ફ્રાન્સમાં અચાનક ‘યુદ્ધ’ જેવી પરિસ્થિતિ કેમ ઊભી થઈ ગઈ? શું છે મામલો?

ઇમેજ સ્રોત, Reuters
- લેેખક, બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
ફ્રાન્સની રાજધાની પેરિસમાં ટ્રાફિક ચેકિંગ દરમિયાન એક 17 વર્ષીય ડ્રાઇવરનું પોલીસની ગોળી વાગવાથી મૃત્યુ થઈ ગયું. આ ઘટના બાદ સતત ત્રણ દિવસથી અહીં હિંસક પ્રદર્શનો થઈ રહ્યાં છે અને એક પછી એક લોકોની ધરપકડ પણ થઈ રહી છે.
પેરિસથી બીબીસી સંવાદદાતા સોફિયા બૅટ્ઝનું કહેવું છે કે ‘શહેરના રસ્તાઓ ઉપર પરિસ્થિતિ કોઈ યુદ્ધનાં મેદાન જેવી થઈ ગઈ છે’
ફ્રાન્સના ગૃહમંત્રી ગેરાલ્ડ ડારમનિને ટ્વીટ કરીને એમ પણ દાવો કર્યો છે કે આખી રાત પ્રદર્શનકારીઓએ સમગ્ર દેશમાં શાળાઓ, ટાઉન-હૉલ અને પોલીસ સ્ટેશનોને નિશાન બનાવ્યાં છે.
છેલ્લી બે રાતોથી ફ્રાન્સનાં અલગ અલગ શહેરોમાં પ્રદર્શનકારીઓ દ્વારા મોટાપાયે આગ લગાડવાની, ફટાકડાં ફોડવાની ઘટનાઓ થઈ છે, જેમાં અનેક કાર, સરકારી ઇમારતો નષ્ટ થઈ ગઈ છે.
પેરિસના બહારના ભાગમાં કર્ફ્યુ લાગુ કરી દેવામાં આવ્યો છે અને શહેરમાં રાત્રે ટ્રામ અને બસ સેવા સ્થગિત કરી દેવામાં આવી છે.

- મંગળવારે 17 વર્ષના કિશોરની હત્યા પછી હિંસા ભડકી
- નાહેલ એમ નામના કિશોરને પોલીસે (પોઇન્ટ બ્લેન્ક) ગોળી મારી હતી
- પેરિસના બહારના વિસ્તારોમાં કર્ફ્યૂ, ટ્રામ અને બસ સેવા બંધ
- ગુરુવારે હજારો લોકોએ કર્યું પ્રદર્શન, ગોળી મારનાર અધિકારી સામે ફરિયાદ નોંધાયો
- સતત ત્રીજી રાત્રે હિંસા, સમગ્ર ફ્રાન્સમાં 150 લોકોની થઈ ધરપકડ
- ગોળી મારનાર પોલીસ અધિકારીની ધરપકડ થઈ. જાણીજોઈને હત્યા કરવાનો કેસ નોંધાયો
- પોલીસનું કહેવું છે કે કિશોરે તેમના પર હુમલો કરવાના ઇરાદે કાર આગળ વધારી હતી
- વીડિયો ફૂટેજમાં જોવા મળ્યું કે પોલીસે કિશોરની કાર રોકી રાખી હતી
- જ્યાં આ ઘટના ઘટી, ત્યાં પ્રદર્શનકારીઓએ અનેક કારને આગને હવાલે કરી
- રાષ્ટ્રપતિ મૅક્રૉંએ ઘટનાને અક્ષમ્ય ગણાવી, જ્યારે પોલીસ યુનિયનોએ નિવેદનનો વિરોધ કર્યો

ફ્રાન્સમાં લોકો કેમ રોષે ભરાયા?

ઇમેજ સ્રોત, EPA
મંગળવારે ફ્રાન્સમાં પોલીસે એક 17 વર્ષીય યુવકને ટ્રાફિક ચેકિંગ માટે ઊભા ન રહેતા ગોળી મારી દીધી હતી.
આ યુવકનું નામ નાહેલ હોવાનું જાણવા મળ્યું છે. નાહેલ ગાડી ચલાવવાની થોડી જ ક્ષણોમાં દુર્ઘટનાનો ભોગ બન્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે તેને નજીકથી ગોળી મારી. ગોળી મારનાર પોલીસ અધિકારી ઉપર હત્યાનો આરોપ દર્જ કરવામાં આવ્યો છે.
બુધવારે પોલીસે કહ્યું કે તેમણે હાલની હિંસાની ‘છૂટીછવાઈ ઘટનાઓ’ ઉપર કાબૂ મેળવી લીધો છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તુલૂમાં પ્રદર્શનકારીઓએ આગ લગાવી દીધી અને તેને કાબૂ કરવા આવેલા ફાયર – બ્રિગેડના કર્મચારીઓ ઉપર પથ્થરમારો કર્યો હતો.
ફ્રાન્સની ઉત્તરમાં આવેલા શહેર લિલેમાં પણ પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે ઘર્ષણ થયું હતું.
બુધવારે સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર પશ્ચિમી શહેર રેનેમાં પણ મૃતક યુવકને શ્રદ્ધાંજલિ આપવા માટે લગભગ 300 લોકો એકત્ર થયા હતા. જેમાંથી અનેક લોકોએ આગ પણ લગાવી હતી. જોકે, એ સમયે પોલીસે આ ભીડને વિખેરી નાખી હતી.
આ બાજુ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રૉંએ કહ્યું કે આ શૂટઆઉટ ‘અક્ષમ્ય’ છે અને નાહેલની ગોળી મારીને હત્યાની ઘટના “માફી યોગ્ય” નથી. મીડિયા સાથે વાત કરતા સમયે તેમણે કહ્યું કે, “કોઈ પણ રીતે એક યુવકના મોતને યોગ્ય ન ઠેરવી શકાય.”
ફ્રાન્સની મીડિયા અનુસાર, પોલીસે પહેલા એમ કહ્યું હતું કે યુવક નુકસાન પહોંચાડવાના ઇરાદાથી પોલીસકર્મીઓની સામે કાર ચલાવી રહ્યો હતો. પરંતુ આ દુર્ઘટનાના ફૂટેજમાં એક પોલીસ અધિકારીને કારની બારીથી યુવક ઉપર પિસ્તોલ દેખાડતા અને તેને નજીકથી ગોળી મારતા જોવામાં આવ્યા છે. સમાચાર એજન્સી એએફપીએ આ ફૂટેજ સાચા છે એની સ્પષ્ટતા કરી છે.
જ્યારે ગુરુવારે નાહેલની માતાએ આહ્વાન કર્યું અને નાનતેરેમાં 6000થી પણ વધુ લોકોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.

પોલીસ યુનિયન કેમ કરી રહ્યા છે મૅક્રૉંના નિવેદનનો વિરોધ?

ઇમેજ સ્રોત, Getty Images
પોલીસ યુનિયનોએ રાષ્ટ્રપતિના આ નિવેદન ઉપર નારાજગી દર્શાવી હતી. પોલીસ યુનિયનનો દાવો છે કે રાષ્ટ્રપતિ પોલીસવાળા વિરુદ્ધ ઉતાવળમાં પોતાનો મત જણાવી રહ્યા છે.
આ નિવેદનનો વિરોધ કરતી વખતે પોલીસ યુનિયને કહ્યું કે શૂટિંગમાં સામેલ પોલીસ અધિકારીઓના વિષયમાં મૅક્રૉં ઉતાવળમાં કોઈ નિર્ણય ઉપર પહોંચી ગયા છે.
અલાયંસ પોલીસ યુનિયને કહ્યું કે જ્યાં સુધી કોઈ નિર્ણય નથી થતો તેમને નિર્દોષ ગણવામાં આવવા જોઈએ, જ્યારે તેમના પ્રતિદ્વંદી યુનિયન યૂનાઇટેડ એસજીપી પોલીસે પણ કહ્યું કે રાજનૈતિક હસ્તક્ષેપ પોલીસ પ્રતિ નફરતમાં વધારો કરશે.
બીજી બાજુ ગૃહમંત્રી ગેરાલ્ડ ડૈરમાનિને કહ્યું છે કે ‘ફ્રાન્સ પોલીસ’ ઉપર કાર્યવાહી કરવામાં આવશે કારણ કે તેમણે કિશોરની હત્યાને યોગ્ય ગણાવવાની કોશિશ કરી છે.
યુનિયનનું જ એક અન્ય ગ્રૂપ છે ફ્રાન્સ પોલીસ, જેણે એક ટ્વીટમાં પોલીસ અધિકારીઓને ‘બ્રાવો’ કહ્યું હતું જેમણે “એક યુવા આરોપીને ગોળી મારી દીધી.” જોકે આ ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવ્યું છે, પરંતુ આમાં કિશોરના પરિવારના લોકો ઉપર “સારો ઉછેર ન કરવા”નો આરોપ મૂક્યો હતો.

નાહેલનાં માતા શું બોલ્યાં?

ઇમેજ સ્રોત, Getty Images
નાહેલનાં માતા મૉનિયાએ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરેલા એક વીડિયોમાં કહ્યું કે તેમનો દીકરો મૃત્યુ પામ્યો છે અને તેની યાદમાં આયોજિત માર્ચમાં લોકો સામેલ થાય.
તેમણે કહ્યું કે, “તે હજી બાળક હતો. તેને માતાના પ્રેમની જરૂર હતી. સવારે નિકળતી વખતે તેણે મને ચુંબન કર્યું અને કહ્યું – 'આઈ લવ યૂ મૉમ'. એક કલાક પછી મને કહેવામાં આવ્યું કે તેને ગોળી મારવામાં આવી છે. હવે હું શું કરું? તે મારું જીવન હતો. તે મારા માટે બધું જ હતો.”
વર્ષ 2017માં ફ્રાન્સમાં એક કાયદો બનાવવામાં આવ્યો હતો, જેમાં પોલીસને ગોળી ચલાવવાના અધિકારમાં ઢીલ આપવામાં આવી હતી. માનવઅધિકાર સંગઠનો આ કાયદાનો વિરોધ કરતાં આવ્યાં છે.
'લ મોંડે' અખબાર અનુસાર, જ્યારથી આ કાયદો બન્યો છે. ચાલતી કાર ઉપર પોલીસ તરફથી ગોળી મારવાની ઘટનાઓ વધી ગઈ છે.
માનવઅધિકાર કાર્યકર્તા રોખાયા ડિયાલોનું કહેવું છે કે ગોળી મારવાનો મતલબ છે કે ગોળી વાગવાનું મોટું જોખમ, જે અશ્વેત લોકોના સંદર્ભમાં વધારે છે.

સરકાર વર્ષ 2005 જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તેવું ઇચ્છે છે

ઇમેજ સ્રોત, Getty Images
એમ લાગે છે કે ઘટના પછી તરતમાં રાષ્ટ્રપતિના નિવેદનથી પોલીસ યુનિયન નારાજ છે.
રાષ્ટ્રપતિ મૅંક્રૉંએ પીડિત પરિવાર પ્રતિ સાંત્વનાનો સંદેશ મોકલ્યો છે.
પેરિસમાં બીબીસી સંવાદદાતા હ્યૂ શોફીલ્ડ કહે છે કે રાષ્ટ્રપતિ મૅંક્રૉંએ જાણે છે કે શબ્દોથી શાંતિ આવી શકે છે અને શબ્દોથી હિંસા પણ ભડકી શકે છે.
નવેમ્બર 2005માં આજ રીતે એક ઘટનામાં બે યુવકના મૃત્યુ થયાં હતાં અને ત્યારબાદ અઠવાડિયાં સુધી હિંસા અને આગજની થતી રહી હતી. આ ઘટના સત્તાધીશોના ધ્યાનમાં જરૂરથી હશે.
આ બન્ને કિશોર પોલીસ તરફથી પીછો થતો હોવાથી વીજળી સબ સ્ટેશનમાં છુપાઈ ગયા હતા.
તે સમયે રાષ્ટ્રપતિ નિકોલસ સરકોઝી રાષ્ટ્રપતિ હતા, તેમણે આ કિશોરોને આરોપી જાહેર કર્યા હતા અને આરોપીઓના સફાયાનું વચન આપ્યું હતું.
સરકોઝીએ તેઓને ખરાબ લોકો ગણાવ્યા જેના પછી તોફાનો ફાટી નીકળ્યા હતા અને સપ્તાહો સુધી એ તોફાનો ચાલુ રહ્યાં હતાં. જેમાં કાર અને સરકારી ઇમારતોને આગને હવાલે કરી દેવામાં આવી હતી. લોકો તરફથી કહેવામાં આવ્યું કે સત્તાધીશોએ સન્માન ન આપ્યું.
મૅંક્રૉંએ પોતાના કાર્યકાળમાં આ વેસ્ટ પ્રદર્શનથી લઈને પેન્શન સુધારાની વિરુદ્ધ પહેલાં જ રસ્તા ઉપર લોકોનો ગુસ્સો જોઈ ચૂક્યા છે.
આ સમયે સરકારની પહેલી ચિંતા છે કે 2005માં જેવી પરિસ્થિતિ વણસી હતી, એને ફરીથી ન થવા દે.
બીજી બાજુ સમાચાર એજન્સી રૉયટર્સે તપાસમાં જાણ્યું કે ફ્રાન્સમાં પોલીસના ગોળીબારમાં વર્ષ 2017થી લઈ અત્યાર સુધી જીવ ગુમાવનારામાં મોટાભાગે અશ્વેત અને આરબ મૂળના લોકો હતા. ગત વર્ષે ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા 13 લોકોનો જીવ ગયો હતો.
રૉયટર્સે મૃતકના પાડોશીના હવાલાથી જણાવ્યું કે નાહેલ પણ ફ્રાન્સિસ-અલ્જિરિયાઈ મૂળના પરિવારથી આવતા હતા.














