કૅનેડામાં જસ્ટિન ટ્રુડોના રાજીનામા બાદ ભારત સાથે સંબંધોમાં સુધારો થશે?

બીબીસી ગુજરાતી ભારત કૅનેડા વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો રાજીનામું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોની વિદેશ નીતિ સામે ઘણા પ્રશ્નો ઊભા થયા હતા
    • લેેખક, હિમાંશુ દુબે અને અભય સિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

કૅનેડા અત્યારે ચર્ચામાં છે. કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ સોમવારે પોતાની સત્તાધારી લિબરલ પાર્ટીના નેતાના પદેથી અને વડા પ્રધાનપદ પરથી રાજીનામું આપ્યું હતું.

ટ્રૂડોએ એક પત્રકાર પરિષદમાં પોતાના રાજીનામાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના નેતાના પદેથી રાજીનામું આપે છે અને આગામી નેતા ચૂંટાયા બાદ પીએમનું પદ છોડી દેશે.

વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોના રાજીનામાની ભારત પર કેવી અસર પડશે? શું ભારતે આનાથી ખુશ થવાની જરૂર છે? લિબરલ પાર્ટીના નવા નેતા ભારત માટે કેવા સાબિત થશે?

આવા જ કેટલાક સવાલોના જવાબ જાણવા માટે બીબીસીએ આંતરરાષ્ટ્રીય રાજકીય બાબતોના નિષ્ણાતો સાથે વાત કરી. નિષ્ણાતો માને છે કે જસ્ટિન ટ્રૂડોની વિદાય સાથે કૅનેડા સાથેના ભારતના સંબંધોમાં સુધારો થવાની અપેક્ષા છે.

શું ભારતે રાજી થવાની જરૂર છે?

બીબીસી ગુજરાતી ભારત કેનેડા વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, સપ્ટેમ્બર 2023માં જી20 શિખર મંત્રણા દરમિયાન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો વચ્ચે મુલાકાત થઈ હતી.

નવી દિલ્હી સ્થિત ઑબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યયન અને વિદેશ નીતિ વિભાગના ઉપપ્રમુખ પ્રોફેસર હર્ષ વી. પંત માને છે કે "છેલ્લા કેટલાક સમયથી મને લાગે છે કે જ્યાં સુધી ટ્રૂડો કૅનેડાના વડા પ્રધાન રહેશે, ત્યાં સુધી ભારત-કૅનેડા સંબંધોમાં જે નવા વળાંકની જરૂર છે તે શક્ય નહીં બને."

તેમણે કહ્યું, "ટ્રૂડોએ આ સંબંધોને અંગત રીતે લીધા અને આ મુદ્દા પર જે પ્રકારની ગંભીરતા દેખાડવાની હતી તે દેખાડી રહ્યા ન હતા. આનાથી બંને દેશોના સંબંધોને ઘણું નુકસાન થયું હતું."

હકીકતમાં જસ્ટિન ટ્રૂડો છેલ્લા કેટલાક સમયથી સતત ભારત વિરોધી નિવેદનો આપી રહ્યાં હતાં. આ દરમિયાન કૅનેડાએ સ્ટુડન્ટ વિઝા સંબંધિત એક નિર્ણય લીધો હતો જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી ગઈ હતી.

આ બધાં કારણોથી જ ભારત અને કૅનેડા વચ્ચે તણાવ જોવા મળે છે.

વૉશિંગ્ટન ડીસીના વિલ્સન સેન્ટર થિંક ટૅન્કમાં સાઉથ એશિયા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર માઇકલ કુગેલમેન પણ ભારત અને કૅનેડાના સંબંધો અંગે આવો જ મત ધરાવે છે.

તેમણે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું છે, "ટ્રૂડોના રાજીનામાથી ભારત-કૅનેડાના કથળેલા સંબંધોને સ્થિર કરવાની એક તક મળી શકે છે."

તેઓ લખે છે કે, "ભારતે દ્વિપક્ષીય સંબંધોમાં ઊંડે સુધી ફેલાયેલી સમસ્યાઓ માટે ટ્રૂડોને જ સીધા જ જવાબદાર ઠેરવ્યા છે. તાજેતરનાં વર્ષોમાં કૅનેડા એકમાત્ર પશ્ચિમી દેશ છે જેના ભારત સાથેના સંબંધો સતત બગડ્યા છે."

શું હવે રાજદ્વારી સંબંધોમાં ફેરફાર થશે?

બીબીસી ગુજરાતી ભારત કેનેડા વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નિષ્ણાતો માને છે કે ટ્રૂડોની વિદાય પછી પણ ભારત- કૅનેડા સંબંધોમાં કેટલીક સમસ્યાઓ રહેશે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

તો શું હવે ભારત અને કેનેડા વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં પરિવર્તન આવશે? આ સવાલના જવાબમાં પ્રોફેસર પંત કહે છે કે જ્યારે પણ આવો ફેરફાર થાય છે ત્યારે પરિવર્તનની આશા હોય છે.

તેમણે કહ્યું, "જ્યારે નવું વહીવટીતંત્ર આવશે ત્યારે તે નવી શરૂઆત કરશે. નવા વડા પ્રધાન અને નવા વહીવટીતંત્ર પાસેથી નવી આશા છે. પરંતુ, લિબરલ પાર્ટીના પોતાના પડકારો છે એ વાત નક્કી છે."

"ઑક્ટોબરમાં ચૂંટણી થવાની છે તેથી ચૂંટણીને ઘણી વાર છે. લિબરલ પાર્ટી પાસે જે બેઠકો છે તેમાં એવા ઘણા નેતાઓ છે તે શિખ સમુદાયમાંથી આવે છે."

"જે લોકો કટ્ટરવાદી શિખ સમુદાયની વર્તણૂકને ટેકો આપે છે. તેથી મને લાગે છે કે એટલી બધી વધારે આશાઓ રાખવી થોડી અસ્વભાવિક ગણાશે."

"જ્યાં સુધી ચૂંટણી ન થાય, ત્યાં સુધી મને લાગે છે કે સમસ્યા રહેશે. કારણ કે લિબરલ પાર્ટીએ પોતાની બેઠકો જાળવવી પડશે. પછી ટ્રૂડો લીડ કરે કે પછી બીજું કોઈ આગેવાની સંભાળે."

ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલનો પણ આવો જ મત છે. તેમણે ઍક્સ પર લખ્યું છે, "ટ્રૂડોએ પોતાના રાજીનામાની જાહેરાત કરી દીધી જે સારી વાત છે."

"તેમણે પોતાની બેજવાબદાર નીતિઓના કારણે ભારત-કૅનેડાના સંબંધોને નુકસાન પહોંચાડ્યું. પરંતુ કૅનેડામાં શિખ કટ્ટરવાદની સમસ્યા ખતમ નહીં થાય. કારણ કે આ તત્ત્વોએ કૅનેડાની રાજકીય સિસ્ટમમાં ઊંડે સુધી પોતાની જગ્યા બનાવી લીધી છે."

કન્ઝર્વેટિવ પાર્ટી આવવાથી સંબંધો સુધરશે?

આવામાં સવાલ પેદા થાય છે કે કૅનેડામાં કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા વડા પ્રધાન બને તો ભારત પ્રત્યે તેમનું વલણ કેટલી હદે અલગ હશે.

પ્રોફેસર પંત કહે છે, "બિલકુલ, મને લાગે છે કે આવું થશે. કારણ કે ટ્રૂડો પહેલાં તમે સ્ટીફન હાર્પર વિશે વાત કરો, જેઓ કન્ઝર્વેટિવ કાર્યકાળમાં વડા પ્રધાન હતા, તો ભારત-કૅનેડા સંબંધોમાં એક નવું પરિમાણ ઉમેરાયું હતું."

"ટ્રૂડો પીએમ બન્યા તેનાથી અગાઉ વડા પ્રધાન મોદી ત્યાં ગયા હતા. તે વખતે સ્ટીફન હાર્પર વડા પ્રધાન હતા. બંને દેશો વચ્ચે એક મોટી ભાગીદારીનો રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો."

"પછી ટ્રૂડો આવ્યા. તેમણે પોતાની રીતે કામ કર્યું. તેનું નુકસાન ભારત અને કૅનેડાના સંબંધોમાં થયું. મને લાગે છે કે કન્ઝર્વેટિવ પાર્ટી આવે તો ભારત-કૅનેડાના સંબંધોને ફાયદો થવો જોઈએ."

જોકે, પ્રોફેસર પંત એવું પણ કહે છે કે જે સમસ્યાઓ છે તેને સાવ અવગણવામાં આવશે એવું માનવું પણ યોગ્ય નથી.

તેમણે કહ્યું, "આ સમસ્યાઓ તો રહેવાની છે. પરંતુ સમસ્યાઓને કઈ રીતે ઉકેલવામાં આવે છે તે મહત્ત્વપૂર્ણ છે. ખાસ કરીને એવા દેશો માટે જેઓ પોતાને સ્ટ્રેટેજિક પાર્ટનર કહે છે."

જસ્ટિન ટ્રૂડોને તેમની વિદેશ નીતિ નડી ગઈ?

બીબીસી ગુજરાતી ભારત કેનેડા વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો હરદીપ સિંહ નિજ્જર

ઇમેજ સ્રોત, X/VIRSA SINGH VALTOHA

ઇમેજ કૅપ્શન, હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી ભારત-કૅનેડાના સંબંધોને ફટકો પડ્યો હતો.

શું ટ્રૂડોની વિદેશ નીતિ તેમના પર ભારે પડી ગઈ હતી?

આ સવાલના જવાબમાં પ્રોફેસર પંતે કહ્યું કે, ટ્રૂડોનું જે રાજકીય પતન થયું, તે આંતરિક કારણોથી જ થયું છે.

તેમણે કહ્યું, "તેમને જ્યારે લાગ્યું કે રાજનીતિમાં હું નબળો પડી રહ્યો છું, ત્યારે તેમણે વિદેશ નીતિમાં કંઈક નવું કરવા માટે કોશિશ કરી. જેમ કે તેમણે પહેલાં તો ભારત સાતે વિવાદ શરૂ કર્યો."

"પછી તાજેતરમાં જ તેમણે કહ્યું હતું કે હું ટ્રમ્પને મળીશ. ટૅરિફ ઘટાડવામાં આવે તે માટે પ્રયત્નો કરીશ. તેનું પરિણામ પણ આપણને જોવા મળ્યું કે તે કઈ રીતે તેમના પર ભારે પડ્યું હતું."

પંતે જણાવ્યું, "મને લાગે છે કે ટ્રૂડો જે રીતે વિદેશ નીતિના મામલામાં નિષ્ફળ ગયા, તેના કારણે કૅનેડાના મતદારોને એ વિચારવાની ફરજ પડી કે હાલનું નેતૃત્વ અને વડા પ્રધાન આપણા માટે યોગ્ય છે કે નથી."

છેલ્લા કેટલાક સમયથી જસ્ટિન ટ્રૂડોને કૅનેડામાં વિપક્ષી પાર્ટીઓ તેમજ તેમની પોતાની પાર્ટીના નેતાઓની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

કૅનેડાનાં નાયબવડાં પ્રધાન અને નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડે વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો સાથેના ઘર્ષણ પછી તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું, તે આ વાતનો પુરાવો છે.

સંરક્ષણ બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાની પણ જસ્ટિન ટ્રૂડોના રાજીનામા અંગે આવો જ અભિપ્રાય ધરાવે છે.

તેમણે ઍક્સ પર લખ્યું છે, "કૅનેડાની ત્રણ મોટી સમસ્યાઓ 'ટી'થી શરૂ થાય છેઃ ટ્રૂડો, ટેરરિઝમ (જેનું સૌથી મોટું ઉદાહરણ ઍર ઇન્ડિયા બૉમ્બ વિસ્ફોટ છે), અને ટૅરિફ."

"હવે ટ્રમ્પની ધમકીના કારણે લગભગ એક દાયકાથી સત્તા પર રહ્યા પછી ટ્રૂડોને રાજીનામું આપવાની ફરજ પડી છે."

રાજીનામું આપ્યા પછી ટ્રૂડોએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી ભારત કેનેડા વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવા નેતા ન ચૂંટાય ત્યાં સુધી જસ્ટિન ટ્રૂડો કૅનેડાના વડા પ્રધાનપદે રહેશે

જસ્ટિન ટ્રૂડોએ રાજીનામું આપ્યા પછી કહ્યું, "વડા પ્રધાન તરીકે દરેક દિવસે સેવા આપવી એ મારા માટે ગર્વની વાત છે. અમે રોગચાળા દરમિયાન સેવા આપી, મજબૂત લોકશાહી માટે કામ કર્યું, વેપારને સુધારવા માટે કામ કર્યું. તમે બધા જાણો છો કે હું ફાઇટર છું."

તેમણે કહ્યું, "હું 2015માં વડા પ્રધાન બન્યો ત્યારથી હું કૅનેડા અને તેનાં હિતોની રક્ષા માટે કામ કરી રહ્યો છું. મેં મધ્યમ વર્ગને મજબૂત બનાવવાનું કામ કર્યું. રોગચાળા દરમિયાન દેશને એકબીજાને ટેકો આપતા જોયો હતો."

જોકે, પ્રોફેસર પંતે જણાવ્યું કે ટ્રૂડોની વિદાય લેવી પડશે તે વાત તો ઘણા સમયથી ચાલતી હતી. લિબરલ પાર્ટી માટે આ જરૂરી હતું. કૅનેડાના રાજકારણ માટે પણ જરૂરી હતું.

તેમણે કહ્યું, "કૅનેડામાં એક પ્રકારે ગુંચવણની સ્થિતિ હતી. મને લાગે છે કે ભારત અને કૅનેડાના સંબંધો માટે પણ આ જરૂરી હતું."

"કારણ કે એવું માનવામાં આવતું હતું કે જેટલા લાંબા સમય સુધી ટ્રૂડો સત્તા પર રહેશે, ત્યાં સુધી ભારત અને કૅનેડાના સંબંધોમાં સુધારો નહીં થાય."

"તેમના ગયા પછી ભારત અને કૅનેડાના સંબંધોમાં કેટલો ઝડપથી બદલાવ આવે છે તે જોવાનું રહેશે."

ભારત-કૅનેડાના સંબંધો કેમ બગડ્યા?

જૂન 2023માં કૅનેડાના વાનકુવર નજીક 45 વર્ષીય ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરને કેટલાક બંદૂકધારીઓ દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડોએ આ હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ લગાવ્યો હતો. ત્યાર પછી ભારત અને કૅનેડાના સંબંધોમાં તણાવ વધ્યો.

ત્યાર બાદ અમેરિકન અખબાર 'વૉશિંગ્ટન પોસ્ટે' સૂત્રોને ટાંકીને લખ્યું કે ભારતના ગૃહમંત્રી અમિત શાહે જ કૅનેડામાં શિખ અલગતાવાદી નેતાઓ વિરુદ્ધ અભિયાન ચલાવવાના આદેશ આપ્યા હતા.

29 ઑક્ટોબર, 2024ના રોજ કૅનેડા સરકારના નાયબવિદેશ મંત્રી ડૅવિડ મોરિસને દેશની નાગરિક સંરક્ષણ અને રાષ્ટ્રીય સુરક્ષા સમિતિને જણાવ્યું હતું કે ભારત સરકારના એક વરિષ્ઠ મંત્રીએ કૅનેડિયન નાગરિકોને ધમકી આપવા અથવા તેમની હત્યા કરવાના અભિયાનને મંજૂરી આપી છે. ત્યાર પછી મામલો વધુ વણસી ગયો.

હકીકતમાં કૅનેડામાં ખાલિસ્તાનના ટેકેદારો દ્વારા ભારત વિરોધી વિરોધપ્રદર્શન અને ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા બાદ ભારત અને કૅનેડાના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે.

કૅનેડાનો આરોપ છે કે ખાલિસ્તાન તરફી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે, જ્યારે ભારત આ વાતનો ઇન્કાર કરે છે.

ભારત અને કૅનેડા વચ્ચે વ્યાપાર

ભારત સરકારના વાણિજ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગયા નાણાકીય વર્ષ (2023-2024)માં 31 માર્ચ સુધીમાં કૅનેડા અને ભારત વચ્ચે 8.4 અબજ ડૉલરનો દ્વિપક્ષીય વ્યાપાર થયો હતો.

ભારત કૅનેડામાં હીરા, આભૂષણો, કિંમતી પથ્થરો, દવાઓ, રેડીમેડ કપડાં, ઑર્ગેનિક રસાયણો અને હળવા એન્જિનિયરિંગ માલની નિકાસ કરે છે, ખાસ કરીને કૅનેડામાં.

તેની સામે ભારત કૅનેડા પાસેથી કઠોળ, ન્યૂઝપ્રિન્ટ, લાકડાનો પલ્પ, ઍસ્બેસ્ટોસ, પોટાશ, આયર્ન સ્ક્રેપ, કૉપર અને ઔદ્યોગિક રસાયણોની આયાત કરે છે.

નૅશનલ ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન ઍન્ડ ફેસિલિટેશન એજન્સી (ઇન્વેસ્ટ ઇન્ડિયા) મુજબ ભારતમાં વિદેશી રોકાણકારોમાં કૅનેડા 18મા ક્રમે છે.

2020-21થી 2022-23 સુધીમાં ભારતમાં કૅનેડાનું કુલ રોકાણ 3.31 અબજ ડૉલર હતું. જોકે, કૅનેડાનું આ રોકાણ ભારતમાં કુલ એફડીઆઈના અડધા ટકા જેટલું જ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.