'તમે કામ કરવા માટે નથી જીવતા', નોકરી અને જીવન વચ્ચે સંતુલન જાળવતા 5 શ્રેષ્ઠ દેશ

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અમાન્ડા રગેરી
- પદ, બીબીસી ટ્રાવેલ
સ્વસ્થ જીવનશૈલીથી લઈને માનસિક સુખાકારીની ચાવી વર્ક-લાઇફ બૅલેન્સને ગણવામાં આવે છે. તેનો સામાન્ય અર્થ એવો થાય છે કે રોજબરોજની દિનચર્યામાં નોકરી અને અન્ય કામમાં તમે સરેરાશ સરખો સમય ફાળવો છો કે નહીં.
ઘણા લોકો પોતાનો મૂળ દેશ છોડીને કામની શોધમાં અન્ય દેશમાં જતા હોય છે ત્યારે એ ખ્યાલ રાખવો જરૂરી છે કે જે-તે દેશમાં કામ પ્રત્યેના નિયમો અને દૃષ્ટિ કેવી છે.
કયા દેશો એવા છે કે જે નોકરી અને જીવન વચ્ચેનું શ્રેષ્ઠ સંતુલન ધરાવે છે એ જાણવા માટે બીબીસીએ 2023ના 'ગ્લૉબલ વર્ક-લાઇફ બૅલેન્સ ઇન્ડેક્સ'નો સહારો લીધો હતો. આ ઇન્ડેક્સ એચઆર ટેકનૉલૉજી કંપની રિમોટ દ્વારા જાહેર કરવામાં આવે છે. આ રિપોર્ટ માટે તેઓ જે-તે દેશમાં ફરજિયાત વાર્ષિક રજાના નિયમો, બીમારીની પરિસ્થિતિમાં આપવામાં આવતું ન્યૂનતમ ભથ્થું, મેટરનિટી લીવ દરમિયાન આપવામાં આવતો પગાર વગેરેને ધ્યાનમાં લે છે.
આ સિવાય અમે ઓઈસીડી (ઑર્ગેનાઇઝેશન ઑફ ઇકૉનોમિક કૉ-ઓપરેશન ઍન્ડ ડેવલપમૅન્ટ) દ્વારા જાહેર કરવામાં આવતા વર્ક-લાઇફ બૅલેન્સના ડેટાનું પણ અવલોકન કર્યું હતું, જેમાં અઠવાડિયામાં કેટલી કલાક કામદારો કામ કરે છે અને તેઓ આરામ તથા પોતાની પાછળ કેટલા કલાક ખર્ચે છે તેની પણ વાત કરવામાં આવી છે. આમાં 22 દેશોનું વિશ્લેષણ છે.
આ બંને અહેવાલોને આધારે વિશ્વના શ્રેષ્ઠ પાંચ દેશો કયા છે અને તેમાં કેવા નોકરી અને જીવન વચ્ચેનું સંતુલન કેવું છે એ જોઈએ.
ન્યૂઝીલૅન્ડ

ઇમેજ સ્રોત, Getty Images
આ સર્વેમાં ન્યૂઝીલૅન્ડ સૌથી ટોચના સ્થાને છે. ન્યૂઝીલૅન્ડમાં 26 અઠવાડિયાની પગાર સાથેની મેટરનિટી લીવ મળે છે જેમાં ન્યૂનતમ ભથ્થું ફરજિયાતપણે વધારે હોવું જોઈએ. અહીં 32 દિવસની કાયદેસર વાર્ષિક રજા અને અને બીમારીમાં ન્યૂનતમ ભથ્થું આપવાનો દર 80 ટકાથી પણ વધુ છે.
ન્યૂઝીલૅન્ડમાં રહીને માર્કેટિંગ સેક્ટરમાં કામ કરતા અને મૂળ કૅનેડાના વતની ઍરિન પેરી કહે છે, “કોઈ પણ પ્રકારના નિયમો કે નીતિઓ સિવાય પણ અહીંની સામાન્ય સંસ્કૃતિ જ એવી છે કે જે કામને વધુ આરામદાયક બનાવે છે.”
તેઓ કહે છે કે, “કૅનેડામાં કામની પરિસ્થિતિઓ એવી છે કે તમારા માટે નોકરી એ 'કરો યા મરો'નો પ્રશ્ન બની જાય છે. ત્યાં મને ખબર જ પડતી ન હતી કે હું કઈ રીતે બચીશ.”
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે જ્યારે ન્યૂઝીલૅન્ડની વર્ષ 2015માં મુલાકાત લીધી હતી ત્યારે તેમને એવું પ્રતીત થયું હતું કે આ દેશનો કામ પ્રત્યેનો અભિગમ થોડો અલગ છે. પછી તેમણે એ જ વર્ષે ત્યાં જવાનો નિર્ણય કર્યો અને તેમને લાગ્યું કે જેટલી આ દેશના વર્ક કલ્ચર વિશે વાતો થઈ રહી છે એ સાચી છે.
એ પણ સત્ય હકીકત છે કે ન્યૂઝીલૅન્ડમાં પણ બધું શ્રેષ્ઠ અને સર્વોત્તમ નથી. અહીં પણ 14 ટકા લોકો એવા છે જે અઠવાડિયામાં 50 દિવસથી વધુ કામ કરે છે. ઓઇસીડીમાં સામેલ દેશો કરતાં આ સરેરાશ 10 ગણી વધારે છે.
આ સિવાય સેલ્ફ-કૅર (ભોજન અને ઊંઘ), મિત્રો અને પરિવાર સાથે સમય પસાર કરવો, પોતાના શોખ પાછળ કામ કરવું, ટીવી કે સિનેમા જોવું વગેરે પાછળ તેઓ અઠવાડિયાના 14.9 કલાક પસાર કરે છે. જે ઓઇસીડી દેશો કરતાં થોડી ઓછી સરેરાશ છે.
પેરી જણાવે છે કે અન્ય સમૃદ્ધ દેશોની સરકારોની જેમ અહીં બેરોજગારી માટે ભથ્થું આપવામાં આવતું નથી અને નાનાં બાળકોના ઉછેર અને વિકાસ પાછળ થતો ખર્ચ ઘણો વધારે છે. વધુમાં એવું પણ જણાય છે કે કામ પ્રત્યેના આરામદાયક અભિગમને કારણે ન્યૂઝીલૅન્ડને થોડું નુકસાન પણ થઈ રહ્યું છે.
પેરી કહે છે, “ધારો કે તમારે કોઈ કામ જલદી પૂરું કરવાનું હોય અને ઉતાવળ પણ હોય તો તમને ઘણી તકલીફ પડી શકે. જો ડિસેમ્બર મહિનો પૂરો થવામાં હોય તો જાણે કે બધું કામ અટકી જાય છે. લોકો ઇ-મેઇલનો પણ જવાબ દેતા નથી.”
એમ છતાં પણ પેરી અનુસાર, ન્યૂઝીલૅન્ડની સંસ્કૃતિમાં જ વણાઈ ગયેલો વર્ક-લાઇફ બૅલેન્સનો અભિગમ એવો છે કે જેને કોઈ દેશો ટક્કર આપી શકતા નથી. તેઓ કહે છે, “લોકોની મુખ્ય પ્રાથમિકતા તેમનો પરિવાર, સુખાકારી, ફરવું, મનોરંજન વગેરે છે.”
“તેઓ ખરેખર પોતાના સમયને મૂલ્યવાન અને કિંમતી ગણે છે અને તેઓ માને છે કે કામ એ જીવનની છેલ્લી પ્રાથમિકતા છે, કામ જ સર્વસ્વ નથી.”
સ્પેન

ઇમેજ સ્રોત, Getty Images
આ દેશોમાં સ્પેન એ બીજું સ્થાન ધરાવે છે. અહીં વાર્ષિક 26 રજાનો કાયદો અમલમાં છે.
ઓઇસીડીના ડેટા પ્રમાણે સ્પેનમાં કામ કરતા નોકરિયાતો અને કામદારો પર્સનલ કૅર પાછળ ઘણો સમય આપે છે. ઇટાલી અને ફ્રાન્સ કરતાં પણ આ સમય વધુ છે. માત્ર 2.5 ટકા લોકો જ વધુ કામ કરે છે.
ઇઝાબેલ ક્લિગર કે જેઓ ટ્રાવેલ રાઇટર છે જેમણે સ્વીડન, યુનાઇટેડ કિંગડમ, આયરલૅન્ડ અને બાર્સેલોના જેવા દેશોમાં રહેવાનો અનુભવ ધરાવે છે. તેઓ કહે છે, “યુકે અને આયરલૅન્ડ જેવા દેશોમાં ઘણા લોકો કામમાં તેમનો મોટા ભાગનો સમય પસાર કરે છે અને જ્યારે તેઓ કામ નથી કરતા ત્યારે તેઓ તેમના સહાધ્યાયીઓ સાથે સમય પસાર કરે છે.” પરંતુ સ્પેનમાં આવું નથી.
તેઓ સમજાવે છે કે, “અહીં જ્યારે તમે લોકોને મળો છો ત્યારે તેઓ તરત પૂછતાં નથી કે તમે શું કામ કરો છો. તેઓ જ્યારે કામના સ્થળે હોતા નથી ત્યારે કામ વિશે વાત ક્યારેય કરતા નથી. ધારો કે તમે કામ પછી કોઈને મળો છો અને કહો છો કે આજનો દિવસ બહુ વ્યસ્ત કે ખરાબ રહ્યો તો થોડીવારમાં જ વાત અન્ય વિષય પર ચડી જાય છે.”
તેમ છતાં પણ સ્પેનના લોકો એવું કહેતા જોવા મળે છે કે તેમને ઘણું કામ કરવું પડે છે.
પહેલા સ્પેનમાં પરંપરાગત કામનો સમય સવારે સાડા આઠથી દોઢ સુધીનો હતો જેમાં વચ્ચે એક દોઢ કલાકનો વિરામ હોય અને પછી દિવસનો અંત સાત કે આઠ વાગ્યે થાય. વચ્ચે બ્રૅક અથવા તો ઝોકું લેવાનો સમય પણ છેલ્લા કેટલાક સમયથી ઘટતો જાય છે એટલે તેમને એવું લાગે છે કે કામના કલાકો વધી ગયા. તેઓ ઇચ્છે છે કે નોકરીનો સમય સાંજે છ વાગ્યે જ શરૂ થઈ જાય.
યુરોપિયન યુનિયને જાહેર કરેલો ડેટા એવું કહે છે કે સ્પેનમાં એક વ્યક્તિ અઠવાડિયાના સરેરાશ 37.5 કલાક કામ કરે છે.
આ સિવાય ત્યાં ઉનાળામાં એક પરંપરા રહી છે કે શુક્રવારના દિવસે નિરંતર કામ કરીને ત્રણ વાગ્યે ફ્રી થઈ જવું અને એ દિવસે લંચ બ્રૅક લેવો નહીં. ઇઝાબેલ કહે છે કે, “અહીં એવું વર્ક કલ્ચર છે કે જેમાં લોકો સમજે છે કે તમે કામ કરવા માટે જીવતા નથી, પરંતુ જીવવા માટે કામ કરો છો.”
ડેનમાર્ક

ઇમેજ સ્રોત, Getty Images
‘ધી યર ઑફ લિવિંગ ડૅનિશલી’ ના લેખક હૅલેન રસેલથી વધુ ડેનમાર્કના વર્ક-લાઇફ બૅલેન્સને સમજતા હોય તેવા જૂજ લોકો હશે. તેમણે આ દેશમાં એક દાયકા કરતાં પણ વધુ સમય પસાર કર્યો છે.
તેઓ કહે છે, “મેં યુકેમાં પત્રકાર તરીકે 12 વર્ષ કામ કર્યું છે. મેં દરરોજ સરેરાશ કરતાં વધુ કલાકોની નોકરી કરી છે, જેમાં તમે કાયમ વ્યસ્ત રહો છો. યુકેમાં મુસાફરી કરીને ઑફિસે પહોંચતા પણ ખૂબ સમય જાય છે. આથી વર્ક-લાઇફ બૅલેન્સ રહેતું નથી અને સ્વ માટેનો સમય ખૂબ ઓછો મળે છે. હું વિચારતો હતો કે કે આ તો સામાન્ય છે. પણ ડેનમાર્ક આવ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે આ વાત સામાન્ય નથી, હું ખોટો છું. ”
“મને ખ્યાલ આવ્યો કે નોકરી અને જીવન વચ્ચેની કેટલી કડક લક્ષ્મણરેખા અહીં નિર્ધારિત કરેલી છે.”
તેઓ કહે છે, “અહીં કામના કલાકો સવારે આઠ વાગ્યાથી શરૂ થાય છે અને ચાર વાગ્યે લોકો તેમનું કમ્પ્યૂટર શટ ડાઉન કરી દે છે. ડે-કૅરમાં મોકલેલા બાળકોને 4 વાગ્યે ત્યાંથી લેવા જવાનાં હોય છે એટલે ઘણા લોકો માટે 4 વાગ્યે કામ અટકાવી દેવું ફરજિયાત છે અને એ સિવાય પણ બધા લોકો માટે આ વણલખ્યો નિયમ છે.”
“અહીં પરિવારોને સાંજે 4થી 7નો ખૂબ કિંમતી સમય મળે છે જેમાં સમગ્ર પરિવાર સાથે હોય છે. ક્યારેક લોકો સાંજના સમયે અગત્યના ઇ-મેઇલ પર નજર ફેરવે છે પરંતુ એ સિવાય તમારે કોઈ કામ કરવાનું રહેતું નથી.”
એટલે જે લોકો પરિવારમાં રહેતા નથી અને એકલા છે તેમને તો પોતાના પર કામ કરવા માટે ખૂબ સમય મળે છે. તેમના પ્લાનિંગમાં જો તેમનો જીમ જવું હોય અથવા તો પોતાના કોઈ શોખ પાછળ કામ કરવું હોય તો તેમને ઘણો સમય મળે છે.
વર્ક-લાઇફ બૅલેન્સની આ પ્રાથમિકતા ઓઇસીડી દ્વારા જાહેર કરાયેલા રેન્કિંગમાં પણ જોવા મળે છે. ડેનમાર્કના કર્મચારીઓમાંથી માત્ર 1% ટકા લોકો અઠવાડિયામાં 50 કલાકથી વધુ કામ કરે છે.
તેઓ રોજના 15.7 કલાક નવરાશના સમય અથવા તો અંગત કામ પાછળ વીતાવે છે, જે પણ ઓઇસીડી દેશોની સરેરાશ કરતાં વધુ છે.
અહીં વર્ક-ફ્લેક્સિબિલિટી માટે પણ ધણું સાનુકૂળ વાતાવરણ છે. હકીકતમાં, દેશની 'ફ્લૅક્સજોબ્સ' યોજના હેઠળ કામદારો વિવિધ પ્રકારના ટાઇમટેબલ, પેટર્ન અથવા તો ઓછી શારીરિક શ્રમવાળાં કાર્યોની વિનંતી કરી શકે છે. આ યોજના 1998માં શરૂ કરવામાં આવી હતી.
ડેનમાર્ક 36 દિવસની કાયદેસર વાર્ષિક રજા પણ આપે છે, જે સમૃદ્ધ દેશોમાં ઉચ્ચતમ સ્તરોમાંનું એક છે. કામદારોને બીમારીના દિવસોમાં તેમના પગારના 100% આપવા પણ અહીં આવશ્યક છે.
ફ્રાન્સ

ઇમેજ સ્રોત, Getty Images
ઓઇસીડીના સર્વે પ્રમાણે ફ્રાન્સના લોકોને કામના કલાકો બાદ કરતા પોતાના પાછળ ખર્ચ કરવા માટે 16.2 કલાક મળે છે.
રિમોટ કંપનીએ કરેલા સર્વેમાં તેને વર્ક-લાઇફ બૅલેન્સના મામલામાં ઓવરઓલ ત્રીજું સ્થાન મળે છે. અહીં પણ કાયદેસર વાર્ષિક રજાઓ 36 મળે છે.
સારાહ મિકો એક કૅનેડિયન આંત્રપ્રૅન્યોર અને ફ્રીલાન્સર છે જેઓ ફ્રાન્સની રાજધાની પેરિસમાં 2021માં સ્થળાંતરિત થયાં છે. તેઓ કહે છે, “સતત વ્યસ્ત રહેતા શહેર પેરિસમાં પણ સ્થાનિકો કામ સિવાયના સમયે પ્રાધાન્ય આપે છે.”
તેઓ કહે છે, “ફ્રેન્ચ સંસ્કૃતિ આરામને પ્રાધાન્ય આપે છે. ઉદાહરણ તરીકે તમે અહીંનુ કૅફે કલ્ચર લઈ શકો. અહીં દિવસમાં ગમે ત્યારે લોકોને મોટી સંખ્યામાં અહીં પોતાનો સમય પસાર કરતા જોઈ શકો છો. જ્યારે વાતાવરણ સારું હોય ત્યારે તો આ પ્રકારનાં દૃશ્યો ખાસ જોવા મળે છે. માત્ર મિત્રો કે સહકર્મીઓ સાથે જ નહીં પરંતુ લોકો એકલા પણ મોટી સંખ્યામાં કૉફી પીતાં જોવા મળે છે.”
મિકો એમ પણ કહે છે કે આ વર્ક-લાઇફ કલ્ચર તમારા ક્ષેત્ર પ્રમાણે બદલાતું રહે છે. તેમણે તેમની ઇન્ટર્નશિપ ફેશન ઇન્ડસ્ટ્રીમાં કરી હતી જ્યાં તેમણે સતત સવારના દસથી સાંજે સાત વાગ્યા સુધી કામ કર્યું હતું.
ફ્રાન્સના આઠ ટકા લોકો અઠવાડિયાના 50 કલાકથી વધુ કામ કરે છે. પરંતુ ઓવરઓલ અહીં બૅલેન્સ સારું જળવાઈ રહે છે.
મિકો કહે છે, “ફ્રાન્સમાં કળા અને સંસ્કૃતિના ક્ષેત્રને પ્રોત્સાહન આપવામાં આવે છે અને તેને ઘણું ફંડિંગ પણ આપવામાં આવે છે જેના કારણે પણ ઘણો બદલાવ આવ્યો છે.”
તેઓ કહે છે, “વ્યસ્ત જીવનને બૅલેન્સ કરવામાં આ ઘણું ફાયદાકારક નીવડે છે. મેટ્રો અથવા તો અન્ય ટ્રાન્સપોર્ટના સ્થળે પણ પ્રદર્શનો લાગેલાં જોવા મળે છે અને ઘણા વિવિધ આયોજનો થતાં રહે છે. અહીં એવી ભાવના છે કે કામ સિવાય પણ જીવન છે.”
ઇટાલી

ઇમેજ સ્રોત, Getty Images
ઇટાલીમાં એક પ્રસિદ્ધ કહેવત છે ‘ઇલ ડૉલ્સે ફાર નિએન્તે’ જેનો અર્થ થાય છે ‘સ્વીટનેસ ઑફ ડુઇંગ નથિંગ’. આ કહેવત ત્યાંના જીવનમાં પણ એટલી જ વણાયેલી જોવા મળે છે.
આન્દ્રે યુરિબ ઑરોઝોકો એક વકીલ છે. તેઓ કૉલંબિયા અને અમેરિકામાં લાંબો સમય રહ્યા બાદ ઇટાલીની રાજધાની રૉમમાં રહે છે. તેઓ કહે છે કે, “ઇટાલીના લોકોએ વર્ક-લાઇફ બૅલેન્સના સિદ્ધાંતની શોધ કરી છે. અહીંના લોકો ‘કામ, કામ, કામ’ ક્યારેય કરતા નથી.”
ઓઇસીડીનો સર્વે પણ આ વાતની ખાતરી કરે છે. ફુલ-ટાઇમ કામ કરનારા લોકો અહીં પોતાના દિવસનો 69 ટકા સમય નોકરી સિવાયનાં કામોમાં આપે છે.
તેઓ કહે છે, “લોકોને લાગે છે કે ઇટાલીના લોકો કામ કરતા નથી. પણ હું માનું છું કે તેઓ ખૂબ કામ કરે છે. તેઓ ખૂબ પ્રોડક્ટિવ છે એટલે આપણને એવું લાગે છે કે તેઓ કામ કરતા નથી. તેઓ જે કામ કરે છે તે ખૂબ ઝડપથી કરે છે અને પછી તેઓ લાંબા કૉફી બ્રેક લે છે.”
જોકે, આ પ્રકારના વર્ક-કલ્ચરના ઘણા ગેરફાયદા પણ છે, “દેશમાં ખૂબ બેરોજગારી પણ છે અને સરેરાશ ઓછો પગાર જેવા પ્રશ્નો પણ છે.”
રિમોટે જાહેર કરેલા રૅન્કિંગમાં તેનું ઓવરઑલ 22મું સ્થાન છે કારણ કે તે હેપિનેસ ઇન્ડેક્સ અને એલજીબીટીક્યૂ ઇન્ક્લુઝન જેવી બાબાતોમાં ઘણું પાછળ છે.
ચોક્કસ ઢબનું વર્ક-કલ્ચર ન હોવાને કારણે તેની રોજબરોજની કાર્યક્ષમતા પર પણ ઘણી અસર થાય છે. જ્યારે હું ઇટાલીમાં રહ્યો હતો ત્યારે જો મારે પોસ્ટ ઑફિસ જવું હોય તો ઓછામાં ઓછી એક કલાક જોઈએ, કોઇ પણ પ્રકારનું સરકારી કામ જેમ કે પરમિટ રીન્યૂ કરાવવાનું કામ હોય તો અડધો દિવસ પસાર થઈ જાય.
જોકે, અહીં હકારાત્મક બાબત શું છે? આ સમયને ફાજલ સમયમાં ગણવાને બદલે મેં તેને સંભાવનાઓથી ભરપૂર સમય તરીકે જોયો અને એ ખ્યાલ રાખ્યો કે હંમેશાં મારી પાસે એક પુસ્તક હોય- અને પછી એવું બન્યું કે હું પણ ‘સ્વીટનેસ ઑફ ડુઇંગ નથિંગ’ ની ભાવનામાંથી બહાર આવવા લાગ્યો.
(બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન)












