ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ વધારવાની નીતિ ભારત સહિત આ દેશોને નુકસાન પહોંચાડે તેવી શક્યતા

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, જેરેમી હૉવેલ અને ઓનર ઇરમ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
વ્હાઇટ હાઉસમાં પોતાનો બીજો કાર્યકાળ શરૂ કર્યા પછી તરત જ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી માલ પર કડક વેરાઓ(ટેરિફ) લાદવાની ધમકી આપી રહ્યા છે.
તેમણે ચીમકી આપી છે કે જ્યાં સુધી કૅનેડા અને મૅક્સિકોની સરકારો ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ અને ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને યુએસમાં પ્રવેશવાથી રોકશે નહીં, ત્યાં સુધી તેઓ આ બંને દેશોમાંથી આવતા માલ પર 25% ટૅક્સ લાદશે.
તેમણે એમ પણ કહ્યું કે તેઓ ચીનથી આયાત થતી વસ્તુઓ પર 10% અને EUમાંથી આવતી વસ્તુઓ પર પણ ટેરિફ લાદશે.
ચીન, મૅક્સિકો અને કૅનેડા અમેરિકા સાથે વેપાર કરતા ત્રણ ટોચના દેશો છે. આ વધુ ટેરિફ લાદવાનો નિર્ણય તેમના અર્થતંત્રને ફટકો પાડી શકે છે. આ ઉપરાંત યુએસના ગ્રાહકો માટે કિંમતોમાં પણ વધારો કરી શકે છે.

ટેરિફ શું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટેરિફ એ આયાતી માલ પરના વેરાઓ અથવા કર કે જકાત છે.
તે માલની આયાત કરતી કંપનીઓ પાસેથી વસૂલવામાં આવે છે નિકાસકાર પાસે નહીં. તે મોટાભાગે આયાતના મૂલ્યના પ્રમાણમાં જ લેવાય છે.
ઉદાહરણ જોઇએ. જો કોઈ કંપની કાર આયાત કરી રહી છે જેની કિંમત $50,000 છે અને તેના પર 25% ટેરિફ લાગુ પડે છે. તો તેણે દરેક કાર પર $12,500 ચાર્જ સરકારને ચૂકવવો પડશે.
આ ટેરિફનો આર્થિક બોજ છેલ્લે કોના પર પડશે તે વધુ જટિલ પ્રશ્ન છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જો યુએસ આયાતકાર કંપની ટેરિફનો બોજ યુએસમાં તેમનાં ઉત્પાદનો ખરીદનાર ગ્રાહકને વસ્તુ ઊંચી કિંમતે આપીને વસુલે તો તેનો આર્થિક બોજ યુએસના નાગરિકો પર જ પડશે.
ટ્રમ્પ ટેરિફની તરફેણ કેમ કરે છે?

ઇમેજ સ્રોત, Reuters
ડોનાલ્ડ ટ્રમ્પે ઘણીવાર કહ્યું છે કે ટેરિફ અમેરિકાની સ્થાનિક નોકરીઓનું રક્ષણ અને તેનું સર્જન પણ કરે છે. તેઓ આ ટેરિફને અમેરિકાના અર્થતંત્રને વિકસાવતા અને કરની આવક વધારવાનાં પગલાં તરીકે જુએ છે.
તેમણે 2024 માં ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું, "મારી યોજના હેઠળ અમેરિકન કામદારોને હવે વિદેશી લોકોના કારણે નોકરી ગુમાવવાની ચિંતા રહેશે નહીં, તેના બદલે વિદેશી દેશોના કામદારોએ અમેરિકામાં તેમની નોકરી ગુમાવવા વિશે ચિંતિત રહેવું પડશે."
બીબીસીના ઇકૉનૉમિક્સ એડિટર ફૈઝલ ઇસ્લામ કહે છે કે, ટ્રમ્પ વૈશ્વિક આર્થિક નકશાને મૂળભૂત રીતે બદલવા માંગે છે. તે ચીન અને યુરોપના અમેરિકા સાથેના વેપારનાં સરપ્લસને ઘટાડવા માંગે છે. જેને તેઓ અમેરિકા સાથેની ઠગાઇ તરીકે જુએ છે.
ટ્રમ્પે એમ પણ કહ્યું છે કે, 2018માં તેમણે રાષ્ટ્રપતિ તરીકે સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર લાદેલી ટેરિફની નીતિએ અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષાનું રક્ષણ કર્યું હતું. કારણકે, તે 'સંરક્ષણ અને ઔદ્યોગિક ક્ષેત્રની બુનિયાદ છે.'
ટ્રમ્પે અગાઉ અપનાવેલી ટેરિફ નીતિ
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
2018 માં ટ્રમ્પે આયાતી વૉશિંગ મશીનો અને સોલાર પૅનલ્સ પર 50% સુધીના ટૅક્સ લાદ્યા હતા. અમેરિકન સરકારે કહ્યું હતું કે આ ક્ષેત્રોમાં અમેરિકન ઉત્પાદકો વિદેશમાંથી 'અન્યાયી સ્પર્ધા'નો સામનો કરી રહ્યા છે.
તેમણે આયાતી સ્ટીલ પર 25% અને આયાતી ઍલ્યુમિનિયમ પર 10% ટૅક્સ પણ લાદ્યા હતા.
મૅક્સિકો અને કૅનેડાથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમ પર આ ટૅક્સ નહોતા લાદવામાં આવતા, કારણ કે અમેરિકાના આ બંને દેશો સાથે મુક્ત વેપારનો કરાર હતો. આ કરાર પહેલા નાફ્ટા તરીકે ઓળખાતો જેને પાછળથી યુનાઇટેડ સ્ટેટ્સ-મૅક્સિકો-કૅનેડા ઍગ્રીમેન્ટ(USMCA) દ્વારા બદલવામાં આવ્યો.
યુરોપિયન યુનિયન કે જે અમેરિકામાં સ્ટીલના સૌથી મોટા નિકાસકારોમાંના એક હતા. તેણે જીન્સ, બોર્બોન વ્હિસ્કી અને હાર્લી ડૅવિડસન મોટરસાઇકલ સહિત 3 અબજ ડૉલરથી વધુ મૂલ્યનાં યુએસથી નિકાસ થતાં માલસામાન પર ટેરિફ લાદીને તેનો બદલો લીધો હતો.
ટ્રમ્પે માંસથી લઈને સંગીતનાં સાધનો સુધીના $360 બિલિયનથી વધુ મૂલ્યનાં ચીની માલસામાન પર પણ ટૅક્સ લાદ્યો. ચીને 110 અબજ ડૉલરથી વધુનાં અમેરિકી ઉત્પાદનો પર ટેરિફ લાદીને તેનો બદલો લીધો હતો.
રાષ્ટ્રપતિ જો બિડેનના શાસનકાળમાં ચીન પરની જકાત મોટાભાગે યથાવત્ રાખવામાં આવી હતી અને ઇલેક્ટ્રિક વાહનો જેવાં ઉત્પાદનો પર નવી જકાત લગાવવામાં આવી હતી.
ટેરિફની અસર

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પની ટેરિફ નીતિથી અમેરિકામાં આયાત ઉત્પાદનનું પ્રમાણ ઘટી ગયું અને સાથે સાથે અન્ય દેશોમાં અમેરિકાના માલની નિકાસની માત્રામાં વધારો થયો.
યુએસ સેન્સસ બ્યૂરો અનુસાર 2018 પહેલાં યુએસની કુલ આયાતમાં ચીની વસ્તુઓનો હિસ્સો 20%થી વધુનો હતો જે હવે ઘટીને 15% કરતાં ઓછો થયો છે.
2023માં મૅક્સિકો ચીનને પછાડીને અમેરિકામાં નિકાસ કરતો નંબર વન દેશ બની ગયો હતો. તે હવે અમેરિકામાં $476 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ કરે છે જ્યારે ચીનમાંથી $427 બિલિયનનાં મૂલ્યનાં માલસામાનની નિકાસ અમેરિકામાં થાય છે.
આનું કારણ એ છે કે ઘણી કંપનીઓ ખાસ કરીને કાર ઉત્પાદકોએ અમેરિકા સાથેના મુક્ત વેપાર કરાર અને ત્યાં ઉત્પાદનના ઓછા ખર્ચનો લાભ લેવા માટે તેમનું ઉત્પાદન મૅક્સિકો ખાતે ખસેડી દીધું હતું.
2023 માં મૅક્સિકો વિશ્વનો સાતમો સૌથી મોટો પૅસેન્જર કારનો ઉત્પાદક દેશ બની ગયો હતો.
અમેરિકા સાથેના મુક્ત વેપાર કરારને કારણે મૅક્સિકો કાર ઉત્પાદનમાં વિશ્વનું કેન્દ્ર બની ગયું છે.
ટ્રમ્પ દ્વારા ચીન પર ભારે ટેરિફ લાદવાના કારણે પૂર્વ એશિયાના અન્ય દેશોનાં માલસામાનની અમેરિકામાં થતી નિકાસમાં વધારો જોવા મળ્યો.
આનું કારણ એ છે કે અમેરિકન ગ્રાહકોને આ દેશોની ચીજવસ્તુઓ ચીની બનાવટ કરતાં સસ્તી પડતી હતી. અને બીજુ કારણ એ પણ છે કે ઘણી ચીની કંપનીઓ યુએસ ટેરિફથી બચવા માટે આ દેશોમાં સ્થળાંતર કરી રહી છે.
"2018 માં જકાતમાં થયેલા વધારાથી ચીનને સૌથી વધુ નુકસાન થયું છે" યુકેમાં યુનિવર્સિટી ઑફ સસેક્સના અર્થશાસ્ત્રી ડૉ. નિકોલો ટેમ્બેરીએ કહેતા ઉમેર્યું કે, "મને લાગે છે કે વિયેતનામ આ ટેરિફની ફેરબદલીમાં સૌથી મોટા વિજેતા તરીકે બહાર આવ્યો છે."
પીટરસન ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ટરનેશનલ ઇકૉનૉમિક્સના જણાવ્યા અનુસાર, યુએસમાં આ ટેરિફથી સ્ટીલ અને ઍલ્યુમિનિયમનાં ઉત્પાદનમાં વધારો થયો. પરંતુ સાથે સાથે ધાતુઓના ભાવમાં પણ વધારો થયો. તે કહે છે કે જેને પરિણામે અન્ય ઉત્પાદન ઉદ્યોગોમાં હજારો લોકોએ નોકરીઓ ગુમાવવી પડી.
પીટરસન ઇન્સ્ટિટ્યૂટ એમ પણ કહે છે કે ટ્રમ્પનાં ટેરિફ પગલાંથી ભાવમાં વધારો થયો જેમાં યુએસ ગ્રાહકોની હાલત સૌથી ખરાબ થઇ.
ટ્રમ્પની હવે ટેરિફ નીતિ કેવી રહેશે?
ટ્રમ્પે ધમકી આપી છે કે જ્યાં સુધી અમેરિકાની સરહદો પારથી સ્થળાંતર કરનારાઓ અને ગેરકાયદેસર રીતે બનાવેલા ફેન્ટાનાઇલ(એક પ્રકારનું ડ્રગ)નો પ્રવાહ બંધ ન થાય ત્યાં સુધી મૅક્સિકો અને કૅનેડાથી આવતા માલ પર 25% ટેરિફ લાદવામાં આવશે.
તે કહે છે કે તે ચીની માલ પર હાલના માલ ઉપરાંત સજાના રૂપે 10% ટેરિફ વધુ લાદવા માંગે છે. અને તેઓ દાવો કરે છે કે 'ગેરકાયદેસર ફેન્ટાનાઇલ બનાવવા માટે વપરાતાં ઘણાં રસાયણો ચીનથી જ આવે છે.'
આનો અમલ 1 ફેબ્રુઆરીથી લાગુ પડી શકે છે.
ટ્રમ્પે EU દેશો પર પણ ટેરિફ લાદવાની ધમકી પણ આપી છે, અને કહ્યું છે કે તેઓ "અમારી સાથે ખૂબ જ ખરાબ વર્તન કરે છે".
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ અબજો ડૉલરની જકાત અમેરિકા પર લગાવવાની ચીમકી સાથે બદલો લેવાનું વચન આપ્યું છે અને તેમણે કહ્યું કે: "કૅનેડા આનો જવાબ આપશે."
ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે વધારાના વેરાના જવાબમાં તે "પોતાનાં રાષ્ટ્રીય હિતોનું રક્ષણ" કરશે.
અમેરિકામાં તેની નિકાસ પર ટેરિફ લાદવાથી મૅક્સિકોમાં બેરોજગારીમાં વધારો થઇ શકે છે.
કૅનેડા અને મૅક્સિકોને નુકસાન થશે?

ઇમેજ સ્રોત, Getty Images
યુકેસ્થિત થિંક ટૅન્ક નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇકૉનૉમિક ઍન્ડ સોશિયલ રિસર્ચના પ્રોફેસર સ્ટીફન મિલાર્ડ કહે છે કે, જો નવી જકાત લાગુ થઈ તો તે મુખ્યત્વે કૅનેડા અને મૅક્સિકોની અર્થવ્યવસ્થાને નુકસાન પહોંચશે.
તે બંને અમેરિકા પર ખૂબ નિર્ભર છે.
મૅક્સિકોથી વિદેશમાં વેચાતા માલમાંથી 83% અને કૅનેડાની તમામ નિકાસમાંથી 76% અમેરિકા જ ખરીદે છે.
પ્રોફેસર મિલાર્ડ કહે છે, "કૅનેડા અમેરિકાને મોટાં પ્રમાણમાં તેલ અને મશીનરી વેચે છે."
તેમના મત અનુસાર, "25% ટેરિફ પાંચ વર્ષ દરમિયાન તેના GDP માં 7.5% ઘટાડો કરી શકે છે. જેને ખૂબ નોંધપાત્ર અસર કહી શકાય."
"જો મૅક્સિકો પર 25% ટેરિફ લાદવામાં આવશે તો કાર પ્લાન્ટ કંપનીઓ સરળતાથી તેમનાં ઉત્પાદનોને તેમના વતનમાં પરત ખસેડી લેશે."
"ટેરિફ પાંચ વર્ષના સમયગાળામાં મૅક્સિકોની GDPમાં 12.5%નો ઘટાડો કરી શકે છે. આ એક ખૂબ મોટો ફટકો હશે."
યુએસ-થિંક ટૅન્ક વિલ્સન સેન્ટર ખાતેની મૅક્સિકો ઇન્સ્ટિટ્યૂટનાં લીલા આબેદ કહે છે કે ટ્રમ્પની આ ટેરિફની ધમકી મૅક્સિકન કામદારો માટે 'વિનાશક' બની રહશે.
તેમણે ઉમેર્યું કે, "લગભગ પાંચ મિલિયન યુએસ નોકરીઓ યુએસ-મૅક્સિકો વેપાર પર આધારિત છે. અને તાજેતરનો એક અભ્યાસ સૂચવે છે કે મૅક્સિકોમાં લગભગ 14.6 મિલિયન નોકરીઓ તેના ઉત્તર અમેરિકન દેશો સાથેના વેપાર પર આધારિત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન















