વકફ શું છે અને ​​વકફ બિલ અંગેનો વિવાદ કેમ થયો છે? દરેક પ્રશ્નોના જવાબ જાણો

બીબીસી ગુજરાતી વકફ બિલ મિલકત મુસ્લિમ મુસલમાન બંધારણ લોકસભા સંસદ મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વકફ સુધારા બિલનો મુસ્લિમ સંગઠનો વિરોધ કરે છે

કેન્દ્ર સરકાર આજે લોકસભામાં વકફ (સુધારા) બિલ, 2024 રજૂ કરવા જઈ રહી છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અને સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ કહ્યું છે કે લોકસભાની બિઝનેસ ઍડવાઇઝરી કમિટી(બીએસી)ની બેઠકમાં ચર્ચા માટે આઠ કલાકની સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે, જેને જરૂર પડે તો લંબાવી પણ શકાય છે.

અગાઉ ગયા વર્ષે ઑગસ્ટમાં આ બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ ભારે વિરોધ બાદ તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પક્ષોના લગભગ 31 સાંંસદો સામેલ હતા.

વાસ્તવમાં, કેન્દ્ર સરકાર દાયકાઓ જૂના વકફ કાયદાને બદલવા માંગે છે. તેની દલીલ છે કે આ નવું બિલ વકફ મિલકતોના વધુ સારા ઉપયોગ માટે છે.

જ્યારે તેનો વિરોધ કરનારાઓનું કહેવું છે કે સરકાર બિલ બદલવાના બહાને વકફ પ્રૉપર્ટી પર કબજો કરવા માંગે છે.

આવામાં આ અહેવાલમાં વકફ, ​​વકફ બોર્ડ, વકફ પ્રૉપર્ટી અને આ નવા બિલ પર ચાલી રહેલી ચર્ચા વિશેની દરેક મહત્ત્વની વાત જણાવવાનો પ્રયાસ થયો છે.

વકફ (સુધારા) બિલ પર અત્યાર સુધીમાં શું થયું?

બીબીસી ગુજરાતી વકફ બિલ મિલકત મુસ્લિમ મુસલમાન બંધારણ લોકસભા સંસદ મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વકફ ઍક્ટમાં સુધારા સામે ઉગ્ર વિરોધ ચાલે છે

ગયા વર્ષે ઑગસ્ટમાં લોકસભામાં વક્ફ (સુધારા) બિલ, 2024 રજૂ કરતી વખતે કેન્દ્રીય લઘુમતી બાબતોના પ્રધાન કિરેન રિજિજુએ તેના ફાયદા ગણાવ્યા હતા.

કિરેન રિજિજુએ સંસદમાં કહ્યું હતું કે, "આ બિલથી કોઈની ધાર્મિક સ્વતંત્રતામાં કોઈ દખલ નહીં થાય. આ બિલમાં કોઈના અધિકારો છીનવી લેવાની વાત નથી, બલ્કે તે એવા લોકોને અધિકાર આપવા માટે લાવવામાં આવી રહ્યું છે જેઓ પોતાના વકફ સંબંધિત મામલામાં અધિકાર મેળવી શકતા નથી."

હકીકતમાં વકફ સુધારા અંગેનું નવું બિલ 1995ના વકફ કાયદામાં સુધારો કરવા માટે લાવવામાં આવ્યું છે. આ બિલનું નામ છે યુનાઇટેડ વકફ મૅનેજમેન્ટ ઍમ્પાવરમેન્ટ, ઍફિશિયન્સી એન્ડ ડેવલપમેન્ટ ઍક્ટ-1995 એટલે કે ઉમ્મીદ.

લગભગ તમામ વિરોધ પક્ષો આ બિલનો વિરોધ કરી રહ્યા છે. ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ સંસદમાં એક નિવેદનમાં કહ્યું હતું કે, "આ બંધારણની વિરુદ્ધ છે અને ધાર્મિક સ્વતંત્રતાનું ઉલ્લંઘન કરે છે."

ગયા વર્ષે ઑગસ્ટમાં જ્યારે આ બિલ રજૂ કરવામાં આવ્યું ત્યારે સંસદમાં ભારે હોબાળો થયો હતો અને તેને સંયુક્ત સંસદીય સમિતિને મોકલવામાં આવ્યો હતો. આ સમિતિના અધ્યક્ષ તરીકે ભાજપના સાંસદ જગદંબિકા પાલ હતા.

13 ફેબ્રુઆરીએ આ સમિતિએ તેનો અહેવાલ સુપરત કર્યો હતો, જેને 19 ફેબ્રુઆરીએ કેન્દ્રીય કૅબિનેટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો.

જોકે, સમિતિમાં સામેલ વિપક્ષી સાંસદોનો આક્ષેપ હતો કે તેમના સૂચવેલા ફેરફારોને નકારી કાઢવામાં આવ્યા હતા.

વકફ શું છે અને તેની પાસે કેટલી મિલકત છે?

બીબીસી ગુજરાતી વકફ બિલ મિલકત મુસ્લિમ મુસલમાન બંધારણ લોકસભા સંસદ મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, દિલ્હીની જામા મસ્જિદ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વકફ એ કોઈપણ જંગમ અથવા સ્થાવર મિલકત હોય છે, જે ઇસ્લામમાં માનતી કોઈપણ વ્યક્તિ અલ્લાહના નામે અથવા ધાર્મિક હેતુ અથવા સખાવતી હેતુઓ માટે દાન કરે છે.

આ મિલકત સમાજ કલ્યાણના હેતુથી આપવામાં આવે છે અને અલ્લાહ સિવાય તેનો કોઈ માલિક નથી હોતો અને હોઈ શકે નહીં.

વકફ વૅલફેર ફોરમના ચૅરમૅન જાવેદ અહેમદ કહે છે, "વકફ એક અરબી શબ્દ છે જેનો અર્થ કાયમી થાય છે. જ્યારે કોઈ મિલકત અલ્લાહના નામે વકફ તરીકે આપવામાં આવે છે, ત્યારે તે કાયમ માટે અલ્લાહના નામે થઈ જાય છે. પછી તેમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં."

ભારતની સુપ્રીમ કોર્ટે જાન્યુઆરી 1998માં પોતાના એક ચુકાદામાં કહ્યું હતું કે 'એકવાર મિલકત વકફ થઈ જાય પછી તે હંમેશા વકફ રહે છે.'

વકફ મિલકત ખરીદી કે વેચી શકાતી નથી અને તે કોઈને પણ ટ્રાન્સફર કરી શકાતી નથી.

લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર વક્ફ બોર્ડ પાસે સમગ્ર ભારતમાં હાલમાં લગભગ 8.7 લાખ મિલકતો છે, જે લગભગ 9.4 લાખ એકર જમીનમાં ફેલાયેલી છે. તેમની કુલ કિંમત લગભગ 1.2 લાખ કરોડ રૂપિયા જેટલી હોવાનો અંદાજ છે.

આખી દુનિયામાં સૌથી વધુ વક્ફ પ્રૉપર્ટી ભારતમાં છે. ભારતમાં આર્મી અને રેલવે પછી વકફ બોર્ડ પાસે સૌથી વધુ જમીન છે.

વકફ મિલકતોનું સંચાલન કેવી રીતે થાય છે?

બીબીસી ગુજરાતી વકફ બિલ મિલકત મુસ્લિમ મુસલમાન બંધારણ લોકસભા સંસદ મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ભારતમાં કુલ 32 વકફ બોર્ડ છે જેનું સંચાલન સેન્ટ્રલ વકફ કાઉન્સિલ અને રાજ્ય સ્તરે વકફ બોર્ડ દ્વારા થાય છે.

ભારત સરકારે વકફ મિલકતોના સંચાલન અને જાળવણી માટે વકફ બોર્ડ અને સેન્ટ્રલ વકફ કાઉન્સિલની એક સિસ્ટમ બનાવી છે.

હાલમાં, આ બિલ અગાઉ વકફ મિલકતોના રક્ષણ માટે 1995નો વકફ કાયદો અને 2013નો વકફ સુધારા કાયદો પણ છે.

વકફ મિલકતોના રક્ષણ માટે કેન્દ્રીય સ્તરે સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ નામે એક સ્વાયત્ત સંસ્થા છે. આ ઉપરાંત રાજ્ય સ્તરે વકફ મિલકતોના સંચાલન માટે વકફ બોર્ડ હોય છે.

ભારતમાં કુલ 32 વકફ બોર્ડ છે.

વકફ બોર્ડમાં પસંદ કરાયેલા સભ્યો હોય છે. સભ્યો અધ્યક્ષની પસંદગી કરે છે. જ્યારે સરકાર મુખ્ય કાર્યકારી અધિકારીની નિમણૂક કરે છે.

વકફ મિલકતના સંચાલન માટે મુતવલ્લીની નિમણૂક કરવામાં આવે છે. મિલકતનું સીધું નિયંત્રણ મુતવલ્લીના હાથમાં છે અને તેઓ મિલકતમાંથી કુલ આવકની નિશ્ચિત ટકાવારી વકફ બોર્ડને આપે છે.

નવા બિલની કઈ જોગવાઈઓ વિવાદમાં છે?

બીબીસી ગુજરાતી વકફ બિલ મિલકત મુસ્લિમ મુસલમાન બંધારણ લોકસભા સંસદ મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વકફ બિલની એક જોગવાઈ મુજબ વકફ સંપત્તિ પર સરકારનો કબજો હશે તો કલેક્ટર પોતાની વિવેકબુદ્ધિથી નિર્ણય લઈ શકશે.

છેલ્લાં બે વર્ષમાં દેશની અલગ-અલગ હાઇકોર્ટમાં વકફ સંબંધિત લગભગ 120 અરજીઓ દાખલ કરવામાં આવી હતી, ત્યારબાદ આ કાયદામાં સુધારાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.

કોર્ટમાં આપવામાં આવેલી અરજીઓમાં વકફ કાયદાની માન્યતાને એ આધારે પડકારવામાં આવી હતી કે આ પ્રકારના કાયદા જૈન, શીખ અને અન્ય લઘુમતીઓ સહિત અન્ય ધર્મોને લાગુ પડતા નથી.

નવા બિલની જોગવાઈ અનુસાર માત્ર એવી વ્યક્તિ જ દાન આપી શકે જેણે સળંગ પાંચ વર્ષથી મુસ્લિમ ધર્મનું પાલન કર્યું હોય, એટલે કે મુસ્લિમ હોય અને દાનમાં આપવામાં આવતી મિલકતનો માલિકી હક્ક હોય.

વકફ ઍક્ટમાં બે પ્રકારની વકફ મિલકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પહેલો વકફ અલ્લાહના નામે છે, એટલે કે, 'એવી મિલકત જે અલ્લાહને સમર્પિત કરવામાં આવી છે અને જેના માટે કોઈ વારસાનો હક બાકી નથી.'

બીજું વકફ- 'વકફ અલાલ ઔલાદ છે, એટલે કે એવી વકફ મિલકત જેની સંભાળ વારસદારો દ્વારા કરવામાં આવશે.'

બીજા પ્રકારના વકફમાં નવા બિલમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે તેમાં મહિલાઓના વારસાગત અધિકારો ખતમ નહીં થઈ શકે.

એકવાર આવી દાનમાં આપેલી મિલકત સરકારના ખાતામાં આવી જાય પછી જિલ્લા કલેક્ટર તેનો ઉપયોગ વિધવા મહિલાઓ અથવા અનાથ બાળકોના કલ્યાણ માટે કરી શકશે.

