એ માણસ જે તેમના મૃત્યુ પામેલા પિતા જોડે 'વાતો' કરે છે

જેમ્સ તેમના પિતા સાથેના બાકીના સમયનો મહત્તમ ઉપયોગ કરવા કૃતનિશ્ચય હતા

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જેમ્સ તેમના પિતા સાથેના બાકીના સમયનો મહત્તમ ઉપયોગ કરવા કૃતનિશ્ચયી હતા

જેમ્સ વ્હાલોસને 2016માં આઘાતજનક સમાચાર મળ્યા હતા. તેમના પિતાને ટર્મિનલ કૅન્સર હોવાનું નિદાન થયું હતું.

કૅલિફોર્નિયાના ઑકલૅન્ડમાં રહેતા જેમ્સ કહે છે, “હું મારા પિતાને પ્રેમ કરતો હતો, મારા પિતાને ગુમાવી રહ્યો હતો.”

જેમ્સ તેમના પિતા સાથેના બાકીના સમયનો મહત્તમ ઉપયોગ કરવા કૃતનિશ્ચયી હતા.

“મેં તેમની સાથે એક ઓરલ હિસ્ટરી પ્રોજેક્ટ કર્યો હતો. તેમાં મેં કલાકોના કલાકો સુધી તેમની જીવનકથાનું રેકૉર્ડિંગ કર્યું હતું.”

જેમ્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઈ) ક્ષેત્રે કારકિર્દી બનાવી રહ્યા હતા ત્યારે યોગાનુયોગે આવું બન્યું હતું. તેથી તેમનો પ્રોજેક્ટ ટૂંક સમયમાં આકાર પામ્યો હતો.

તેઓ કહે છે, “મેં વિચાર્યું હતું કે તેમની સ્મૃતિને વધુ સમૃદ્ધ રીતે જાળવી શકાય, તેમના વ્યક્તિત્વની અદભુત સમજને સાચવી શકાય એટલે હું તેમાંથી કશુંક ઇન્ટરએક્ટિવ બનાવી શકું તો કેટલું સારું.”

જેમ્સના પિતા જોનનું 2017માં અવસાન થયું હતું, પરંતુ એ પહેલાં જેમ્સે જે રેકૉર્ડ કર્યું હતું તેને એઆઈ સંચાલિત ચેટબોટમાં પરિવર્તિત કર્યું હતું. એ ચેટબોટ તેમના પિતાના જીવન વિશેના સવાલોના જવાબ તેમના પિતાના અવાજમાં આપી શકતી હતી.

એઆઈની મદદથી લોકોને કૃત્રિમ રીતે જીવંત કેવી રીતે કરવામાં આવે છે?

જેમ્સ વ્હાલોસ તેમના પિતા સાથે

ઇમેજ સ્રોત, JAMES VLAHOS

ઇમેજ કૅપ્શન, જેમ્સ વ્હાલોસ તેમના પિતા સાથે

લોકોને કૃત્રિમ રીતે ‘જીવંત’ બનાવવા માટે એઆઈનો આવો ઉપયોગ વિજ્ઞાનકથાઓમાં લાંબા સમયથી થતો રહ્યો છે, પરંતુ એઆઈ ટેકનોલૉજીના વિકાસને કારણે હવે તે વાસ્તવિક જીવનમાં શક્ય બન્યું છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જેમ્સે તેમની ચેટબોટને 2019માં HereafterAI નામની એક ઍપમાં અને બિઝનેસમાં પરિવર્તિત કરી હતી. તેના ઉપયોગ વડે યૂઝર્સ તેમના પ્રિયજનો માટે આવું જ કરી શકે છે.

જેમ્સ ઉમેરે છે કે ચેટબોટને લીધે પિતાના મૃત્યુની પીડા દૂર થઈ ન હતી, પરંતુ તેને લીધે “અન્ય આપી શક્યો હોત તેના કરતાં વધારે” આપી શકું છું. “એ તેમની અસ્પષ્ટ સ્મૃતિમાં લઈ જતું નથી. મારી પાસે આ અદભુત ઇન્ટરએક્ટિવ સંગ્રહ છે, જેને હું નિહાળી શકું છું.”

