'અમને પૂરો નહીં તો અમારો કરેલો અડધો ખર્ચો પરત કરો', અમેરિકાથી પરત મોકલાવાયેલા લોકોની આપવીતી

ઇમેજ સ્રોત, Kamal Saini/BBC
ગેરકાયદેસર રીતે અમેરિકા ગયેલા ગુજરાતીઓ સહિતના ભારતીયો પાછા આવી ગયા છે. આમાંથી અનેક લોકો એવા છે જે પોતાના પરિવારની મૂળીના લાખો રૂપિયા ખર્ચીને અમેરિકા ગયા હતા અને ત્યાં રહેવાનું તેમનું સપનું તૂટી ગયું છે.
ડિપોર્ટ થઈને પાછા ભારત આવેલા લોકોમાંથી કેટલાય એવા હતા જે થોડા દિવસો કે મહિનાઓ પહેલાં જ અમેરિકા ગયા હતા પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્ણયને કારણે તેમને અમેરિકામાં રહેવાનો મોકો ન મળ્યો.
પંજાબની નજીક આવેલા કુરુક્ષેત્ર જિલ્લાના ખુશપ્રીત સિંહ એવા જ એ યુવાન છે જેમને અમેરિકા મોકલવા માટે તેમના પરિવારે 45 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
18 વર્ષના ખુશપ્રીત સિંહને તેમના પિતાએ છ મહિના પહેલાં જ અમેરિકા મોકલ્યા હતા. પિતાએ પુત્રના ઉજ્જવળ ભવિષ્ય માટે પોતાની જમીન, ઘર અને પશુઓ પણ ગીરવે મૂક્યા હતા પણ ખુશપ્રીત ભારત પાછા આવનારા ભારતીયોમાં સામેલ છે.

ઇમેજ સ્રોત, Kamal Saini/BBC
ખુશપ્રીત સિંહે કહ્યું કે તેમણે 22 જાન્યુઆરીએ યુએસ બૉર્ડર પાર કરી અને બીજી ફેબ્રુઆરીએ તેમને પાછા મોકલવામાં આવ્યા. ખુશપ્રીત કહે છે કે, "આ રીતે ન જવું જોઈએ."
ખુશપ્રીતે બીબીસીને જણાવ્યું કે, "બસ પાણી પીઓ અને જંગલ પાર કરતા જાઓ. જો તમારો સાથી છૂટી જાય તો પાછળ નહીં જોવાનું બસ આગળ ચાલતા જવાનું. જે ડંકર સાથે ચાલતા રહે એ લોકો પાર કરી શકે, બાકી જે લોકો પાછળ રહી જાય એ છૂટી જતા હતા."
તેમણે કહ્યું, "અમને 12 દિવસ સુધી કૅમ્પમાં રાખ્યા હતા અને પહેલા દિવસે જણાવ્યું કે એ લોકો અમને ભારત પાછા મોકલશે. પણ અમને લાગ્યું કે એ લોકો મજાક કરી રહ્યા છે. એ લોકો તો ગંભીર હતા પણ અમને તો મજાક જ લાગતી હતી."
"તેમણે અમને હાથકડી લગાવી ત્યારે અમે ગંભીર થઈ ગયા. પહેલાં તેમણે કહ્યું કે તેઓ અમને સ્વાગત કેન્દ્ર પર લઈ જઈ રહ્યા છે. અમે વિચાર્યું કે અમને ત્યાં છોડી મૂકશે. પરંતુ અમે ત્યાં ઊતર્યા તો અમે અમારી સામે સેનાનું વિમાન જોયું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"હવે અમને આશા છે કે અમારા પૈસા પાછા મળે તો અમે કંઈક કામ કરી શકીએ."
ખુશપ્રીત સિંહના પિતા આ વાતો સાંભળીને ખૂબ ગળગળા થઈ ગયા હતા. રડતા-રડતા તેઓ કહે છે કે, "અમારા પૈસા અમને પાછા અપાવી દો. બધા નહીં તો અડધા તો આપો."
'અમે રસ્તામાં મૃતદેહો જોયા'

