અમદાવાદ : 'હોલીવૂડ' તરીકે જાણીતા ગુલબાઈ ટેકરાને કેમ 'ખાલી' કરાવાઈ રહ્યો છે?

ગુજરાતનો હોલીવૂડ વિસ્તાર, અમદાવાદ, ગુલબાઈ ટેકરા, ગુલબાઈ ટેકરાના લોકો હવે ક્યાં જશે, બીબીસી ગુજરાતી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, ગુજરાતના હોલીવૂડ તરીકે જાણીતા અમદાવાદના ગુલબાઈ ટેકરાના વિસ્તારમાં રમેશભાઈ પરમાર તેમના એક રૂમના ઘરની બહાર પરિવારજનો સાથે નજરે પડે છે.
    • લેેખક, તેજસ વૈદ્ય
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુજરાતના હોલીવૂડ તરીકે જાણીતો અમદાવાદનો ગુલબાઈ ટેકરાનો વિસ્તાર ઝૂંપડાં અને કાચાં રહેઠાણોથી એટલો ગીચોગીચ છે કે વિશાળ સંયુક્ત કુટુમ્બ ત્યાં વસતું હોય તેવું લાગે.

અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી પાછળ સીજી રોડ જેવા પોશ વિસ્તારને અડીને આવેલા ગુલબાઈ ટેકરામાં મોટે ભાગે રોજ કમાઈને રોજ ખાનારા ગરીબ કે નિમ્ન મધ્યમવર્ગીય પરિવારનો વસવાટ છે.

રાજસ્થાની મારવાડી, બાવરી સમાજના લોકો ત્યાં રહે છે. મૂર્તિઓ બનાવવી અને છૂટક મજૂરી કરવી એ તેમની રોજગારી છે.

ગણેશોત્સવ અગાઉ ત્યાં ગણપતિની હારબંધ મૂર્તિઓ ગોઠવાયેલી જોવા મળે. ત્યાંના કારીગરો ગણેશની વિવિધ આકારની મૂર્તિ બનાવે અને અમદાવાદીઓ તો ત્યાંથી ખરીદે જ છે પણ ખરીદારો છેક દોઢસો બસ્સો કિલોમીટરેથી ત્યાં મૂર્તિ ખરીદવા આવે છે.

જોકે, આ વર્ષે ત્યાં ગણપતિનું બજાર ભરાશે કે કેમ તે એક સવાલ છે. કારણ કે ત્યાં જે જે લોકો વસતા હતા તેમનાં 'ઘર તોડી પડાયાં' છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્યાં જે લોકો કાચાં મકાનોમાં રહેતા હતા તેમને હવે પાક્કા મકાન મળશે. જે ઝૂંપડાં કે કાચાં મકાનો તોડી પડાયાં છે તેની ફરતે બ્લૂ રંગનાં પતરાં બેસાડી દેવામાં આવ્યાં છે.

એ પતરાં પર પ્રધાનમંત્રી આવાસ યોજનાની વિગતનું પાટિયું મૂકવામાં આવ્યું છે. જેમાં લખવામાં આવ્યું છે કે 'ગુલબાઈ ટેકરાના રહેવાસીઓને તેજ સ્થળે આવાસ યોજના અમલીકરણ, જ્યાં કાચાં ઝૂંપડાં છે ત્યાં વિનામૂલ્યે પાકાં મકાન બનાવીને આપવામાં આવશે.'

બે રૂમ, રસોડું, બાથરૂમ, ટૉઇલેટ, બાલ્કની સાથેની સુંદર યોજના તથા આંગણવાડી, લાઇટ, ગટર, પાણીની સંપૂર્ણ સુવિધાનો પણ ઉલ્લેખ છે.

'ઝૂંપડાંમાં રહ્યા, હવે પાક્કું મકાન મળશે'

ગુજરાતનો હોલીવૂડ વિસ્તાર, અમદાવાદ, ગુલબાઈ ટેકરા, ગુલબાઈ ટેકરાના લોકો હવે ક્યાં જશે, બીબીસી ગુજરાતી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, સતુબહેન ભાટી કહે છે કે હવે મારું પણ પાક્કું ઘર હશે

સતુબહેન ભાટી વર્ષોથી ગુલબાઈ ટેકરામાં રહેતાં હતાં. તેઓ બીબીસી ગુજરાતીને કહે છે કે, "અમે અને અમારા બાપદાદા અહીં ઝૂંપડાંમાં વસ્તારી કુટુમ્બમાં રહ્યા. અમનેય ઇચ્છા હોય ને કે અમારું પાક્કું મકાન હોય. તેમાં મજાના રૂમ ને રસોડું હોય. એ ઇચ્છા હવે પૂરી થવાની છે."

