ગુજરાત : સમરસ ગ્રામપંચાયતો કેમ ચૂંટાય છે, સરકાર તરફથી કેટલી સહાય મળે છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, લક્ષ્મી પટેલ
- પદ, બીબીસી સંવાદદાતા
બનાસકાંઠા જિલ્લાના સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં ચિઠ્ઠી ઉપાડીને ગ્રામપંચાયતના સરપંચ જાહેર કરવામાં આવ્યા એનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં નાની બાળકીએ એક ચિઠ્ઠી ઉપાડી અને આ ચિઠ્ઠીમાં જેમનું નામ લખેલું આવ્યું તેમને સરપંચ જાહેર કરવામાં આવ્યા.
આ માત્ર સોનેથ ગામની જ વાત નથી પરંતુ ગુજરાત રાજ્યમાં એવાં કેટલાંય ગામો છે જ્યાં સરપંચની ચૂંટણી થતી નથી પરંતુ ચિઠ્ઠી ઉપાડીને કે અન્ય કોઈ રીતે સમજાવીને બિનહરીફ સરપંચ અને સભ્યો જાહેર કરવામાં આવે છે. જેને 'સમરસ ગ્રામપંચાયત' તરીકે ઓળખવામાં આવે છે.
વર્ષ 1992થી શરૂ કરવામાં આવેલી સમરસ ગ્રામપંચાયત યોજના પદ્ધતિસર રીતે વર્ષ 2001માં શરૂ કરવામાં આવી હતી.
જે ગ્રામપંચાયતમાં સરપંચની ચૂંટણી ન થાય અને સમરસ ગ્રામપંચાયત થાય તેવી ગ્રામપંચાયતોને રાજ્ય સરકાર તરફથી પ્રોત્સાહન ઇનામ આપવામાં આવે છે. જોકે આ ઇનામને કેટલાક અભ્યાસુઓ પ્રલોભન ગણાવે છે.
કેટલાક કર્મશીલો આ યોજના લોકશાહીને નુકસાન કરતી હોવાનો તેમજ પ્રતિનિધિઓને ચૂંટવાના હકનું હનન કરતી હોવાનો આક્ષેપ કરે છે.
ગુજરાતમાં 22 જૂને 8,326 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાવા જઈ રહી છે.
ગ્રામપંચાયતની ચૂંટણી માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ નવ જૂન છે. 10 જૂન સુધી ઉમેદવારીપત્રકની ચકાસણી થશે અને નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન છે.
જ્યારે મતગણતરી 25 જૂનના દિવસે થશે. ચૂંટણીપંચે જણાવ્યા અનુસાર કુલ 5115 સરપંચપદની ચૂંટણી યોજાશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવનારી ચૂંટણીને જોતાં કેટલાક ધારાસભ્યો અને સંસદસભ્યોએ તેમના વિસ્તારમાં જે ગ્રામપંચાયત સમરસ ગ્રામપંચાયત થાય તો તેને તેમની ગ્રાન્ટમાંથી સહાય ચૂકવવાની પણ જાહેરાતો કરવાની શરૂ કરી છે.
સમરસ ગ્રામપંચાયત એટલે શું?
ગુજરાતના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ આ યોજનાને સમરસ ગ્રામ યોજના નામ આપવામાં આવ્યું હતું.
સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની વેબસાઇટ અનુસાર સમરસ ગ્રામપંચાયત એટલે ગ્રામપંચાયતની સામાન્ય ચૂંટણીમાં સરપંચ સહિત ગ્રામપંચાતના તમામ સભ્યો બિનહરીફ થાય તેને સમરસ ગ્રામપંચાયત તરીકે ઓળખવામાં આવે છે. તેમજ જે ગ્રામપંચાયતોમાં સરપંચ સહિત તમામ વૉર્ડમાં મહિલા સદસ્ય બિનહરીફ જાહેર થાય તે ગ્રામપંચાયતને મહિલા સમરસ ગ્રામપંચાયત તરીકે ઓળખવામાં આવે છે.
ગુજરાત સરકારની વેબસાઇટ અનુસાર વર્ષ 2021-22માં 10,119 ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાઈ હતી. જેમાં 1,189 ગ્રામપંચાયત સમરસ ગ્રામપંચાયત જાહેર થઈ હતી. તેમજ 116 ગ્રામપંચાયત મહિલા સમરસ ગ્રામપંચાયત જાહેર થઈ હતી.
ગુજરાત સરકાર અનુસાર સમરસ ગ્રામપંચાયત યોજનાનો ઉદ્દેશ્ય શું છે?

ગુજરાત સરકારની વેબસાઇટ પ્રમાણે, ગામડાંમાં વેરઝેર, કાવાદાવા, વૈમનસ્ય ઊભાં ન થાય તેની ભાવના સાથે આ યોજના લાગુ કરવામાં આવી હતી.
જેમાં ગ્રામવાસીઓ એકઠા મળી સર્વસંમતિથી ગ્રામપંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે. આમ વાદવિવાદને બદલે સંવાદ દ્વારા સામૂહિક સર્વસંમતિથી નિર્ણય કરવામાં આવે છે.
સમરસ ગ્રામપંચાયતમાં યોજના ક્યારથી અમલમાં આવી અને કેટલી સહાય ચૂકવવામાં આવે છે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાત સરકારની વેબસાઇટ અનુસાર 14 જુલાઈ 1992 સૌપ્રથમવાર સમરસ ગ્રામપંચાયત યોજના શરૂ કરવામાં આવી હતી. જેમાં સમરસ ગ્રામપંચાયતને એક હજાર રૂપિયા પ્રોત્સાહક ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું.
સમરસ યોજના વર્ષ 2001માં પદ્ધતિસર લાગુ કરવામાં આવી.
આ સમયે 5000 સુધીની વસ્તી ધરાવતા ગામને 60 હજાર અને 5000 કરતાં વધારે વસ્તી ધરાવતા ગામને એક લાખ રૂપિયાનું પ્રોત્સાહક ઇનામ આપવામાં આવતું હતું. પ્રોત્સાહક ઇનામની રકમમાં સમયાંતરે વધારો થતો રહ્યો છે.
વર્ષ 2021માં રાજ્ય સરકારે કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામપંચાયત બીજી વખત સમરસ ગ્રામપંચાયત બને તો તેના ફંડમાં વધારો થાય છે.
સતત પાંચ વખત સુધી સમરસ પંચાયત બને ત્યાં સુધી દર ટર્મમાં ઇનામમાં વધારો થાય છે.
ગુજરાત સરકારે વર્ષ 2021માં જાહેર કરેલા પરિપત્ર અનુસાર જે ગ્રામપંચાયતની વસ્તી 5000 સુધી હોય અને પહેલી વખત સમરસ ગ્રામપંચાયત બને તો તે ગ્રામપંચાયતને સરકાર તરફથી ત્રણ લાખ રૂપિયા સહાય ચૂકવવામાં આવે છે. બીજી વાર સમરસ જાહેર થનાર ગ્રામપંચાયતને 3.75 લાખ, ત્રીજી વાર 4.75 લાખ, ચોથી વાર 5.25 લાખ અને પાંચમી વાર સમરસ ગ્રામપંચાયત જાહેર થાય તો 5.50 લાખ રૂપિયા પ્રોત્સાહક સહાય ચૂકવવામાં આવે છે.
જો આ ગ્રામપંચાયતમાં મહિલા સમરસ ગ્રામપંચાયત બને છે તો તે ગ્રામપંચાયતને પ્રથમવાર 4.50 લાખ રૂપિયા, બીજી વખત 5.50 લાખ રૂપિયા, ત્રીજી વખત 7 લાખ, ચોથી વખત 7.50 લાખ અને પાંચમી વખત સમરસ જાહેર થાય તો 8 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે.
જે ગ્રામપંચાયતની વસ્તી 5001 થી 25 હજાર સુધી હોય તે ગ્રામપંચાયત પ્રથમ વાર સમરસ બને તો તે ગ્રામપંચાયતને 4.50 લાખ પ્રોત્સાહક ઇનામ બીજી વખત 5.75 લાખ રૂપિયા, ત્રીજી વખત સાત લાખ, ચોથી વખત 7.50 લાખ, પાંચમી વખત આઠ લાખ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે.
જે ગામની વસ્તી 5001 થી 25 હજાર હોય અને તે ગ્રામપંચાયત મહિલા સમરસ ગ્રામપંચાયત બને તો પ્રથમ વખત 7 લાખ રૂપિયા, બીજી વખત 9.50 લાખ રૂપિયા, ત્રીજી વખત 11.75 લાખ રૂપિયા, ચોથી વખત 12 લાખ રૂપિયા અને પાંચમી વખત સમરસ જાહેર થાય તો 13 લાખ રૂપિયા પ્રોત્સાહક ઇનામ આપવામાં આવે છે.
