અમેરિકા ખરેખર કૅનેડાને પોતાના દેશમાં સમાવી લેશે, શું આ શક્ય છે?

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડા અમેરિકા કરતાં 1 લાખ 51 હજાર 150 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં મોટું છે. બીજી તરફ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માગે છે.
જો આવું થાય, તો અમેરિકાનું 51મું રાજ્ય સમગ્ર અમેરિકા કરતાં ક્ષેત્રફળમાં મોટું હશે.
કૅનેડા, નૉર્થ ઍટલાન્ટિક ટ્રીટી ઑર્ગેનાઇઝેશન(NATO)ના સ્થાપક સભ્ય પૈકીનો એક દેશ છે. નાટોની રચના 1949માં બીજા વિશ્વયુદ્ધ પછી થઈ હતી. તેની રચના પછી, નાટોએ જાહેરાત કરી હતી કે જો ઉત્તર અમેરિકા અથવા યુરોપના સભ્ય હોય એવા કોઈ પણ દેશ પર હુમલો થશે, તો સંગઠનમાં સામેલ તમામ દેશ તેને પોતાના પર હુમલો ગણશે. નાટોમાં સામેલ તમામ દેશ એકબીજાની મદદ કરશે.
પરંતુ હવે નાટોનો સંસ્થાપક દેશ અમેરિકા અન્ય સંસ્થાપક દેશ કૅનેડાને પોતાનામાં ભેળવવાની વાત કરી રહ્યો છે.
વાત એમ છે કે, ટ્રમ્પ એવું નથી કહી રહ્યા કે તેઓ કૅનેડાને બળજબરીથી અમેરિકામાં ભેળવી દેશે, પરંતુ ત્યાંના નેતાઓ અને લોકોને તેઓ અપીલ કરી રહ્યા છે કે કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવી દેવું જોઈએ.
બંને દેશ એક કેવી રીતે થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
જો બંને દેશે એક થવું હશે તો તેના માટે કાયદાકીય અને બંધારણીય પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. કૅનેડિયન ન્યૂઝ વેબસાઇટ ટોરોન્ટો સ્ટારે લખ્યું છે કે, મૂળ મુદ્દો એ છે કે બંધારણીય રીતે કૅનેડામાં રાજાશાહી છે અને અમેરિકા એક પ્રજાસત્તાક છે.
"જો તમે રાજાશાહીને પ્રજાસત્તાકમાં રૂપાંતરિત કરવા માગો છો, તો તમારે રાજાના કાર્યાલય સાથે વ્યવહાર કરવો પડશે. આ મામલાને કૅનેડા ઍક્ટ 1982ની કલમ 41 હેઠળ જોવાનો રહેશે. જેના માટે બંધારણમાં સંશોધન કરવું પડશે અને સમગ્ર વ્યવસ્થા બદલવી પડશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હાઉસ ઑફ કૉમન્સ અને ઇલેક્શન્સ કૅનેડાના ભૂતપૂર્વ કાયદાકીય સલાહકાર રહેલા ગ્રેગરી થોર્ડીએ ટોરોન્ટો સ્ટારને આ વાત કહી હતી.
"સાચું કહું તો, મને નથી લાગતું કે તે શક્ય છે. તે પણ ત્યારે જ્યારે કૅનેડાના મોટા ભાગના લોકો અમેરિકામાં જોડાવાની વિરુદ્ધમાં છે. જો બંને દેશો ખરેખર આ અંગે ગંભીરતાથી વિચારે તો વર્ષો નહીં તો મહિનાઓ તો લાગી જ જશે. મને નથી લાગતું કે આ અમેરિકાની પ્રાથમિકતા છે. મને તો આ એક તિકડમ લાગે છે."
કૅનેડિયન ફોર્સિસ કૉલેજના ડિફેન્સ સ્ટડીઝના પ્રોફેસર એડમ ચેપનિકે ટોરોન્ટો સ્ટારને આ વાત જણાવી હતી.