HearafterAIના વપરાશકર્તાઓ તેમની પ્રિય વ્યક્તિના ફોટો અપલોડ કરી શકે, જે ઍપનો ઉપયોગ કરતી વખતે તેમના સ્માર્ટ ફોન અથવા કમ્પ્યુટર સ્ક્રીન પર જોઈ શકાય છે ત્યારે લોકોને એઆઈ ચેટબોટ્સમાં પરિવર્તિત કરતી એક અન્ય કંપની તેનાથી ઘણી આગળ વધી છે.

દક્ષિણ કોરિયાના ડીપબ્રેન એઆઈ કંપની વ્યક્તિના ચહેરા, અવાજ અને હાવભાવને આધારે કલાકોના વીડિયો-ઑડિયો શૂટ કરીને તેમના વીડિયો આધારિત અવતાર પણ બનાવે છે.

ડીપ બ્રેઇનના ચીફ ફાઇનાન્સિઅલ ઑફિસર માઇકલ જુંગ કહે છે, “અમે મૂળ વ્યક્તિ સાથે 96.5 ટકા સમાનતા ધરાવતું ક્લૉન કરી રહ્યા છીએ. તેથી એ મૃતકનો એઆઈ અવતાર હોવા છતાં, પરિવારજનો તેમની સાથે વાત કરવામાં મોટા ભાગે અસ્વસ્થતા અનુભવતા નથી.”

કંપની માને છે કે આવી ટેકનોલૉજી ‘સદગતિ’ સંસ્કૃતિને વિકસાવવાનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની શકે છે. જેમાં આપણે “જીવંત વારસા” સ્વરૂપે પારિવારિક ઇતિહાસ, કથાઓ અને સ્મૃતિઓને છોડીને મૃત્યુ માટેની તૈયારી કરી શકીએ છીએ.

જોકે, આ પ્રક્રિયા સસ્તી નથી અને વપરાશકર્તાઓ પોતે અવતાર બનાવી શકતા નથી. તેમણે ફિલ્માંકન પ્રક્રિયા અને અવતારના નિર્માણ માટે 50,000 ડૉલર સુધીનો ખર્ચ કરવો પડે છે.

આટલો મોટો ખર્ચ હોવા છતાં કેટલાક રોકાણકારોને ખાતરી છે કે તે લોકપ્રિય થશે અને ડીપબ્રેઇને તેના છેલ્લા ફંડિંગ રાઉન્ડમાં 4.4 કરોડ ડૉલર એકત્ર કર્યા છે.

'ગ્રીફ ટેકનોલૉજીનો ઉપયોગ કરતી વખતે બહુ સાવધ રહેવું જોઈએ'

કોરિયન કંપની ડીપબ્રેન એઆઈ દ્વારા બનાવવામાં આવેલ વૃદ્ધ સંબંધીના અવતારને સ્પર્શતી એક મહિલા

ઇમેજ સ્રોત, Deepbrain AI

ઇમેજ કૅપ્શન, કોરિયન કંપની ડીપબ્રેન એઆઈ દ્વારા બનાવવામાં આવેલ વૃદ્ધ સંબંધીના અવતારને સ્પર્શતી એક મહિલા

મનોવિજ્ઞાની લેવર્ન એન્ટ્રોબસ જણાવે છે કે તીવ્ર લાગણીના સમયે આવી ‘ગ્રીફ ટેકનોલૉજી’નો ઉપયોગ કરતી વખતે બહુ સાવધ રહેવું જોઈએ.

