ડીસા વિસ્ફોટઃ ફટાકટા ફૅક્ટરીમાં જ્યાં ધડાકો થયો ત્યાં પોલીસને શું મળ્યું, કેવી રાસાયણિક સામગ્રી મળી?

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
બનાસકાંઠાના ડીસામાં 21 લોકોનો ભોગ લેનારી આગ અને વિસ્ફોટની ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન નવી-નવી વિગત આવી રહી છે.
વિસ્ફોટ શા માટે થયો અને દીપક ટ્રેડર્સની ફેકટરીમાં કઈ સામગ્રી રાખવામાં આવી હતી તેના વિશે અટકળો ચાલતી હતી, ત્યારે પોલીસનું કહેવું છે કે ઘટનાસ્થળેથી ઍલ્યુમિનિયમ પાઉડર મળી આવ્યો છે.
બનાસકાંઠાના એસપી અક્ષયરાજ મકવાણાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું કે "એફએસએલની ટીમે આપેલા અભિપ્રાય મુજબ ઍલ્યુમિનિયમ પાઉડર એ આનું પ્રાથમિક કારણ છે."
પોલીસે અગાઉ જે વાત કરી હતી તેના કરતા સાવ અલગ વિગત બહાર આવી રહી છે.
ઍલ્યુમિનિયમ પાઉડર ખુલ્લા બજારમાં ઉપલબ્ધ

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
તેમણે જણાવ્યું કે, "ઍલ્યુમિનિયમ પાઉડર ઓપન માર્કેટમાં વેચાય છે. તેને ખરીદી અને વેચી શકાય છે. તે જ્વલનશીલ સામગ્રી છે, પરંતુ નૉન-ઍક્સપ્લોઝિવ મટિરિટલ છે. તેથી તેમાં વિસ્ફોટની શક્યતા નથી. પરિણામે કોઈ પણ તેનું વેચાણ કરી શકે છે."
"જોકે, ઍલ્યુમિનિયમ પાઉડર સળગે ત્યારે મોટા પ્રમાણમાં ઍનર્જી પેદા કરે છે. આ પાઉડર ખુલ્લામાં સળગીને ઓલવાઈ જાય, પરંતુ બંધ રૂમમાં પૂરતી જગ્યા ન મળે તો સળગીને વિસ્ફોટ થતો હોય છે."
મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
પોલીસ સુપરિન્ટેન્ડન્ટ મકવાણાએ જણાવ્યું કે, "આ કેસમાં આરોપી ખૂબચંદ મોહનાની અને દીપક મોહનાની એલસીબી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. બંનેને સાબરકાંઠાથી પકડવામાં આવ્યા છે."
"એફએસએલે આ કેસમાં પ્રાઇમરી રિપોર્ટ બનાવ્યો છે. તે પ્રમાણે અહીં મોટા પ્રમાણમાં ફટાકડાનો સંગ્રહ થયો હતો. આ ઉપરાંત ઍલ્યુમિનિયમ પાઉડરની હાજરી પણ મળી આવી છે. ઘટનાસ્થળેથી યલો ડેક્સ્ટ્રાઇનની બૅગ મળી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કચ્છ રેન્જના આઈજી દ્વારા એસઆઈટી રચવામાં આવી છે અને ઍક્સપ્લોઝિવ સબસ્ટેન્સનો ઍક્ટ લાગુ કરવામાં આવ્યો છે.
તેમણે જણાવ્યું કે, "આરોપીઓની પૂછપરછ પરથી જાણવા મળ્યું છે કે તેઓ 18 વર્ષ કે વધુ સમયથી ફટાકડાનો વ્યવસાય કરે છે."
"હવે તેમના તમામ બૅન્ક ખાતાની તપાસ કરવામાં આવશે. બધાના જીએસટી બિલ સાથે ઇતિહાસ ચેક કરાશે. તેઓ કેટલાક સમયથી ઇન્દોરમાંથી પણ ફટાકડા ખરીદતા હતા. ફટાકડાના ઠેકેદારો, મૅનપાવર પ્રોવાઇડર કોણ હતા તેની પણ પોલીસ તપાસ કરાશે."
તેમણે કહ્યું કે, "કારખાનામાં ઍલ્યુમિનિયમ પાઉડર અને બીજો પાઉડર ક્યાંથી મેળવાયો હતો તેની તપાસ ચાલુ છે. આ કેસમાં તપાસ માટે સાત ટીમ રચાઈ છે. આઈબીની ટીમ તેમના કનેક્શન તપાસી રહી છે. પોલીસની ટીમ તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશ અને અમદાવાદ પણ મોકલવામાં આવી છે."
અગાઉ પોલીસે શું કહ્યું હતું?

ઇમેજ સ્રોત, Paresh Padhiyar
ડીસામાં વિસ્ફોટની ઘટના બની તે દિવસે, એટલે કે પહેલી એપ્રિલે એસપી અક્ષયરાજ મકવાણાએ બીબીસીને જણાવ્યું હતું કે, "પ્રાથમિક તપાસ પ્રમાણે અહીં કોઈ પણ પ્રકારના ફટાકડા બનાવવામાં આવતા હોવાની જાણકારી સામે આવી નથી. અહીં ફટાકડા બનાવવામાં આવતા હોવાનો પુરાવો અમારી એફએસએલની ટીમને મળ્યા નથી."
સાંજે કલેક્ટર મિહિર પટેલે ફરી મીડિયા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું હતું કે, "આ ગોડાઉન ફટાકડાના સ્ટોરેજ માટેનું ગોડાઉન હતું અને વર્ષ 2021માં લાઇસન્સ આપવામાં આવ્યું હતું. ડિસેમ્બર-2024માં લાઇસન્સની સમય અવધિ સમાપ્ત થતા રિન્યૂઅલ માટે ગોડાઉનના માલિકોએ ઍપ્લાય પણ કર્યું હતું."
તેમણે આગળ કહ્યું હતું કે, "અંદાજે 15 માર્ચની આજુબાજુ પોલીસ અને મામલતદારે ઘટના જ્યાં બની છે એ સ્થળની મુલાકાત પણ લીધી હતી અને વીડિયોગ્રાફી કરવામાં આવી હતી પરંતુ ત્યારે સમગ્ર પ્રિમાઇસીસ ખાલી હતો અને કોઈ જથ્થો જોવા મળ્યો ન હતો. પાછલા પંદરેક દિવસમાં ગેરકાયદેસર જથ્થાનો સંગ્રહ કર્યો હોય એવું જણાઈ આવે છે."
મંગળવારે શું થયું હતું

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બનાસકાંઠાના ડીસા શહેરથી પાંચેક કિલોમીટર દૂર ઢુવા કરીને ગામ છે. જે ઢુવા રોડ તરીકે પણ ઓળખાય છે. અમે જ્યારે જ્યાં આ દુર્ઘટના ઘટી ત્યાં જવા રવાના થયા ત્યારે ઢુવા ગામથી એકાદ કિલોમીટર દૂર પહોંચ્યા ત્યારે જ હવામાં ગંધકની વાસ આવવા લાગી હતી.
ડીસાના ઢુવા રોડ પર જીઆઈડીસીની બહાર દીપક ટ્રેડર્સ નામનું ફટાકડાનું ગોડાઉન આવેલું છે.
ઢુવામાં આ જ ફટાકડાના કારખાના કે ગોદામમાં વિસ્ફોટ થયો અને 21 લોકો હોમાઈ ગયા, ત્યાં પહોંચો એટલે ગંધકની વાસની તીવ્રતા વધી જાય.
મંગળવારે, પહેલી એપ્રિલે સવારે કામદારો ત્યાં કામ કરી રહ્યા હતા. કારખાનાને અડીને જ તેમને રહેવા માટે ઝૂંપડીઓ બનાવી આપવામાં આવી હતી. કામદારોના પરિવારજનો ત્યાં ઝૂંપડીમાં રસોઈ કે અન્ય કામ કરતા હતા.
સવારે સાડા નવથી દસની વચ્ચે અચાનક વિસ્ફોટ થયો અને ઉપરની છત તૂટી પડી. ત્યાં કામ કરી રહેલા 21 કામદારોના જીવન પર પૂર્ણવિરામ મૂકાઈ ગયું. કલેક્ટર મિહિર પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમાં 4 મહિલા અને 3 બાળકો પણ છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