જે સ્થળે પોતાનું રહેઠાણ હતું તે દર્શાવીને બીબીસી ગુજરાતીને કહે છે કે, "મને એ વાતનો આનંદ છે કે મારું પાક્કું ઘરનું ઘર બનશે. મહાનગરપાલિકાએ લખી આપ્યું છે કે અહીં જ મકાન મળશે. રૅશનકાર્ડ અને ચૂંટણી ફોટો (ચૂંટણી ઓળખકાર્ડ) એમ બે પુરાવાની નકલ અમે જમા કરાવી છે. અમને મકાનના નંબર પણ ફાળવ્યાં છે."

જે બોર્ડ મૂકવામાં આવ્યું છે તેમાં મકાનવાંચ્છુઓ માટે 2010 પહેલાંના કેટલાક પુરાવા રજૂ કરવાનું જણાવાયું છે. જેમાં મહાનગરપાલિકાના કરવેરાનું બિલ, લાઇટ બિલ, ચૂંટણીકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, રૅશનકાર્ડ કે આધારકાર્ડનો સમાવેશ થાય છે.

'મહાનગરપાલિકાએ અમને ચેક આપ્યો છે'

ગુજરાતનો હોલીવૂડ વિસ્તાર, અમદાવાદ, ગુલબાઈ ટેકરા, ગુલબાઈ ટેકરાના લોકો હવે ક્યાં જશે, બીબીસી ગુજરાતી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગુલબાઈ ટેકરાના લોકોને હવે પાક્કા મકાન મળશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જે લોકોનાં મકાન પુનર્વસન યોજના માટે તોડી પાડવામાં આવ્યાં છે તેમને મહાનગરપાલિકાએ ભાડું આપીને વૈકલ્પિક રહેઠાણની જોગવાઈ કરી છે.

વાઘાભાઈ નામના યુવાન ગુલબાઈ ટેકરાના નિવાસી છે. અમદાવાદ શહેરમાં ફરીને તેઓ કમરપટ્ટા વેચે છે. હાલ તેઓ પાલડી પાસેના ભઠ્ઠા વિસ્તારમાં ભાડે રહે છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં તેઓ કહે છે કે, "અમને મહાનગરપાલિકા પાસેથી જે ચેક મળ્યો છે તેમાંથી ભાડું જાય છે. અમને સુધરાઈએ નવાં મકાનનો વાયદો આપ્યો છે. રહેવાની સારી સુવિધા હશે, લાઇટ અને પાણીની સારી વ્યવસ્થા છે તેથી અમને તો આનંદ છે. બે વર્ષ પછી અમને મકાન મળશે."

ગણેશભાઈ રાઠોડ કહે છે કે, "અમે અત્યારે રહેવા માટે નજીકમાં જ ભાડે નાનું રહેઠાણ લીધું છે. એંશીને ચાર હજાર રૂપિયાનો ચેક આપ્યો છે, બાર મહિના માટે."

ગણેશભાઈ અપંગ છે. ગુલબાઈ ટેકરા વિસ્તારમાં નાના ગલ્લા જેવું ચલાવે છે. અત્યારે તેમનું રહેઠાણ ભલે ત્યાં ન રહ્યું હોય પણ રોજ સવારે તેઓ ગુલબાઈ ટેકરા આવી જાય છે અને મોડી સાંજ સુધી ત્યાં જ રહે છે. તેમના પરિવારમાં ચાર લોકો છે.

તેઓ કહે છે કે, "મારો અને મારા પપ્પાનો જન્મ અહીં થયો છે. મકાન તો બધાનાં તોડી નાખ્યાં છે. જેમાં મારું પણ છે. દોઢેક મહિના અગાઉ 850 જેટલાં મકાન તોડ્યાં છે. અમને કહ્યું છે કે અમારાં પાક્કાં મકાન બનાવી આપશે. પહેલાં ઝૂપડાંમાં રહેતા હતા, હવે સાત માળના ફ્લૅટ બનશે જેમાં અમે રહેશું."

'અમારા ઘરનો સર્વે નથી થયો'

ગુજરાતનો હોલીવૂડ વિસ્તાર, અમદાવાદ, ગુલબાઈ ટેકરા, ગુલબાઈ ટેકરાના લોકો હવે ક્યાં જશે, બીબીસી ગુજરાતી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, કાટમાળમાં ફેરવાઈ ગયેલા ગુલબાઈ ટેકરાનાં રહેઠાણ

ગુલબાઈ ટેકરામાં જ્યાં કાટમાળ વિખેરાયેલો પડ્યો છે ત્યાં આગળ વધીએ તો કેટલાંક છૂટાંછવાયાં મંદિર જોવાં મળે અને એની વચ્ચે એક રૂમ અડીખમ ઊભો છે. રમેશભાઈ પરમાર તે એક રૂમમાંથી બહાર આવે છે અને કહે છે કે, "આ મારું ઘર છે."

પછી તેઓ કહે છે કે, "બધાને ચેક આપીને મકાન ખાલી કરાવે છે. ચેક લઈને વસ્તીના લોકો ભાડેથી બીજે રહેવા જાય છે. મારા નામનો ચેક આવે તો હું ભાડે લઈ શકું ને? પછી જ સામાન બીજે મૂકી શકું ને? મકાન ખાલી કરી દઉં તો સામાન મૂકવા ક્યાં જાઉં?"

રમેશભાઈએ તેમના ઘરમાં એક પાટિયું લખેલું રાખ્યું છે. જેમાં લખ્યું છે કે, 'અમારા ઘરનો સર્વે નથી થયો. અમારો નંબર નથી પડ્યો.'

તેમણે મુખ્ય મંત્રી કાર્યાલયે એક પત્ર મોકલ્યો છે. જેમાં લખ્યું હતું કે, 'વડીલોપાર્જિત હાલનાં મકાનનો ઝૂંપડાં પુનર્નસન પૉલિસીમાં લાભાર્થી તરીકે સમાવેશ કરવામાં આવે.' આ પત્ર પણ તેમણે ઘરની બહાર પણ ચોંટાડીને રાખ્યો છે.

શંકરભાઈ ચૌધરી પણ જણાવે છે કે, "જ્યારે રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત મકાન બનાવી આપવાની વાત થઈ ત્યારે કેટલાક લોકો અસહમત પણ હતા. જ્યારે પ્રોજેક્ટ માટે કોર્ટનો ઑર્ડર મળી ગયો અને ટેન્ડર પાસ થઈ ગયાં પછી અહીં કામ ચાલુ થઈ ગયું હતું. કેટલાંક રહેઠાણધારકો જે અગાઉ ના પાડતા હતા તે પણ પછી પુરાવા આપીને ધીમે ધીમે જોડાવા માંડ્યા હતા. હજી પણ કેટલાક લોકો જોડાવા માગે છે."

પછી હળવેક રહીને તેઓ કહે છે કે, "મારા પરિવારે પણ શરૂઆતમાં આનાકાની કરી હતી. અમારા જેવા લોકોએ ભલે શરૂઆતમાં તૈયારી ન દર્શાવી હોય પણ હવે નવા મકાન બને તે માટે પાલિકાએ અમને સામેલ કરી દેવા જોઈએ."

શંકરભાઈના પરિવારે મહાનગરપાલિકાના ડેપ્યુટી સિટી એન્જિનિયરને પત્ર લખીને જણાવ્યું છે કે અમારા મકાનનો સર્વે થયો નથી. સર્વે કરીને અમને પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ આપવામાં આવે.

ગુલબાઈ ટેકરાના મૂર્તિ કારીગરોની વ્યથા

ગુજરાતનો હોલીવૂડ વિસ્તાર, અમદાવાદ, ગુલબાઈ ટેકરા, ગુલબાઈ ટેકરાના લોકો હવે ક્યાં જશે, બીબીસી ગુજરાતી, ગુજરાત

ઇમેજ સ્રોત, JAMES HEMINGTON

ઇમેજ કૅપ્શન, રાજસ્થાની મારવાડી, બાવરી સમાજના લોકો ગુલબાઈ ટેકરામાં રહે છે, મૂર્તિઓ બનાવવી અને છૂટક મજૂરી કરવી એ તેમની રોજગારી છે

સામાન્ય રીતે ગણેશોત્સવ માટેની ગણપતિની મૂર્તિ બનવાની શરૂઆત એપ્રિલના મધ્યમાં થઈ જતી હોય છે. જોકે, આ વર્ષે એવું નથી, કારણ કે, વસતીનો મોટો હિસ્સો બહાર છૂટોછવાયો રહે છે.

શંકરભાઈ કહે છે કે, "આ વર્ષે હજી સુધી શરૂઆત થઈ શકી નથી. અમને મૂર્તિ બનાવવા માટે જગ્યા ફાળવવામાં આવે એવી રજૂઆત અમે મહાનગરપાલિકાને કરવાના છીએ."

ગણપતિ ઉપરાંત પણ અન્ય દેવદેવીઓની તેમજ સુશોભન માટેની માટીની મૂર્તિ ત્યાં બનતી હોય છે અને વેચાતી હોય છે.

રાધાબહેન સોલંકી આવી મૂર્તિઓ બનાવીને વેચે છે. જોકે, તેમને હાલ ગુજરાન મળતું નથી.

તેઓ કહે છે કે, "હવે મકાન પડી ગયાં તો આખાય અમદાવાદમાં જાહેરાત થઈ ગઈ કે ગુલબાઈ ટેકરા પડી ગયું છે તો કોણ ઘરાક અમારી પાસે આવે? કોઈ ન આવે. પહેલાં મને રોજના ત્રણસોએક રૂપિયા મળી રહેતા હતા. હવે પચાસ રૂપિયા પણ માંડ છૂટે છે."

ગુલબાઈ ટેકરા વિસ્તારની જમીનનો વિવાદ શું હતો?

ગુજરાતનો હોલીવૂડ વિસ્તાર, અમદાવાદ, ગુલબાઈ ટેકરા, ગુલબાઈ ટેકરાના લોકો હવે ક્યાં જશે, બીબીસી ગુજરાતી, ગુજરાત
ઇમેજ કૅપ્શન, હોલીવૂડ વસ્તી તરીકે ઓળખાતો ગુલબાઈ ટેકરા શહેરનો મોકાનો વિસ્તાર છે

હોલીવૂડ વસ્તી તરીકે ઓળખાતો ગુલબાઈ ટેકરા શહેરનો મોકાનો વિસ્તાર છે. શહેરના પશ્ચિમ ઝોનમાં આવેલા આ વિસ્તારની ત્રણ બાજુએ રોડ આવેલો છે. અમદાવાદમાં આવેલી સેપ્ટ (સેન્ટર ફૉર એન્વાયર્ન્મેન્ટ પ્લાનિંગ ઍન્ડ ટૅક્નૉલૉજી) યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના એક પોર્ટફોલિયોમાં દર્શાવાયું છે કે જે પ્રકારની ભૂગોળ ગુલબાઈ ટેકરા ધરાવે છે એ જોતાં આ સ્થળ બિલ્ડર્સ માટે ફળદ્રુપ સાઇટ છે.

ગુલબાઈ ટેકરાના રિડેવલપમેન્ટની વાતો એંશીના દાયકાથી થતી આવી છે. કોઈને કોઈ કારણસર એમાં વિવાદ અને વિરોધ થયાં છે.

સરકાર દ્વારા તેના રિડેવલપમેન્ટનો પહેલો ડ્રાફ્ટ 1992માં રજૂ થયો ત્યારે આસપાસની કેટલીક સોસાયટીઓએ જમીનમાલીકીનો હાઇકોર્ટમાં દાવો કર્યો હતો. એ કાયદાકીય લડાઈ ત્રીસેક વર્ષ ચાલી હતી અને ગયા વર્ષે હાઇકોર્ટે તે અરજી ફગાવી દીધી હતી.

ગુલબાઈ ટેકરામાં થઈ રહેલા રીડેવલપમેન્ટનું અમલીકરણ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા થઈ રહ્યું છે.

બીબીસીએ રીડેવલપમેન્ટને લગતી કેટલીક વિગતો જાણવા માટે પાલિકાના પશ્ચિમ ઝોનના આસી. મ્યુનિસિપલ કમિશનર પૃથ્વીરાજસિંહ ઝાલા, પાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન દેવાંગ દાણી વગેરેનો સંપર્ક કરવામાં આવ્યો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો ન હતો.

તેમની પ્રતિક્રિયા આવતા અહેવાલમાં ઉમેરી દેવાશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.