગાવાયું છે. ગાઝિયાબાદ અને હરિદ્વારથી 900 એમ.એમ. વ્યાસની એમ.એસ. પાઇપો મંગાવાઈ છે. આ પાઇપની અંદરથી કામદારોને બચાવવાના પ્રયાસો કરાશે."
ઓક્સિજન અને ખોરાક કેવી રીતે મોકલાઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
સીઓ ઉત્તરકાશી પ્રશાંતકુમારે કહ્યું, "જે NHIDCL પાઇપલાઇન હતી, જે અહીં પાણી અને ઓક્સિજન સપ્લાય કરે છે. તેમનો અમે વાયરલેસથી સંપર્ક કર્યો છે."
તેમણે કહ્યું, "વાતચીત વાયરલૅસથી થઈ રહી છે, તેમાં શૉટ સિગ્નલ છે. તેના પરથી અમે જાણી શકીએ છીએ કે તેઓ ઠીક છે અથવા તેમને શું જોઈએ છે. વાતચીતની વચ્ચે ઘણો ઘોંઘાટ પણ થવા લાગે છે. પરંતુ બધા સુરક્ષિત છે."

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
તેમણે કહ્યું, "સુરંગની અંદર કોમ્પ્રેસરથી સતત ઓક્સિજન મોકલાઈ રહ્યો છે. સુરંગમાં ફસાયેલા લોકોએ ખાવા-પીવાની વસ્તુઓ મંગાવી હતી. દબાણયુક્ત હવાની સાથે સાથે, ફસાયેલા લોકોને ખાવાની વસ્તુઓનાં નાનાં પૅકેટ પણ મોકલવામાં આવ્યાં છે. તેમને ચણા, કાજુ, બદામ વગેરે પહોંચાડવામાં આવી રહ્યા છે."
ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી માટે શું છે વ્યવસ્થા?

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
પોલીસ, NDRF, SDRF, ITBP, બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન, હેલ્થ ડિપાર્ટમેન્ટ અને રૅપિડ ઍક્શન ટીમના સભ્યો સહિત લગભગ 160 બચાવ કાર્યકરોને રાહત કામગીરી માટે સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
કોઈ પણ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળથી લગભગ 5 કિલોમીટરના અંતરે હંગામી હેલીપૅડ બનાવવામાં આવ્યું છે. રાહત કામગીરી માટે ચિન્યાલીસૌર હેલિપૅડ પણ ચિન્હિત કરવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC
લોકોને સુરંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમો સાથે ઍમ્બ્યુલન્સને સુરંગના મુખ પર તહેનાત કરવામાં આવી છે, જેથી જેમને જરૂર છે તેમને તાત્કાલિક તબીબી સુવિધાઓ આપી શકાય.
નજીકના જિલ્લાઓની હૉસ્પિટલો સહિત ઋષિકેશમાં આલેસ AIIMSને હાઈ ઍલર્ટ પર રાખવામાં આવી છે.














