ડોનાલ્ડ ટ્રમ્પ કૅનેડા, ગ્રીનલૅન્ડ અને પનામા નહેર પર કબજો કેમ ઇચ્છે છે?

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ગ્રીનલૅન્ડ, કૅનેડા, જસ્ટિન ટ્રૂડો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય અને ટ્રુડોને તેના ગવર્નર તરીકે ઓળખાવે છે

અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી કૅનેડા, ગ્રીનલૅન્ડ અને પનામા નહેર પર અમેરિકાનો કબજો થાય તેવી ઇચ્છા વ્યક્ત કરી છે. તેઓ કૅનેડાને વારંવાર અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની વાત કરે છે, ગ્રીનલૅન્ડ અને પનામા નહેર પણ અમેરિકાની માલિકી હેઠળ હોવા જોઈએ તેવું તેમનું કહેવું છે.

આ નિવેદન પર ગ્રીનલૅન્ડે ગયા મહિને જ પોતાનો જવાબ આપી દીધો હતો જેમાં તેમના વડા પ્રધાને કહ્યું કે ગ્રીનલૅન્ડ તેના નાગરિકોનું છે અને તે વેચાણ માટે નથી.

પરંતુ કૅનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રૂડો તરફથી હજુ સુધી કોઈ પ્રતિક્રિયા નહોતી આવી.

હવે કૅનેડાના વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યાના એક દિવસ જસ્ટિન ટ્રૂડોએ બુધવારે ટ્રમ્પના નિવેદન પર પોતાનો પ્રતિભાવ આપ્યો છે.

ટ્રૂડોએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું છે કે કૅનેડા ક્યારેય અમેરિકાનો હિસ્સો બને તે અશક્ય છે.

તેમણે લખ્યું છે કે, "આપણા બંને દેશોના કામદારો અને સમુદાયોને બંને દેશો વચ્ચેની સૌથી મોટી વ્યાપાર અને સુરક્ષા ભાગીદારીથી ફાયદો થતો હોય છે."

વિપક્ષના નેતાઓએ ટ્રૂડોને ઝાટક્યા

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ગ્રીનલૅન્ડ, કૅનેડા, જસ્ટિન ટ્રૂડો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, જસ્ટિન ટ્રૂડોએ કૅનેડાના વડા પ્રધાન અને લિબરલ પાર્ટીના નેતાના પદેથી રાજીનામું આપ્યું છે.

ટ્રૂડોની આ પોસ્ટ પછી કૅનેડાના મુખ્ય વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા પિયર પોઈલિવરે પણ ટ્રમ્પના નિવેદનને ફગાવી દીધું અને કહ્યું કે કૅનેડા ક્યારેય અમેરિકાનું 51મું રાજ્ય નહીં બને.

જોકે, તેમણે આ પોસ્ટના બહાને ટ્રૂડોનું નેતૃત્વ ધરાવતી એનડીપી-લિબરલ સરકારની પણ ટીકા કરી હતી.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પિયરે ઍક્સ પર લખ્યું છે, "આપણે એક મહાન અને સ્વતંત્ર દેશ છીએ. આપણે અમેરિકાના શ્રેષ્ઠ મિત્રો છીએ. 9/11ના હુમલા પછી આપણે અમેરિકનોને અલ-કાયદા સામે લડવામાં મદદ કરવા માટે અબજો ડૉલર અને સેંકડો લોકોના જીવ આપ્યા છે. આપણે અમેરિકાને બજારભાવથી નીચા દરે અબજો ડૉલરની, ઉચ્ચ ગુણવત્તાની અને સંપૂર્ણ વિશ્વસનીય ઊર્જાનો પુરવઠો આપીએ છીએ. આપણે અબજો ડૉલરનો અમેરિકન માલ ખરીદીએ છીએ."

ત્યાર પછી કૅનેડાના વિપક્ષના મુખ્ય નેતા પિયરે વડા પ્રધાનપદેથી રાજીનામું આપનાર જસ્ટિન ટ્રૂડોની એનડીપી-લિબરલ સરકારને નબળી ગણાવી હતી.

તેમણે લખ્યું છે, "એનડીપી-લિબરલની નબળી સરકાર આ સ્પષ્ટ મુદ્દા દર્શાવવામાં નિષ્ફળ ગઈ છે. હું કૅનેડા માટે લડીશ. હું જ્યારે વડા પ્રધાન બનીશ ત્યારે અમે અમારી સેનાનું પુનર્નિર્માણ કરીશું અને સરહદને પાછી કબજામાં લઈશું જેથી કૅનેડા-યુએસ સુરક્ષિત રહે. અમે અમારા આર્કટિકનું ફરીથી નિયંત્રણ મેળવીશું જેથી રશિયા અને ચીનને દૂર રાખી શકાય."

"અમે ટેક્સ ઘટાડીશું, અફસરશાહી ઘટાડીશું અને દેશમાં સારા પગાર અને ઉત્પાદન વધારવા માટે મોટા પાયે રિસર્ચ પ્રોજેક્ટને ઝડપથી લીલી ઝંડી આપીશું. બીજા શબ્દોમાં કહીએ તો અમે કૅનેડાને પ્રથમ સ્થાન આપીશું."

જગમીતસિંહે પણ ટ્રમ્પ સામે આક્રોશ ઠાલવ્યો

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ગ્રીનલૅન્ડ, કૅનેડા, જસ્ટિન ટ્રૂડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, એનડીપીના નેતા જગમીતસિંહે પણ ડોનાલ્ડ ટ્રમ્પની નિંદા કરી છે

ટ્રૂડોની સરકારમાંથી સમર્થન પાછું ખેંચનારા એનડીપીના નેતા જગમીતસિંહે પણ ડોનાલ્ડ ટ્રમ્પની નિંદા કરી છે.

તેમણે ઍક્સ પર લખ્યું છે, "હવે થોભી જાવ ડોનાલ્ડ. કોઈ કૅનેડિયન તમારી સાથે જોડાવા માગતું નથી. અમને ગૌરવશાળી કૅનેડિયનો છીએ. અમે જે રીતે એકબીજાની સંભાળ રાખીએ છીએ અને અમારા દેશની રક્ષા કરીએ છીએ તેના પર અમને ગર્વ છે."

"તમારા હુમલાઓ સરહદની બંને બાજુએ નોકરીઓને અસર કરશે. તમે કૅનેડિયન લોકોની નોકરીઓ હડપી જશો તો અમેરિકાએ તેની કિંમત ચૂકવવી પડશે."

ત્યાર પછી જગમીતસિંહે ઍક્સ પર પોતાનો એક વીડિયો પોસ્ટ કર્યો જેમાં તેમણે કહ્યું, "ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિની જેમ નહીં, પરંતુ ઇન્ટરનેટ ટ્રોલની જેમ વર્તે છે. ચોક્કસપણે, અન્ય દેશો સાથે સંબંધોની આ રીત એકદમ ખોટી છે. મેં મારી આખી જિંદગી દાદાગીરી કરનારાઓનો સામનો કર્યો છે. આવા લોકો માત્ર શક્તિમાં જ માને છે. તેથી આપણે તેમનો સામનો કરવો પડશે. તેમને કહેવું પડશે કે તમે અમારી સાથે ઝઘડો કરશો તો તેની અસર તમને પણ થશે."

"હું તમારા શોમાં એક પડકાર આપવા માગું છું, અમેરિકા ટેરિફ લાદશે તો કૅનેડા પણ ટેરિફ નાખશે. દાદાગીરી કરનારાઓને આવી જ રીતે તાકાતથી જવાબ આપવામાં આવે છે. કૅનેડિયન નોકરીઓ બચાવવા માટે આગનો સામનો આગ દ્વારા કરવો પડશે."

ટ્રમ્પે ફરીથી કૅનેડાને અમેરિકામાં દેખાડ્યું

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ગ્રીનલૅન્ડ, કૅનેડા, જસ્ટિન ટ્રૂડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડાને પોતાની સરહદે સુરક્ષા બંદોબસ્ત વધારવા કહ્યું છે

ભારતીય સમય મુજબ બુધવારે સવારે જસ્ટિન ટ્રૂડોએ જેવી પોસ્ટ કરી કે થોડા જ કલાકોમાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ મુદ્દે વળતો જવાબ આપ્યો.

પોતાની સોશિયલ મીડિયા વેબસાઇટ ટ્રૂથ સોશિયલ પર ટ્રમ્પે ઉત્તર અમેરિકાના બે નકશા પોસ્ટ કર્યા છે. તેમાંથી એક નકશામાં ઉત્તર અમેરિકા યુએસએના ઝંડાના રંગથી રંગાયેલું છે અને તેની સાથે લખેલું છે 'ઓહ કૅનેડા'.

બીજી પોસ્ટમાં ઉત્તર અમેરિકા પર લખેલું છે - યુનાઇટેડ સ્ટેટ્સ

મંગળવારે જસ્ટિન ટ્રૂડોએ કૅનેડાના વડા પ્રધાનપદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર પછી ડોનાલ્ડ ટ્રમ્પે ફ્લોરિડામાં માર-આ-લાગોમાં એક પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું, "તમે કૃત્રિમ રીતે દોરેલી રેખાને દૂર કરીને જોશો કે તે ખરેખર કેવી દેખાય છે અને તે રાષ્ટ્રીય સુરક્ષા માટે પણ વધુ સારું રહેશે."

ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને કૅનેડા એકસાથે હોય તો તે ખરેખર મોટી વાત હશે.

જોકે, ટ્રમ્પે આવી વાત કરી હોય એવું આ પહેલી વખત નથી. અગાઉ પણ તેમણે વિસ્તૃત રીતે પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા.

આવી ધમકી આપવાનું કારણ શું છે?

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ગ્રીનલૅન્ડ, કૅનેડા, જસ્ટિન ટ્રૂડો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકા અને કૅનેડાની સરહદેથી દૈનિક લગભગ અઢી અબજ ડોલરનો વ્યાપાર થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ પહેલેથી જ કૅનેડાને ધમકી આપી ચૂક્યા છે કે તે અમેરિકા સાથેની તેની સરહદે સુરક્ષા નહીં વધારે તો તેઓ કૅનેડિયન સામાન પર ટેરિફ લાદશે.

કૅનેડામાં રાજકીય સંકટ વચ્ચે ટેરિફની આ ધમકી આવી છે. ટ્રૂડોએ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે, પરંતુ લિબરલ પાર્ટીના આગામી નેતાની પસંદગી ન થાય ત્યાં સુધી તેઓ આ પદ પર રહેશે.

માર્ચના અંત સુધીમાં લિબરલ પાર્ટીના નવા નેતાની પસંદગી કરવામાં આવશે અને આ જ વર્ષે દેશમાં ચૂંટણી પણ યોજાવાની છે. આ કારણથી કૅનેડાની સંસદને 24 માર્ચ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે.

બીજી તરફ અર્થશાસ્ત્રીઓએ ચેતવણી આપી છે કે 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા પછી ડોનાલ્ડ ટેરિફ લાદશે, તો તેનાથી કૅનેડાના અર્થતંત્રને નોંધપાત્ર નુકસાન થશે.

કૅનેડા સરકારના ડેટા અનુસાર વર્ષ 2023માં બંને દેશોની સરહદો પર દૈનિક 2.5 અબજ ડૉલરનો વેપાર થતો હતો.

માર-આ-લાગોમાં પ્રેસ-કૉન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે ફરી એક વખત પોતાની ચિંતાઓને દોહરાવતા કહ્યું હતું કે અમેરિકામાં મૅક્સિકો અને કૅનેડા મારફત ડ્રગ્સ આવી રહ્યું છે.

તેમણે કૅનેડાની જેમ જ મૅક્સિકો પર પણ 25 ટકા ટેરિફ લાદવાની ચેતવણી આપી છે.

અમેરિકાના આંકડા મુજબ મૅક્સિકો સાથેની સરહદની તુલનામાં અમેરિકા-કૅનેડા સરહદેથી નશીલા પદાર્થો જપ્ત થવાનું પ્રમાણ ઘણું ઓછું છે.

જોકે, કૅનેડાએ વચન આપ્યું છે કે તે સરહદ પર સુરક્ષા વધારવા માટે નવી પદ્ધતિઓ અપનાવશે.

ટ્રમ્પે મંગળવારે કહ્યું હતું કે કૅનેડાને અમેરિકાનો હિસ્સો બનાવવા માટે તેઓ સેનાનો ઉપયોગ કરવાનું નથી વિચારતા. પરંતુ કૅનેડા સૈન્ય પર જે ખર્ચ કરે છે તે અંગે તેમણે ચિંતા વ્યક્ત કરી હતી.

ટ્રમ્પે ક્યારે શું કહ્યું હતું?

નવેમ્બરમાં ચૂંટણી જીત્યા બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સતત કૅનેડાના સાર્વભૌમત્વને ખુલ્લેઆમ પડકારી રહ્યા હતા અને ટ્રૂડો ચૂપ હતા.

ગયા ડિસેમ્બરમાં ટ્રમ્પે ઘણી વખત કૅનેડાને અમેરિકાનું 51મું રાજ્ય અને ટ્રુડોને તેના ગવર્નર તરીકે ગણાવ્યા હતા. તેમણે ક્રિસમસના શુભેચ્છા સંદેશમાં પણ ટ્રૂડોને કૅનેડાના ગવર્નર કહ્યા હતા.

26 ડિસેમ્બરે ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે લખ્યું હતું કે, "કૅનેડાના ગવર્નર જસ્ટિન ટ્રૂડોના નાગરિકોએ ખૂબ જ ઊંચો ટૅક્સ ચૂકવવો પડી રહ્યો છે. પરંતુ જો કૅનેડા અમેરિકાનું 51મું રાજ્ય બનશે તો અહીંનો કારોબાર પણ બમણો થઈ જશે. આ ઉપરાંત દુનિયાના બીજા કોઈ પણ દેશ કરતાં તેની સૈન્ય સુરક્ષા મજબૂત બનશે."

આ પહેલાં પણ ટ્રુથ સોશિયલ પર ટ્રમ્પે કહ્યું હતું કે, "મોટા ભાગના કૅનેડિયનો ઇચ્છે છે કે કૅનેડા અમેરિકાનું 51મું રાજ્ય બની જાય. આવું થશે તો કૅનેડાના લોકોને ભારે ટૅક્સમાંથી રાહત મળશે અને તેમની સૈન્ય સુરક્ષા પણ મજબૂત થશે."

બીબીસી ગુજરાતી, ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકા, ગ્રીનલૅન્ડ, કૅનેડા, જસ્ટિન ટ્રૂડો

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, ગ્રીનલૅન્ડમાં મોટા પ્રમાણમાં ખનીજના ભંડાર હાજર છે.

પનામા, ગ્રીનલૅન્ડને પણ યુએસમાં ભેળવી દેવાની વાત

તેમજ ટ્રમ્પનો આરોપ છે કે પનામા નહેર પર ચીની સૈનિકોનું નિયંત્રણ છે અને તે અવૈધ રીતે તેનું સંચાલન કરે છે.

જોકે પનામાના રાષ્ટ્રપતિ જોસે રાહુલ મુલિનો આ દાવાને 'પાયાવિહોણા' ગણાવી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે પનામા નહેરમાં કોઈ ચીની દખલ નથી.

1900ના દાયકાની શરૂઆતમાં બનેલી આ નહેરનું નિયંત્રણ 1977 સુધી અમેરિકા પાસે હતું. જોકે રાષ્ટ્રપતિ જિમી કાર્ટરની મધ્યસ્થતામાં જમીન પાછી પનામાને સોંપી દેવાઈ હતી.

ત્યાર બાદ 1999થી તેનું નિયંત્રણ સંપૂર્ણ રીતે પનામા પાસે ચાલ્યું હતું.

ટ્રમ્પનું કહેવું છે, "પનામા નહેરને પનામાને સોંપવું એક મોટી ભૂલ હતી. જુઓ, (કાર્ટર) સારા માણસ હતા. પણ એ એક મોટી ભૂલ હતી."

ગ્રીનલૅન્ડ એ કોઈ સ્વતંત્ર દેશ નથી પણ ડેનમાર્કનો એક સ્વાયત્ત પ્રદેશ છે.

ટ્રમ્પનું કહેવું છે કે અમેરિકાની સુરક્ષા માટે જરૂરી છે કે ગ્રીનલૅન્ડ અને પનામા નહેર બંનેનો કબજો તેની પાસે હોય.

તેના જવાબમાં ગ્રીનલૅન્ડના વડા પ્રધાન મ્યૂટ ઈગાએ કહ્યું કે "આપણે સ્વતંત્રતા માટેના લાંબા સંઘર્ષને ભૂલવો ન જોઈએ. આપણે આખી દુનિયા સાથે અને ખાસ કરીને પડોશીઓ સાથે સહયોગ અને વેપાર માટે ખુલ્લા રહેવું જોઈએ."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.