ઉત્તરાખંડ અકસ્માત: 'પાંચ દીકરી, બે દીકરા મૂકીને ઘરનો કમાનારો જતો રહ્યો', પિતાના મોતથી પરિવાર નોધારો

ઇમેજ સ્રોત, ALPESH DABHI
"પરિવારમાં પાંચ દીકરી અને બે દીકરા છે. મોટી દીકરી 16 વર્ષની છે અને નાનો દીકરો ચાર વર્ષનો છે. નાના ખેડૂત પરિવારમાં પિતા મુખ્ય કમાનારો હતો. સરકારને વિનંતી છે કે બાળકો સામે જુએ."
આ શબ્દો છે ઉત્તરાખંડ બસ અકસ્માતમાં મૃત્યુ પામનારા ગીગાભાઈ ભમ્મરના પરિવારના સભ્ય કાળુભાઈ ભમ્મરના.
જ્યારે ગીગાભાઈનો મૃતદેહ તેમના માદરે વતન ભાવનગરના તળાજાના પાદરી ગામે પહોંચ્યો તો આખું ગામ હીબકે ચઢ્યું હતું. પરિવારની સૌથી મોટી દીકરી હૈયાફાટ રૂદન કરી રહી હતી.
તેનાં આંસુ સુકાતાં ન હતાં. તો ગીગાભાઈના પુત્રો પણ ભીની આંખે આ કરુણ દૃશ્યો જોઈ રહ્યા હતા. જ્યારે ગીગાભાઈની ગામમાં અંતિમયાત્રા નીકળી તો દરેકની આંખોમાં આંસુ હતાં.
મૃતક ગીગાભાઈના પરિવારજન કાનુભાઈ ભમ્મરે બીબીસી સાથેની વાતમાં જણાવ્યું કે "ચારધામની યાત્રાએ તળાજા તાલુકા અને ભાવનગર જિલ્લામાંથી જે લોકો ગયા હતા, એમાં અમારા ગામના ગીગાભાઈ ગભાભાઈ ભમ્મરનું પણ મૃત્યુ થયું છે. જેમને સંતાનમાં પાંચ દીકરી અને બે દીકરા છે. ગીગાભાઈના પિતા પણ હયાત નથી."

પરિવારમાં કોણ કોણ છે?

ઇમેજ સ્રોત, ALPESH DABHI
ગીગાભાઈ પાંચ બહેનોના એકના એક ભાઈ હતા. રક્ષાબંધનના પર્વ પહેલાં જ ભાઈનું મૃત્યુ થતાં બહેનો ચોધાર આંસુએ રડવા લાગી હતી.
બીબીસી સાથેની વાતમાં કાનુભાઈએ આગળ ઉમેર્યું કે "ગીગાભાઈના પરિવારમાં તેઓ એકના એક જ કમાનારા હતા. તેઓ ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. તેમનાં સંતાનોના અભ્યાસ અને ભવિષ્યની ચિંતા કરીને સરકાર સહાય કરે તેવી મારી વિનંતી છે અને ગ્રામજનોની માગણી પણ છે."
બીબીસી સાથે વાત કરતા પાદરી ગામના પૂર્વ સરપંચ ગીગાભાઈ ભમ્મરે પણ આર્થિક રીતે નાના એવા ખેડૂતોને સરકાર સહાય કરે એવી માગ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગીગાભાઈ એક નાના ખેડૂત હતા અને ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમની પાસે બે ભેંસ છે. એક નાનું ટ્રૅક્ટર છે.
ગીગાભાઈના પરિવારજનોમાં તેમનાં પત્ની સિવાય પાંચ વર્ષથી 15 વર્ષનાં બાળકો છે.
પંદર વર્ષની ભૂમિ, તેર વર્ષની સંસ્કૃતિ, બાર વર્ષની અક્ષરા, દસ વર્ષની દયા, નવ વર્ષની અસ્મિતા, સાત વર્ષના હેતવીર અને પાંચ વર્ષના તનવીરનો સમાવેશ થાય છે.

ઉત્તરાખંડમાં કેવી રીતે સર્જાયો હતો અકસ્માત?

ઇમેજ સ્રોત, ASIF ALI
ગુજરાતના 31 યાત્રાળુ 15 ઑગસ્ટના દિવસે ચારધામની યાત્રાએ ગયા હતા. જેમાંથી ત્રણ યાત્રાળુઓ બોટાદ જિલ્લાના હતા, જ્યારે અન્ય યાત્રાળુઓ ભાવનગર જિલ્લાના હતા.
તમામ ભાવનગરની શ્રી હોલીડે એજન્સી દ્વારા આયોજિત યાત્રા હેઠળ પહેલાં દિલ્હી અને ત્યાર બાદ ત્યાંથી હરિદ્વાર ગયા હતા.
હરિદ્વારથી તેઓ સ્થાનિક બસમાં યાત્રા કરી રહ્યા હતા. રવિવારે સાંજે ગંગોત્રીથી દર્શન કરીને પરત ફરતી વખતે ગંગોત્રી ઉત્તરકાશી હાઈવે પર બસ અચાનક 150 ફૂટ ઊંડી ખાડીમાં ખાબકી હતી.
આ બસ દુર્ઘટનામાં સાત યાત્રાળુનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે 28 લોકો ઈજાગ્રસ્ત થયા હતા.
મૃતકો તમામ ભાવનગર જિલ્લાના હતા. સાત મૃતકો પૈકી એક મીનાબહેનના અંતિમસંસ્કાર હરિદ્વારમાં જ કરવાનો નિર્ણય કરાયો હતો. તેમના પતિ કમલેશભાઈ ઉપાધ્યાય પણ આ યાત્રામાં હતા, તેમને દુર્ઘટનામાં ઈજા થઈ હતી.

ઇમેજ સ્રોત, @Bhupendrapbjp














