પાકિસ્તાન: નવાઝ અને બિલાવલની પાર્ટી વચ્ચે સહમતી, ચૂંટણી બાદ સરકાર બનવામાં આટલો સમય કેમ લાગ્યો?

પીપીપીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ભૂતપૂર્વ વડા પ્રધાન તથા પીએમએલ-એનના અધ્યક્ષ શહબાઝ શરીફ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, પીપીપીના ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારી અને ભૂતપૂર્વ વડા પ્રધાન તથા પીએમએલ-એનના અધ્યક્ષ શહબાઝ શરીફ
    • લેેખક, શૉન સેડૉન અને ફરહત જાવેદ
    • પદ, બીબીસી માટે

પાકિસ્તાનમાં વિવાદિત ચૂંટણી પછી હવે નવી સરકારની રચનાને લઈને ચાલી રહેલી અટકળોનો અંત આવવાનો છે. સરકારની રચના માટે દેશની બન્ને પ્રમુખ પાર્ટીઓએ કરેલા કરારની ઔપચારિક જાહેરાત કરી દીધી છે.

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીએ (પીપીપી) પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝને (પીએમએલ-એન) સમર્થન આપવાની જાહેરાત કરી છે.

આ બન્ને પાર્ટીઓને ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ- ઇન્સાફ (પીટીઆઈ) દ્રારા સમર્થન કરવામાં આવેલા અપક્ષ ઉમેદવારો કરતા ઓછી સીટો મળી હતી.

પીટીઆઈએ આ નવા ગઠબંધનને “જનમતનાં લૂંટારા” ગણાવ્યા છે. પાર્ટીનો આરોપ છે કે ચૂંટણીમાં ધાંધલી કરવામાં આવી અને પીટીઆઈને સત્તાથી દૂર રાખવા માટે જનમતને છીનવી લેવામાં આવ્યો.

પીએમએલ-એન અને પીપીપી વચ્ચે શરૂઆતી સહમતી બનવાના છ દિવસો પછી મંગળવારે એક પ્રેસવાર્તામાં એલાન કરવામાં આવ્યું કે બન્ને પક્ષો વચ્ચે અંતિમ સહમતી બની છે.

પીપીપીનાં ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ કહ્યું, "આ ગઠબંધનનો મુખ્ય હેતુ દેશના આર્થિક સંકટનું સમાધાન લાવવાનો છે."

જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન અને પીએમએલ-એનના અધ્યક્ષ શહબાઝ શરીફે કહ્યું કે આર્થિક અને અન્ય સમસ્યાઓના નિવારણ માટે સંયુક્ત પ્રયત્નો કરવામાં આવશે.

કયા ફૉર્મ્યુલાના આધારે સહમતી થઈ?

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન, શહબાઝ શરીફ બીજી વખત વડા પ્રધાન બનશે

પીએમએલ-એન અને પીપીપી વચ્ચે થયેલા કરાર પ્રમાણે શહબાઝ શરીફ વડા પ્રધાન બનશે. તેઓ બીજી વખત વડા પ્રધાન બનશે.

જ્યારે પીપીપીના આસિફ અલી ઝરદારી આ નવા ગઠબંધન તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનશે. તેઓ પહેલા પણ દેશના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.

વડા પ્રધાનની પસંદગી માટે સંસદમાં ચૂંટણી યોજાશે. આ પ્રકિયા ફેબ્રુઆરી મહિનાના અંતમાં યોજવામાં આવશે. ત્યાર બાદના અઠવાડિયામાં દેશમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાશે.

જોકે, અત્યાર સુધી એ વાત સ્પષ્ટ નથી કે સરકારમાં મહત્ત્વના પદો કઈ પાર્ટીને મળશે અને કઈ પાર્ટીના કેટલા મંત્રી બનશે.

આ બન્ને પાર્ટીઓ વર્ષ 2022માં એકસાથે આવી હતી. ત્યારબાદ ઇમરાન ખાને નાટકીય રીતે વડા પ્રધાનના પદ પરથી હટવું પડ્યું હતું.

ઇમરાન ખાનને જાન્યુઆરી 2024માં સરકારી ગોપનીય માહિતી લીક કરવાના આરોપમાં 10 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ઇમરાન ખાન આ આરોપોને પાયાવિહોણા ગણાવે છે.

બન્ને પક્ષો બહુમતીથી દૂર છે

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

પાકિસ્તાનમાં આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી વિવાદિત ચૂંટણીનાં પરિણામોમાં કોઈ પણ પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળી.

ભૂતપૂર્વ વડા પ્રધાન ઇમરાન ખાન જેલમાં હતા અને તેમની પાર્ટીના ચૂંટણીચિહ્ન રદ કરવામાં આવ્યું હતું. જોકે, તેમની પાર્ટીએ અપક્ષ ઉમેદવારો ચૂંટણીમાં ઉતાર્યા હતા.

ચૂંટણીનાં પરિણામોમાં પીટીઆઈ સમર્થિત અપક્ષ ઉમેદવારો મોટી સંખ્યામાં જીતીને આવ્યા પરંતુ કુલ સંખ્યા બહુમતીથી દૂર હતી.

બહુમત માટે 169 સીટોની જરૂરિયાત છે. જોકે, પીટીઆઈના સમર્થક અપક્ષ ઉમેદવારોની સંખ્યા 93 છે.

આ કારણે ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નેતૃત્વવાળી પીએમએલ-એન અને પીપીપી વચ્ચે વાતચીતનો રસ્તો ખુલ્યો.

પીએમએલ-એનને 75 સીટો અને પીપીપીને 54 સીટો મળી. બન્નેની કુલ સંખ્યા પણ બહુમતીથી ઓછી છે, પરંતુ તેમને નાની પાર્ટીઓનું સમર્થન મળી શકે છે.

આ ગઠબંધનને સરકાર ચલાવવા માટે મહિલાઓ અને ધાર્મિક લઘુમતીઓ માટે અનામત બેઠકો પરની નિમણૂકો થકી પૂરતું સમર્થન મેળવવાની અપેક્ષા છે.

પીટીઆઈ ચૂંટણીમાં આવેલાં પરિણામોની વિરુદ્ધ કોર્ટમાં લડાઈ લડી રહી છે અને પાર્ટીના સમર્થકો દેશમાં પ્રદર્શન કરી રહ્યાં છે.

ગયા અઠવાડિયે જમાત-એ-ઇસ્લામી પાર્ટીના હાફિઝ ઉર રહેમાન કરાચીથી જીત્યા હતા. જોકે, તેમણે તેમની બેઠક પરથી રાજીનામું આપી દીધું હતું કેમ કે તેમના હરીફ પીટીઆઈ ઉમેદવારને હરાવવા માટે ચૂંટણીમાં ધાંધલી કરવામાં આવી હતી.

ચૂંટણીનાં પરિણામો જાહેર થયાં પછી દેશના કેટલાક વિસ્તારોમાં પ્રદર્શનો થયાં હતાં. ત્યાર પછી ઇન્ટરનેટ પર રોક લગાવવાના સમાચાર પણ આવ્યા હતા.

ઇન્ટરનેટ ઍક્સેસ પર નજર રાખતા જૂથ નેટબ્લૉકે કહ્યું કે પાકિસ્તાનમાં ઘણા લોકો મંગળવારે પણ સોશિયલ મીડિયા સાઇટ ઍક્સનો (અગાઉ ટ્વિટર) ઉપયોગ કરી શક્યા ન હતા.