તેઓ કહે છે, “પ્રિયજનને ગુમાવ્યાની પીડા એક એવી બાબત છે, જે આપણને પરેશાન કરે છે. તમને એવું લાગે કે તમે પીડામાંથી બહાર આવવાની નજીક પહોંચી ગયા છો, પરંતુ પછી તરત કોઈ બાબતથી તમે ફરી પીડામાં સરી પડો તે શક્ય છે.”

“મૃત પ્રિયજનનો અવાજ સાંભળવાની અને તેમણે બોલેલા શબ્દો સાંભળવાની તક તમને મળી શકે છે, પણ તે બહુ નિરાશાજનક હોઈ શકે છે.”

લેવર્ન એન્ટ્રોબસ ઉમેરે છે કે ગુમાવેલા પ્રિયજનોના ચેટબોટનો ઉપયોગ કરવામાં લોકોએ ઉતાવળ ન કરવી જોઈએ. “આ પ્રકારની કોઈ ચીજનો ઉપયોગ કરતા પહેલાં તમારે બહુ મજબૂત થવું પડે. તેમાં ધીમે ધીમે આગળ વધવું જોઈએ.”

દરેક વ્યક્તિ અલગ-અલગ રીતે શોક મનાવતી હોય છે, પરંતુ તેનો અર્થ એવો નથી કે તે સર્વસામાન્ય અનુભવ હોય છે.

તેમાં લાલફિતાશાહી એક છે. તમારા પ્રિયજનો મૃત્યુ પહેલાં જે બૅન્કો, બિઝનેસો અને મીડિયા સાઇટ્સનો ઉપયોગ કરતા હતા તેનાં એકાઉન્ટ્સ બંધ કરવાં, ડિરેક્ટ ડેબિટ્સ, સબસ્ક્રિપ્શન્શ વગેરે બંધ કરવા લાંબી કાયદાકીય કાર્યવાહી કરવી જરૂરી હોય છે.

સાઉથ ડેવોનના 41 વર્ષના અલેનોર વૂડના પતિ સ્ટીફનનું ગંભીર માંદગી બાદ ગયા વર્ષે માર્ચમાં અવસાન થયું હતું.

તેઓ કહે છે, “મારે બે ડઝનથી વધુ કંપનીઓ સાથે કામ પાર પાડવાનું હતું અને એ પ્રત્યેકને ફોન કરીને મારા પતિના મૃત્યુ વિશે જણાવવાનું હતું.”

“કેટલીક કંપનીઓ વ્યવસ્થિત અને સરળ હતી. કેટલીક તદ્દન અક્ષમ અને સંવેદનહીન હતી. હું સૌથી નીચા ભાવનાત્મક સ્તરે હતી એવા સમયે તે કંપનીઓએ વધારે તણાવ તથા ભાવનાત્મક મુશ્કેલી સર્જી હતી.”

તાજેતરમાં પોતાના સ્વજનોને ગુમાવ્યા હોય તેવા લોકો પરનો વહીવટી બોજો ઘટાડવા માટે બ્રિટનમાં સેટલ્ડ નામનું એક ઑનલાઇન પ્લૅટફૉર્મ છે, જે આવા લોકો વતી ખાનગી ક્ષેત્રની કંપનીઓનો સંપર્ક કરે છે.

તેના યૂઝર્સ જરૂરી પેપરવર્ક અને જેમનો સંપર્ક કરવો જરૂરી હોય તે બધાની યાદી અપલોડ કરે છે. એ પછી સેટલ્ડ ઓટોમેટિકલી ઈ-મેઈલ લખે છે અને મોકલે છે. સંબંધિત કંપનીએ જવાબ આપ્યો છે કે કેમ અને તમારી સમસ્યાનું નિરાકરણ થયું છે કે કેમ તે જાણવા માટે તમે ફરી લૉગઈન કરી શકો છો.

બૅન્કોથી માંડીને સોશિયલ મીડિયા ફર્મ્સ અને યુટિલિટી કંપનીઓ સુધીના 950 એકમો સાથે સેટલ્ડ કામ કરે છે. તેની સહ-સ્થાપના વિક્કી વિલ્સને 2020માં તેમનાં દાદીના મૃત્યુ પછી કરી હતી.

વિક્કી કહે છે, “વહીવટી બોજ ઉઠાવવા માટે આપણે ટેકનલૉજીનો જેટલો વધારે ઉપયોગ કરી શકીએ એટલું વધારે સારું. કોઈનું મૃત્યુ થાય ત્યાર પછીના અનિવાર્ય કામ પતાવવા આપણે 146 કામ માટે લગભગ 300 કલાક કામ કરવું પડે છે.”

“સામાન્ય રીતે એ કામ પૂર્ણ થતાં લગભગ નવ મહિના થાય છે. અમે માનીએ છીએ કે આશરે 70

ટકા કામ ઓટોમેટેડ રીતે કરી શકાય છે. એ રીતે થવું પણ જોઈએ.”

વિક્કી વિલ્સનને તેમના દાદીના મૃત્યુ બાદ સેટલ્ડ કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો હતો

ઇમેજ સ્રોત, Settld

ઇમેજ કૅપ્શન, વિક્કી વિલ્સનને તેમનાં દાદીના મૃત્યુ બાદ સેટલ્ડ કંપની શરૂ કરવાનો વિચાર આવ્યો હતો

ટેક ન્યૂઝ વેબસાઇટ ટેકરાઉન્ડના જણાવ્યા અનુસાર, ગ્રીફ ટેકનોલૉજી સૅક્ટરને ‘ડેથ ટેક’ પણ કહેવામાં આવે છે અને તેનું વૈશ્વિક મૂલ્ય આશરે 100 અબજ પાઉન્ડથી વધુનું છે.

ટેકરાઉન્ડના વડાતંત્રી ડેવિડ સોફરના કહેવા મુજબ, કોરોના વાઇરસ મહામારીને કારણે તેની વૃદ્ધિને બળ મળ્યું છે.

તેઓ કહે છે, “કોવિડે લોકોને જીવનનું મહત્ત્વ સમજાવ્યું છે.” તેનાથી મૃત્યુ સંબંધી કેટલીક ધારણાને તોડવામાં મદદ મળી છે. તેના પરિણામ સ્વરૂપે આપણે શોકની પ્રક્રિયાના ભાગરૂપે ટેકનોલૉજીને ઝડપથી સ્વીકારતા થયા છીએ.

તેઓ ઉમેરે છે, “એક સાથે અનેક લોકોને સૂચિત કરવાની ક્ષમતા, વૉઇસ રેકૉર્ડિંગ કે દૃશ્ય-શ્રાવ્ય માધ્યમથી લોકોની સ્મૃતિ જાળવી રાખવી એ બધું મહત્ત્વનું છે.”

જોકે, આ પ્રવૃત્તિનો અર્થ વધારે ઊંડો છે, એમ જણાવતાં તેઓ કહે છે, “ટેકનોલૉજિકલ સમસ્યાઓના નિવારણ માટે ટેકનોલૉજી વિકસે તે સારી વાત છે, પરંતુ શોકની પ્રક્રિયા જેવી બિન-ટેકનોલૉજિકલ સમસ્યાઓના નિવારણમાં પણ તે મદદ કરે તે તેનો વાસ્તવિક ઉદ્દેશ છે.”

તેમ છતાં લેવર્ન એન્ટ્રોબસ ચેતવણી આપે છે કે પીડા પર અંકુશ મેળવવાની બાબતમાં માનવીય સહાયતાનો કોઈ વિકલ્પ નથી. “ લોકો નજીક હોવાની લાગણી, કાળજી લેવામાં આવતી હોવાની લાગણી તથા દુઃખમાં સહભાગિતાની લાગણી જેવા શોકના વધારે પરંપરાગત પાસાઓને સંભાળવા માટે ટેકનોલૉજીના કોઈ સ્થાનની કલ્પના હું કરી શકતી નથી.”