ઇમેજ સ્રોત, Pradeep Sharma/BBC
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાંડ ઉદમુરના સુખપાલ સિંહ અનુસાર તેઓ પણ જંગલો અને દરિયો પાર કરીને અમેરિકા પહોંચ્યા હતા.
બીબીસી સંવાદદાતા પ્રદીપ શર્મા અનુસાર સુખદેવ સિંહ ચાર મહિના પહેલાં ઘર છોડીને અમેરિકા જવા નીકળ્યા હતા.
રસ્તામાં પડેલી હાલાકી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, "હું બધાને હાથ જોડીને પ્રાર્થના કરું છું કે કોઈએ બે નંબરમાં (ગેરકાયદેસર) જવું નહીં. અહીં થોડું ખાઓ, ત્યાં કંઈ ખાવા નહીં મળે, એ લોકો પૈસા લઈ લે છે અને કોઈ સુરક્ષા નથી."
"તેઓ અમને પહેલાં ઇટાલી લઈ ગયા. કોઈ ત્યાં પૂછતું નથી. તેઓ અમને લેટિન અમેરિકા લઈ ગયા. તેઓ અમને બોટ પર 15 કલાકની મુસાફરી કરાવીને લઈ ગયા. અમે પહાડોમાં 45 કિલોમીટર ચાલ્યા અને જો કોઈ પડી જાય તો એને ત્યાં જ છોડી દેતા હતા. અમે રસ્તામાં કેટલાક મૃતદેહો જોયા."
દસુહાના હરવિંદર સિંહની કહાણી પણ કંઈક આવી જ છે. હરવિંદરે કહ્યું કે તેમને પહેલાં દિલ્હીથી કતાર લઈ જવાયા. કતારથી બ્રાઝિલ લઈ જવાયા.
તેઓ કહે છે કે, "હું બ્રાઝિલમાં બે દિવસ સુધી હોટેલમાં રહ્યો. પછી તેમણે કહ્યું કે તમારે પેરુથી ફ્લાઇટમાં જવાનું છે. અમે બસમાં પેરુ ગયા પણ ત્યાં કોઈ ફ્લાઇટ નહોતી. ત્યાંથી અમે ટેક્સીમાં ગયા."
હરવિંદરે અમેરિકા જવા માટે 42 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
તેમણે કહ્યું કે, "અમે પનામા જઈને ફસાઈ ગયા હતા. એક-બે યુવાનોનું ત્યાં મોત થઈ ગયું હતું, એક દરિયામાં ડૂબી ગયો અને બીજાનું જંગલમાં મોત થયું હતું."
"અમને ધક્કા માર્યા, અમે સરહદ પાર નહોતી કરી અને દીવાલ પણ નહોતાં ચડ્યાં"

ઇમેજ સ્રોત, Gurminder Grewal/BBC
પંજાબના જગરાઓંનાં રહેવાસી મુસ્કાન ત્રણ વર્ષના સ્ટડી વિઝા પર ઇંગ્લૅન્ડ ગયાં હતાં. બે વર્ષના વિઝા બાકી હતા પરંતુ તેઓ અમેરિકા ગયાં અને ત્યાંથી તેઓ ડિપૉર્ટ થયાં.
બીબીસી સંવાદદાતા ગુરમિંદર ગ્રેવાલના અહેવાલ અનુસાર, તેઓ પાંચ જાન્યુઆરી 2024ના યુકે ગયાં હતાં. તેમણે કહ્યું કે, તેઓ તિખુઆનામાં ચાલવા નીકળ્યાં હતાં.
તેઓ કહે છે કે, "તેમણે અમને રોક્યા અને કહ્યું કે તેઓ આવીને અમને લઈ જશે. તેમણે અમને 10 દિવસ સુધી સારી રીતે રાખ્યાં."
"કૅલિફોર્નિયા પોલીસે અમને પકડવા આવી. પછી અમને ભારત પાછા મોકલ્યાં. અમે અહીં પહોંચ્યા પછી અમને ખબર પડી કે અમે ભારત આવી ગયાં છીએ. અમને ધક્કા મારવામાં આવ્યા. અમારી પાસે વાજબી વિઝા હતો. અમે કોઈ સરહદ પાર નહોતી કરી કે દીવાલ પર નહોતા ચઢ્યાં."
તેમણે કહ્યું કે, "મારી પાસે યુકેના વિઝા છે પણ અમને કહેવામાં આવ્યું છે કે પાંચ વર્ષ સુધી અમે ક્યાંય નહીં જઈ શકીએ."
મુસ્કાનના પિતા જગદીશ કુમાર કહે છે કે, "અમે અમારી દીકરીને સારું ભવિષ્ય બનાવવા માટે મોકલી હતી પણ તેને ધક્કા મારવામાં આવ્યા. સરકારે આ મામલે તપાસ કરવી જોઈએ. અમે અમારી દીકરીને લોન લઈને મોકલી હતી."
આમ આદમી પાર્ટીનાં ધારાસભ્ય સરબજીતકૌર માનુકે મુસ્કાનના ઘરે પહોંચ્યાં હતાં. તેમણે કહ્યું કે, "મને આશ્ચર્ય છે કે છોકરી પાસે યુકેના બે વર્ષના વિઝા હતા છતાં તેને પાછી મોકલી હતી."
માનુકે કહે છે કે તેમના મુસ્કાનના પરિવાર સાથે સારા સંબંધ છે.
તેમણે કહ્યું કે, "આ દીકરી તિખુઆના ફરવા ગઈ હતી. તેને ત્યાંથી લઈને આ બધું કરવામાં આવ્યું. અમેરિકા જેવા દેશ પાસે આવી આશા નહોતી."
"અમે ઈશ્વરનો આભાર માનીએ છીએ કે દીકરી ઘરે સુરક્ષિત આવી ગઈ છે કારણ કે દીકરી અને દીકરાથી વધુ કંઈ નથી."
"હું આ મામલો મુખ્ય મંત્રી સામે ઉઠાવીશ અને અમારી પાર્ટી પૂરો સહયોગ પૂરો પાડીશું."
'અમેરિકા પહોંચવા લાખો ખર્ચ્યા'

ઇમેજ સ્રોત, Pradeep Sharma/BBC
કુરુક્ષેત્રના રહેવાસી રૉબિન હાન્ડા સાત મહિના પહેલાં અમેરિકા જવા નીકળ્યા હતા.તેમને પણ પાછા મોકલી દેવામાં આવ્યા છે.
હાન્ડાએ કૉમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને તેઓ સારા ભવિષ્યની આશામાં અમેરિકા ગયા હતા.
બીબીસી સંવાદદાતા કમલ સૈની સાથે વાત કરતા તેમણે કહ્યું કે, "હું સાત મહિના પહેલાં અમેરિકા જવા નીકળ્યો હતો. હું કેટલાક મહિનાઓ સુધી અલગ-અલગ જગ્યાએ રોકાયો હતો. મને ઘણી મુશ્કેલીઓ પડી, ક્યારેક ભોજન ન મળ્યું, ક્યારેક દરિયામાં હોડીઓમાં મુશ્કેલી પડી તો કેટલીક વખત લોકોએ પૈસા લૂંટી લીધા."
"મેં 22 જાન્યુઆરીના દિવસે સરહદ પાર કરી હતી. પછી અમે કાયદાકીય પ્રક્રિયા કરીને પોતાને સેનાના હવાલે કર્યા. તેઓ અમને કૅમ્પમાં લઈ ગયા અને અપરાધીઓ જેવું વર્તન કર્યું."
"અમને કહેવામાં નહોતું આવ્યું કે અમને કૅમ્પમાં લઈ જવાઈ રહ્યા છે અને અમારા હાથ અને પગ ચેઇન વળે બાંધી દેવામાં આવ્યા હતા. અમે સેનાનું વિમાન જોયું તો અમે સ્તબ્ધ થઈ ગયા હતા."

ઇમેજ સ્રોત, Kamal Saini/BBC
રૉબિન હાન્ડા કહે છે કે, "આ બહુ મુશ્કેલ રસ્તો છે અને કોઈએ આ રીતે ન જવું જોઈએ."
રૉબિન હાન્ડાના પિતાએ જણાવ્યું કે "દીકરાને અમેરિકા મોકલવામાં 45 લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો હતો."
તેમણે કહ્યું કે, "એજન્સીએ અમારી સાથે દગો કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેઓ એક મહિનો સાથે રહેશે પણ 6-7 મહિના રસ્તા પર વિતાવવા પડ્યા. તેમણે ત્રાસ આપ્યો અને શૉક પણ આપ્યો."
"અમારી પાસે દીકરાને માર મારવાના વીડિયો પણ છે."
તેમણે કહ્યું, "દીકરાને સારી નોકરી મળી જશે એમ વિચારીને જમીન વેચી હતી પણ કંઈ ન થયું."
રૉબિન હાન્ડાનાં દાદીએ પ્યારકૌરે બહુ ગળગળાં થઈ ગયાં હતાં. તેમણે કહ્યું કે, "જમીન વેચીને પણ દીકરાનું કંઈ ન થયું. મારો દીકરો ભૂખ્યો અને તરસ્યો રહ્યો."

ઇમેજ સ્રોત, Kamal Saini/BBC
ફતેહગઢ સાહિબ જિલ્લાના કહાનપુરા ગામના જસવિંદર સિંહ પણ ઑક્ટોબર 2024માં અમેરિકા ગયા હતા.
જસવિંદર સિંહના કાકા કરનૈલ સિંહે બીબીસીને કહ્યું કે," જસવિંદર સિંહને પોલીસ ઘરે મૂકી ગઈ હતી."
જસવિંદર સિંહ અમેરિકા પહોંચ્યા તેના 22 દિવસમાં જ તેમની ધરપકડ થઈ ગઈ હતી.
કરનૈલ સિંહે કહ્યું કે, "જ્યારથી જસવિંદર સિંહ આવ્યા છે તેમની તબિયત સારી નથી, કદાચ તેઓ તણાવમાં છે."
જસવિંદરને આવ્યા બાદ સવારે હૉસ્પિટલમાં દાખલ કર્યા છે. તેમણે કહ્યું કે, "તેમને કૅમ્પમાં ભોજન મળ્યું નહીં. અડધું સફરજન કે જ્યૂસ સિવાય કંઈ નહીં. એ પણ ક્યારેય જ."
જસવિંદર સિંહના એક મોટા ભાઈ છે, બંને ભાઈઓની જમીન છે જેની પર તેઓ ખેતી કરતા હતા.
ગયા વર્ષે એક એજન્ટ મારફતે તેમણે અમેરિકા જવાનું નક્કી કર્યું.
તેઓ કહે છે કે પરિવારે તેમને અમેરિકા મોકલવા માટે 50 લાખ રૂપિયા ખર્ચ્યા હતા.
"આ પૈસા માટે, અમે સોનાનાં ઘરેણાં ગીરવે મૂક્યા હતા અને સંબંધીઓ પાસેથી ઊછાના રૂપિયા લીધા હતા."
વિદેશમંત્રીએ સંસદમાં આ મામલે શું જવાબ આપ્યો?
અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા 104 ભારતીયોને ડિપોર્ટ કરવામાં આવ્યા છે.
અમેરિકામાં ગેરકાયદે રહેતા ગુજરાતીઓ સહિત ભારતીયોને પાછા મોકલાયા પછી સંસદમાં આજે ભારે હંગામો થયો.
વિપક્ષે આ મામલે સરકાર પાસે જવાબ માગ્યો જેના જવાબમાં વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, " બધાના હિતમાં એ જ છે કે આપણે કાયદેસર રીતે જવાને પ્રોત્સાહન આપીએ અને ગેરકાયદેસર રીતે જવાને પ્રોત્સાહિત ન કરવું જોઈએ. આ બધા દેશોની ફરજ છે કે તેઓ વિદેશમાં ગેરકાયદેસર રહેતા પોતાના નાગરિકોને પાછા લે. ડિપોર્ટેશનની પ્રક્રિયા નવી નથી."
રાજ્યસભામાં આ મામલે જવાબ આપતા વિદેશ મંત્રી ડૉ એસ. જયશંકરે કહ્યું કે, "અધિકારીઓને અમેરિકાથી (ડિપોર્ટ કરવામાં આવેલા) પાછા ફરેલી દરેક વ્યક્તિ સાથે બેસી એ જાણવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે કે તેઓ અમેરિકા કેવી રીતે ગયા હતા, એજન્ટ કોણ હતા અને આપણે શું સાવચેતી રાખીએ કે આવું આગળ ન થાય."
રાજ્યસભામાં કૉંગ્રેસના સાંસદ રણદીપસિંહ સુરજેવાલાના સવાલના જવાબમાં વિદેશ મંત્રીએ કહ્યું કે, "અમને જાણકારી છે એ મુજબ 104 ભારતીયોને કાલે પાછા મોકલવામાં આવ્યા છે. અમે જ તેમની નાગરિકતાની ખરાઈ અમે જ કરી છે. આપણે એવું ન દેખાડવું જોઈએ કે આ નવો મામલો છે. આ પહેલાં પણ થતું રહ્યું છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















