ભારત-પાકિસ્તાન સંઘર્ષમાં કોને કેટલું નુકસાન થયું, સેટેલાઇટ તસવીરમાં શું દેખાય છે?

    • લેેખક, અંશુલસિંહ
    • પદ, બીબીસી સંવાદદાતા

છ અને સાત મેની રાત્રે ભારતે પાકિસ્તાન અને પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં 'ઑપરેશન સિંદૂર' ચલાવ્યું.

ભારતીય સૈન્યનું કહેવું છે કે આ દરમિયાન તેણે નવ ઠેકાણાં પર 'આતંકવાદી કૅમ્પો' પર હુમલા કર્યા છે.

આ સૈન્યકાર્યવાહી બાદ કર્નલ સોફિયા કુરેશીએ જણાવ્યું હતું કે "પાકિસ્તાનમાં પાછલા ત્રણ દાયકાથી ટેરર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં ભરતી, તાલીમ અને લૉન્ચ પેડ સામેલ હતાં, જે પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજાવાળા જમ્મુ-કાશ્મીરમાં ફેલાયેલાં છે."

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે આને ભારતનું 'ઍક્ટ ઑફ વૉર' જણાવ્યું અને કહ્યું કે તેમને જડબાતોડ જવાબ આપવાનો સંપૂર્ણ અધિકાર છે.

બંને દેશ ચાર દિવસ સુધી સામસામે રહ્યા બાદ સંઘર્ષવિરામ પર રાજી થયા. ભારત-પાકિસ્તાન વચ્ચે સંઘર્ષવિરામની જાણકારી પહેલાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર આપી હતી.

સંઘર્ષવિરામ બાદ હવે ચર્ચા એ વાતે થઈ રહી છે કે ચાર દિવસમાં કોનું કેટલું નુકસાન થયું? આ મામલે નિષ્ણાતોનો શો મત છે?

નુકસાન અંગે ભારત અને પાકિસ્તાનના દાવા

પાકિસ્તાનમાં ભારતની સૈન્યકાર્યવાહી બાદ પાકિસ્તાનના વિદેશમંત્રી ઇસાક ડારે પાકિસ્તાનની સંસદમાં નિવેદન આપ્યું હતું. ઇસાક ડારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ઍરફોર્સે ભારતનાં પાંચ ફાઇટર જેટ તોડી પાડ્યાં હતાં. ડાર પ્રમાણે, આમાં ત્રણ રાફેલ સામેલ છે.

આ સિવાય પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેમણે હુમલાની રાત્રે 70 કરતાં વધુ ડ્રૉનને પણ નિશાન બનાવ્યાં હતાં.

જોકે, ભારત વતી ઍર માર્શલ એકે ભારતીએ પાકિસ્તાનના દાવા અંગે કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા નથી આપી અને ના રાફેલના નુકસાનની વાત માની છે.

પાકિસ્તાની સૈન્યે કહ્યું કે જવાબી કાર્યવાહી 'ઑપરેશન બનયાન-ઉન-માર્સોસ'માં તેમની તરફથી ભારતનાં 26 સૈન્ય ઠેકાણાંને નિશાન બનાવાયાં હતાં. તેમાં પઠાણકોટ, અંબાલા, ઉધમપુર, શ્રીનગર, બઠિંડા, આદમપુર, અવંતિપુર, સૂરતગઢ અને સિરસા સામેલ છે.

આ સિવાય સૈન્યનો દાવો હતો કે તેનાં ડઝનો ડ્રૉન ભારતના પાટનગર નવી દિલ્હી સહિત ટોચનાં ભારતીય શહેરો પર મંડરાતાં રહ્યાં.

પાકિસ્તાની સૈન્યના પ્રવક્તાએ કહ્યું હતું કે તેમણે નગરોટામાં બ્રહ્મોસ મિસાઇલના ભંડારણવાળા સ્થળે અને આદમપુરમાં એસ-400 ડિફેન્સ સિસ્ટમ પર સફળતાપૂર્વક હુમલો કર્યો હતો.

ભારતને 'ઑપરેશન સિંદૂર'થી શું પ્રાપ્ત થયું?

ભારત સરકારની પ્રેસ ઇન્ફર્મેશન બ્યૂરો (પીઆઇબી)એ 'ઑપરેશન સિંદૂર' અંગે એક પ્રેસ રિલીઝ જાહેર કરી છે. જેના પ્રમાણે,

  • નવ આતંકી શિબિર નષ્ટ કરાયા અને 100 કરતાં વધુ 'આતંકવાદી' મૃત્યુ પામ્યા
  • પ્રમુખ 'આતંકી કમાન્ડર' જેમ કે - યુસૂફ અઝહર, અબ્દુલ મલિક રઉફ, મુદસ્સિર અહમદનાં મૃત્યુ
  • એક જ ઑપરેશનમાં પરમાણુ શક્તિવાળા દેશ પાકિસ્તાનના 11 ઍરબેઝ પર હુમલા કરનાર પ્રથમ દેશ બન્યું ભારત
  • પાકિસ્તાની વાયુસેનાની 20 ટકા સંપત્તિ નષ્ટ
  • ભોલારી ઍરબેઝને ભારે નુકસાન અને સ્ક્વાડ્રન લીડર ઉસ્માન યુસૂફનું મૃત્યુ
  • કાશ્મીર મુદ્દાને ફરી વાર પરિભાષિત કરાયો

સેટેલાઇટ તસવીરોમાં શું દેખાયું?

સંઘર્ષ દરમિયાન ભારત અને પાકિસ્તાને એકબીજા પર હુમલા કરવા માટે ડ્રૉન અને મિસાઇલનો ઉપયોગ કર્યો. એ બાદ બંને પક્ષોએ ગંભીર નુકસાન પહોંચાડવાની વાત કરી.

અમેરિકન અખબાર ન્યૂ યૉર્ક ટાઇમ્સે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે સેટેલાઇટ તસવીરોથી હુમલાના વ્યાપક હોવાની ખબર પડે છે, પરંતુ દાવા કરતાં નુકસાન ઓછું થયું છે.

રિપોર્ટમાં કહેવાયું છે કે પાકિસ્તાનની સૈન્ય સુવિધાઓ અને હવાઈમથકોને નિશાન બનાવવામાં ભારતને સ્પષ્ટ સરસાઈ પ્રાપ્ત થઈ છે.

રિપોર્ટો અનુસાર, "પાકિસ્તાનના બંદર શહેર કરાચીથી 100 માઈલથી ઓછા અંતરે આવેલી ભોલારા ઍરબેઝ પર ભારતના સંરક્ષણ અધિકારીઓએ કહ્યું કે તેમણે એક વિમાન હૅન્ગર પર પિન પૉઇન્ટેડ હુમલો કર્યો છે. તસવીરોમાં હૅંગર જેવી દેખાતી જગ્યાએ સ્પષ્ટ ક્ષતિ દેખાય છે."

ભોલારી ઍરબેઝ પાકિસ્તાનમાં સિંધ પ્રાંતના જમશોરો જિલ્લામાં છે. ડિસેમ્બર 2017માં તેનું ઉદ્ઘાટન કરાયું હતું અને આ પાકિસ્તાનના સૌથી આધુનિક ઍરબેઝ પૈકી એક છે.

આ જ પ્રકારના રિપોર્ટમાં નૂર ખાન ઍરબેઝ, રહીમ યાર ખાન હવાઈમથક અને સરગોધા ઍરબેઝનું નુકસાન બતાવતી સેટેલાઇટ તસવીરો પણ સામેલ છે.

પાકિસ્તાને બે ડઝન કરતાં વધુ સૈન્ય પ્રતિષ્ઠાનો અને ઠેકાણાંને નિશાન બનાવવાનો દાવો કર્યો હતો. તેમાં ઉધમપુર ઍરબેઝ પણ સામેલ છે. પરંતુ ઉધમપુર ઍરબેઝની 12 મેના રોજ લેવાયેલી સેટેલાઇટ તસવીરમાં કોઈ નુકસાન નજરે નથી પડી રહ્યું.

ભારત-પાકિસ્તાનમાં નુકસાન અંગે નિષ્ણાતો શું કહી રહ્યા છે?

સંરક્ષણ મામલાના જાણકાર જૉન સ્પેન્સરનું માનવું છે કે 'ઑપરેશન સિંદૂર'એ પોતાના વ્યૂહરચનાત્મક હેતુઓને પૂરા કર્યા અને ભારતે એક મોટો વિજય હાંસલ કર્યો છે.

જૉન સ્પેન્સરનું એક્સ પર લખે છે કે, "માત્ર ચાર દિવસની સમજી વિચારીને કરાયેલી સૈન્યકાર્યવાહી બાદ ભારતે એક મોટો વિજય હાંસલ કર્યો. ઑપરેશન સિંદૂરે પોતાના વ્યૂહરરચનાત્મક ઉદ્દેશોને પૂર્ણ કર્યા અને તેનાથી પણ આગળ નીકળી ગયું - આતંકવાદી માળખાં નષ્ટ કરવા, સૈન્ય શ્રેષ્ઠતાનું પ્રદર્શન કરવું અને એક નવા રાષ્ટ્રીય સિદ્ધાંતને રજૂ કરવો. આ પ્રતીકાત્મક નહોતું. આ નિર્ણાયક શક્તિ હતી, જેનો સ્પષ્ટપણે ઉપયોગ કરાયો."

સ્પેન્સરનું કહેવું છે કે, "ભારત બદલા માટે નહોતું લડી રહ્યું. એ પ્રતિરોધ માટે લડી રહ્યું હતું અને એ કામ કરી ગયું. ભારતે પાકિસ્તાનમાં કોઈ પણ લક્ષ્ય પર હુમલો કરી શકવાની પોતાની ક્ષમતાનું પ્રદર્શન કર્યું - આતંકી ઠેકાણાં, ડ્રૉન કેન્દ્ર અને અહીં સુધી ઍરબેઝ પણ. આ દરમિયાન પાકિસ્તાન ભારતમાં એકેય સુરક્ષિત ક્ષેત્રમાં પ્રવેશ કરવામાં અસમર્થ રહ્યું. આ બરોબરી નથી. ભારત આગળ હતું."

રવિ અગ્રવાલ ફોરેન પૉલિસી મૅગેઝિનના ચીફ એડિટર છે. ભારત-પાકિસ્તાન સંઘર્ષ અંગે તેમણે સીએનએનના પત્રકાર ફરીદ ઝકારિયા સાથે વાતચીત કરી છે.

રવિ અગ્રવાલને જ્યારે પુછાયું કે આ સંઘર્ષથી શું હાંસલ થયું તો તેમણે કહ્યું, "પાકિસ્તાની સૈન્ય ઇચ્છે છે કે સંરક્ષણ બજેટમાં વધારો થાય. તેઓ એવું સાબિત કરવા માગે છે કે એ એક મજબૂત પાડોશીને રોકી શકે છે. એ પોતાનું મહત્ત્વ જાળવી રાખવા માગે છે."

રવિ અગ્રવાલ અનુસાર, "સૈન્ય નથી ઇચ્છતું કે દેશની સત્તા એક લોકપ્રિય નેતાના હાથમાં હોય, કારણ કે તેને લાગે છે કે આ વાત તેમના હિતમાં પણ છે."

ભારતે દરેક વખત વિરોધ કર્યો, પરંતુ આ વખત ભારત પાકિસ્તાન ક્ષેત્રમાં પહેલાંથી ખૂબ અંદર સુધી જતું રહ્યું. જ્યારે પાકિસ્તાન એક પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે. તમને શું લાગે છે ભારતે આવું, આટલું સાહસ કેમ બતાવ્યું?

આ સવાલ અંગે રવિ અગ્રવાલ કહે છે કે, "ભારતનું અર્થતંત્ર પાકિસ્તાન કરતાં 11 ગણું મોટું છે. વર્ષ 199માં એ માત્ર ગણું મોટું હતું. તેથી ભારત વધુ આશ્વસ્ત મહેસૂસ કરે છે. તેને લાગે છે કે સીમા પારથી થતા હુમલા વધી ગયા છે અને તેને કંઈક નિર્ણાયક કરવાની જરૂર છે. પરંતુ સમસ્યાનું મૂળ એ છે કે પાકિસ્તાનનું સૈન્ય ત્યાં રહી રહેલા આતંકવાદીઓને નિયંત્રિત કરવામાં અસમર્થ છે. અને ભારત આ સ્થિતિને હવે બદલવા માગે છે."

સંઘર્ષવિરામ યોગ્ય કે વ્યૂહરચનાત્મક ચૂક?

રાજદ્વારી મામલાના જાણીતા વિશ્લેષક બ્રહ્મા ચેલાની સંઘર્ષવિરામને એક વ્યૂહરચનાત્મક ચૂક તરીકે જોવામાં આવે એવા જોખમ તરફ ઇશારો કરે છે.

બ્રહ્મા ચેલાની ઍક્સ પર લખે છે કે, "જો પાકિસ્તાનને સૈન્ય સંઘર્ષમાં સરસાