દલિતોને દૂર રાખવા ગામમાં 220 ફૂટ લાંબી 'અસ્પૃશ્ય દીવાલ' ચણી દીધી હોવાનો આરોપ, શું છે સમગ્ર મામલો?

- લેેખક, પી. શિવા સુબ્રમણિયમ
- પદ, બીબીસી સંવાદદાતા
તામિલનાડુ રાજ્યના સાલેમ જિલ્લાના ઓમાલુરુ તાલુકાના થોલાસમાપટ્ટી પોલીસ સ્ટેશની હદમાં ઓલાઇપટ્ટી ગામ આવેલું છે.
આ ગામમાં એક વ્યક્તિએ પોતાની જમીન પર 10 ફૂટ ઊંચાઈની 220 લાંબી કૉંક્રિટની દીવાલ ખડકી દીધી છે.
અનુસૂચિત જાતિના લોકોનો આક્ષેપ છે કે આ અસ્પૃશ્ય દીવાલ છે. જમીનમાલિકનો દાવો છે કે એ ઢોર ચારવા માટે બનાવાયેલી સુરક્ષા માટેની દીવાલ છે. સ્થળ પરની સ્થિતિ અંગે જાણવા માટે બીબીસી ગામની મુલાકાતે પહોંચ્યું હતું.
ગામમાં એક હજાર મકાન છે, જે પૈકી 100 કરતાં પણ ઓછાં મકાન અનુસૂચિત જાતિના લોકોનાં છે. 40 વર્ષ પહેલાં, રાજ્ય સરકારે અનુસૂચિત જાતિના લોકોનાં ઘર બનાવવા માટે ગામના પૂર્વ ભાગે 1.98 એકર જમીન ફાળવી હતી. આ વિસ્તારમાં હાલ 40 પરિવારો રહે છે, અને ત્યાં ત્રણ શેરીઓ આવેલી છે.
આ મકાનોના પાછળના ભાગે ચંદ્રશેખર નામની વ્યક્તિની એક એકર જમીન છે, જ્યારે તેની જમણી તરફ પલાનીસ્વામીની એક એકર જમીન આવેલી છે.
બે વર્ષ પહેલાં જમણી તરફની જમીન ખરીદનારા પલાનીસ્વામીએ ઢોર માટેનું કેન્દ્ર સ્થાપવાનો નિર્ણય લીધો. અને અનુસૂચિત જાતિના લોકોની વસતિવાળી જમીન અને પોતાની જમીન વચ્ચે એક મોટી દીવાલ ખડકી દીધી.
તમે હવાને અંદર આવતી કેવી રીતે અટકાવી શકો?

નિવૃત્ત સ્વાસ્થ્યકર્મી થાનમ કહે છે કે, "આટલી મોટી દીવાલ ન બનાવશો. અમારાં મકાનોમાં હવાની અવરજવર પણ નથી થતી. અમે તેમને સામાન્ય ઊંચાઈવાળી પાંચ-છ ફૂટ ઊંચી દીવાલ ચણીને તેની ઉપર કાંટા તારની વાડ કરી દેવા કહ્યું."
તેઓ કહે છે કે, "તેમણે વાસ્તુ મુજબ દસ ફૂટ ઊંચાઈની દીવાલ બનાવી દીધી. જમીનની બંને તરફ કાંટા તારની વાડ કરનારા પલાનીસ્વામીએ માત્ર અનુસૂચિત જાતિના લોકોની વસતિ બાજુ જ દીવાલ ખડકી છે. અમને આ અપમાનજનક લાગે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'ખેતીની જમીન પર તેઓ કચરો ઠાલવે છે'

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
બીબીસીએ જમીનમાલિક અને ઊંચી દીવાલ ખડકી દેનારા પલાનીસ્વામી સાથે પણ વાત કરી. અમે તેમને આટલી ઊંચી દીવાલ ઊભી કરવા પાછળનું કારણ પૂછ્યું.
"મેં આ જમીન ખરીદી અને બે પુત્રો માટે એક નવો ધંધો શરૂ કરવાના હેતુ સાથે ખેતી શરૂ કરી હતી. અમારા પાડોશમાં રહેતા લોકો નૅપ્કિન્સ, ખાલી બૉટલો, ઘરના કચરા વગેરે અમારી ખેતીની જમીન પર ફેંકે છે. વાવણી સમયે એ બધો કચરો સાફ કરવો એ મુસીબત થઈ પડે છે."
તેમણે સ્પષ્ટતા કરી, "અમે પશુ ફાર્મ શરૂ કરવા અને પશુઓનો ચારો તૈયાર કરવા માટે મશીન મૂકવા માટે બૅન્કમાંથી લોન મેળવવાની અરજી કરી છે. ચારો તૈયાર કરતી વખતે કચરો અને ધૂળ રહેણાક વિસ્તારમાં ન જવાં જોઈએ. સાથે જ બીજી તરફથી પણ કચરો ન આવવો જોઈએ. આના કારણે અમે આ ઊંચી દીવાલ બનાવી છે. આની પાછળ જ્ઞાતિને લગતો કોઈ હેતુ નથી."
"આ કામ શરૂ થતાંની સાથે જ, સેલ્વન નામના એક યુવાને અન્ય ચાર-પાંચ લોકો સાથે આવીને મુદ્દો ઉઠાવ્યો. મુખ્ય મંત્રીથી માંડીને મંત્રીઓ સુધી ઘણાને ફરિયાદ મોકલાઈ. પોલીસ અને મામલતદાર સહિત ઘણા અધિકારીઓ આવીને જમીનનાં ઇન્સપેક્શન અને માપણી કરી ગયા."
પલાનીસ્વામીએ કહ્યું, "તેમણે ખુદ આ બધું થયા પછી અમને કહ્યું કે અમે અમારી જમીન પર દીવાલ બાંધી શકીએ. આવા અવરોધોને કારણે જે કામ મહિનામાં થવું જોઈતું હતું, તેના માટે વરસ લાગી ગયું. હવે ચકાસણી માટે આવેલા બૅન્કના અધિકારીઓનું કહેવું છે કે તેઓ વિવાદાસ્પદ વિસ્તારમાં પશુ ફાર્મ બનાવવા માટે લોન ન આપી શકે."

આ મુદ્દે વાત કરતાં સેલ્વને કહ્યું, "અમારા ગામમાં લોકોમાં પૂરતી જાગૃતિ નથી. બધા ભણેલા યુવાનો રોજગાર માટે વિદેશ જતા રહ્યા છે. જ્યારે તેમણે દસ ફૂટ ઊંચાઈની દીવાલ બનાવવાની વાત કરી તો મેં કહ્યું કે આ તો અમારા લોકોને અલગ પાડવા જેવી વાત થઈ."
તેમણે ભવિષ્યમાં દીવાલ પડી જવાનો ભય વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે આવા બનાવની તેમના વિસ્તારના લોકો પર અસર થશે. તેમણે કહ્યું કે તેમણે સત્તાધીશોને જમીનની ઊંચાઈ ચાર ફૂટ રાખી ઉપર કાંટા તારની વાડ કરી દેવાનું સૂચન કર્યું હતું.
સેલ્વમે કહ્યું, "મેં મંડનલ્લા તળાવની મુલાકાતે જઈ રહેલા પ્રવાસનમંત્રી રાજેન્દ્રની કાર રોકી. એ સમયે, દીવાલની ઊંચાઈ છ ફૂટ હતી. મંત્રીએ તેને દીવાલની ઊંચાઈ ન વધારવા કહ્યું. જોકે, સત્તાધીશોએ આ દીવાલની ઊંચાઈ વધારવાની પરવાનગી આપી દીધી."
'આ અસ્પૃશ્ય દીવાલ છે'

રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના સ્ટેટ એક્ઝિક્યુટિવ સેક્રેટરી વાટિયાર ઉર્ફે આંબેડકરે કહ્યું, "આ દીવાલ વિભાજનનું પ્રતીક છે. જો રહેણાક વિસ્તારની બાજુમાં ફૅક્ટરી કે ઔદ્યોગિક એકમ હોય તો સુરક્ષા માટે ઊંચી દીવાલ બનાવી શકાય. પણ આ એક ખેતીની જમીન છે."
તેમણે કહ્યું, "વધુમાં, બીજી બે બાજુએ કાંટા તારની વાડ કરાઈ છે. એક બાજુએ તો કોઈ અવરોધ જ નથી. માત્ર અનુસૂચિત જાતિના લોકો રહે છે એ જગ્યાએ જ દીવાલ ઊભી કરાઈ છે. આના કારણે આ એક અસ્પૃશ્યતાવાળી દીવાલ છે."
તેમણે માગ કરી, "જિલ્લા વહીવટી તંત્ર આ મુદ્દાને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં નથી જોઈ રહ્યું. અમે લાગતાંવળગતાં તમામ સત્તામંડળોને આ અસ્પૃશ્ય દીવાલ અંગે ફરિયાદ મોકલી છે. રાજ્યના એસસી અને એસટી કમિશનનાં સભ્ય રેખા પ્રિયદર્શિની, મંત્રી મથિવેન્દ્રન અને અન્યોએ અંહી આવીને આ વિસ્તારની મુલાકાત લેવી જોઈએ."
વાટિયારે ચેતવણી આપતાં કહ્યું, "સાલેમ જિલ્લામાં પાછલાં પાંચ વર્ષથી અનુસૂચિત જાતિ કલ્યાણ સમિતિ બનાવાઈ નથી. આના કારણે, ઘણા વિસ્તારોમાં બની રહેલી ભેદભાવવાળી ઘટનાઓ સરકારના ધ્યાને નથી આવી રહી. જો આ દીવાલ અંગેની મારી ફરિયાદ સબબ 30 દિવસમાં પગલાં નહીં લેવાય તો હું આગળની કાર્યવાહી કરીશ."
આ મુદ્દે વાત કરતાં ઓમાલુરુ તાલુકા ઑફિસર રવિકુમારે કહ્યું, "અમને ઓલાઈપટ્ટી ખાતે એક અસ્પૃશ્યતા દીવાલ બની રહી હોવાની ફરિયાદ મળી. અમે પોલીસ સાથે જાતે તપાસ અને ચકાસણી માટે ગયા હતા. આ દીવાલ અનુસૂચિત જાતિના લોકો દ્વારા ઉપયોગમાં લેવાતા રસ્તા કે તેમનાં ઉપયોગનાં સ્થળોમાં અવરોધ ઊભો કરતી નથી."
રવિકુમારે કહ્યું, "ખાનગી જમીન પર દીવાલનું બાંધકામ રોકવાની સત્તા મારી પાસે નથી. તેને એક અસ્પૃશ્ય દીવાલ ન ગણાવી શકાય. અમે તેમને આના માટે કોર્ટની શરણે જવાની સલાહ આપી."
'તેમને લાગે છે કે તેમને અલગ પાડી દેવાયા'
કૉંગ્રેસ પાર્ટીના જિલ્લા એસસી-એસટી યુનિટના ઉપપ્રમુખ અને વકીલ દીનાકરને કહ્યું, "દીવાલ બની રહી છે એ જમીન ખાનગી માલિકીની છે. અનુસૂચિત જાતિના લોકોનું એવું કહેવું નથી કે ત્યાં દીવાલ ન બનવી જોઈએ. તેમણે માત્ર આ દીવાલ પાંચ ફૂટ ઊંચાઈવાળી હોય તેવી માગ કરી છે. દીવાલની ઊંચાઈ દસ ફૂટ રાખવાની વાત અસ્પૃશ્યતાનો મુદ્દો બની રહ્યો છે."
દીનાકરનનું માનવું છે કે જિલ્લા વહીવટી તંત્રે બંને પક્ષોને બોલાવીને આ મામલે ખાનગી માલિકીની જમીન પર કચરો ન નાખવા તેમજ બિનજરૂરી રીતે ઊંચી દીવાલ ન બનાવવા જેવા સૌહાર્દપૂર્ણ સમાધાન પર પહોંચવું જોઈતું હતું.
તેમણે કહ્યું, "જો આવું થયું હોત, તો ભવિષ્યમાં કોઈ પણ વિવાદને અવકાશ ન રહ્યો હોત. હાલની સ્થિતિમાં, દીવાલી પાસે રહેતા લોકોએ એવી રીતે રહેવું પડે છે કે જાણે તેઓ સમાજથી અલગ પડી ગયા છે. બહારની દુનિયા પણ તેમને આવી રીતે જોશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












