ક્ષત્રિય આંદોલન ફેમ પદ્મિનીબા વાળા સહિત પાંચ સામે હની ટ્રૅપમાં ફસાવવાની ફરિયાદ કેમ થઈ?

ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન વખતે સતત ચર્ચામાં રહેલાં પદ્મિનીબા વાળા ફરી એક વખત વિવાદમાં આવ્યાં છે.
રાજકોટ જિલ્લાના ગોંડલમાં પદ્મિનીબા વાળા, તેમના પુત્ર અને બીજી ત્રણ વ્યક્તિ સહિત કુલ પાંચ લોકો સામે એક 60 વર્ષીય વ્યક્તિને હની ટ્રૅપમાં ફસાવવાની અને રૂપિયા મેળવવા માટે ધમકાવવાની પોલીસ ફરિયાદ થઈ છે.
ગોંડલની 60 વર્ષીય રમેશભાઈ ત્રિકમભાઈ અમરેલીયા નામની વ્યક્તિએ આ પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે આરોપ મૂક્યો છે કે "એક અજાણી યુવતીએ તેમનો ફોન નંબર લઈને વાતચીત શરૂ કરી હતી, વીડિયો-કૉલ કરીને વાંધાજનક સ્થિતિમાં તેમની સાથે વાત કરી હતી અને પછી રૂપિયા મેળવવાની યોજના સાથે આ યુવતીએ તેમને ધમકાવ્યાં હતાં, જેમાં પદ્મિનીબા અને તેમના સાથીદારો પણ સામેલ હતાં."
આ મામલે પદ્મિનીબા વાળાએ આરોપો નકારી કાઢ્યા છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.
પદ્મિનીબા વાળા પર ફરિયાદીએ કેવા આરોપ મૂક્યા છે?

ફરિયાદી રમેશ અમરેલીયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, "લગભગ 15 દિવસ પહેલાં તેજલ છૈયા નામની એક અજાણી યુવતી ગોંડલના જેતપુર રોડ પર તેમના ઘર પાસે આવી હતી અને એક મંદિરનું સરનામું પૂછ્યા બાદ તેમનો મોબાઈલ નંબર લીધો હતો."
"ત્યાર પછી યુવતીએ ફોન કરીને કહ્યું હતું કે મારો પતિ મારી ગયો છે અને મારા ઘરમાં કોઈ નથી. તમે મારું 7-8 લાખનું દેવું ભરી દો, તેના બદલામાં તમે કહો એમ કરવાં તૈયાર છું અને સંબંધ બાંધવાં પણ તૈયાર છું."
ફરિયાદમાં જણાવાયા પ્રમાણે યુવતીએ વીડિયો-કૉલ કર્યોં અને પોતાનું ટીશર્ટ કાઢી નાખ્યું હતું અને બાદમાં ફોન કટ કરી નાખ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, "બીજા દિવસે ફરિયાદીને ફોન આવ્યો હતો કે તેજલ વિશે વાત કરવી છે તેથી તમે રાજકોટ ઑફિસ આવો. બાદમાં બે યુવાનો તેમના ઘરે આવ્યા અને કહ્યું કે પદ્મિનીબા આવ્યાં છે. તમારી સાથે તેજલ અંગે વાત કરવી છે તેથી બેઠક ગોઠવો."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ફરિયાદીએ ફરિયાદમાં જે દાવો કર્યો છે તે અનુસાર "પદ્મિનીબા વાળા, તેજલ નામની યુવતી, પદ્મિનીબાનો પુત્ર અને અન્ય બે એમ 5 લોકો તેમના ઘરમાં જબરજસ્તી કરીને ધૂસી ગયાં હતાં. તેમને જાહેરમાં નગ્ન કરીને માર મારવાની ધમકી આપી હતી અને ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીને કહીને બુલડોઝરથી તેમનું ઘર પાડી દેવાની ધમકી પણ આપી હતી."
ફરિયાદીએ એફઆઈઆરમાં તેજલ છૈયા,પદ્મિનીબા વાળા,પદ્મિનીબા વાળાના પુત્ર,શ્યામ અને હિરેન એમ પાંચ આરોપીનાં નામ આપ્યા છે.
પદ્મિનીબાએ બચાવમાં શું કહ્યું?
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઘટના વિશે બીબીસી ગુજરાતીએ પદ્મિનીબા વાળાનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમનો ફોન સતત સ્વિચ ઑફ આવતો હતો.
જોકે, તેમણે ગોંડલમાં રાજકોટ રૂરલ પોલીસ સ્ટેશન બહાર ઊભા રહીને એક વીડિયો બનાવ્યો છે જેમાં તેમણે દાવો કર્યો છે કે આ શખસનો (ફરિયાદી)નો ઇરાદો યુવતીનું શોષણ કરવાનો હતો અને તેને ખુલ્લો પાડવા માટે અમે ગોંડલ આવ્યાં હતાં.
તેમણે આ વીડિયોમાં દાવો કર્યો, "આ શખસ અને તેના પરિવારજને માફી પણ માંગી પણ અમે તેમને ન્યૂઝમાં આવીને માફી માંગવા કહ્યું હતું. આટલી જ વાત હતી. અમારા જેવા આગેવાનોને પરેશાન કરવામાં આવ્યા."
તેમણે એ પણ દાવો કર્યો કે તેમણે કોઈની સાથે મારામારી નથી કરી.
પદ્મિનીબાએ એમ પણ કહ્યું કે "હું એક સામાજિક આગેવાન તરીકે કોઈના ઘરે ન જઈ શકું? શાંતિથી વાત ચર્ચા ન કરી શકું? અમે કેટલાં તો સમાધાન કરાવેલાં છે."
તેમણે એ પણ દાવો કર્યો કે "અમે રૂપિયાની માંગણી કરેલી નથી. આના કોઈ પૂરાવા હોય તો આપો. આની પાછળ બીજાં તત્ત્વો કામ કરી રહ્યાં છે. હવે અમે લડી લેવાના છીએ."
બીજી તરફ પોલીસનું કહેવું છે કે આ મામલાની તપાસ ચાલી રહી છે.
આ વિશે ગોંડલ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ અને તપાસ અધિકારી એ. સી. ડામોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું, "આ કેસમાં હજુ તપાસ ચાલુ છે. હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી. આ કેસમાં સાક્ષીઓનાં નિવેદનો લેવામાં આવી રહ્યાં છે અને પૂછપરછ કરવામાં આવી રહી છે."
આ વિશે વધુ વિગતો જાણવા માટેનો પ્રયાસ થયો ત્યારે તેમણે માત્ર એટલું જ કહ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.
કોણ છે પદ્મિનીબા વાળા?

ઇમેજ સ્રોત, PARSHOTTAM RUPALA/FB
ગઈ લોકસભાની ચૂંટણી અગાઉ ભાજપના નેતા પરશોત્તમ રૂપાલાએ પૂર્વ રાજવીઓ વિશે નિવેદન કર્યું હતું, જેના કારણે ક્ષત્રિયોનો એક વર્ગ નારાજ થઈ ગયો હતો અને તેમણે માગ કરી હતી કે રૂપાલા તેમની ઉમેદવારી પાછી ખેંચે.
આ મામલે રૂપાલા ઉપરાંત ગુજરાત ભાજપના અધ્યક્ષ સી.આર. પાટીલે પણ માફી માગી હતી. ક્ષત્રિયોની સંકલન સમિતિ રૂપાલાને માફ કરવા તૈયાર ન હતી ત્યારે આંદોલનમાં પહેલા અગ્રણી ભૂમિકા ભજવનારાં પદ્મિનીબા વાળાએ બાદમાં રૂપાલાને માફ કરવાની જાહેરાત કરી હતી. તે સમયે એવો અંદાજ બાંધવામાં આવતો હતો કે પદ્મિનીબા વાળા આ આંદોલનનો ઉપયોગ કરીને રાજકારણમાં આવવા પ્રયાસ કરે છે. જોકે, આ મામલે કોઈ હિલચાલ દેખાઈ નથી.
ક્ષત્રિયોનાં આંદોલનોમાં સૌથી આગળ રહેનારાં પદ્મિનીબા વાળા ત્યારે પણ ચર્ચામાં આવ્યાં હતાં જ્યારે મતદાનનો દિવસ આવ્યો ત્યારે તેઓ મતદાન કરવા માટે નહોતા ગયાં.
તેમણે મતદાનમાં ભાગ ન લઈને નિવેદન આપ્યું હતું, "મેં મતદાન કર્યું નથી. હું અત્યારે સામાજીક (કાર્યકર) છું. અમારે જે આંદોલનની લડાઈ સામાજીક રાખવાની હતી તે લડાઈને આજે રાજકારણમાં ફેરવી દેવામા આવી હતી. મેં એટલે જ મતદાનની પ્રક્રિયામાં ભાગ લીધો નહોતો."
બીબીસી સાથેની વાતચીતમાં પદ્મિનીબાએ જણાવ્યું હતું, "આ લોકોએ આજે બહેનો-દીકરીઓની લડતને રાજકારણમાં ફેરવી નાખી છે, જે તદન ખોટું છે. મારી તો ત્યાં સુધી જ વાત હતી કે રૂપાલાભાઈનું ફૉર્મ રદ થાય, પરંતુ રૂપાલાભાઈ એ ફૉર્મ ભર્યું તે દિવસથી જ મેં હાર સ્વીકારી લીધી હતી. હાર એટલે કે હવે બીજૂં કંઈ થઈ શકે તેમ નથી તો પછી આ મુદ્દે રાજકારણ શું કામ?"
તેમણે ક્ષત્રિયોની સંકલન સમિતિ ઉપર પણ ગંભીર આરોપ લગાવીને કહ્યું હતું, "આ લડાઈ હવે 'કૉંગ્રેસપૂતો' આપી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પહેલાં જે બહેના-દીકરીઓ માટે લડત લડી રહ્યા હતા તે ચહેરા હવે દેખાતા નથી. હવે માત્ર કૉંગ્રેસપૂતો જ દેખાઈ રહ્યાં છે. સંકલન સમીતિએ અમારા સરસ રીતે ચાલી રહેલા આંદોલનમાં બાધા ઊભી કરી હતી અને આજે સમાજનું નાક કપાવ્યું છે."
જોકે, ક્ષત્રિયોની સંકલન સમિતિએ પદ્મિનીબા વાળાના આરોપો ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું, "બહેન પદ્મીનીબા અમારા સમાજનાં જ છે. અમે તેમનો આદર કરીએ છીએ. નારીની અસ્મિતા પર ઘા થયો હોય ત્યારે કોઈ પણ બહેનેને લાગી આવે અને વ્યક્તિ ઘણી વખત ભાવનામાં આવીને બોલવામા ઉતાવળ કરી શકે છે."
ક્ષત્રિયોનો વિરોધ છતાં રૂપાલા રાજકોટ બેઠક પરથી સાંસદપદે ચૂંટાઈ આવ્યા હતા. જોકે, તેમને આ વખતે મંત્રીપદ નહોતું મળ્યું.
ચૂંટણી સમાપ્ત થયા પછી જ્યારે અમદાવાદના રાજપૂત સમાજભવન ખાતે સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચ નામનું સંમેલન મળ્યું ત્યારે ફરી વિવાદ થયો હતો.
આ સંમેલનમાં મંચ પર પદ્મિનીબા વાળાને સ્થાન નહોતું મળ્યું. જેને કારણે તેઓ નારાજ થયાં હતાં. રૂપાલાને માફી આપીને તેમણે રાષ્ટ્રવાદી ક્ષત્રિય સેનાની સ્થાપના પણ કરી હોવાનો દાવો કર્યો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












