ઉત્તરાખંડ: 100 કલાક વીતી જવા છતાં મજૂરો ફસાયેલા, શું નવું મશીન તેમને બચાવી શકશે?

ઉત્તરકાશી સુરંગ ઉત્તરાખંડ

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC

ઉત્તરાખંડના ઉત્તરકાશીની સુરંગમાં 40 મજૂરો ફસાયાને લગભગ 100 કલાક થઈ ગયા છે. હજુ સુધી ત્યાંથી કામદારોને બહાર કાઢવામાં કોઈ સફળતા મળી નથી. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેઓ રવિવારે સવારે 5 વાગ્યાથી અટવાયેલા છે.

ઉત્તરકાશી ટનલમાં બચાવ કાર્ય કરી રહેલા ઑગર મશીનના ડ્રિલિંગ કરનારા ભાગમાં ખામી સર્જાયા બાદ, બીજી ઉચ્ચ ક્ષમતાનું અમેરિકન ઑગર મશીન દિલ્હીથી મંગાવવામાં આવ્યું છે.

16 ઑક્ટોબરે સવારના સમાચાર અનુસાર આવેલી આ અમેરિકન મશીનને ટનલમાં સ્થાપિત કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે.

નવયુગ એન્જિનિયરિંગ કંપની લિમિટેડના પબ્લિક રિલેશન ઓફિસર ગિરધારીલાલ નાથે જણાવ્યું હતું કે, “અમેરિકન ઑગર મશીન ફર્સ્ટ ક્લાસ મશીન છે, જેને બચાવકાર્ય માટે બોલાવવામાં આવ્યું છે. આ મશીન લગભગ સંપૂર્ણ રીતે ટનલમાં ઇન્સ્ટૉલ થઈ ગયું છે."

મશીનની ઇન્સ્ટૉલેશન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ટૂંક સમયમાં કામ શરૂ થશે. ત્યારપછી આશા રાખી શકાય કે આપણે ફસાયેલા લોકોને બહાર કાઢવામાં સફળ થઈશું."

તેમણે એમ પણ કહ્યું કે, "આ અમેરિકન ઑગર મશીન નિષ્ફળ થાય તેવી કોઈ શક્યતા નથી."

ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા માટે લાવવામાં આવેલ અમેરિકન 'ઑગર મશીન'ને ઍરફોર્સના વિમાન દ્વારા ઉત્તરકાશી લાવવામાં આવ્યું હતું.

તેમણે જણાવ્યું કે આ મશીનના પાર્ટસને ટ્રક દ્વારા ઉત્તરકાશીના ચિન્યાલીસૌડ ઍરસ્ટ્રીપથી ટનલ સુધી સડકમાર્ગે પહોંચાડવામાં આવ્યા છે.

‘ઊંઘી રહ્યું છે તંત્ર, કોઈ વ્યવસ્થા નથી’

ઉત્તરકાશી સુરંગ ઉત્તરાખંડ

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC

ઇમેજ કૅપ્શન, લવ કુમાર રતૂડી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આ પહેલા ગઇકાલે સુરંગમાં ફસાયેલા મજૂરોના મિત્રોએ તેમની લાગણીઓ પરનો કાબૂ ગુમાવતાંતેમનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને ટનલની બહાર વિરોધપ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું હતું.

સુરંગની બહાર હાજર પોલીસે તેમને શાંત પાડવાનો પૂરો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બહાર એકઠા થયેલા મજૂરો માનવા તૈયાર ન હતા.

જોકે, મંગળવારે કાટમાળને ડ્રિલ કરવા માટે ઉપયોગમાં લેવાતા ઑગર મશીનને ટનલમાં મોકલવામાં આવ્યા બાદ, એવું લાગી રહ્યું હતું કે બચાવ કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે. પરંતુ બુધવારની સવારે મશીન યોગ્ય રીતે ડ્રિલ કરવા સક્ષમ ન હોવાનું જાણવા મળ્યું હતું.

આ પરિસ્થિતિમાં ડ્રિલિંગ માટે બીજું મશીન નવી દિલ્હીથી ઉત્તરકાશી મંગાવવામાં આવ્યું હતું.

અંદર ફસાયેલા મજૂરોની રાહ જોઈ રહેલા લવકુમાર રતૂડીએ કહ્યું, “હું આ કંપનીનો જ કામદાર છું. આજે અહીં ચાર દિવસ થવા આવ્યા છે. નેતાઓ અને અન્ય લોકો સૌ કોઈ અહીં આવીને જોઈ રહ્યા છે. એવું લાગે છે કે તેમના માટે આ મજાક છે. સરકારી વહીવટી તંત્ર પણ ઊંઘે છે.”

તેણે કહ્યું, “આટલા દિવસો વીતી ગયા અને અમારા માણસો સુરંગની અંદર ફસાયેલા છે. અત્યાર સુધી તેમને ક્યાં સુધીમાં બહાર કાઢવામાં આવશે તેની ખબર નથી. અમે અત્યાર સુધી શાંતિ જાળવી રાખી હતી. આ લોકો એવું સમજ છે કે અમારી કોઈ કિંમત જ નથી."

રતૂડીએ કહ્યું, “અહીં સેકન્ડ હેન્ડ મશીનો આવી રહ્યાં છે અને સરકાર પણ કહી રહી છે કે અમે માણસોને કાઢી રહ્યા છીએ. સરકાર કહી રહી છે કે અમે વ્યવસ્થામાં લાગેલા છીએ, પરંતુ તેમની વ્યવસ્થા ક્યાં છે?”

સુરંગની બહાર પોતાનો ગુસ્સો વ્યક્ત કરતાં અન્ય એક કામદારે કહ્યું કે સુરંગની અંદર ફસાયેલા 40 લોકો તેના ભાઈઓ છે. તેણે કહ્યું, “મારા ગામના ત્રણ લોકો અંદર ફસાયેલા છે. અમારામાંથી ઘણા લોકો મુશ્કેલીમાં છે અને તેમણે યોગ્ય રીતે ખાવાનું પણ ખાધું નથી. અમારે અમારા માણસો સલામત અને સ્વસ્થ જોઈએ છીએ.”

હવે નવું મશીન મંગાવવું પડ્યું

એસડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડર કર્મવીર સિંહ ભંડારી

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC

ઇમેજ કૅપ્શન, એસડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડર કર્મવીર સિંહ ભંડારી

કાટમાળનું ડ્રિલિંગ કરી રહેલા મશીનને સુરંગમાં મોકલ્યા પછી એવું લાગતું હતું કે હવે જલદી જ રૅસ્ક્યૂ ઑપરેશન પૂરું થઈ જશે. પરંતુ બુધવારે સવારે મળેલી માહિતી અનુસાર આ મશીન યોગ્ય પ્રમાણમાં ડ્રિલિંગ કરી શકતું નથી.

મશીન માટે જે બેઝ બનાવવામાં આવ્યો હતો તેને ફરીથી તોડીને એક નવો બેઝ બનાવવામાં આવી રહ્યો છે.

બીબીસી સહયોગી આસિફ અલી સાથે વાતચીત કરતા એસડીઆરએફના આસિસ્ટન્ટ કમાન્ડર કર્મવીરસિંહ ભંડારીએ કહ્યું હતું કે, “ટનલમાં ફસાયેલા તમામ લોકો સુરક્ષિત છે. બધા સાથે વાતચીત કરવામાં આવી રહી છે અને તેમને સામાન પણ પહોંચાડવામાં આવી રહ્યો છે. અંદર રહેલા લોકોએ આજે સવારે સાડા પાંચે ખાવાનો સામાન પણ માંગ્યો હતો. તેમને ખોરાક પહોંચાડી દેવામાં આવ્યો છે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “સુરંગમાં જ્યાં લોકો ફસાયેલા છે ત્યાં લાઇટિંગની પણ વ્યવસ્થા છે અને તાપમાન પણ બરાબર છે. કામ અટક્યું નથી અને 24 કલાક ચાલી રહ્યું છે. અમારી બે ટીમો ત્યાં ખડેપગે તહેનાત છે. બેઝમાં જે મુશ્કેલી આવી રહી છે તેને ઠીક કરવાના પ્રયત્નો ચાલુ છે.”

એનડીઆરએફ ઇન્સ્પેક્ટર ભાસ્કરે કહ્યું, "કંપનીના અધિકારીઓએ જાણ કરી છે કે મશીનમાં કેટલીક ટેકનિકલ ખામી છે. હવે એ માત્ર ટેકનિકલ ટીમ જ કહી શકશે કે ખામી શું છે."

ભાસ્કરે કહ્યું, "કંપનીના લોકોએ કહ્યું છે કે હવે બીજું મશીન દિલ્હીથી ઍરલિફ્ટ કરવામાં આવી રહ્યું છે."

ઓક્સિજન અને ખોરાક કેવી રીતે મોકલાઈ રહ્યો છે?

એનડીઆરએફના ઇન્સપેક્ટર ભાસ્કર

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC

ઇમેજ કૅપ્શન, એનડીઆરએફના ઇન્સપેક્ટર ભાસ્કર

સીઓ ઉત્તરકાશી પ્રશાંતકુમારે કહ્યું હતું કે, "જે NHIDCL પાઇપલાઇન હતી, જે અહીં પાણી અને ઓક્સિજન સપ્લાય કરે છે. તેમનો અમે વાયરલેસથી સંપર્ક કર્યો છે."

તેમણે કહ્યું, "વાતચીત વાયરલૅસથી થઈ રહી છે, તેમાં શૉર્ટ સિગ્નલ છે. તેના પરથી અમે જાણી શકીએ છીએ કે તેઓ ઠીક છે અથવા તેમને શું જોઈએ છે. વાતચીતની વચ્ચે ઘણો ઘોંઘાટ પણ થવા લાગે છે. પરંતુ બધા સુરક્ષિત છે."

તેમણે કહ્યું, "સુરંગની અંદર કૉમ્પ્રેસરથી સતત ઓક્સિજન મોકલાઈ રહ્યો છે. સુરંગમાં ફસાયેલા લોકોએ ખાવા-પીવાની વસ્તુઓ મંગાવી હતી. દબાણયુક્ત હવાની સાથે સાથે, ફસાયેલા લોકોને ખાવાની વસ્તુઓનાં નાનાં પૅકેટ પણ મોકલવામાં આવ્યાં છે. તેમને ચણા, કાજુ, બદામ વગેરે પહોંચાડવામાં આવી રહ્યા છે."

ઘટનાસ્થળે રાહત અને બચાવ કામગીરી માટે શું છે વ્યવસ્થા?

ઉત્તરકાશી સુરંગ ઉત્તરાખંડ

ઇમેજ સ્રોત, ASIF ALI/BBC

પોલીસ, NDRF, SDRF, ITBP, બૉર્ડર રોડ ઑર્ગેનાઇઝેશન, હેલ્થ ડિપાર્ટમૅન્ટ અને રૅપિડ ઍક્શન ટીમના સભ્યો સહિત લગભગ 160 બચાવ કાર્યકરોને રાહત કામગીરી માટે સ્થળ પર તહેનાત કરવામાં આવ્યા છે.

કોઈપણ ઈમર્જન્સીને ધ્યાનમાં રાખીને ઘટના સ્થળથી લગભગ 5 કિલોમીટરના અંતરે હંગામી હૅલિપૅડ બનાવવામાં આવ્યું છે. રાહત કામગીરી માટે ચિન્યાલીસૌર હૅલિપૅડ પણ ચિન્હિત કરવામાં આવ્યું છે.

લોકોને સુરંગમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા બાદ આરોગ્ય વિભાગની ટીમો સાથે ઍમ્બુલન્સને સુરંગના મુખ પાસે તહેનાત કરવામાં આવી છે, જેથી જેમને જરૂર છે તેમને તાત્કાલિક તબીબી સુવિધાઓ આપી શકાય.

નજીકના જિલ્લાઓની હૉસ્પિટલો સહિત ઋષિકેશમાં AIIMSને પણ હાઈ ઍલર્ટ પર રાખવામાં આવી છે.

શું બન્યું હતું?

ઉત્તરકાશી સુરંગ ઉત્તરાખંડ

ઉત્તરકાશી-યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સિલ્ક્યારાથી દાંડલગાંવ સુધીની નિર્માણાધીન સુરંગમાં રવિવારે સવારે લગભગ પાંચ વાગ્યે ભૂસ્ખલન થયું હતું.

જેના કારણે સુરંગમાં 40 મજૂરો ફસાઈ ગયા છે.

તેમના સુધી પહોંચવા માટે એક મશીન વડે સતત ડ્રિલિંગ કરવામાં આવી રહ્યું હતું પરંતુ 15 ઑક્ટોબરે સવારે આવેલા તાજા સમાચાર અનુસાર મશીનમાં કોઈ ટેક્નિકલ ખામી સર્જાતા કામ રોકી દેવામાં આવ્યું હતું. આ સિવાય સુરંગના ઉપરના ભાગમાંથી આવતા કાટમાળને કારણે કામમાં અડચણ આવી રહી છે.

ઉત્તરકાશી જિલ્લાના યમુનોત્રી રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ધારસુ અને બરકોટની વચ્ચે સિલ્ક્યારા પાસે લગભગ 4,531 મીટર લાંબી સુરંગ બનાવવાનું કામ ચાલુ છે, જેમાં સિલ્ક્યારા બાજુથી 2,340 મીટર અને બરકોટ બાજુથી 1,600 મીટર સુરંગ બની ગઈ છે.

અહીં 12 નવેમ્બરે સવારે પાંચ વાગ્યાની આસપાસ સિલ્ક્યારા બાજુથી લગભગ 270 મીટર અંદરથી આશરે 30 મીટર જેટલા વિસ્તારમાં કાટમાળ પડ્યો હતો જેના કારણે 40 લોકો ફસાયા છે.

સુરંગ બનાવી રહેલી એન.એચ.આઈ.ડી.સી.એલ. દ્વારા અપાયેલી માહિતી મુજબ ફસાયેલી વ્યક્તિમાં બે ઉત્તરાખંડના, એક હિમાચલ પ્રદેશ, ચાર બિહાર, ત્રણ પશ્ચિમ બંગાળ, આઠ ઉત્તર પ્રદેશ, પાંચ ઓડિશા, બે આસામ અને 15 ઝારખંડના છે.