કલેક્ટર પાસે કેવા અધિકાર છે?

બીબીસી ગુજરાતી વકફ બિલ મિલકત મુસ્લિમ મુસલમાન બંધારણ લોકસભા સંસદ મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કલેક્ટરના રિપોર્ટના આધારે કોઈ પણ વકફ સંપત્તિ સરકારની થઈ જશે

આવી મિલકત અથવા જમીન પહેલાથી જ સરકારના કબજામાં હોય અને વકફ બોર્ડે પણ તેને વકફ મિલકત તરીકે દાવો કર્યો હોય, તો નવા બિલ મુજબ, વકફનો દાવો પછી કલેક્ટર એટલે કે ડીએમની વિવેકબુદ્ધિ પર નિર્ભર રહેશે.

નવા બિલ પ્રમાણે વકફ દ્વારા દાવો કરાયેલી જમીન જે સરકારના કબજામાં હોય તે અંગે કલેક્ટર પોતાનો અહેવાલ સરકારને મોકલી શકે છે.

કલેક્ટરના રિપોર્ટ પછી તે મિલકતને સરકારી મિલકત તરીકે ગણવામાં આવે તો મહેસૂલી રેકૉર્ડમાં તે કાયમ માટે સરકારી મિલકત તરીકે નોંધાશે.

પ્રસ્તાવિત બિલમાં વકફ બોર્ડનો સર્વે કરવાનો અધિકાર ખતમ કરી દેવામાં આવ્યો છે. બિલની જોગવાઈઓ મુજબ હવે વકફ બોર્ડ સર્વે કરીને નહીં કહી શકે કે કોઈ મિલકત વકફની છે કે નહીં.

હાલના ઍક્ટમાં વકફ બોર્ડના સર્વે કમિશનરને વકફ તરીકે દાવો કરવામાં આવેલી મિલકતોનો સર્વે કરવાનો અધિકાર છે, પરંતુ સૂચિત બિલમાં સુધારા બાદ સર્વે કમિશનર પાસેથી આ અધિકાર છીનવીને જિલ્લા કલેક્ટરને આપવામાં આવશે.

પ્રસ્તાવિત બિલની અન્ય જોગવાઈઓમાં જેની સામે વાંધા છે, તેમાંથી એક વકફ કાઉન્સિલના સ્વરૂપને લગતો પણ છે.

સેન્ટ્રલ વકફ કાઉન્સિલના તમામ સભ્યો માટે મુસ્લિમ હોવું ફરજિયાત છે, પરંતુ પ્રસ્તાવિત બિલમાં બે બિન-મુસ્લિમ સભ્યોની જોગવાઈ પણ ઉમેરવામાં આવી છે.

આ સાથે સેન્ટ્રલ વકફ કાઉન્સિલના મુસ્લિમ સભ્યોમાં બે મહિલા સભ્યોને ફરજિયાત બનાવવામાં આવી છે.

બિલના અન્ય પ્રસ્તાવોમાં શિયા અને સુન્ની સિવાય વોહરા અને આગાખાની માટે અલગ બોર્ડ બનાવવાની વાત કહેવામાં આવી છે.

હાલના કાયદા અનુસાર શિયા વકફ બોર્ડની રચના ત્યારે જ થઈ શકે છે જ્યારે વકફની કુલ સંપત્તિ અને આવકમાં શિયા સમુદાયનો હિસ્સો 15 ટકા હોય.

જોકે, દેશનાં તમામ વક્ફ બોર્ડમાંથી માત્ર ઉત્તર પ્રદેશ અને બિહારમાં જ શિયા વકફ બોર્ડ છે.

નવા બિલની જોગવાઈઓ અંગે નિષ્ણાતોનો શું અભિપ્રાય છે?

બીબીસી ગુજરાતી વકફ બિલ મિલકત મુસ્લિમ મુસલમાન બંધારણ લોકસભા સંસદ મસ્જિદ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવા બિલનો વિરોધ કરનારાઓની દલીલ છે કે સરકાર તેમની જમીન કબજે કરવા માંગે છે

જ્યારથી લોકસભામાં પ્રસ્તાવિત સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું છે ત્યારથી લોકોમાં એવો ડર છે કે સરકાર તેમની જમીન પર કબજો કરવા માંગે છે.

પરંતુ સરકારનો દાવો છે કે આ બિલ લાવવાથી વકફ સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવામાં સરળતા રહેશે.

તો શું સરકાર આ બિલ દ્વારા મુસ્લિમોના મામલામાં પોતાનું નિયંત્રણ વધારવા માંગે છે?

આના વિશે 'શિકવા-એ-હિંદઃ ધ પોલિટિકલ ફ્યુચર ઑફ ઇન્ડિયન મુસ્લિમ'ના લેખક ડૉ. મુજીબુર રહેમાન માને છે કે વકફમાં સુધારાની જરૂર છે.

મુજીબુર રહેમાન કહે છે, "જો મુસ્લિમોના પ્રોપર્ટી મૅનેજમેન્ટમાં બિન-મુસ્લિમો હોઈ શકે છે, તો મુસ્લિમોને પણ બિન-મુસ્લિમોની પ્રોપર્ટી મૅનેજમેન્ટમાં રહેવાની છૂટ હોવી જોઈએ."

"કારણ કે ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે અને દરેક વસ્તુનું ધ્યાન રાખવું એ દરેકની જવાબદારી છે."

વકીલ મુજીબુર રહેમાનનું માનવું છે કે સરકારનું વકફ પર નિયંત્રણ હશે તો તે વસ્તુનો ઉપયોગ મુસ્લિમો માટે ક્યારેય નહીં થાય. ઉલટાનું સરકાર પોતાના પ્રતિનિધિની નિમણૂક કરીને તેમનો કબજો લેશે અને લોકોને પોતાની મરજી મુજબ જમીનો આપશે.

તેઓ કહે છે, "વકફને રાજકારણમાંથી બહાર કાઢવું પડશે, મુસ્લિમોએ ગુરુદ્વારા પ્રબંધક સમિતિની જેમ એક સમિતિ બનાવવી પડશે."

"વક્ફના સીઈઓની પસંદગી સરકાર દ્વારા થવી ન જોઈએ, તેના માટે વક્ફના ખર્ચે ચૂંટણી થવી જોઈએ. આમ કરવાથી તે રાજકારણથી બહાર થઈ જશે અને તેના પર મુસ્લિમોનું નિયંત્રણ રહેશે."

મુજીબુર રહેમાન કહે છે, "આ પૈસાનો મામલો છે, ભલે તે કોઈ પણ સરકાર હોય, દરેક વ્યક્તિ તે વસ્તુનો કબજો મેળવવા માંગે છે. ડીએમ સરકારના પ્રતિનિધિ છે. જો તેમને તે મિલકતમાં એક ટકા પણ વિવાદ જોવા મળે છે, તો તે મિલકત સરકારની થઈ જશે."

મૌલાના આઝાદ નૅશનલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ ચાન્સેલર ઝફર સરેશવાલા કહે છે કે વકફ પાસે એટલી બધી સંપત્તિ છે કે જો તેનો યોગ્ય ઉપયોગ થયો હોત તો માત્ર મુસ્લિમો જ નહીં, પરંતુ આ દેશના હિંદુઓ પણ ગરીબ ન રહ્યા હોત.

તેઓ કહે છે, "હજારો કરોડની સંપત્તિનો હવાલો એવા લોકો પાસે છે જેમણે ક્યારેય દસ લાખની સંપત્તિ ખરીદી કે વેચી નથી."

"આપણે ત્યાં એવા લોકોને મૂકવાની જરૂર છે જેઓ આ મિલકતોની વધુ સારી રીતે કાળજી લઈ શકે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.