સમરસ જાહેર થનાર ગ્રામપંચાયતોને પ્રથમ વખત મળતા પ્રોત્સાહક ઇનામ ઉપરાંત વિકાસનાં કામો માટે સહાય પણ ચૂકવવામાં આવે છે. જેમાં બીજી વખત જાહેર થનારને બે લાખ અને ત્રીજી, ચોથી તથા પાંચમી વખત જાહેર થનાર ગ્રામપંચાયતને પ્રોત્સાહક ઇનામ સિવાય ત્રણ લાખ રૂપિયા ચૂકવવામાં આવે છે.
આ યોજના સામે શું સવાલો છે?

ઇમેજ સ્રોત, Getty Images
આનંદી સંસ્થા ગ્રામીણ વિસ્તારમાં કામ કરે છે. આનંદી સંસ્થામાં કામ કરતાં કર્મશીલ નીતા હાર્ડિકરે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગ્રામપંચાયતમાં ચૂંટણી ન કરીને, બિનહરીફ ઉમેદવારો જાહેર કરીને સમરસ ગ્રામપંચાયત જાહેર કરવામાં આવે છે. આ યોજના લોકશાહીનો શ્વાસ રૂંધતી યોજના છે. ગામના કેટલાક માથાભારે કે રાજકીય રીતે સક્ષમ લોકો પોતાના મનગમતા લોકોને ઉમેદવાર જાહેર કરે છે. આ જાહેર કરેલા ઉમેદવારનો વિરોધ કરતાં કે તેમની સામે બોલતા લોકો ડરે છે."
"જો કોઈ હિમંત કરીને ફૉર્મ ભરી પણ દે તો ધમકાવીને ફૉર્મ પાછાં ખેંચાવી લેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા લોકોના ચૂંટણી લડવાના અને પોતાના મનગમતા ઉમેદવારને મત આપવાના હક પર તરાપ મારે છે."
તેઓ આગળ કહે છે કે, "આપણે લોકશાહી સ્વીકારેલી છે. લોકશાહીમાં લોકોને પોતાના મનગમતા ઉમેદવારને મત આપવાનો અને ન ગમતા ઉમેદવારને મત ન આપવાનો પણ અધિકાર છે."
પર્સીસ જીનવાલાએ વર્ષ 2005-06માં મહિલા સ્વરાજ અભિયાન અંર્તગત સમરસ ગ્રામપંચાયતો અંગે રિસર્ચ કર્યુંં છે.
પર્સીસ જીનવાલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "સમરસ ગ્રામપંચાયત એ ગેરબંધારણીય યોજના છે. સરકાર તરફથી સમરસ ગ્રામપંચાયતોને પ્રોત્સાહક ઇનામના નામે પ્રલોભન આપવામાં આવે છે. સરકાર વિધાનસભા અને લોકસભામાં કેમ આવી યોજના નથી લાવતા, માત્ર ગ્રામપંચાયતોમાં જ કેમ આ પ્રકારની યોજના લાગુ કરવામાં આવી છે?"
પર્સીસ જીનવાલા વધુમાં જણાવે છે કે, "મેં વર્ષ 2005-06માં સમરસ ગ્રામપંચાયતો અંગે રિસર્ચ કર્યું હતું. અમારા રિસર્ચમાં ધ્યાનમાં આવ્યું હતું કે જે ગ્રામપંચાયતમાં મહિલા, એસસી કે એસટી અનામત બેઠક જાહેર થાય આવી ગ્રામપંચાયતોને સમરસ કરવા માટે વધારે પ્રયત્નો કરવામાં આવે છે."
"તલાટી, મામલતદાર અને કલેકટર સુધીના અધિકારીઓ ગ્રામપંચાયતોને સમરસ કરવા માટે કામ કરતાં હોય છે. ગામમાં સક્ષમ લોકો દ્વારા ઉમેદવાર નક્કી કરવામાં આવે છે. જો તેમની વાત માન્ય ન રાખીને ગામની કોઈ વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવારી માટે ફૉર્મ ભરવા જાય તો તેમને ધાકધમકી પણ આપવામાં આવતી હોય છે. સરકારી મશીનરી આખી સમરસ ગ્રામપંચાયત કરવા માટે કામ કરતી હોય ત્યાં લોકો લડતા ડરી જાય છે."
સમરસ ગ્રામપંચાયત યોજના અને તેની સામે ઊભા થયેલા સવાલો અંગે ભાજપના પ્રવક્તાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
ભારતીય જનતા પાર્ટીના પ્રવકતા યજ્ઞેશ દવેએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગામમાં વસ્તી ઓછી હોય છે. તેમને કાયમી સાથે રહેવાનું હોય છે. કાયમી તેમને એકબીજાને મળવાનું હોય છે. ત્યારે ચૂંટણીના કારણે તેમનામાં વયમનસ્ય ઊભું ન થાય અને ગામમાં લોકો સંપીને રહે તે આ યોજનાનો ઉદ્દેશ્ય છે."
"ગામમાં ચૂંટણીમાં ઉમેદવાર બે હોય છે પરંતુ તેમના સમર્થકો વધારે હોય છે. ચૂંટણી સમયે જે વિરોધ કરવામાં આવે છે તે માત્ર ચૂંટણી પૂરતો રહેતો નથી પરંતુ કાયમી રહે છે."
"જેમાં ક્યારેક ઝઘડાઓ તો ક્યારેક મર્ડર પણ થઈ જાય છે. આ વયમનસ્યને ટાળવા માટેની આ યોજના છે."
યજ્ઞેશ દવેએ વધુમાં જણાવ્યું હતું કે, "લોકોને સમજાવીને ક્યારેક ફૉર્મ પાછા ખેંચાવી લેવામાં આવે છે. તેમને ધાકધમકી નહીં પરંતુ સમજાવવામાં આવે છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓમાં ગામના લોકોમાં વૈમનસ્ય જોવા મળતું નથી. પરંતુ ગ્રામપંચાયતની ચૂંટણીમાં જોવા મળે છે."
સોનેથ ગામ કયા મુદ્દા પર સમરસ ગ્રામપંચાયત બની?

ઇમેજ સ્રોત, CHAMANBHAI SOLANKI
સુઈગામ તાલુકાના સોનેથ ગામમાં છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટણી યોજાઈ હતી. ત્રણ ટર્મ પહેલાં સોનેથ ગ્રામપંચાયત બિનહરીફ (સમરસ) થતી હતી.
સોનેથ ગ્રામપંચાયતના સરપંચ, ઉપસરપંચ અને સાત વૉર્ડના સભ્યો બિનહરીફ ચૂંટાતા આ ગ્રામપંચાયત સમરસ ગ્રામપંચાયત બની છે.
સોનેથ ગ્રામપંચાયતના એક વૉર્ડમાં બિનહરીફ ચૂંટાયેલા ચમનભાઈ સોલંકીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું કે, "ગ્રામપંચાયતની ચૂંટણી જાહેર થયા બાદ મંગળવારે અમારા ગામના દરેક સમાજના લોકો ગામમાં ભેગા થયા હતા. ગામના વડીલોએ ગામમાં ચૂંટણી ન થાય અને બિનહરીફ ઉમેદવારો ચૂંટાય તે માટેનો એક વિચાર વ્યક્ત કર્યો હતો."
ચમનભાઈ સોલંકીએ સમરસ ગ્રામપંચાયતના વિચારને સમર્થનમાં કહ્યું કે, "ગામ સમરસ થાય અને તેની સરકાર તરફથી જે ગ્રાન્ટ મળે તે ગ્રાન્ટ અને જે વ્યક્તિ બિનહરીફ સરપંચ ચૂંટાય તે પોતાના પાંચ લાખ રૂપિયા ગામને સહાય આપવાનું નક્કી થયું છે."
"આ બધા જ ભંડોળનો ઉપયોગ ગામમાં લાયબ્રેરી બનાવવા માટે કરવો જોઈએ. ગામના લોકોએ લાયબ્રેરી બનાવવાના વિચારને વધાવી લીધો. ગામના દરેક સમાજના લોકો તૈયાર થયા. ગામમાં ગઈ ટર્મમાં ચૂંટણી હારેલા ઉમેદવારોના નામ પર સર્વસંમતિ બાદ ચિઠ્ઠી ઉછાળવામાં આવી. ચિઠ્ઠીમાં જેનું નામ આવ્યું તેમને સરપંચ અને ઉપસરપંચ જાહેર કરવામાં આવ્યા છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












