You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પૂર્વ IPS સંજીવ ભટ્ટને 'ખોટા કેસ કરવા' મામલે પાલનપુર કોર્ટે દોષિત ઠેરવ્યા, શું છે સમગ્ર મામલો?
પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને NDPS એટલે કે ધ નાર્કોટિક ડ્રગ્સ ઍન્ડ સાઇકોટ્રોપિક સબસ્ટન્સ ઍક્ટ- 1985 અંતર્ગત ખોટા કેસ કરવાના મામલે પાલનપુરની સેશન્સ કોર્ટે દોષિત જાહેર કર્યા છે. કોર્ટ તેમને ગુરુવારે સજા સંભળાવશે.
સંજીવ ભટ્ટના વકીલ બી. એ. તુવરે બીબીસી ગુજરાતીના સહયોગી પરેશ પઢિયારને જણાવ્યું હતું કે, "NDPS ઍક્ટ અંતર્ગત તેઓ દોષિત સાબિત થયા છે. કોર્ટ તેમને આવતીકાલે સજા સંભળાવશે."
સંજીવ ભટ્ટનાં પત્ની શ્વેતા ભટ્ટે કહ્યું, "આ મિસ્કેરેજ ઑફ જસ્ટિસ છે. હું તમને આવતીકાલે ઇન્ટવ્યૂ આપીશ. મારે આ મામલે ઘણું કહેવાનું છે."
શ્વેતા ભટ્ટે વધુમાં કહ્યું કે આ કેસમાં અમારી (સંજીવ ભટ્ટ)ની કોઈ ભૂમિકા નથી.
સંજીવ ભટ્ટ પહેલાંથી જ પાલનપુરની જેલમાં બંધ છે.
ઉલ્લેખનીય છે કે આ કેસ 1996નો છે. સંજીવ ભટ્ટ પર રાજસ્થાનના વકીલને રૂમમાં ખોટી રીતે ડ્રગ્સ પ્લાન્ટ કરીને ફસાવવાનો આરોપ છે. 5મી સપ્ટેમ્બર, 2018માં સંજીવ ભટ્ટની ધરપકડ થઈ હતી.
આ કેસમાં દોષિત જાહેર થયા બાદ પોલીસ સંજીવ ભટ્ટને પાલનપુરની સબજેલ ખાતે લઈ ગઈ છે.
ઇલેક્શન અપડેટ: પરેશ ધાનાણીએ ભાજપમાં 'કકળાટ' મુદ્દે શું કહ્યું કે ભાજપે સામે 'ટનાટન' જવાબ આપ્યો?
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય નેતાઓ એકબીજા પર નિવેદનો આપીને ચર્ચામાં આવી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગુજરાત કૉંગ્રેસના નેતા પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક સમાચાર પત્રની તસવીરને ટાંકીને કહ્યું, "હાલમાં કમલમમાં કકળાટ જ્યારે કૉંગ્રેસ ટનાટન છે. 2004નું પુનરાવર્તન પાક્કું."
પરેશ ધાનાણીની આ પોસ્ટનો જવાબ આપતા ગુજરાત ભાજપના મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશ દવેએ પણ અન્ય એક સ્થાનિક સમાચાર પત્રની તસવીરને ટાંકીને કહ્યું, "કૉંગ્રેસ ટનાટન નહીં કૉંગ્રેસ ના પાડવામાં ટનાટન અને કૉંગ્રેસની મજબૂરીઓ પણ ટનાટન."
તેમણે ઉમેર્યું,"પ્રદેશ પ્રમુખ શકિતસિંહના હોમટાઉન ભાવનગર અને સ્વ. અહેમદ પટેલના હોમ ટાઉન ભરૂચ સીટ જેલથી સરકાર ચલાવનારના શરણમાં મુકવી પડી."
તેમણે પોતાની પોસ્ટમાં સમાચાર પત્રના અહેવાલને ટાંકીને પ્રદેશ કૉંગ્રેસના નેતાઓ પર નિશાન ટાંક્યુ હતું. તેમણે લખ્યું, "રાજકોટથી પરેશ ધાનાણીની ટનાટન ના, અમરેલીથી પ્રતાપ દુધાતની ના, અમદાવાદ પૂર્વથી રોહન ગુપ્તાની ટનાટન ના, આણંદથી ભરત સોલંકીની ટનાટન ના, પાટણથી જગદીશ ઠાકોરની ટનાટન ના, અમદાવાદ પશ્ચિમથી શૈલેષ પરમારની ટનાટન ના."
ભાજપે જ્યારે કથિત આંતરિક વિરોધોને કારણે સાબરકાંઠા અને વડોદરાની સીટ પર લોકસભાના ઉમેદવારોને બદલવા પડ્યા છે જ્યારે ગુજરાત કૉંગ્રેસના કેટલાક મોટા નેતાઓએ ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. અહીં બન્ને પક્ષના નેતાઓ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ એક્સ પર કટાક્ષ કરી રહ્યા છે.
સુનીતા કેજરીવાલે કહ્યું કે "અરવિંદ કેજરીવાલ કોર્ટમાં કથિત દારૂનીતિ કૌભાંડનું સત્ય જણાવશે"
દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલનાં પત્ની સુનીતા કેજરીવાલે નિવેદન કર્યું છે કે કેજરીવાલ કાલે એટલે કે ગુરુવારે એક મહત્ત્વપૂર્ણ વાત સાર્વજનિક કરશે.
તેમણે કહ્યું કે કેજરીવાલ કોર્ટમાં જણાવશે કે કથિત દારૂનીતિ કૌભાંડના પૈસા કે જેની શોધ માટે ઈડી 150થી વધારે દરોડા પાડી ચૂકી છે, તે ક્યાં છે. કારણ કે આ પૈસા ન તો મનીષ સિસોદિયાના ઘરે મળ્યા ન તો તેમના ઘરેથી.
આ કથિત કૌભાંડમાં મળેલા પૈસા ક્યાં છે તેના વિશે કેજરીવાલ 28 માર્ચે જાણકારી આપશે.
સુનીતા કેજરીવાલે જણાવ્યું કે અરવિંદ કેજરીવાલને શુગર છે અને તેમની તબિયત સારી નથી. તેઓ દિલ્હીના નાગરિકો વિશે પણ ચિંતિત છે.
સમાચાર એજન્સી રૉયટર્સ સાથેની વાતચીતમાં અમેરિકાના પ્રવક્તાએ કહ્યું હતું કે અમે મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલ માટે નિષ્પક્ષ અને પારદર્શક કાયદાકીય પ્રક્રિયાની આશા રાખીએ છીએ.
ભારતે અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવકતાના નિવેદન પર વિરોધ નોંધાવ્યો છે.
ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કર્યું છે. "અમે ભારતના કોઈ કાયદાકીય વિભાગની પ્રક્રિયા પર અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તાની ટિપ્પણીની ઘોર નિંદા કરીએ છીએ."
"કૂટનીતિમાં દેશો અન્ય દેશની સાર્વભૌમત્વ અને આંતરિક બાબતોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. એક લોકતાંત્રિક દેશ પાસેથી આ અપેક્ષા વધારે હોય છે. ભારતની કાનૂની પ્રક્રિયાઓ સ્વતંત્ર ન્યાયતંત્ર પર આધારિત છે જે ઉદ્દેશ્ય અને સમયસર ચુકાદાઓ આપવા માટે પ્રતિબદ્ધ છે. તેના પર પ્રશ્ન કરવા અયોગ્ય છે."
આ પહેલાં જર્મનીએ પણ દિલ્હીના મુખ્ય મંત્રીની નિષ્પક્ષ સુનાવણી માટે અપીલ કરી હતી.
કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા વિરૂદ્ધ પોરબંદર લોકસભાના વિસ્તારોમાં બેનરો લાગ્યાં
ભારતીય જનતા પાર્ટીએ પોરબંદર લોકસભાની સીટ પરથી કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.
કૉંગ્રેસ તેમની વિરુદ્ધ ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાને ઉમેદવાર બનાવ્યા છે.
જોકે, ગઈકાલે પોરબંદર લોકસભા સીટના ધોરાજી અને ઉપલેટામાં મનસુખ માંડવિયા વિરુદ્ધ બેનર લાગ્યાં હતાં. સ્થાનિક ઉમેદવારને મત આપવાની માંગ સાથે લાગેલાં આ પોસ્ટરોએ આ બેઠક પર રાજકીય પારો ઊંચે ચડાવી દીધો છે.
સ્થાનિક મીડિયા સાથેની વાતચીત દરમિયાન ધોરાજી ભાજપના શહેર પ્રમુખ રાજૂભાઈ બાલધાએ કહ્યું "કૉંગ્રેસના ઉમેદવાર હારી જવાના ભયથી પોસ્ટર લગાવી રહ્યા છે. હારના ભયથી કૉંગ્રેસ આવા સ્ટન્ટ કરી રહી છે. લોકો ભાજપને ઇચ્છે છે અને કૉંગ્રેસ હારી જવાની છે."
ભાજપના નેતાના આક્ષેપોનો જવાબ આપતા કૉંગ્રેસના પોરબંદર લોકસભા બેઠકના ઉમેદવાર લલિત વસોયાએ સ્થાનિક મીડિયાને કહ્યું, “ભાજપના કાર્યકરોએ જ પોસ્ટર લગાવ્યાં છે. આ પોસ્ટર લગાવવા પાછળનું કારણ ભાજપમાં રહેલો આંતરિક વિખવાદ છે.”
આ પહેલાં વડોદરાની લોકસભા બેઠક ઉપર પણ ભાજપના ઉમેદવાર તરીકે રંજનબહેન ભટ્ટનું નામ જાહેર કરવાની સાથે જ તેમનો વિરોધ શરૂ થઈ ગયો હતો અને વડોદરા ભાજપમાં વ્યાપેલો અસંતોષ ખૂલીને બહાર આવ્યો હતો.
ત્યારપછી રંજનબહેને પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, “હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા 2024ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.”
વડોદરા સીટ માટે ભાજપે રંજનબહેન ભટ્ટની જગ્યાએ હેમાંગ જોષીને ટિકિટ આપી છે.
ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએમ ગુજરાતની બે સીટો પર લડશે લોકસભાની ચૂંટણી
એઆઈએમઆઈએમના પ્રમુખ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીએ એલાન કર્યું છે કે તેમની પાર્ટી ગુજરાતની ગાંધીનગર અને ભરૂચ સીટ પર પોતાના ઉમેદવાર ઉતારશે.
ભાજપે ગુજરાતની ગાંધીનગર લોકસભા સીટ માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ફરીથી ઉમેદવાર તરીક જાહેર કર્યા છે. જ્યારે ભરૂચ સીટ પર ભાજપના પાછલી છ ચૂંટણીથી સાંસદ મનસુખ વસાવા સામે “ઇન્ડિયા” ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને મેદાને ઉતાર્યા છે.
એઆઈએમઆઈએમની ઍન્ટ્રીથી ભરૂચની બેઠક પર ત્રિકોણીયો ચૂંટણી જંગ થશે.
એઆઈએમઆઈએમના ગુજરાતના અધ્યક્ષ સાબીર કાબલીવાલાએ સમાચાર પત્ર ઇન્ડિયન એક્સપ્રેસ સાથેની વાતચીતમાં જણાવ્યું, “પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ ગુજરાતની બે લોકસભા સીટ પર ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. અમે હારીએ કે જીતીએ એ મહત્ત્વનું નથી. અમે અહીં લોકો માટે કામ કરવા આવ્યા છીએ. ભરૂચ અને ગાંધીનગર બન્ને સીટ પર મુસ્લિમ સમુદાયની સંખ્યા સારી એવી છે અને અમે જમીન પર અમારા મતદારો સાથે કામ કરવા ઇચ્છીએ છીએ.”
ભરૂચ લોકસભા વિશે વાત કરતા કાબલીવાલાએ ઉમેર્યું કે અમને ભરૂચ સીટ પર સારી આશા છે કે કારણ કે કૉંગ્રેસે તેની પરંપરાગત સીટ આમ આદમી પાર્ટીને આપી છે જે કારણે એઆઈએમઆઈએમના ઉમેદવાર આ સીટ પર લઘુમતી સમાજના મતો સરળતાથી મેળવી શકશે. અમે અમારા ઉમેદવારનું નામ રમજાન પછી જાહેર કરીશું.
અહીં એ ઉલ્લેખનીય છે કે ભરૂચ સીટ પરથી કૉંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલ ચૂંટણી લડી ચૂક્યા છે. અને તેમના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીના ખાતામાં જતા પોતાની નારાજગી વ્યકત કરી છે.
તેમણે સમાચાર એજન્સી એએનઆઈ સાથેની વાતચીતમાં જણાવ્યું, “હું અને પાર્ટીના કાર્યકર્તાઓ આ નિર્ણયથી ખુશ નથી. જોકે, હાઈકમાન્ડ કહેશે કે આ નિર્ણય લોકશાહી માટે જરૂરી છે તો અમે હાઈકમાન્ડને સમર્થન આપીશું.”
ફૈઝલે એએનઆઈને કહ્યું હતું કે, “હું હાઈકમાન્ડ સાથે ફરીથી વાત કરીશ. નોમિનેશન અને ચૂંટણી માટે હજુ ઘણો સમય છે અને મને આશા છે કે ભરૂચની બેઠક કૉંગ્રેસને મળશે.”
શિવસેના (યુબીટી)એ લોકસભા માટે 17 ઉમેદવારો જાહેર કર્યા
શિવસેના (ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે) પક્ષે લોકસભાની ચૂંટણી માટે 17 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.
પાર્ટીના સાંસદ સંજય રાઉતે સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ એક્સ પર એક પોસ્ટ કરીને આ વિશે જાણકારી આપી છે.
તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું, “શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના આર્શિવાદ અને શિવસેના પાર્ટીના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના આદેશથી શિવસેનાના 17 લોકસભાના ઉમેદવારોની યાદી જાહેર થવાની છે. મુંબઈ દક્ષિણ સેન્ટ્રલથી અનિલ દેસાઈની ઉમેદવારીની જાહેરાત કરવામાં આવી છે.”
આ યાદી પ્રમાણે અરવિંદ સાવંતને દક્ષિણ મુંબઈથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.