શું પંજાબ સામે દિલ્હીની જીતથી ધોની અને સીએસકે હેરાન થશે?

ઇમેજ સ્રોત, ANI
દિલ્હી કૅપિટલ્સના રાઇલી રૂસોએ બુધવારે રાત્રે તેમની આઈપીએલ કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી હતી.
તેમણે માત્ર 37 બૉલમાં અણનમ 82 રન બનાવ્યા હતા. તેમના બેટમાંથી છ છગ્ગા અને છ ચોગ્ગા નીકળ્યા હતા. તેમની આ ઇનિંગ્સના આધારે દિલ્હીની ટીમ 213 રન સુધી પહોંચવામાં સફળ રહી હતી.
પ્લેઑફની રેસમાં ટકી રહેવા માટે ધર્મશાળા મેદાનમાં મોટી આશાઓ સાથે ઉતરેલી પંજાબ કિંગ્સની ટીમ દિલ્હીના આ સ્કોર સામે હારી ગઈ હતી.
દિલ્હીના હાથે 15 રનની હારથી પંજાબનું પ્લેઑફમાં પહોંચવાનું સપનું લગભગ તૂટી ગયું હતું. એટલે કે ટ્રૉફીની રેસમાંથી બહાર થઈ ગયેલી દિલ્હીની ટીમે પંજાબની પાર્ટીને પણ બગાડી હતી.
આ હાર બાદ પંજાબ કિંગ્સના કપ્તાન શિખર ધવન ખૂબ નિરાશ જોવા મળ્યા હતા. તેમને પંજાબના બૉલરો અને બૅટ્સમૅનોની સાથે તેમની કપ્તાનીમાં પણ ખામીઓ જોવા મળી હતી.
પંજાબની આ હારથી ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે) અને તેમના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીની પણ ચિંતા વધી ગઈ હશે.
ધોનીની ટીમને છેલ્લી લીગ મૅચ દિલ્હી કૅપિટલ્સ સામે જ રમવાની છે. આ મૅચથી નક્કી થશે કે સીએસકેની પ્લેઑફમાં પહોંચવાની કેટલી સંભાવના છે.

પ્લેઑફની રેસમાં ક્યાં છે ધોનીની ટીમ સીએસકે

ઇમેજ સ્રોત, Getty Images
- ધોનીની સીએસકેની ટીમે અત્યાર સુધી 13 મૅચ રમી છે અને તેમના ખાતામાં 15 પૉઇન્ટ છે.
- આ ટીમ અત્યારે પૉઇન્ટ ટેબલમાં ટૉપ પર ગુજરાત ટાઇટન્સ પછી બીજા નંબરે છે.
- જો છેલ્લી લીગ મૅચમાં સીએસકે દિલ્હીના હાથે હારશે, તો કમસે કમ ત્રણ ટીમો ધોનીની ટીમને પાછળ છોડી શકે છે.

પ્લેઑફની રેસ
ગુજરાત ટાઇટન્સે પ્લેઑફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. બાકીના ત્રણ સ્થાનો માટે છ ટીમો વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમાંથી ચેન્નઈ સહિત ચાર ટીમો એવી છે, જે 16 કે તેથી વધુ પૉઇન્ટ સુધી પહોંચી શકે છે.
જો કોઈ મોટી ઉથલપાથલ નહીં થાય તો આ ટીમોમાં પ્લેઑફની ખરી રેસ માનવામાં આવી રહી છે.

લખનૌ પાસે કેટલી તક

ઇમેજ સ્રોત, Getty Images
ત્રીજા નંબરે રહેલી લખનૌ સુપર જાયન્ટ્સના ખાતામાં 15 પૉઇન્ટ છે અને આ ટીમે તેની અંતિમ મૅચ 20 મેના રોજ કોલકાતામાં કોલકાતા નાઈટ રાઇડર્સ સામે રમવાની છે. શનિવારની આ બીજી મૅચ છે.
કેકેઆર એ કેટલીક ટીમોમાંથી એક છે, જે ઘરેલું મેદાનનો ફાયદો ઉઠાવવામાં સફળ રહી નથી. બીજી બાજું મુંબઈ ઇન્ડિયન્સને હરાવ્યા બાદ લખનૌનો જુસ્સો આસમાને છે.
જો ચેન્નઈ દિલ્હી સામે હારશે અને લખનૌએ કેકેઆરને હરાવશે, તો આ ટીમ પૉઇન્ટ ટેબલમાં ધોનીની ટીમને પાછળ છોડી દેશે.