જો અમેરિકા આ બાબતે ખરેખર ગંભીર છે તો તેણે પહેલ કરવી પડશે. તેમણે નવું રાજ્ય ઉમેરવા માટે બંધારણીય પ્રક્રિયા શરૂ કરવી પડશે. આ મામલે માત્ર યુએસ કૉંગ્રેસ જ નિર્ણય લઈ શકે છે.
વૅસ્ટર્ન યુનિવર્સિટીના પૉલિટિકલ સાયન્સના પ્રોફેસર મેથ્યુ લેબોએ ટોરન્ટો સ્ટારને જણાવ્યું હતું કે, "અમેરિકામાં નવું રાજ્ય ઉમેરવા માટે હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ અને સૅનેટ બંને દ્વારા ઠરાવ પસાર કરવો પડશે. બંને ગૃહોમાં પ્રસ્તાવ પસાર કરવા માટે પ્રંચડ બહુમતીની જરૂર પડશે.''
જોકે, પ્યુઅર્ટો રિકો અથવા યુએસ વર્જિન ટાપુઓની જેમ, સામાન્ય રીતે અમેરિકન પ્રદેશ નવું રાજ્ય બની જાય છે. અહીંના લોકો અમેરિકન નાગરિક છે પરંતુ તેમને રાજ્યનો દરજ્જો મળ્યો નથી. રિકોમાં રાજ્યના દરજ્જો અંગે દાયકાઓથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે.
લેબો કહે છે કે, જો કૅનેડા અથવા તેનો એક ભાગ અમેરિકામાં સામેલ થવા માગે છે અને યુએસ કૉંગ્રેસ તેના માટે તૈયાર છે, તો પણ મને નથી લાગતું કે કૅનેડાની સરકાર તેને મંજૂરી આપશે. રાજ્યનો દરજ્જો એક લોહિયાળ પ્રક્રિયા રહી છે તે આપણે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છીએ. જ્યારે અમેરિકાએ મૅક્સિકો પાસેથી ટૅક્સાસ લીધું ત્યારે ચાર વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો અને હજારો લોકોએ જીવ ગુમાવ્યા.
વિકલ્પ ક્યો છે?

ઇમેજ સ્રોત, Getty Images
લેબો કહે છે કે, ''મને નથી લાગતું કે કૅનેડાના કિસ્સામાં કોઈ યુદ્ધ થશે. જો કૅનેડિયનો અમેરિકાનો ભાગ બનવા માગતા ન હોય, તો મને ખબર નથી કે ત્યાં બીજી કઈ રીત હશે?
એવું કહેવાય છે કે છેલ્લો ઉપાય એ હશે કે બંને દેશો વચ્ચે સારો આર્થિક સોદો થાય. એવી આર્થિક સમજૂતી જેમાં ટ્રમ્પને લાગશે કે તે અમેરિકાના હિતમાં છે.
અમેરિકાના સેન્સસ બ્યૂરો અનુસાર, ઑક્ટોબર 2014 સુધીમાં કૅનેડા સાથેના દ્વિપક્ષીય વેપારમાં અમેરિકાને પચાસ અબજ ડૉલરની વ્યાપારી ખાધ હતી. અમેરિકા સૌથી વધુ ક્રૂડઑઇલ કૅનેડામાંથી આયાત કરે છે. જો કૅનેડિયન તેલ દૂર કરવામાં આવે તો અમેરિકન વેપાર સરપ્લસમાં રહેશે.
ટ્રમ્પ આ વ્યાપારી ખાધને અમેરિકા તરફથી કૅનેડાને અપાયેલી સબસિડી તરીકે બતાવે છે. ટ્રમ્પે કહ્યું હતું કે ગયા વર્ષે અમેરિકાએ કૅનેડાને સો અબજ ડૉલરની સબસિડી આપી હતી. જોકે, 2023માં અમેરિકાની કૅનેડા સાથેની વ્યાપારી ખાધ 67 અબજ ડૉલર હતી.
પીપલ્સ પાર્ટી ઑફ કૅનેડાના વડા મૅક્સિમ બર્નિયરે લખ્યું હતું કે, "અમેરિકા વિશે મને એક બાબત જે નથી ગમતી તે એ છે કે તેની નવી રૂઢિચુસ્ત સરકારોનું લશ્કરી અને સામ્રાજ્યવાદી વલણ. આ વલણ ડેમૉક્રેટિક અને રિપબ્લિકન બંને પક્ષમાં છે. દાયકાઓથી તેઓ અન્ય દેશ પર હુમલા કરી રહ્યા છે, સરકારો બદલી રહ્યા છે, બૉમ્બધડાકા કરી રહ્યા છે અને હજારો નિર્દોષ લોકોની હત્યા કરી રહ્યા છે. અમેરિકા આ બધું વિશ્વને સુરક્ષિત બનાવવાના નામે કરે છે. અમેરિકા હજુ પણ 80 દેશોમાં 750 સૈન્યમથકો ધરાવે છે જેથી કરીને તે પોતાના સામ્રાજ્યની સુરક્ષા કરી શકે."
મૅક્સિમ બર્નિયરે લખ્યું હતું કે, "મેં ટ્રમ્પને સમર્થન કર્યું એનું કારણ એ હતું કે તેમણે ખર્ચાળ અને અર્થહીન યુદ્ધોનો વિરોધ કર્યો હતો. તેમણે યુક્રેનમાં રશિયા સાથે અમેરિકાના છદ્મયુદ્ધને સમાપ્ત કરવાની વાત પણ કરી હતી. ઓબામા અને બાઇડન ખુલ્લેઆમ યુદ્ધને પ્રોત્સાહન આપતા હતા. ટ્રમ્પના નેતૃત્વમાં રિપબ્લિકન પાર્ટી શાંતિની તરફેણમાં હોય તેવું લાગી રહ્યું હતું. વિયેતનામથી લઈને અફઘાનિસ્તાન સુધી અમેરિકાનું અપમાન થયું છે. યુક્રેનમાં પણ પરિસ્થિતિ તેમની તરફેણમાં નથી જઈ રહી. રશિયા સામેના પ્રતિબંધ પણ વળતા પ્રહાર જેવા છે.''
મૅક્સિમ બર્નિયરે લખ્યું હતું કે, "ટ્રમ્પ કહે છે કે તેઓ આર્થિક શક્તિનો ઉપયોગ કરશે. મતલબ કે ટ્રમ્પ કૅનેડા સાથે આર્થિક યુદ્ધ શરૂ કરવા માગે છે. ટ્રમ્પ આપણી અર્થવ્યવસ્થાને નષ્ટ કરવા માગે છે. સ્વાભાવિક છે કે તેની અસર અમેરિકા પર પણ પડશે, પરંતુ કૅનેડાની સરખામણીમાં તે ઓછી હશે."
"કૅનેડા અમેરિકા સામેનું કોઈ પણ યુદ્ધ જીતવા માટે સક્ષમ નથી. અમેરિકા સાથેના આર્થિક યુદ્ધમાં પણ આપણે લાંબો સમય ટકી શકીશું નહીં. કૅનેડા આર્થિક રીતે અમેરિકા પર નિર્ભર છે. જો ટ્રમ્પ ખરેખર કૅનેડાને યુનાઇટેડ સ્ટેટ્સમાં જોડવા માગે છે, તો અમે સંપૂર્ણપણે અલગ ગેમમાં જઈ રહ્યા છીએ. જે ખૂબ જ ખતરનાક હશે. દેખીતી રીતે, આનો કોઈ સરળ ઉકેલ નહીં હોય."
ટ્રમ્પ શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ટ્રમ્પે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ કૅનેડા પર 25 ટકા ટેરિફ લગાવવાની ધમકી આપી હતી. આ ચેતવણી બાદ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ટ્રમ્પને મળવા અમેરિકા ગયા હતા પરંતુ તેમને કોઈ ખાતરી મળી ન હતી. આ બેઠક બાદ જ ટ્રમ્પે કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય કહેવાનું શરૂ કર્યું હતું. શરૂ શરૂમાં ટ્રમ્પની આ વાતને કૅનેડિયન નેતાઓએ ગંભીરતાથી લીધી નહોતી.
ટ્રમ્પ અટક્યા નહોતા. ટ્રમ્પની ચેતવણી અને આવાં નિવેદનોની અસર એ થઈ કે કૅનેડાના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપી દીધું હતું અને આખરે જસ્ટિન ટ્રુડોએ પણ રાજીનામું આપવાની જાહેરાત કરી.
આમ છતાં ટ્રમ્પ અટક્યા નથી અને કૅનેડાને અમેરિકન રાજ્ય બનાવવાના વિચારનું પુનરાવર્તન કરતા રહ્યા. પણ હવે કૅનેડાને નેતાઓ ટ્રમ્પને સીધો જવાબ આપી રહ્યા છે.
ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળ (2017-2021)માં 'અમેરિકા ફર્સ્ટ'નો નારો આપ્યો હતો. કૅનેડાને અમેરિકન રાજ્ય બનાવવાનો તેમનો ઇરાદો 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિના અરીસામાં જોવા મળી રહ્યો છે.
અમેરિકન ન્યૂઝ નેટવર્ક સીએનએનએ તેના એક અહેવાલમાં લખ્યું હતું કે, "કૅનેડા હોય, પનામા હોય કે ગ્રીનલૅન્ડ હોય, ટ્રમ્પ પોતાની તરફેણમાં સોદો કરવા માગે છે. ટ્રમ્પ કૅનેડા સાથે એવો સોદો ઇચ્છે છે જેનાથી અમેરિકન ઉત્પાદકોને ફાયદો થાય. જો ટ્રમ્પને આમાં થોડી પણ સફળતા મળશે તો તેઓ તેને મોટી જીત તરીકે રજૂ કરશે. જેમ કે ટ્રમ્પે તેમના પ્રથમ કાર્યકાળમાં યુએસ-મૅક્સિકો-કૅનેડા કરાર કર્યો હતો.''
2020માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધતા ટ્રમ્પે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ તરીકે મેં ભૂતકાળની નિષ્ફળ નીતિઓને ફગાવી દીધી છે. હું ગર્વથી 'અમેરિકા ફર્સ્ટ'ની નીતિને અનુસરી રહ્યો છું. જેમ કે અન્ય દેશો તેમના હિતોને પ્રાથમિકતા આપી રહ્યા છે, મને કોઈ વાંધો નથી, પરંતુ હું પણ કરીશ.''
ટ્રમ્પ પણ તેમના પ્રથમ કાર્યકાળની અનેક સિદ્ધિ પૈકી એક એ ગણે છે કે તેમણે કોઈ નવું યુદ્ધ શરૂ કર્યું નથી. ટ્રમ્પે પોતાના ચૂંટણીપ્રચારમાં એમ પણ કહ્યું હતું કે અમેરિકાએ નવા યુદ્ધમાં ન પડવું જોઈએ. એવામાં જો ટ્રમ્પ નિયંત્રણ માટે પનામા નહેર અથવા ગ્રીનલૅન્ડ પર હુમલો કરે છે તો તે તેમની નીતિ અને વચનોની વિરુદ્ધ હશે.
ટ્રમ્પે મંગળવારે એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું હતું કે તેઓ કૅનેડાને અમેરિકામાં ભેળવવા માટે આર્થિક શક્તિનો ઉપયોગ કરશે. ટ્રમ્પે કહ્યું છે કે જો ડેનમાર્ક, ગ્રીનલૅન્ડ પરનો પોતાનો અંકુશ નહીં છોડે તો તે ખૂબ જ ભારે ટેરિફ લગાવશે. ગ્રીનલૅન્ડ ડેનમાર્કનો સ્વાયત્ત પ્રદેશ છે અને તે મૂલ્યવાન ખનિજ સંસાધનોથી ભરેલો છે.
કૅનેડાના લોકો શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, Getty Images
ડેનમાર્ક પણ નાટોનું સભ્ય છે. જો ટ્રમ્પ ગ્રીનલૅન્ડના નિયંત્રણ માટે ડેનમાર્ક સાથે યુદ્ધમાં ઊતરે છે, તો નાટોની સંપૂર્ણ વિભાવના તૂટી જશે. અમેરિકન મીડિયામાં એવું કહેવાઈ રહ્યું છે કે ટ્રમ્પ આ દેશોને ટેરિફની ધમકી આપીને તેમને ઝુકાવવા માગે છે જેથી તેઓ તેમની ઇચ્છા મુજબ નફાકારક સોદો કરી શકે.
એવું પણ કહેવાય છે કે ટ્રમ્પની વિસ્તરણવાદી નીતિ તેમના સમર્થકોને ખુશ કરી શકે છે, પછી ભલે તેમાંથી કશું નક્કર ન થાય. આ વિસ્તરણવાદી ઇરાદાને આગળ વધારતા ટ્રમ્પે કહ્યું હતું કે ટૂંક સમયમાં તેઓ ગલ્ફ ઑફ મૅક્સિકોનું નામ બદલીને 'ગલ્ફ ઑફ અમેરિકા' કરશે.
મોટી સંખ્યામાં ટ્રમ્પના સમર્થકોએ સોશિયલ મીડિયા પર તેની પ્રશંસા કરી હતી. રિપબ્લિકન નેતા અને પૂર્વ સાંસદ મેટ ગેઝે લખ્યું - અમે અમારું ગલ્ફ પાછું લઈ રહ્યા છીએ.
ટ્રમ્પ વિશે એવું કહેવાય છે કે તેઓ વિશ્વના કોઈ પણ નેતાનું અપમાન કરવામાં ઉદાર નથી પરંતુ કોઈને કોઈ સ્વરૂપે તેઓ બદલો લે છે. ટ્રમ્પને લાગે છે કે કૅનેડિયનો પણ અમેરિકામાં જોડાવાનું પસંદ કરશે.
ટ્રુડોના રાજીનામા પછી ટ્રમ્પે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, "કૅનેડામાં મોટા ભાગના લોકો અમેરિકાનું 51મું રાજ્ય બનવાનું પસંદ કરશે. જસ્ટિન ટ્રુડો આ જાણે છે અને રાજીનામું આપ્યું છે. જો કૅનેડા અમેરિકા સાથે ભળી જાય તો ત્યાં કોઈ ટેરિફ નહીં હોય, ટૅક્સ પણ ઘણો ઘટી જશે અને ચીન તેમજ રશિયાનો કોઈ ખતરો નહીં રહે.''
મંગળવારે પ્રેસ-કૉન્ફરન્સમાં ટ્રમ્પ વધુ આક્રમક દેખાયા હતા. તેમણે કહ્યું હતું કે, "અમે દર વર્ષે કૅનેડાને બસ્સો અબજ ડૉલરની સબસિડી ન આપી શકીએ."
ટ્રમ્પે એવો પણ દાવો કર્યો છે કે કૅનેડાના હોકી ખેલાડી વેઈન ગ્રેક્સીએ વડા પ્રધાનપદની ચૂંટણી લડવા માટે તેમનો સંપર્ક કર્યો હતો.
ટ્રમ્પે કહ્યું હતું કે, "વેઈને મને પૂછ્યું હતું કે, શું હું વડા પ્રધાનની ચૂંટણી લડવા જઈ રહ્યો છું કે રાજ્યપાલની? મેં તેને કહ્યું કે મને ખબર નથી, ચાલો તેમને રાજ્યપાલ બનાવીએ. હું રાજ્યપાલની ચૂંટણીને પ્રાધાન્ય આપીશ.''
કૅનેડામાં એક સંસ્થા છે જે લેઝર પોલ ડેટા એકત્રિત કરે છે. જ્યારે ટ્રમ્પે કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની ઑફર કરી ત્યારે લેઝર પોલે કૅનેડાની અંદર એક સર્વે હાથ ધર્યો હતો કે કૅનેડિયનો ખરેખર અમેરિકામાં જોડાવા માગે છે કે કેમ?
લેઝર પોલમાં માત્ર 13 ટકા કૅનેડિયન નાગરિકોએ કહ્યું કે તેઓ અમેરિકન સ્ટેટ બનવા માગે છે. કુલ 87 ટકા લોકોએ ટ્રમ્પના વિચારને નકારી કાઢ્યો હતો. લેઝરે 6થી 9 ડિસેમ્બરની વચ્ચે આ મતદાન કર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












