ગુજરાતમાં 8326 ગ્રામપંચાયતો પર ચૂંટણીની જાહેરાત, ક્યારે થશે મતદાન?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત રાજ્ય ચૂંટણીપંચે રાજ્યની ગ્રામપંચાયતોની ચૂંટણીની જાહેરાત કરી દીધી છે. રાજ્ય ચૂંટણી કમિશનર એસ. મુરલી ક્રિષ્નાએ પ્રેસ કૉન્ફરન્સમાં આ જાહેરાત કરી હતી.
તેમના જણાવ્યા પ્રમાણે 22 જૂનના રોજ ગ્રામપંચાયતોની ચૂંટણીનું મતદાન થશે.
25 જૂનના રોજ આ ગ્રામપંચાયતોની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. આ ચૂંટણી માટે ઉમેદવારો નવમી જૂન સુધી ઉમેદવારીપત્રક ભરી શકશે.
ચૂંટણી કમિશનરે જણાવ્યું હતું કે, "ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મતદાન બૅલેટ પેપરથી થતું આવ્યું છે, અને આ વખતે પણ એ જ રીતે થશે."
ગ્રામપંચાયતોની આ ચૂંટણીમાં કુલ 1 કરોડ 30 લાખથી વધુ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.
અહીં ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવામાં તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં લગભગ બે વર્ષ જેટલું મોડું થયું છે.
કેટલી બેઠકો પર મતદાન થશે?

ઇમેજ સ્રોત, SEC GUJARAT
રાજ્ય ચૂંટણીપંચે આપેલી માહિતી અનુસાર, ગુજરાતમાં કુલ 8326 ગ્રામપંચાયતો પર ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે.
ચૂંટણીપંચ અનુસાર, અત્યાર સુધીમાં 30 જૂન, 2025 સુધીમાં જેમની મુદ્દત પૂરી થઈ રહી હોય એ તમામ પંચાયતોને આમાં આવરી લેવાઈ છે. માત્ર જે ગ્રામપંચાયતોમાં કોર્ટમાં ચૂંટણીનો મામલો શરૂ હોય તેમાં જ ચૂંટણી નહીં થાય.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ગ્રામપંચાયતોની ચૂંટણીમાં સામાન્ય, મધ્યસત્ર અને પેટાચૂંટણી પણ સમાવિષ્ટ છે.
ચૂંટણીપંચે જણાવ્યા અનુસાર કુલ 5115 સરપંચપદની ચૂંટણી યોજાશે.
4688 ગ્રામપંચાયતોમાં સામાન્ય અને મધ્યસત્ર ચૂંટણી છે જ્યારે 3638 ગ્રામપંચાયતોમાં પેટાચૂંટણી યોજાનાર છે.
વિલંબ પછી યોજાઈ રહી છે ચૂંટણી

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
ગુજરાતમાં ગ્રામપંચાયતની ચૂંટણીઓ યોજવામાં તેના નિર્ધારિત કાર્યક્રમ કરતાં બે વર્ષ જેટલું મોડું થયું છે અને આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હતું.
ગુજરાત સરકારે સ્થાનિક સ્વરાજ્યનાં એકમોમાં ઓબીસીને અનામત મળે તે હેતુસર નિવૃત્ત ન્યાયાધીશ કે. એસ. ઝવેરીની અધ્યક્ષતામાં પંચની રચના કરી હતી. જેની ભલામણોના અમલીકરણમાં ટેકનિકલ કારણો ઊભા થવાને કારણે ચૂંટણીઓ યોજાવામાં ઢીલ થઈ રહી હોવાનું ચૂંટણીપંચ કારણ આપી રહ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી (અધર બૅકવર્ડ કાસ્ટ)ને દસ ટકા અનામત અપાતી.
જેને રાજ્ય સરકારે બે વર્ષ પહેલાં નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં ઓબીસી વર્ગ માટે સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં ઓબીસી વર્ગ માટે અનામતની ટકાવારી અંગે ભલામણ કરવા પંચની રચના કર્યા બાદ ઓબીસીને આ એકમોમાં દસથી 27 ટકા અનામત આપવાની ભલામણ કરાઈ હતી. જેને રાજ્યપાલે પણ બહાલી આપી દીધી હતી.
તો બીજી તરફ વિપક્ષનો આરોપ હતો કે, ભાજપ તલાટીઓની મદદથી ગ્રામપંચાયતોમાં સત્તા પોતાના હાથમાં રાખી રહ્યો હતો અને ચૂંટણીઓ યોજાવામાં મોડું કરી રહ્યો હતો.
ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પક્ષનું બૅનર હોતું નથી, તેમ છતાં રાજકીય પક્ષોના બળાબળનાં પારખાં થાય છે અને દરેક પક્ષ પોતાના દ્વારા સમર્થિત સરપંચોની જીતનો પ્રયાસ કરતો હોય છે.
ગ્રામપંચાયતોનું માળખું કેવું હોય છે?

ઇમેજ સ્રોત, Getty/ANI
ભારતના બંધારણમાં સત્તાના વિકેન્દ્રીકરણની વાત છે. ગામમાં રહેતો માણસ પોતાની સમસ્યાઓનો ઉકેલ પોતાના સ્તરે જલદી લાવી શકે અને પોતે સરકારનો ભાગ બને તેવા ઉદ્દેશ સાથે સ્થાનિકસ્વરાજની સંસ્થાઓની રચના કરવામાં આવી હતી.
સ્થાનિકસ્વરાજની સંસ્થાઓમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાનો સમાવેશ થાય છે.
ભારતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ગ્રામપંચાયતો સૌથી પાયાનું સ્થાન ધરાવે છે.
ગ્રામપંચાયતોમાં સરપંચ, ઉપસરપંચ અને વિવિધ સમિતિઓના પ્રમુખો સત્તાસ્થાને હોય છે. ગામની વસ્તીને આધારે પંચાયતોમાં આઠથી લઈને 32 સુધીના સભ્યો હોય છે.
ગ્રામપંચાયતોમાં કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, પાણી સમિતિ તથા જરૂરિયાત પ્રમાણે અન્ય સમિતિઓ હોય છે.
હાલમાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં મહિલાઓ માટે 50 ટકા બેઠકો અનામત છે.
સરપંચપદની ચૂંટણી માટે ઉમેદવારોના ખર્ચ માટેની મર્યાદા પણ ચૂંટણીપંચે નક્કી કરેલી હોય છે. જેમાં 12 વૉર્ડની ગ્રામપંચાયતો માટે 15 હજાર, 22 વૉર્ડ સુધીની ગ્રામપંચાયતો માટે 30 હજાર અને 23 વૉર્ડથી વધુની ગ્રામપંચાયતો માટે 45 હજારની ખર્ચમર્યાદા છે. વૉર્ડના સભ્યો કોઈ ખર્ચ કરી શકતા નથી.
ગ્રામપંચાયતના સરપંચના મુખ્ય કાર્યો શું હોય છે?

ઇમેજ સ્રોત, Getty Images
ચૂંટાયેલ સરપંચ પંચાયતની બેઠકોમાં પ્રમુખ સ્થાન લે છે અને બેઠકનું સંચાલન કરે છે.
પંચાયતના તમામ કાર્યો પર દેખરેખ અને નિયંત્રણનું કામ સરપંચનું હોય છે.
પંચાયતના બિલ મંજૂર કરવા, ચેકો લખી આપવા અને રિફંડ આપવા સહિત પંચાયતના ફંડના વહીવટનું કામ સરપંચનું છે.
પંચાયતના નાણાની સુરક્ષા માટે જવાબદાર મુખ્ય વ્યક્તિ સરપંચ છે. જરૂરી કામગીરી અને પત્રકોના રેકર્ડ પણ એ જ રાખે છે. પંચાયત મંત્રી એટલે કે તલાટી સાથે મળીને, સભ્યોની હાજરીમાં ગ્રામવિકાસને લગતા નિર્ણયો લે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