મુંબઈ પાસે કેટલી તક છે

ઇમેજ સ્રોત, Getty Images
ચોથા નંબર પર મુંબઈ ઇન્ડિયન્સ છે. રોહિત શર્માની મુંબઈ ટીમના ખાતામાં 14 પૉઇન્ટ છે. મુંબઈની છેલ્લી મૅચ પૉઇન્ટ ટેબલમાં અંતિમ સ્થાને હાજર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 21 મેના રોજ છે.
મુંબઈએ ઘરેલું મેદાનમાં જે પ્રકારનું પ્રદર્શન કર્યું છે, તે જોતા હૈદરાબાદ સામે તેમનું પલ્લું ભારે ગણવામાં આવે છે.
જો અંતિમ મૅચમાં જીત મળે તો મુંબઈના ખાતામાં 16 પૉઈન્ટ થઈ જશે.

બૅંગલુરુ પાસે કેટલી તક

ઇમેજ સ્રોત, Getty Images
પ્લેઑફની રેસમાં ચોથી ટીમ રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ છે. બૅંગલુરુની ટીમે તેની છેલ્લી મૅચમાં રાજસ્થાન રૉયલ્સને 112 રનના મોટા માર્જિનથી હરાવી હતી.
બૅંગલુરુને આજે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે રમવાનું છે. જો તેઓ આ મૅચમાં જીતી જશે, તો તેમના ખાતામાં 14 પૉઇન્ટ થઈ જશે.
બૅંગલુરુની અંતિમ મૅચ ગુજરાત ટાઇટન્સ સામે ઘરેલું મેદાન પર છે. જો તેઓ આ મૅચ જીતી જશે, તો તેમના ખાતામાં 16 પૉઇન્ટ થઈ જશે.
જોકે મહેન્દ્રસિંહ ધોની અને ચેન્નઈ સુપર કિંગ્સ આજની એટલે કે ગુરુવારની મૅચમાં વધુ રસ ધરાવશે.
જો બૅંગલુરુની ટીમ હૈદરાબાદને હરાવશે, તો ચેન્નઈ સામે પ્લેઑફની રેસમાંથી બહાર થવાનું જોખમ વધી જશે.
બૅંગલુરુને અંતિમ મૅચ 21મેના રોજ રમવાની છે. જ્યારે ચેન્નઈ અને દિલ્હી વચ્ચે 20મેના રોજ મૅચ રમાશે.
એટલે કે જો બૅંગલુરુ હૈદરાબાદને હરાવશે, તો ચેન્નઈએ કોઈપણ ભોગે દિલ્હી સામે જીત હાંસલ કરવી પડશે.
તેનું કારણ એ છે કે લખનૌ, મુંબઈ અને બૅંગલુરુની ટીમો તેમની છેલ્લી મૅચ ચેન્નઈ અને દિલ્હી વચ્ચેની મૅચ બાદ રમશે અને તે મૅચોના પરિણામો પર આધાર રાખવાને બદલે ચેન્નઈ સીધી પ્લેઑફમાં પહોંચવા ઈચ્છશે.

સીએસકે માટે દિલ્હી કૅપિટલ્સ કેટલું મોટું જોખમ

ઇમેજ સ્રોત, Getty Images
વર્તમાન સિઝનમાં દિલ્હી અને ચેન્નઈ એકવાર અથડાયા છે અને એ મૅચ ચેન્નઈએ 27 રને જીતી હતી.
જોકે છેલ્લી મૅચ ચેન્નઈમાં હતી, જ્યાં ધોનીની ટીમને હરાવવી સરળ નથી. આ વખતે મૅચ દિલ્હીમાં છે.
દિલ્હીને પણ જીતનો માહોલ રહેવાનો ફાયદો છે. પંજાબ સામે દિલ્હીની ફિલ્ડિંગ સારી ન હતી, પરંતુ બેટિંગ અને બૉલિંગના મોરચે આ ટીમ મજબૂત સાબિત થઈ હતી.
'પ્લેયર ઑફ ધ મૅચ' તરીકે પસંદગી પામેલા રાઇલી રૂસોએ અદ્ભુત ઇનિંગ રમી હતી. આ સાથે જ પ્લેઇંગ ઇલેવનમાં પુનરાગમન કરાયેલા પૃથ્વી શોએ પણ આત્મવિશ્વાસ સાથે અડધી સદી ફટકારી હતી.
સતત રન બનાવી રહેલા કપ્તાન ડેવિડ વૉર્નરે પણ પંજાબ સામે ધર્મશાળામાં સારા સ્ટ્રાઇક રેટ સાથે બેટિંગ કરી હતી.
બૉલિંગમાં ખલીલ અહમદ અને ઈશાંત શર્માની બૉલિંગ જોડી સારી લયમાં જોવા મળી રહી છે. ખલીલ કિફાયતી છે અને ઈશાંત શરૂઆતમાં ટીમને સફળતા અપાવી રહ્યા હતા.
અક્ષર પટેલ અને કુલદીપ યાદવની સ્પિન જોડી પણ વિરોધીઓને હેરાન કરવાની શક્તિ ધરાવે છે. પંજાબ સામે એનરિક નોકિયાએ પણ બૉલિંગના મોરચો મજબૂત કર્યો હતો.

