'આસિમ મુનીરે મને કહ્યું કે તમે લાખો જિંદગીઓ બચાવી લીધી '- ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને પાકિસ્તાન સંઘર્ષવિરામ મામલે નવું શું કહ્યું?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પાકિસ્તાન અમેરિકા ઑપરેશન સિંદૂર નરેન્દ્ર મોદી ઑપરેશન સિંદૂર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ટ્રમ્પનો દાવો છે કે ભારત અને પાકિસ્તાનના સૈન્ય સંઘર્ષ વખતે વિમાનો પાડવામાં આવ્યાં હતાં, પરંતુ તેમણે એ માહિતી ન આપી કે કયા દેશનાં વિમાનો પાડવામાં આવ્યાં હતાં.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વાર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો સૈન્ય સંઘર્ષ સમાપ્ત કરાવ્યો હોવાનો દાવો કર્યો છે.

મંગળવારે ટ્રમ્પે કહ્યું કે તેમણે પરમાણુ હથિયારોથી સજ્જ બે દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે મોટો સંઘર્ષ બંધ કરાવ્યો હતો. ટ્રમ્પે પાકિસ્તાનના આર્મી ચીફની પ્રશંસા કરી અને કહ્યું કે તેમની સાથેની મુલાકાત દરમિયાન તેમણે સન્માનિત હોવાનો અનુભવ કર્યો હતો.

ભારતે ઘણી વાર કહ્યું છે કે પહલગામ હુમલા પછી પાકિસ્તાન સાથે છેડાયેલો સંઘર્ષ બંને પક્ષોની સંમતિથી ખતમ થયો હતો અને તેમાં ત્રીજા પક્ષની કોઈ ભૂમિકા નહોતી. પરંતુ પાકિસ્તાને કહ્યું છે કે આ સંઘર્ષ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થતા પછી સમાપ્ત થયો હતો.

કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલ, 2025ના રોજ એક ચરમપંથી હુમલો થયો હતો. તેમાં 25 પર્યટકો સહિત 26 લોકો માર્યા ગયા હતા.

ત્યાર પછી 6-7મી મેની રાતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 'ચરમપંથી કૅમ્પો'ને ભારતીય સેનાએ નિશાન બનાવ્યાં હતાં.

આ અભિયાનને 'ઑપરેશન સિંદૂર' નામ અપાયું હતું. આ પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્યસંઘર્ષ થયો હતો. પણ ત્રણ દિવસ પછી આ સંઘર્ષ સમાપ્ત થયો હતો.

પાકિસ્તાન આર્મી ચીફ આસિમ મુનીરની પ્રશંસામાં ટ્રમ્પે શું કહ્યું?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પાકિસ્તાન અમેરિકા ઑપરેશન સિંદૂર નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, વ્હાઇટ હાઉસમાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ આસિમ મુનીર સાથે ડોનાલ્ડ ટ્રમ્પે મુલાકાત કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના ક્વેન્ટિકોમાં મિલિટરી લીડર્સ સામે ભારત અને પાકિસ્તાન સહિત ઘણા સૈન્ય સંઘર્ષ સમાપ્ત કરાવવાનો દાવો કર્યો હતો.

તેમણે કહ્યું કે જ્યારે પાકિસ્તાનના આર્મી ચીફ ફિલ્ડમાર્શલ આસિમ મુનીર તેમને મળ્યા ત્યારે તેમણે 'સન્માનિત' હોવાનો અનુભવ કર્યો.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

આસિમ મુનીરની પ્રશંસા કરતા તેમણે કહ્યું, "પાકિસ્તાનની બહુ મહત્ત્વની વ્યક્તિ મને મળી. તેમણે લાખો જાન બચાવવા માટે મારી પ્રશંસા કરી."

તેમણે કહ્યું, "મારા નવ મહિનાના શાસનમાં મેં એટલાં બધાં યુદ્ધો બંધ કરાવ્યાં છે. મેં સાત સૈન્ય સંઘર્ષો બંધ કરાવ્યા છે. અને કાલે કદાચ અમે તેમાં સૌથી મોટો (ગાઝા) ઉકેલ્યો. હકીકતમાં પાકિસ્તાન અને ભારતનો સંઘર્ષ બહુ મોટો હતો. બંને પરમાણુ શક્તિ ધરાવનારા દેશ છે. મેં આ સંઘર્ષ પણ બંધ કરાવ્યો."

ટ્રમ્પ ગાઝામાં ઇઝરાઇલ અને હમાસ વચ્ચે શાંતિની યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા. ટ્રમ્પે સોમવારે તેની જાહેરાત કરી હતી.

ગાઝામાં આ શાંતિની યોજનાનો ઉલ્લેખ કરતાં ટ્રમ્પે ફરી એક વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે સૈન્ય સંઘર્ષનો પણ ઉલ્લેખ કર્યો.

ટ્રમ્પે કહ્યું, "મને લાગે છે કે અમે આ ઉકેલી નાખ્યું છે. જોઈએ છીએ. હમાસે તેને માનવું પડશે, અને જો તે નહીં માને તો તેના માટે મોટી મુશ્કેલી ઊભી થશે. હાલ તો એ જ છે. પણ બધા આરબ અને મુસ્લિમ દેશો માની ગયા છે."

ટ્રમ્પે આ વેશા ફરી ભારત અને પાકિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષનો ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, "ભારત અને પાકિસ્તાન સામસામે હતાં. મેં બંનેને ફોન કર્યો, અને આ મામલામાં મેં વેપારનો ઉપયોગ કર્યો."

ટ્રમ્પે જણાવ્યું કે તેમણે "બે મોટી પરમાણુ શક્તિઓ" ને કહ્યું કે તેઓ "તેમની સાથે વેપાર નહીં કરે."

તેના પર બંને દેશોએ જવાબ આપ્યો, "ના-ના, તમે એવું નહીં કરી શકો."

મેં કહ્યું, "હા, હું કરી શકું છું. જો તમે લોકો આ પાગલપન ભરેલા યુદ્ધ માં ઉતરશો તો, જેના વિશે હું સાંભળી રહ્યો છું."

વિમાનો તૂટી પડ્યાં હોવાનો દાવો

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પાકિસ્તાન અમેરિકા ઑપરેશન સિંદૂર નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં ચરમપંથી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ થયો હતો.

ટ્રમ્પે આગળ કહ્યું કે આ સંઘર્ષમાં સાત વિમાનો તૂટી પડ્યાં હતાં. જોકે, આ વિમાનો કયા દેશના હતાં તે તેમણે જણાવ્યું ન હતું.

તેમણે કહ્યું, "યુદ્ધ શરૂ થવા જઈ રહ્યું હતું. બહુ ખરાબ વાતાવરણ હતું અને મેં કહ્યું, 'જો તમે એવું કરશો તો કોઈ વેપાર નહીં થાય'. અને મેં યુદ્ધ રોકી દીધું. આ ચાર દિવસ થી ચાલી રહ્યું હતું. ભયંકર યુદ્ધ હતું પણ પણ આ તો બસ શરૂઆત હતી. અમે આ રોકી દીધું. આ એક શાનદાર કામ હતું."

ગત અઠવાડિયે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને આર્મી ચીફ મુનીર ટ્રંપને વ્હાઇટ હાઉસમાં મળ્યા હતા.

ટ્રમ્પે આ મુલાકાતનો ઉલ્લેખ કરતા કહ્યું, "પાકિસ્તાનના વડા પ્રધાન અહીં હતા, તેમની સાથે ફિલ્ડમાર્શલ પણ હતા, તેઓ પાકિસ્તાનમાં બહુ મહત્ત્વની વ્યક્તિ છે. અને તેઓ ત્રણ દિવસ પહેલાં અહીં આવ્યા હતા. તેમણે કહ્યું આ વ્યક્તિએ (ટ્રમ્પ) લાખો જાન બચાવી છે કારણ કે, તેમણે આ યુદ્ધ આગળ વધતું અટકાવ્યું, એ યુદ્ધ બહુ ભયંકર થવાનું હતું. રાષ્ટ્રપતિ ટ્રમ્પે લાખો લોકોની જિંદગીઓ બચાવી."

તેમણે આગળ કહ્યું કે "વ્હાઇટ હાઉસનાં ચીફ ઑફ સ્ટાફ સૂઝી વાઇલ્સ પણ એ બેઠકમાં હાજર હતાં અને તેમણે પણ કહ્યું કે આ સૌથી સુંદર વાત હતી. અમે ઘણા લોકો ને બચાવી લીધા."

10મી મેના રોજ ટ્રંપે સોશિયલ મીડિયા પર ઍલાન કર્યું હતું કે ભારત અને પાકિસ્તાને અમેરિકાની મધ્યસ્થતામાં થયેલી "રાતભર ચાલેલી" વાતચીત પછી "પૂર્ણ અને તાત્કાલિક" યુદ્ધવિરામ પર સંમતિ આપી છે.

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર ટ્રમ્પ ત્યારથી લગભગ 50 વાર એવો દાવો કરી ચૂક્યા છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે 'તણાવ સમાપ્ત કરાવવામાં' મદદ કરી હતી.

જોકે, ભારતે આ સંઘર્ષવિરામમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા હોવાનો સતત ઇન્કાર કર્યો છે.

ટ્રમ્પની 'મધ્યસ્થી' વિશે પીએમ મોદીએ શું કહ્યું હતું?

બીબીસી ગુજરાતી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત પાકિસ્તાન અમેરિકા ઑપરેશન સિંદૂર નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીએમ નરેન્દ્ર મોદી 'ઑપરેશન સિંદૂર' વિશે ટ્રમ્પના કથિત હસ્તક્ષેપ વિશે સંસદમાં નિવેદન આપ્યું હતું.

ગયા અઠવાડિયે પણ ટ્રમ્પે સંયુક્ત રાષ્ટ્રમાં દુનિયાના નેતાઓ સામે કહ્યું હતું કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંઘર્ષને અટકાવ્યો હતો.

બીજી તરફ ભારત સતત કહેતું આવ્યું છે કે પાકિસ્તાન સાથે યુદ્ધવિરામની સમજૂતી અંગેની વાતચીત બંને સેનાઓના ડાયરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઑપરેશન્સ (DGMO) વચ્ચે થઈ હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં કહ્યું હતું કે કોઈ પણ દેશના નેતાએ ભારતના 'ઑપરેશન સિંદૂર'ને રોકવા માટે કહ્યું નહોતું.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ટ્રમ્પે કહ્યું હતું કે તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષને રોકી શકે, તો તેમને નોબલ પુરસ્કાર મળવો જોઈએ.

તેમણે કહ્યું, "મેં કહ્યું, 'તો પછી બીજા સાતનું શું? મને દરેક માટે નોબલ મળવો જોઈએ.' તો તેમણે કહ્યું, 'પણ જો તમે રશિયા અને યુક્રેનને રોકો, તો તમને નોબલ મળી શકે છે.' મેં કહ્યું, 'મેં સાત યુદ્ધો બંધ કર્યા છે. આ એક યુદ્ધ છે, અને મોટું યુદ્ધ છે."

તેમણે વધુમાં કહ્યું કે તેમને લાગ્યું કે રશિયા-યુક્રેન સંઘર્ષ ઉકેલવો સરળ રહેશે, "કારણ કે રાષ્ટ્રપતિ પુતિન સાથે મારા સારા સંબંધો છે, હું તેમનાથી નિરાશ છું. પરંતુ સંબંધો છે. મને લાગ્યું કે આ સૌથી સરળ હશે, પરંતુ અમે તેને કોઈક રીતે ઉકેલીશું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન