લસણ : ગુલામોના ભોજનમાંથી રાજકુટુંબોની પસંદ બનનારું આ કંદ આખી દુનિયામાં કેવી રીતે પહોંચી ગયું, શું છે તેનો ઇતિહાસ?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ફૂડ ચેઇન પ્રોગ્રામ
- પદ, બીબીસી વર્લ્ડ સર્વિસ
હજારો વર્ષોથી લસણને માત્ર સ્વાદ જ નહીં, પરંતુ પોતાના ઔષધીય ગુણો માટે પણ પસંદ કરાય છે.
લસણ પોતાના ઍન્ટિ-માઇક્રોબિયલ એટલે કે સૂક્ષ્મજીવોને મારવાની કે રોકવાની ક્ષમતા તેમજ ઍન્ટિ-વાઇરલ અસર માટે ઓળખાય છે. લાંબા સમયથી તેનો ઉપયોગ રસોડા અને પરંપરાગત ઉપચારોમાં થતો રહ્યો છે.
મધ્ય એશિયાથી આવેલું લસણ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા લોકો સાથે યુરોપ અને અમેરિકા સુધી પહોંચી ગયું છે. આજે લસણનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે.
બીબીસી વર્લ્ડ સર્વિસના ફૂડ ચેઇન પ્રોગ્રામમાં લસણનાં સમૃદ્ધ ઇતિહાસ અને સાંસ્કૃતિક મહત્ત્વ અંગે વાત કરાઈ અને એક મહત્ત્વપૂર્ણ સવાલનો જવાબ શોધવાનો પ્રયાસ કરાયો છે. આ સવાલ છે - શું લસણ ખરેખર આપણા સ્વાસ્થ્ય માટે સારું છે?
લગભગ દરેકનાં રસોડાંમાં મળે છે લસણ

ઇમેજ સ્રોત, Getty Images
એવાં અગણિત વ્યંજનો છે, જે લસણ વિના અધૂરાં લાગે છે.
ઉત્તર-પશ્ચિમ ફ્રાન્સમાં પોતાની ફ્રેન્ચ ડાઇનિંગ સ્કૂલમાં અમેરિકા, ઑસ્ટ્રેલિયા, યુકે અને એશિયાના વિદ્યાર્થીઓને ભણાવતા ડૅનમાર્કના શૅફ પૉલ એરિક જેનસન કહે છે કે તેમણે ક્યારેય કોઈ એવો વિદ્યાર્થી નથી મળ્યો, જેને લસણ વિશે ખબર ન હોય.
તેમનું માનવું છે કે લસણ ભોજનને અત્યંત સ્વાદિષ્ટ બનાવે છે અને તેઓ લસણ વગર ફ્રેન્ચ વ્યંજનની કલ્પના સુધ્ધાં નથી કરી શકતા.
તેઓ કહે છે કે, "મને નથી લાગતું કે ફ્રાન્સના લોકો લસણ વગર કોઈ પણ ચટપટી ડિશની કલ્પના સુધ્ધાં કરી શકે. સૂપ હોય કે કોઈ શાકભાજી કે માંસની ડિશ, તેમાં લસણની ઓછામાં ઓછી એક કળી તો હોય જ છે. લસણનો ઉપયોગ ન કરવા અંગે વિચારી પણ ન શકાય."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ જ્યારે 1970ના દાયકાની શરૂઆતમાં તેઓ ગ્રામીણ ડૅનમાર્કમાં મોટા થઈ રહ્યા હતા, ત્યારે ત્યાં લસણ અંગે લોકોને ઝાઝી ખબર નહોતી.
તેમને યાદ છે કે એ સમયે લસણ પોતાની તીવ્ર ગંધને કારણે એક પ્રકારે બદનામ હતું. પરંતુ બાદમાં તુર્કીના મજૂર ડૅનમાર્ક આવીને વસવા લાગ્યા, જેનાથી લસણવાળું ભોજન સામાન્ય બની ગયું.
શૅફ જેનસનને ઇટાલીના પિત્ઝાથી પણ લસણની આદત પડી ગઈ અને હવે તેઓ ઠંડીમાં ઘરેલુ ઉપાયોમાં તેનો ઉપયોગ કરે છે.
તેઓ કહે છે કે, "હું રોજ સવારે પોતાના પાર્ટનર સાથે એક કપ રસો પીઉં છું, જેમાં લસણની એક કળીને નિચોવી દેવાય છે. અમને શરદી કે ગંભીર ફ્લૂ નથી થતો, મને વિશ્વાસ છે કે આવું લસણને કારણે જ શક્ય બન્યું છે."
લસણનો ઇતિહાસમાં ઉલ્લેખ

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સદીઓથી લસણનું સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મહત્ત્વ રહ્યું છે. પ્રાચીન યુનાની જાદુટોણાંનાં દેવી અને ઘરોનાં રક્ષક, હેકાટેને પ્રસાદ તરીકે ચાર રસ્તે લસણ ચઢાવાતાં હતાં.
મિસર (ઇજિપ્ત)માં પ્રસિદ્ધ તૂતનખામેનની કબરમાં લસણ મળી આવ્યું હતું, જે વિશે એવું મનાય છે કે તેને મૃત્યુ બાદ તેમના રક્ષણ માટે મૂકવામાં આવ્યું હશે.
ચાઇનીઝ અને ફિલિપિનો લોકકથાઓમાં પિશાચોથી લડવા માટે લસણના ઉપયોગ કરનારા લોકોની કહાણીઓ મળી આવે છે.
'ગાર્લિક : એન એડિબલ બાયૉગ્રાફી' પુસ્તકનાં લેખિકા રૉબિન ચેરી કહે છે કે, "વિશ્વની સૌથી જૂની રેસિપી મેસોપોટામિયાની સ્ટૂ ડિશ છે. એ લગભગ 3500 વર્ષ જૂની છે અને તેમાં લસણની બે કળીઓ હોય છે."
તેઓ કહે છે કે, "(લસણનો) સૌથી જૂનો મેડિકલ રેફરન્સ લગભગ 3500 વર્ષ જૂનો છે. એ સમયે તેને ઇબર્સ પપાયરસ કહેવાતું હતું. તેમાં તબિયત ખરાબ લાગે ત્યારે તેમજ પરોપજીવિ અને હૃદય કે શ્વાસને લગતી સમસ્યાઓ સુધી, દરેક સમસ્યાના ઇલાજ માટે લસણનો ઉપયોગ કરવાના ઘણા ઉલ્લેખો છે."
ચેરી પ્રમાણે પ્રાચીન યુનાની ચિકિત્સક અને દાર્શનિક હિપ્પોક્રેટ્સે ઘણા પ્રકારની મેડિકલ સારવારમાં લસણનો ઉપયોગ કર્યો હતો. આ સિવાય ઍરિસ્ટોટલ અને અરિસ્ટોફેન્સ જેવા વિચારકો અને લેખકોએ પણ લસણના ઔષધીય ગુણોનો ઉલ્લેખ કર્યો છે.
ગુલામોના ભોજનથી માંડીને રાજકુટુંબો સુધી

ઇમેજ સ્રોત, Getty Images
પ્રાચીન મેસોપોટેમિયા, મિસર, ગ્રીસ, રોમ, ચીન અને ભારતમાં લસણ લોકપ્રિય હતું. રોમન સૈનિકોમાં માન્યતા હતી કે તેમને લસણમાંથી સાહસ અને શક્તિ મળે છે અને તેમણે પોતાના વિજયરથ સાથે તેનો આખા યુરોપમાં ફેલાવો કર્યો.
ભોજન અને ઔષધિ, એમ બંને રીતે લસણના ઉપયોગ છતાં એક સમય એવો પણ હતો, જ્યારે લસણને ગુલામોનું ભોજન માનવામાં આવતું. એક સમય એવો પણ હતો જ્યારે તેનો ઉપયોગ માત્ર ગરીબો જ કરતા.
રૉબિન ચેરી કહે છે કે, "ખરેખર તો એ માત્ર ગરીબોનો જ ખોરાક હતો. મિસરમાં પિરામિડ બનાવનારા ગુલામો કે રોમન નાવિકો જેવા લોકો તાકત માટે તેનો ઉપયોગ કરતા હતા. એ સસ્તું હતું, ખરાબ ભોજનનો સ્વાદ આનાથી છુપાઈ શકતો હતો, તેથી લસણ માત્ર ગરીબો જ ખાતા હતા."
પુનર્જાગરણ કાળ દરમિયાન લસણ શાખમાં બદલાવ આવવાની શરૂઆત થઈ. 14મીથી 16મી સદી સુધી એ સમય યુરોપિયન ઇતિહાસનો એક મહત્ત્વપૂર્ણ કાળ હતો, જેની વિશેષતા શાસ્ત્રીય શિક્ષણનો પુનર્જન્મ, કળા અને વિજ્ઞાનનો વિકાસ અને વ્યાપ હતી.
રૉબિન ચેરી કહે છે કે, "ફ્રાન્સના હેનરી ચતુર્થ બૅપ્ટિઝમ (બાપ્તિસ્મા) લસણ સાથે કરાયું હતું અને તેમણે ખૂબ લસણ ખાધું હતું, જેનાથી એ અમુક હદ સુધી લોકપ્રિય બની ગયું."
સાથે જ, તેઓ એવું પણ જણાવે છે કે 19મી સદીમાં વિક્ટોરિયન ઇંગ્લૅન્ડમાં પણ લસણ ઘણું પૉપ્યુલર થયું.
અમેરિકામાં લસણ ઘણું મોડે, 1950 અને 1960ના દાયકામાં આવ્યું, જેને પ્રવાસી લોકો લઈને આવ્યા. આનાથી લસણ અંગે નકારાત્મક વિચાર બદલાવામાં મદદ મળી.
રૉબિન ચેરી કહે છે કે, "ખરેખર, લસણનો ઉપયોગ યહૂદીઓ, ઇટાલિયન લોકો અને કોરિયન લોકો વિરુદ્ધ અત્યંત અપમાનજનક (અર્થ)માં કરાતો હતો. આ તમામ લોકોને લસણ ખાનારા કહેવામાં આવતા, અને તેનો એક નકારાત્મક અર્થ હતો."
લસણના ઔષધીય ગુણ

ઇમેજ સ્રોત, AFP via Getty Images
આજે સમગ્ર વિશ્વમાં લસણની 600 કરતાં વધુ જાતો છે. તેમાંથી કેટલીક જાતો, જેમ કે ઉઝ્બેકિસ્તાન અને જ્યૉર્જિયામાં મળી આવતું લસણ, હાલમાં જ વિશ્વમાં ઉપલબ્ધ બન્યું છે.
આધુનિક વ્યંજનોમાં લસણના મહત્ત્વ સિવાય, તેનો ઉપયોગ સામાન્યપણ શરદીનાં લક્ષણોના ઇલાજ કે તેને ઘટાડવા માટે કરાય છે.
ઘણી ક્લિનિકલ ટ્રાયલમાં બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રૉલ અને કૅન્સર પર તેની અસરનો અભ્યાસ કરાયો છે, પરંતુ તેનાં મિશ્ર પરિણામ મળ્યાં છે.
ઈરાનમાં થયેલા એક નાના અભ્યાસમાં સામે આવ્યું હતું કે લસણ અને લીંબુના રસથી છ અઠવાડિયાંમાં કોલેસ્ટ્રૉલ અને બ્લડપ્રેશર ઘટાડવામાં મદદ મળી.
જોકે, અમેરિકામાં સ્ટેનફર્ડ યુનિવર્સિટી દ્વારા છ મહિનામાં 200 સ્વસ્થ વ્યક્તિઓ પર કરાયેલા એક મોટા અભ્યાસમાં કોલેસ્ટ્રૉલમાં કોઈ મહત્ત્વપૂર્ણ ઘટાડો નહોતો જોવા મળ્યો.

ઇમેજ સ્રોત, Press Association
ઑસ્ટ્રેલિયાની સિડની યુનિવર્સિટીના 2014ના અભ્યાસમાં લસણના ઍન્ટિ-માઇક્રોબિયલ અને ઍન્ટિ-ફંગલ ગુણોની પુષ્ટિ કરાઈ.
બ્રિટિશ ડાયટેટિક ઍસોસિયેશનનાં એક પ્રવક્તા અને બાળરોગ વિશેષજ્ઞ બહી વેન ડે બોર કહે છે કે, "લસણમાં પોટેશિયમ, ફૉસ્ફોરસ, ઝિંક, સલ્ફરનું ઊંચું પ્રમાણ અને મૅગ્નેશિયમ, મૅંગેનીઝ અને આયર્નનું મધ્યમ પ્રમાણ હોય છે. આ એક પ્રકારે અદ્ભુત કંદ છે."
તેઓ કહે છે કે, "તેમાં કેટલાક અદ્ભુત સલ્ફર કંપાઉન્ડ્સ હોય છે, જેને એલિસિન કહેવાય છે. એ પ્રીબાયૉટિક ફાઇબરથી ભરપૂર હોય છે, જે આપણા પેટ માટે ખૂબ સારું હોય છે. તેમાં કેટલાક ઍન્ટિ-માઇક્રોબિયલ ગુણ પણ હોય છે."
તેઓ કહે છે કે લસણનાં ફાઇબર પેટ માટે સારા બૅક્ટેરિયાને પોષણ આપવામાં મદદરૂપ થાય છે. તેનાથી કબજિયાત અને ગૅસની સમસ્યામાં પણ આરામ મળી શકે છે.
દરરોજ એકથી બે લસણની કળીઓ પુખ્તો માટે સુરક્ષિત મનાય છે. જોકે, ક્લિનિકલ જર્નલ અમેરિકન ફૅમિલ ફિઝિશિયનમાં પબ્લિશ એક પેપર પ્રમાણે તેનું વધુ સેવન, ખાસ કરીને પેટ અને આંતરડાં સંબંધી ગરબડો અને ગૅસ તેમજ ગટ ફ્લોરા એટલે કે આંતરડાંમાં રહેતા સૂક્ષ્મ જીવોમાં બદલાવનું કારણ બની શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