પંજાબ કિંગ્સ સામે દિલ્હી કૅપિટલ્સ
- દિલ્હીએ પંજાબ પર 15 રને જીત હાંસલ કરી હતી
- દિલ્હી કૅપિટલ્સ-213/2 (20 ઓવર), રાઇલી રૂસો-અણનમ 82 રન, સૅમ કરન-2/36
- પંજાબ કિંગ્સ-198/8 (20 ઓવર), લિયમ લિવિંગસ્ટોન-94 રન, એનરિક નોકિયા- 2/36
- રાઇલી રૂસો મૅન ઑફ ધ મૅચ રહ્યા હતા

દિલ્હીની શાનદાર વાપસી

ઇમેજ સ્રોત, Getty Images
પ્લેઑફની રેસમાંથી બહાર થનારી દિલ્હી પ્રથમ ટીમ છે, પરંતુ આ ટીમ સાથે જોડાયેલો એક પૉઇન્ટ ચેન્નઈ અને તેમના કપ્તાન ધોનીને હેરાન કરી રહ્યો છે.
દિલ્હીએ છેલ્લી આંઠમાંથી પાંચ મૅચ જીતી છે. ટૂર્નામેન્ટમાં સૌથી ખરાબ શરૂઆત કરનારી દિલ્હીની ટીમ હવે તેની પ્રતિષ્ઠા માટે રમતી જોવા મળી રહી છે.
દિલ્હીએ જે પાંચ ટીમને માત આપી છે, તેમાં ટેબલ ટૉપર્સ ગુજરાત ટાઇટન્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, સનરાઇઝર્સ હૈદરાબાદ, કોલકાતા નાઇટ રાઇડર્સ અને પંજાબ કિંગ્સ સામેલ છે.

ચેન્નઈનો છેલ્લી આઠ મૅચનો રેકૉર્ડ

ઇમેજ સ્રોત, Getty Images
ચેન્નઈની છેલ્લી આઠ મૅચની વાત કરીએ તો આ ટીમે તેમાંથી ચાર મૅચ જીતી છે અને એક મૅચ અનિર્ણિત રહી છે.
ઘરેલું મેદાન પર રમાયેલી છેલ્લી મૅચમાં ચેન્નઈને કોલકાતાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો, એટલે કે ધોનીની ટીમ પાસે અત્યારે જીતનો દોર નથી.
કોલકાતા સામેની મૅચમાં ચેન્નઈના બૅટ્સમૅનો અને બૉલરો ટીમની અપેક્ષાઓ પર ખરા ઊતર્યા ન હતા.
ચેન્નઈએ પ્રથમ બેટિંગ કરતા 144 રન બનાવ્યા હતા અને કોલકાતાએ આ લક્ષ્ય 9 બૉલ બાકી રહેતા હાંસલ કરી લીધું હતું.
ચેન્નઈના કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ મૅચ બાદ કહ્યું હતું કે આ પીચ 180 રનના સ્કોરની હતી. ધોનીએ માન્યું હતું કે તેમણે પણ પીચ ઓળખવામાં ભૂલ કરી હતી.
દિલ્હીના કપ્તાન ડેવિડ વૉર્નરને કપ્તાનીના મોરચા પર ધોની જેટલા કરિશમાઈ માનવામાં આવતા નથી, પરંતુ તેઓ ઘરેલું પીચનો મિજાજ ખૂબ સારી રીતે સમજે છે.
દિલ્હી પ્લેઑફની રેસમાંથી બહાર થઈ ગયું છે, તેથી કોઈપણ ભોગે ચેન્નઈ પર જીતવાનું દબાણ રહેશે અને ધોનીને અન્ય ખામીઓને સુધારવાની સાથે આ દબાણમાંથી બહાર નીકળવાનો તોડ પણ શોધવો પડશે.














