સુરત : સિવિલ હૉસ્પિટલમાં આસારામની આરતી ઉતારાઈ, શું છે સમગ્ર મામલો?

બળાત્કારના કેસમાં આસારામ હાલમાં આજીવન કેદની સજા ભોગવે છે, પરંતુ સુરતમાં સિવિલ હૉસ્પિટલના એક વિભાગમાં એક જૂથે આસારામનો ફોટો મૂકીને તેની પૂજા કરી હોય તેવા વીડિયો વાઈરલ થતાં વિવાદ સર્જાયો છે.

બીબીસીના સુરતસ્થિત સહયોગી રૂપેશ સોનવણેએ આપેલી માહિતી પ્રમાણે સિવિલ હૉસ્પિટલની સ્ટેમસેલ વિભાગની બિલ્ડિંગમાં ગેટ પર જ આસારામની તસવીર રાખીને તેની પૂજા કરવામાં આવી હતી.

આ સમયે સિવિલ હૉસ્પિટલનાં બાળરોગ નિષ્ણાત જિગિશા પાટડિયા અને બીજો સ્ટાફ પણ હાજર હતાં.

વીડિયોમાં શું જોવા મળે છે?

વીડિયોમાં જોવા મળે છે કે નર્સ અને સિક્યૉરિટી સ્ટાફ સહિતના લોકો પૂજા કરી રહ્યા છે.

સોશિયલ મીડિયા પર જોવા મળતા ફોટો અને વીડિયો પ્રમાણે સ્ટેમસેલ બિલ્ડિંગના દરવાજા પાસે એક જગ્યાએ આસારામની તસવીર રાખવામાં આવી છે. તસવીરની સામે કેટલાંક ફળ રાખવામાં આવ્યાં છે અને તસવીરની પૂજા કરવામાં આવી રહી છે.

અહીં લગભગ ડઝનેક લોકોનું એક જૂથ પણ જોવા મળે છે જે પૂજા અને આરતી કરી રહ્યું છે.

સિવિલ હૉસ્પિટલના અધિકારીએ શું કહ્યું?

સુરત સિવિલ હૉસ્પિટલમાં બળાત્કાર કેસના આરોપી આસારામની આવી રીતે જાહેરમાં પૂજા કરવામાં આવતાં વિવાદ થયો છે અને અધિકારીઓઓ ખુલાસો આપવો પડ્યો છે.

સુરત સિવિલ હૉસ્પિટલના આરએમઓ ડૉ. કેતન નાયકે મીડિયાને જણાવ્યું કે, "એક કર્મચારી દ્વારા મને ફળવિતરણ માટે મંજૂરી લેવા રવિવારે ફોન કરવામાં આવ્યો હતો. મેં તેમને મૌખિક જણાવ્યું હતું કે આવતીકાલે ફળ લાવો ત્યારે ફળની કવૉલિટી દેખાડીને ઑન ડ્યૂટી સીએમઓની મંજૂરી લઈને વિતરણ કરી શકો છે. ત્યાર પછી મને ગઈકાલે સિક્યૉરિટી ઓફિસરનો ફોન આવ્યો કે આ લોકો આસારામની તસવીર મૂકીને પૂજા કરી રહ્યા છે. તેથી મેં તાત્કાલિક તે બધું બંધ કરાવીને હટાવી લેવાની સૂચના આપી હતી."

તેમણે કહ્યું કે, "મારા સાથી ડૉક્ટર ભરત પટેલને ત્યાં રૂબરુ મોકલીને બધી પ્રવૃત્તિ બંધ કરાવી હતી. ત્યાંના સિક્યૉરિટી ગાર્ડને તાત્કાલિક હટાવવામાં આવ્યા હતા. આવી ઘટના ફરીથી ન બને તે માટે કડક સૂચના આપેલી છે. લેખિત મંજૂરી વગર ફળવિતરણ કરવામાં ન આવે તેવી સૂચના આપવામાં આવી છે."

આસારામ સામેના કેસમાં છેલ્લે શું થયું

ગયા મહિના સુધી જામીન બહાર રહેલા આસારામને વચગાળાના જામીન લંબાવવાના કોર્ટના ઈનકાર બાદ જોધપુરની સેન્ટ્રલ જેલમાં પરત જવું પડ્યું હતું.

84 વર્ષના આસારામ 12 વર્ષથી જેલની સજા ભોગવે છે અને સાતમી જાન્યુઆરીએ તેમને તબીબી કારણોસર પહેલી વખત જામીન મળ્યા હતા.

સુરતનાં એક મહિલાએ 2013માં આસારામ અને અન્ય સાત લોકો સામે બળાત્કાર અને અવૈદ્યરૂપે બંધક બનાવવાના મામલે કેસ દાખલ કર્યો હતો.

આરોપીઓમાંથી એકનું કેસની સુનાવણી દરમિયાન મૃત્યુ થઈ ગયું હતું. પોલીસે આ મામલે જુલાઈ, 2014માં ચાર્જશીટ દાખલ કરી હતી.

વર્ષ 2013માં આસારામ અને તેના પુત્ર નારાયણ સામે તેના આશ્રમમાં સેવિકા તરીકે રહેતી સુરતની બે બહેનોએ દુષ્કર્મ, ગેરકાયદેસર રીતે ગોંધી રાખવાની અને અકુદરતી શારીરિક સંબંધ રાખવાની ફરિયાદ કરી હતી.

કોણ છે આસારામ?

આસારામનું સાચું નામ આસુમલ હરપલાણી છે. તેમનો જન્મ અવિભાજીત ભારતના પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં (હાલ પાકિસ્તાનમાં) આવેલાં નવાબશાહ જિલ્લાના બેરાની ગામમાં એપ્રિલ 1941માં થયો હતો.

સિંધી વેપારી સમાજના આસારામનો પરિવાર 1947ના ભાગલા પછી નિરાશ્રિત બનીને ભારત આવ્યો હતો અને અમદાવાદમાં આવીને વસ્યો હતો. એ સમયે રૅફ્યૂજી માટેના વિસ્તાર મણિનગરમાં રહેતા, જ્યાં તેના નામે સાથે અનેક કહાણીઓ સાંભળવા મળે છે.

1960ના દાયકામાં તેણે લીલાશાહને ગુરુ બનાવ્યા હતા. દીક્ષા બાદ આબુની ગુફાઓમાં સાધના કરવા બેસતો. 1972માં અમદાવાદથી તે વખતે દસેક કિમી દૂર આવેલા મોટેરા ગામ પાસે સાબરમતી નદીના કિનારે આસારામે પોતાની નાનકડી ઝૂંપડી બાંધી હતી.

આગળ જતાં તેણે અહીં જ આશ્રમ સ્થાપ્યો અને તેને મુખ્યમથક બનાવ્યું, જે લગભગ 10 એકરમાં ફેલાયેલો હતો. આ માટે પણ તેણે આજુબાજુની જમીનો ઉપર પેશકદમી કરી હોવાના આરોપ લાગ્યા હતા.

એક સમયે તેની ગણના એટલી પ્રભાવશાળી વ્યક્તિઓમાં થતી કે લાલકૃષ્ણ અડવાણી, અટલ બિહારી બાજપેઈ, નરેન્દ્ર મોદી, ઉમા ભારતી જેવાં ભારતીય જનતા પક્ષનાં નેતાઓ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોના નેતાઓ પણ તેમના કાર્યક્રમોમાં હાજરી આપતાં હતાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન