કૅન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે કરેલી તમામ સમજૂતીઓ રદ કરી – ન્યૂઝ અપડેટ

કૅન્યાની સરકારે અદાણી ગ્રૂપ સાથે કરેલી તમામ સમજૂતીઓ રદ કરી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, @WilliamsRuto

ઇમેજ કૅપ્શન, કૅન્યાના રાષ્ટ્રપતિએ અદાણી ગ્રૂપ સાથેની તમામ સમજૂતી રદ કરવાની જાહેરાત કરી

કૅન્યા સરકારે ઘોષણા કરી છે કે અદાણી ગ્રૂપ સાથેની તમામ સમજૂતિઓ રદ કરવામાં આવી છે.

જેમાં વીજળી ટ્રાંસમિશન તથા ઍરપૉર્ટ વિકાસ જેવા મોટા પ્રોજેક્ટો સામેલ હતા.

અમેરિકામાં ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત 8 લોકો પર અબજો રૂપિયાની છેતરપિંડીના આરોપ લાગ્યા બાદ કૅન્યા સરકારે આ નિર્ણય લીધો છે.

રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ સંસદમાં પોતાના ભાષણમાં કહ્યું, “અમારી સરકાર પારદર્શિતા અને ઇમાનદારીના સિદ્ધાંતો પર કામ કરે છે. આ પ્રકારની સમજૂતીને મંજૂર નહીં કરે, જે દેશની છબી અને હિતોના વિરુદ્ધમાં હોય.”

ઉલ્લેખનીય છે કે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સામે અમેરિકામાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

તેમના પર આરોપ છે કે તેમણે અમેરિકામાંથી નાણાં ઊભા કરવા માટે 250 મિલિયન ડૉલરની (અંદાજે રૂ. બે હજાર 100 કરોડ) લાંચ આપવાની તૈયારી દાખવી અને તેને છુપાવી.

બુધવારે ન્યૂ યૉર્કની કોર્ટમાં મૂકાયેલો આ આરોપ, ભારતની સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક ગૌતમ અદાણી માટે એક મોટા ઝટકા સમાન હતો.

અદાણીના વેપારનું સામ્રાજ્ય પૉર્ટ્સ, ઍરપૉર્ટ અને રિન્યુએબલ ઍનર્જીના ક્ષેત્રમાં વિકસેલું છે.

અમેરિકાની કોર્ટમાં મૂકાયેલા તોહતનામામાં સરકારી પક્ષે આરોપ મૂક્યો છે કે ઉદ્યોગપતિ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ તેમની રિન્યુએબલ ઍનર્જી કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ ચૂકવવા રાજી હતા.

અદાણી ગ્રૂપે તેમની સામે લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.

પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વાહમાં વાહનો પર થયેલા ગોળીબારમાં 38 લોકોનાં મૃત્યુ

પાકિસ્તાનના ખૈબરપખ્તુનખ્વાહમાં વાહનો પર થયેલા ગોળીબારમાં 38 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, DC control room

ઇમેજ કૅપ્શન, પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વાહ પ્રાંતમાં વાહનો પર હુમલો, 38નાં મોત, 19 ઘાયલ

પાકિસ્તાનના ખૈબરપખ્તૂનખ્વાહ પ્રાંતમાં આદિવાસી જિલ્લા કુર્રમમાં યાત્રી વાહનો પર ગોળીબારની ઘટના ઘટી છે.

ગોળીબારની આ ઘટનામાં 38 લોકોનાં મૃત્યુની પુષ્ટિ થઈ છે. જે ઉપરાંત 19 લોકો ઘાયલ પણ છે. ઘાયલોને તાલ અને પેશાવરની હૉસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે.

કુર્રમ જિલ્લાના મદારવી વિસ્તારમાં પોલીસની નજર હેઠળ કેટલાંક વાહનો પારા ચિનાર વિસ્તાર તરફ આવી રહ્યાં હતાં. તે સમયે ખુલ્લી સડક પર એ વાહનો પર હુમલો કરવામાં આવ્યો.

ગાઝામાં યુદ્ધવિરામ માટે યુએનએસસીના પ્રસ્તાવ પર અમેરિકાનો વિટો

ગાઝામાં યુદ્ધવિરામ માટે યુએનએસસીના પ્રસ્તાવ પર અમેરિકાનો વિટો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ગાઝામાં યુદ્ધવિરામ માટે પેશ કરાયેલા પ્રસ્તાવ પર વિટો કરી દીધો છે.

આમ ચોથી વખત છે જ્યારે અમેરિકાએ ઇઝરાયલ માટે વિટોનો ઉપયોગ કર્યો હોય.

સુરક્ષા પરિષદમાં 15 સભ્યો છે જેમણે ગાઝામાં યુદ્ધવિરામ માટે મતદાન કર્યું હતું.

પ્રસ્તાવ મુજબ ગાઝામાં તરત જ, વગર શરતે અને કાયમ માટે યુદ્ધને સમાપ્ત કરવાની રજુઆત કરાઈ હતી. સાથે તમામ બંધકોને પણ મુક્ત કરવાની વાત હતી.

સંયુક્ત રાષ્ટ્રમાં અમેરિકાના ઉપરાજદૂત રૉબર્ટ વુડે કહ્યું કે આ પ્રસ્તાવમાં યુદ્ધવિરામ અને બંધકોની મુક્તિની વાત પરસ્પર જોડાયેલી નહોતી.

અમેરિકાનું કહેવું હતું કે આ પ્રસ્તાવને કારણે હમાસને એ ‘ખતરનાક સંકેત’ ગયો હોત કે હવે વાતચીત કરવાની જરૂર નથી.

હમાસે અમેરિકાને ગાઝામાં ઇઝરાયલની જંગ માટે સીધું જવાબદાર ગણાવ્યું છે. સુરક્ષા પરિષદમાં સ્થાયી સભ્યોમાં પાંચ દેશો છે. આ ઉપરાતં અસ્થાયી સભ્યો તરીકે 10 દેશોને જગ્યા મળે છે.

અદાણી ગ્રૂપના શૅરોનો બજાર બંધ થયા બાદ શું છે હાલ?

અદાણી ગ્રૂપના શૅરોનો બજાર બંધ થયા બાદ શું છે હાલ? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ગુરુવારે ભારતનાં શૅરબજારો બંધ થયા બાદ અદાણી ગ્રૂપની કંપનીઓના શૅરોના ભાવોમાં ભારે ઘટાડો થયો.

અદાણી એનર્જીના શૅરનો ભાવ વર્ષના સૌથી મોટા ઘટાડા સાથે બંધ થયો.

અદાણી એનર્જીના શૅર 20 ટકા એટલે કે 174ના ઘટાડા સાથે 697.70 પર બંધ રહ્યા.

આ ઉપરાંત અદાણી ગ્રૂપની બીજી કંપનીઓના શૅરના ભાવો પણ તૂટ્યા.

અદાણી ઍન્ટર્પ્રાઇઝના શૅર 22.61 ટકા અને 637.65ના ઘટાડા સાથે 2181.55 પર બંધ રહ્યા.

આ ઉપરાંત અદાણી ગ્રીન એનર્જીનો શેર 18.80 ટકા ઘટાડા સાથે અને અદાણી પૉર્ટ્સનો શેર 13.35 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો.

ઉલ્લેખનીય છે કે ભારતીય અબજોપતિ ગૌતમ અદાણીની સામે અમેરિકામાં છેતરપિંડીનો આરોપ મૂકવામાં આવ્યો છે.

તેમના પર આરોપ છે કે તેમણે અમેરિકામાંથી નાણાં ઊભા કરવા માટે 250 મિલિયન ડૉલરની (અંદાજે રૂ. બે હજાર 100 કરોડ) લાંચ આપવાની તૈયારી દાખવી અને તેને છુપાવી.

બુધવારે ન્યૂ યૉર્કની કોર્ટમાં મૂકાયેલો આ આરોપ, ભારતની સૌથી અમીર વ્યક્તિઓમાંથી એક ગૌતમ અદાણી માટે એક મોટા ઝટકા સમાન હતો.

અદાણીના વેપારનું સામ્રાજ્ય પૉર્ટ્સ, ઍરપૉર્ટ અને રિન્યુએબલ ઍનર્જીના ક્ષેત્રમાં વિકસેલું છે.

અમેરિકાની કોર્ટમાં મૂકાયેલા તોહતનામામાં સરકારી પક્ષે આરોપ મૂક્યો છે કે ઉદ્યોગપતિ અને તેમના વરિષ્ઠ અધિકારીઓએ તેમની રિન્યુએબલ ઍનર્જી કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને લાંચ ચૂકવવા રાજી હતા.

અદાણી ગ્રૂપે તેમની સામે લાગેલા તમામ આરોપોને ફગાવી દીધા છે.

અદાણી મામલે રાહુલ ગાંધીએ પીએમ મોદી પર લગાવેલા આરોપ પર ભાજપે શું કહ્યું?

ભાજપ પ્રવક્તા સાંબિત પાત્રાએ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી મામલે લગાવેલા આરોપોનો જવાબ આપ્યો

ઇમેજ સ્રોત, BJP Official Youtube

ઇમેજ કૅપ્શન, ભાજપ પ્રવક્તા સાંબિત પાત્રાએ રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર અદાણી મામલે લગાવેલા આરોપોનો જવાબ આપ્યો

ગૌતમ અદાણી પર અમેરિકામાં આરોપ નક્કી થવા મામલે કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તેમની ધરપકડ કરવાની માગ કરી છે. તેમણે આરોપ લગાવ્યો કે ગૌતમ અદાણીને પીએમ મોદીનું સંરક્ષણ મળ્યું છે. જોકે ભાજપે હવે આ આરોપોનો જવાબ આપ્યો છે.

ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ કહ્યું, “કેટલાંક નામો અને રીત તેમની પાસે છે. તેને કારણે તેઓ સતત પ્રેસ કૉન્ફરન્સ કરતા રહે છે અને મોદી અને ભાજપ પર આરોપ લગાવવાની કોશિશ કરે છે.”

સંબિત પાત્રાએ કહ્યું, “રાહુલ ગાંધી એવું કહે છે કે તેઓ મોટી વાતો કહી રહ્યા હોય. 2019માં તેઓ રફાલને લઈને આ જ પ્રકારે પ્રગટ થયા હતા. કોવિડ સમયે પણ તેઓ વૅક્સિનને લઈને આ જ પ્રકારે કૉન્ફરન્સ કરતા હતા. આ રાહુલ ગાંધીની રીત છે.”

તેમણે કહ્યું, “રાહુલ ગાંધી વારંવાર પીએમ મોદી જીની વિશ્વસનીયતા પર ખતમ થઈ છે તેવી રજુઆત કરતા રહે છે. આ પ્રકારની કોશિશ તેમણે વારંવાર કરી છે. એક કંપનીને લઈને અમેરિકામાં કેસ ચાલી રહ્યો છે. અમારું માનવું છે કે કંપની અને તેની સાથે જોડાયેલો કેસ છે અને કંપની તે મામલે પોતાનો પક્ષ રાખશે અને તે પોતાનો બચાવ ખુદ કરશે.”

આ પહેલા રાહુલ ગાંધીએ પ્રેસ કૉન્ફરન્સ કરતા આરોપ લગાવ્યો હતો કે ગૌતમ અદાણીએ ભારત અને અમેરિકા એમ બંનેમાં કાયદાનો ભંગ કર્યો છે. તેની ધરપકડ કરવાની પણ તેમણે માગ કરી હતી. જોકે, તેમણે કહ્યું હતું કે આમ થશે નહીં કારણકે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમની પાછળ છે અને તેમનો બચાવ કરે છે.

અદાણી જૂથે અમેરિકામાં લાગેલા છેતરપિંડી અને લાંચ દેવાના આક્ષેપ પર શું કહ્યું?

ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ દેવાના અને છેતરપિંડીના આરોપ ઘડાયા છે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ દેવાના અને છેતરપિંડીના આરોપ ઘડાયા છે.

અદાણી ગ્રપે અમેરિકામાં ગૌતમ અદાણી પર ઘડવામાં આવેલા આરોપોને ફગાવી દીધા છે.

અદાણી ગ્રૂપ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં અમેરિકાના આરોપોને નિરાધાર ગણાવાયા છે.

નિદેવનમાં અદાણી જૂથના પ્રવક્તાએ કહ્યું કે, "અમેરિકાના ન્યાય મંત્રાલય અને સિક્યૉરિટીઝ ઍન્ડ ઍક્સચેન્જ કમિશને અદાણી ગ્રીનના નિદેશક પર જે આરોપ લગાવ્યા છે તે નિરાધાર છે અને અમે તેમને ફગાવીએ છીએ."

આ નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "જે આક્ષેપ લગાવવામાં આવ્યા છે એ જ્યાર સુધી સાબિત નથી થતાં ત્યાર સુધી તેમને નિર્દોષ માનવામાં આવે". જૂથે મામલામાં બધા કાયદાકીય વિકલ્પ શોધવાની વાત કહી છે.

અદાણી જૂથે કહ્યું છે કે કંપની પારદર્શિતાના ઉચ્ચ માપદંડોનું પાલન કરે છે. અદાણી જૂથે પોતાના સ્ટેકહોલ્ડર્સ, પાર્ટનર્સ અને કર્મચારીઓને સંબોધિત કરતા કહ્યું છે કે તે કાયદાનું પાલન કરનારું જૂથ છે.

બુધવારના ન્યૂ યૉર્કના અટર્નીએ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે.

તેમની પર અમેરિકામાં પોતાની એક કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવા અને આ મામલાના છુપાવવાનો આરોપ લગાવ્યો છે.

રાહુલ ગાંધીએ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાગેલા આરોપ વિશે શું કહ્યું

રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાહુલ ગાંધીએ અદાણી મામલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર આક્ષેપ કર્યા

અમેરિકામાં ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર આરોપ ઘડાયા પછી કૉંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ અદાણીની ધરપકડની માગ કરી છે.

તેમણે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અદાણી પાછળ ઊભા છે અને તેમને બચાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હવે પૂર્ણ રીતે સ્પષ્ટ છે કે અદાણીએ અમેરિકા અને ભારત બંને જગ્યાએ કાયદો તોડ્યો છે.

તેમણે કહ્યું કે, "મને આશ્ચર્ય થાય છે કે અદાણી અત્યારે પણ આ દેશમાં કેવી રીતે ખુલ્લે આમ ફરી રહ્યા છે, જ્યારે મુખ્ય મંત્રીઓની ધરપકડ થઈ રહી છે. અદાણી પર કોઈ તપાસ નથી થઈ રહી. અમે આ મુદ્દો સતત ઉઠાવતા રહીશું."

"અમે જે કહી રહ્યા હતા, આ એ જ તરફ ઇશારો કરે છે કે વડા પ્રધાન અદાણી સાથે મળેલા છે, તેઓ અદાણીની સુરક્ષા કરી રહ્યા છે. નરેન્દ્ર મોદીજીએ એક નારો આપ્યો છે કે એક છીએ તો સેફ છીએ. હિંદુસ્તાનમાં અદાણીજી અને મોદીજી એક છે તો સેફ છે. અહીં તેમનું કંઈ ન થઈ શકે."

"ભારતમાં મુખ્ય મંત્રી 10-15 કરોડ માટે જેલમાં જતા રહે છે પરંતુ હજારો કરોડો માટે અદાણીજી આઝાદ ફરે છે. કારણ છે કે મોદી અદાણીને છાવરે છે. અદાણીજીની ધરપકડ કરવી જોઈએ. આજે જ કરવી જોઈએ. માધબી પુરી બુચને હટાવવા જોઈએ."

તેમણે આગળ કહ્યું કે,"હું ગૅરેન્ટી આપીને કહું છું કે આ વ્યક્તિની ન ધરપકડ થશે અને ન કોઈ કાર્યવાહી થશે કારણ કે વડા પ્રધાન તેમની સાથે છે."

રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો કે વિપક્ષી પાર્ટીની સરકારો પણ તેમના રાજ્યમાં ચાલતા અદાણીના પ્રોજેક્ટની સમીક્ષા કરશે. તેની પર તેમણે કહ્યું કે, "જ્યાં પણ ભ્રષ્ટાચાર છે, ત્યાં તપાસ થવી જોઈએ.પરંતુ શરૂઆત અદાણીથી થવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે, અંતમાં હું તમને જણાવું છું કે નરેન્દ્ર મોદીનો હાથ નીકળશે. એક રીતે અદાણીજીએ ભારતને હાઈજૅક કરી લીધું છે. બધું તેમના હાથમાં છે. અદાણીની ધરપકડ કરાવવાની ભારતના વડા પ્રધાનની ક્ષમતા નથી કારણ કે જે દિવસે તેમની ધરપકડ થઈ, તેની ધરપકડ થઈ તે દિવસે તેઓ (પીએમ) પણ જશે."

ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડીના આરોપ મામલે ભાજપે શું કહ્યું

ગૌતમ અદાણી પર અમેરિકામાં આક્ષેપ ઘડાયા બાદ અદાણી જૂથના શૅરમાં કડાકો
ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી પર અમેરિકામાં આક્ષેપ ઘડાયા બાદ અદાણી જૂથના શૅરમાં કડાકો

અમેરિકામાં ભારતીય વેપારી ગૌતમ અદાણી પર આક્ષેપ નક્કી થયા પછી વિપક્ષી દળોની પ્રતિક્રિયાનો જવાબ ભાજપના આઈટી સેલના પ્રમુખ અમિત માલવિયાએ આપ્યો છે.

તેમણે સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું છે કે કોઈ પણ મુદ્દે પ્રતિક્રિયા આપતાં પહેલાં તેને વાંચી લેવું સારું છે. તમે જે દસ્તાવેજના આધારે વાત કરી રહ્યા છો તેના અનુસાર આરોપ લગાવવમાં આવ્યા છે. અને જ્યાર સુધી આરોપ પુરવાર નથી થતા ત્યાર સુધી વ્યક્તિ નિર્દોષ હોય છે.

અમિત માલવિયે આ મામલાને સંસદના શિયાળુ સત્રની શરૂઆત સાથે જોડીને પણ સવાલ કર્યા છે.

તેમણે લખ્યું છે કે, "આરોપના મૂળમાં મામલો સોલર એનર્જી કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાને ભારત અને અમેરિકાની કંપનીઓ મારફતે 12 ગીગા વૉટ વીજળીની સપ્લાય સાથે જોડાયેલો છે. એટલે આ એસઈસીઆઈના સ્ટેટ ઇલેક્ટ્રિસિટી ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટમાં સામેલ થવાનો મામલો છે. અને અદાણી ગ્રીન એનર્જીનો અમેરિકા રિન્યુએબલ એનર્જી અજ્યુર પાવર સાથે કરાર થયો હતો."

ગૌતમ અદાણી પર તેમની એક કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવા અને આ મામલાને છુપાવવાના આરોપ લાગ્યા છે.

અમેરિક પ્રૉસિક્યુટર્સે આરોપ લગાવ્યો છે કે અદાણી અને તેમની કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પોતાની અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનર્જી) કંપનીને કૉન્ટ્રેક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને ચુકવણી કરવા માટે સહમતી વ્યક્ત કરી હતી.

કૉંગ્રેસે ગૌતમ અદાણી મામલે શું કહ્યું?

ગૌતમ અદાણી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગૌતમ અદાણી પર અમેરિકામાં ગંભીર આરોપ ઘડવામાં આવ્યા છે (ફાઇલ ફોટો)

ગુજરાતી ઉદ્યોગપતિ ગૌતમ અદાણી પર અમેરિકામાં લાંચ દેવાના આરોપ પછી કૉંગ્રેસ પાર્ટીએ પ્રતિક્રિયા આપી.

કૉંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા ઍક્સ પર લખ્યું કે, "આરોપ છે કે અમેરિકામાં કૉન્ટ્રૅક્ટ મેળવવા માટે અદાણીએ 2200 કરોડની લાંચ આપી છે. જ્યારે આ મામલાની તપાસ શરૂ થઈ તો તેને રોકવાનું કાવતરું પણ ઘડવામાં આવ્યું. હવે અમેરિકામાં અદાણી વિરુદ્ધ ધરપકડનું વૉરન્ટ નીકળ્યું છે. અજબ વાત છે. કૉંગ્રેસ સતત અદાણી અને તેમની સાથે જોડાયેલા ગોટાળાની તપાસની વાત કરી રહી છે, પરંતુ નરેન્દ્ર મોદી પૂરી શક્તિ સાથે અદાણીને બચાવવામાં લાગ્યા છે. કારણ સ્પષ્ટ છે-અદાણીની તપાસ થશે તો દરેક કડી નરેન્દ્ર મોદી સાથે જોડાશે."

ત્યારે કૉંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા ઍક્સ પર પ્રતિક્રિયા આપી.

જયરામ રમેશે લખ્યું કે, "કૉંગ્રેસ આવા આરોપ જાન્યુઆરી 2023થી લગાવી રહી છે અને ગૌતમ અદાણી મામલે જેપીસીની માગ કરી રહી છે."

કૉંગ્રેસે અદાણી મામલે શું કહ્યું, ગૌતમ અદાણી, અમેરિકામાં આરોપ

ઇમેજ સ્રોત, @INC/X

બુધવારે ન્યૂ યૉર્કના અટર્નીએ ગૌતમ અદાણી પર અમેરિકામાં છેતરપિંડીનો કેસ નોંધ્યો છે.

તેમની પર અમેરિકામાં પોતાની એક કંપનીને કૉન્ટ્રૅક્ટ અપાવવા માટે 25 કરોડ ડૉલરની લાંચ આપવા અને આ મામલાને છુપાવવાના આરોપ લગાવાયા છે.

અમેરિકન પ્રૉસિક્યૂટર્સે આરોપ લગાવ્યો છે કે અદાણી અને તેમની કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓએ પોતાની અક્ષય ઊર્જા (રિન્યુએબલ એનરજી) કંપનીને કૉન્ટ્રૅક્ટ અપાવવા માટે ભારતીય અધિકારીઓને ચુકવણી કરવા પર સહમતી દર્શાવી હતી.

મહુઆ મોઇત્રાનું ટ્વીટ

ઇમેજ સ્રોત, Mahua Moitra/X

ઇમેજ કૅપ્શન, મહુઆ મોઇત્રાનું ટ્વીટ

ટીએમસી સાંસદ મહુઆ મોઇત્રાએ પણ આ મામલે સોશિયલ મીડિયા ઍક્સ પર પ્રતિક્રિયા આપી હતી.

તેમણે લખ્યું હતું કે, "અમેરિકન પ્રૉસિક્યૂટર્સે ગૌતમ અદાણી પર 2200 કરોડ રૂપિયાની લાંચ આપવાનો આરોપ લગાવ્યો છે. આ રકમ અદાણી રિન્યૂઅલ એનર્જીના લાભ માટે બજારની કિંમતથી વધારે દર પર વીજળી ખરીદવા માટે ભારતીય અધિકારીઓને આપવામાં આવી."

જાણીતા વકીલ પ્રશાંત ભૂષણે આ મુદ્દે ટ્વીટ કરીને લખ્યું છે.

તેમણે કહ્યું કે,"અદાણી ભૂલી ગયા કે અમેરિકામાં મોદીનું શાસન નથી કે ત્યાં ઈડી, સેબી અને સીબીઆઈથી સરળતાથી બચી શકાશે."

સીબીએસઈનો ધો. 10 અને ધો. 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, આ દિવસથી ચાલુ થશે બોર્ડ પરીક્ષા

સીબીએસઈ, ધો. 10, ધો. 12 પરીક્ષા, પરીક્ષા કાર્યક્રમ, ઍક્ઝામ,

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે (સીબીએસઈ) આગામી વર્ષમાં યોજાનારી ધો. 10 અને 12ની પરીક્ષાની તારીખો જાહેર કરી દીધી છે.

બોર્ડની જાહેરાત પ્રમાણે, આ પરીક્ષાઓ તા. 15 ફેબ્રુઆરીના સવારે 10.30 કલાકથી શરૂ થશે. વિદ્યાર્થીઓને પરીક્ષાની તારીખો વિશે લગભગ ત્રણેક મહિના પહેલા જાણ થઈ હોય એવું પ્રથમ વખત બન્યું છે.

તા. 15 ફેબ્રુઆરીના ધો. 10નું પહેલું પેપર અંગ્રેજીનું હશે, તો ધો. 12ના વિદ્યાર્થીઓની પહેલી પરીક્ષા ફિઝિકલ ઍજ્યુકેશન વિષયની રહેશે.

સીબીએસઈનું કહેવું છે કે તેણે પરીક્ષાનો કાર્યક્રમ નક્કી કરતી વખતે સામાન્યતઃ બે વિષયના પેપરની તારીખો વચ્ચે જરૂરી ગાળો રાખ્યો છે, જેથી કરીને વિદ્યાર્થીઓને તૈયારી કરવામાં મદદ મળી રહે.

સીબીએસઈનું કહેવું છે કે ધો. 12ની પરીક્ષાનો કાર્યક્રમ એવી રીતે તૈયાર કરવામાં આવ્યો છે કે જેથી કરીને વિદ્યાર્થીઓને અન્ય પ્રવેશપરીક્ષાઓ આપવામાં સવલત રહે.

ઇઝરાયલ – હમાસ વચ્ચેની મધ્યસ્થતામાંથી ખસવાનું કારણ કતારે જણાવ્યું

કતાર, હમાસ, પેલેસ્ટાઇન, ઇઝરાયલ, ગાઝા, મધ્યસ્થી શાંતિવાર્તા

ઇમેજ સ્રોત, @MofaQatar_EN

ઇઝરાયલ અને હમાસની વચ્ચે શાંતિ સ્થપાય તે માટે મધ્યસ્થી કરનાર કતારે આ વાટાઘાટોમાંથી પીછેહઠ કરી છે. કતારના વિદેશ મંત્રાલયે આ વિશે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું છે.

કતારના વિદેશ મંત્રાલયના પ્રવક્તાના કહેવા પ્રમાણે, વાટાઘાટોમાં સામેલ પક્ષકારો શાંતિ સ્થપાય તે માટે ગંભીર ન હતા.

પ્રવક્તા ડૉ. અલ અંસારીએ ભારપૂર્વક કહ્યું હતું કે એનો મતલબ એ નથી કે કતારની રાજધાની દોહા ખાતેની હમાસની કચેરી બંધ થઈ જશે.

પોતાની સાપ્તાહિક પત્રકારપરિષદમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું હતું કે વાતચીતને ફરીથી શરૂ કરવા અંગે કોઈ નિર્ણય લેવાય નહીં, ત્યારસુધી તે મોકૂફ રહેશે.

સાથે જ ઉમેર્યું હતું કે જો કતારને લાગશે કે વાતચીતમાં સામેલ પક્ષકારો ગંભીર છે તો તે ખુદ આના માટે પહેલ કરશે અને પોતાની ભૂમિકા ભજવશે.

ઉલ્લેખનીય છે કે કતારે છેલ્લા કેટલાક સમયથી મધ્યપૂર્વમાં શાંતિદૂત તરીકેની ભૂમિકા ધારણ કરી છે, પરંતુ ઇઝરાયલ અને હમાસ વચ્ચેના સશસ્ત્ર સંઘર્ષમાં યુદ્ધવિરામ અંગે સહમતિ સધાઈ ન હતી, એટલે તે મધ્યસ્થતામાંથી ખસી ગયું હતું.

પાટણ: રેગિંગના આરોપી વિદ્યાર્થીઓને જેલમાં મોકલાયા

પાટણ જીએમઈઆરએસ મેડિકલ કૉલેજ અને હૉસ્પિટલ, રેગિંગ , સુરેન્દ્રનગર અનિલ મથાણિયા, પ્રકાશ વરમોરા, ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી
ઇમેજ કૅપ્શન, પાટણમાં એમબીબીએસના વિદ્યાર્થીના મોત બાદ તેમના ઘરમાં માતમ છવાયેલો છે.

પાટણની ધારપુર મેડિકલ કૉલેજમાં રેગિંગને કારણે સુરેન્દ્રનગરના વિદ્યાર્થી અનિલ મેથાણિયાનું મૃત્યુ થયું હતું.

સુરેન્દ્રનગરસ્થિત બીબીસી ગુજરાતીના સહયોગી સચીન પીઠવા જણાવે છે, આ કેસમાં આરોપી 15 વિદ્યાર્થીઓને બુધવારે કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં વકીલ દ્વારા આઠ જેટલા વિદ્યાર્થીઓની જામીન અરજી મૂકવામાં આવી હતી.

જેની સુનાવણી હાથ ધરતા પાટણની જ્યુડિશિયલ કોર્ટે તમામ આરોપીઓની જામીન અરજી નામંજૂર કરીને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાના આદેશ આપ્યા હતા.

જેના પગલે પોલીસ દ્વારા આરોપીઓને સુજનીપુર સબજેલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

દરમિયાન ધ્રાંગધ્રાની બેઠક ઉપર ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ રાજ્ય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને રેગિંગના કેસમાં આરોપી વિદ્યાર્થીઓ તથા કૉલેજના જવાબદાર અધિકારીઓ સામે 'દાખલારૂપ કાર્યવાહી' કરવાની માગ કરી છે, જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.

દરમિયાન પીડિત પરિવારને ન્યાય મળે, કાયદો કાયદાનું કામ કરે તથા આરોપીઓને કડક સજા થાય તે હેતુસર શુક્રવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે મૃતક અનિલ ધ્રાંગધ્રાના જેસાડા ગામના વતની હતા. આરોપીઓ પર તોહમત છે કે તેમણે ઓળખના બહાને જુનિયર વિદ્યાર્થીઓને ત્રણેક કલાક ઊભા રાખ્યા હતા, જે દરમિયાન અનિલની તબિયત લથડી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.