કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આપ્યું રાજીનામું, કહ્યું - દેશને નવા નેતા ન મળે ત્યાં સુધી પદ પર રહેશે

ઇમેજ સ્રોત, Getty Images
કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સત્તાધારી લિબરલ પાર્ટીના નેતા અને વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું છે. લિબરલ પાર્ટીના નવા નેતા ચૂંટાવવા સુધી તેઓ વડા પ્રધાન તરીકે રહેશે.
ટ્રુડોએ કહ્યું કે તેઓ પાર્ટીના નેતાના પદેથી રાજીનામું આપે છે અને આગામી નેતા ચૂંટાયા બાદ તેઓ વડા પ્રધાનપદેથી હઠી જશે.
સોમવારે એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને જસ્ટિન ટ્રુડોએ રાજીનામાની જાહેરાત કરતાં કહ્યું હતું કે, "વડા પ્રધાન સ્વરૂપે દરરોજ સેવા કરવું એ મારા માટે ગર્વની વાત રહી. અમે મહામારી દરમિયાન સેવા કરી, મજબૂત લોકશાહી માટે કામ કર્યું, સારા કારોબાર માટે કામ કર્યું. તમને બધાને ખ્યાલ છે કે હું ફાઇટર છું."

ઇમેજ સ્રોત, CPAC
આ સાથે જ જસ્ટિન ટ્રુડોના નવ વર્ષના શાસનનો અંત આવી રહ્યો છે.
એવું કહેવામાં આવી રહ્યું છે કે મતદારોમાં જસ્ટિન ટ્રુડોની ઘટતી લોકપ્રિયતાને કારણે લિબરલ પાર્ટીની અંદરથી જ રાજીનામું આપવાનું દબાણ હતું.
કૅનેડામાં આ વર્ષે ઑક્ટોબર પહેલાં ચૂંટણી યોજાવાની છે.
ટ્રુડો છેલ્લા કેટલાક સમયથી માત્ર વિદેશી મોરચે જ સંઘર્ષ કરી રહ્યા છે એવું નથી, પરંતુ સ્થાનિક રાજકારણમાં પણ તેમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે.
સર્વેમાં કહેવામાં આવી રહ્યું છે કે તેમની પાર્ટી ચૂંટણી હારી શકે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
રસપ્રદ વાત એ છે કે પાડોશી દેશ અમેરિકામાં ટ્રમ્પ 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિની કમાન સંભાળવા જઈ રહ્યા છે ત્યારે ટ્રુડોએ તેમના રાજીનામાની જાહેરાત કરી દીધી છે.
ટ્રમ્પે કૅનેડા પર 25 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી છે.
ટ્રમ્પની આ ચેતવણી બાદ ટ્રુડો તેમને મળવા અમેરિકા ગયા પરંતુ તેમને કોઈ ખાતરી મળી ન હતી. ટ્રમ્પે પણ કૅનેડાને 51મું રાજ્ય કહેવાનું શરૂ કર્યું હતું.
ટ્રુડોના સમયમાં ભારત-કૅનેડાના સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વર્ષ 2023માં કૅનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા થઈ અને કૅનેડાએ આ હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યું. જોકે, ભારતે કૅનેડાના આરોપો ફગાવી દીધા હતા. જોકે, એ બાદ બંને દેશોએ પોતપોતાના રાજદ્વારીઓને પરત બોલાવી લીધા હતા.
નિજ્જરની હત્યાના મામલામાં કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો હતો કે આ હત્યામાં ભારતીય એજન્ટોની સામેલગીરીના પુરાવા છે, પરંતુ ભારત સરકારે તપાસમાં સહયોગ કરવાની ના પાડી દીધી છે.
ભારતના વિદેશ મંત્રાલયે ત્યારે કહ્યું હતું કે, "ભારત સરકારે આ પાયાવિહોણા આરોપોને નકારે છે. કૅનેડાની ટ્રુડો સરકારે વોટબૅન્ક માટે આવું કરી રહી છે."
ભાર, કૅનેડાથી એવા લોકો પર કાર્યવાહીની વાત કરતું રહ્યું છે, પરંતુ કૅનેડાએ ભારતની આપત્તિ પર ધ્યાન નથી આપ્યું.
વર્ષ 2014માં વડા પ્રધાન બન્યા બાદતી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2015માં માત્ર એક વખત કૅનેડાની યાત્રા કરી હતી. વર્ષ 1973 બાદ ભારતના કોઈ વડા પ્રધાનની આ પ્રથમ કૅનેડાયાત્રા હતી. વર્ષ 2015ના અંતમાં જસ્ટિન ટ્રુડો વડા પ્રધાન બન્યા અને એ સમયથી માંડીને અત્યાર સુધી વડા પ્રધાન મોદી કૅનેડા ગયા નથી.
જોકે, જસ્ટિન ટ્રુડો અત્યાર સુધી ઓછામાં ઓછું બે વખત ભારત આવી ચૂક્યા છે. પ્રથમ વખત વર્ષ 2018માં રાજકીય યાત્રા માટે અને બીજી વખત સપ્ટેમ્બર 2023માં જી-20 શિખર સંમેલન માટે.
2018માં જસ્ટિન ટ્રુડોનો ભારતપ્રવાસ બંને દેશો વચ્ચે તણાવનું એક મોટું કારણ બની ગયું હતું.
ત્યારે ભારતમાં કૅનેડા દૂતાવાસે 'ખાલિસ્તાન સમર્થક' જસપાલ અટવાલને ટ્રુડો સાથે ડિનર માટે આમંત્રિત કર્યા હતા. મામલો આગળ વધતા દિલ્હીના કાર્યક્રમ માટે અટવાલનું નિમંત્રણ રદ કરી દેવાયું હતું.
જસપાલ અટવાલ એક શીખ અલગતાવાદી હતા અને પ્રતિબંધિત સંગઠન ઇન્ટરનૅશનલ શીખ યૂથ ફેડરેશન સાથે જોડાયેલા રહ્યા છે. વર્ષ 1986માં વૅંકુવર (કૅનેડા)માં પંજાબના મંત્રી મલકિયતસિંહ સિદ્ધુની હત્યાની કોશિશ માટે અટવાલને કોર્ટે દોષિત જાહેર કર્યા હતા.
વિવાદ પહેલાં ટ્રુડોનું ભારતમાં ઠંડું સ્વાગત કરાયું. ટ્રુડો ભારતમાં જુદાં જુદાં સ્થળોએ ગયા, પરંતુ એવું લાગી રહ્યું હતું કે વડા પ્રધાન મોદી તેમને સમય ફાળવવા માગતા નહોતા. યાત્રાના અંત ભાગમાં તેઓ વડા પ્રધાન મોદીને મળ્યા અને એ દરમિયાન તેમણે એક મહત્ત્વપૂર્ણ વાત જણાવી.
મોદીએ કહ્યું, "સંપ્રદાયનું રાજકારણના હેતુ માટે ઉપયોગ કરનારા અને વિભાજનની વાત કરનારા માટે કોઈ સ્થાન ન હોવું જોઈએ."
કુલ્લે ટ્રુડોની આ રાજકીય યાત્રા 'કૂટનીતિક આપદા'માં ફેરવાઈ ગઈ.
હાલમાં બંને દેશો વચ્ચેના સંબંધો જે તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે, તેનાથી બંને દેશો વચ્ચે સંબંધો સામાન્ય થવાની કોઈ સંભાવના હાલ નથી દેખાઈ રહી.
કોણ લઈ શકે ટ્રુડોની જગ્યા?
લિબરલ પાર્ટીમાં કેટલાક એવા નેતાઓ છે જેમને ટ્રુડોના સંભવિત વિકલ્પ તરીકે ગણવામાં આવી રહ્યા છે.
ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડઃ ભૂતપૂર્વ નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડ એક હાઈ-પ્રોફાઇલ અને જાણીતો ચહેરો છે. ફ્રીલૅન્ડ આર્થિક બાબતોનાં નિષ્ણાત છે અને 2013થી કૅનેડાની સંસદનો ભાગ છે. 2015ની ચૂંટણી જીત્યા બાદ તેમને પ્રથમ વખત કૅબિનેટમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. તેમને 2020માં નાણામંત્રી બનાવવામાં આવ્યાં હતાં અને તેઓ 2024 સુધી આ પદ પર રહ્યાં હતાં.
ડૉમિનિક લૅબ્લેન્ક: ક્રિસ્ટિયા ફ્રીલૅન્ડના રાજીનામા પછી ડૉમિનિક લૅબ્લેન્કને કૅનેડા સરકારમાં નાણામંત્રી બનાવવામાં આવ્યા હતા. લૅબ્લેન્ક વ્યવસાયે વકીલ છે અને નાણામંત્રી સાથે આંતર-સરકારી બાબતોના મંત્રી પણ છે. ડૉમિનિક લૅબ્લેન્ક ભૂતપૂર્વ ગવર્નર જનરલ રોમિયો લૅબ્લેન્કના પુત્ર છે અને 2008માં લિબરલ પાર્ટીના નેતૃત્વની દોડમાં સામેલ હતા.
સીન ફ્રેઝર: એક કૅનેડિયન રાજકારણી છે, જેમણે 2015થી 2024 સુધી કૅનેડિયન ટ્રુડો કૅબિનેટમાં અનેક કૅબિનેટ હોદ્દાઓ પર સેવા આપી છે. ફ્રેઝર જુલાઈ 2023થી ડિસેમ્બર 2024 સુધી હાઉસિંગ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને કૉમ્યુનિટીઝ વિભાગોના મંત્રી હતા. આ પહેલાં તેઓ ઈમિગ્રેશન, રેફ્યૂજી અને સિટીઝનશિપ મંત્રી તરીકે કામ કરી ચૂક્યા છે.
માર્ક કોર્નીઃ બૅન્ક ઑફ કૅનેડા અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ગવર્નર માર્ક કોર્ની તેમની નાણાકીય કુનેહ માટે જાણીતા છે. તેમની પાસે સક્રિય રાજકીય અનુભવનો અભાવ છે, પરંતુ વૈશ્વિક આર્થિક બાબતોને સમજવા માટે કોર્નીની ઓળખ અને પ્રતિષ્ઠા તેમને સંભવિત ઉમેદવાર બનાવે છે.
ક્રિસ્ટી ક્લાર્ક: ક્રિસ્ટી જૉન ક્લાર્ક 2011 થી 2017 સુધી કૅનેડિયન રાજ્ય બ્રિટિશ કૉલમ્બિયાનાં 35માં પ્રીમિયર રહી ચૂક્યાં છે. ક્લાર્ક 1991માં રીટા જૉહ્નસ્ટન પછી બ્રિટિશ કોલંબિયાના પ્રીમિયર બનનારાં બીજાં મહિલા હતાં. તેમણે 2005માં રાજકારણ છોડી દીધું હતું અને રેડિયો ટૉક શો હોસ્ટ બન્યાં. આ પછી તેઓ 2010ના અંતમાં રાજકારણમાં પાછાં આવ્યાં અને પછીના વર્ષે બ્રિટિશ કોલંબિયાનાં પ્રીમિયર બન્યાં.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












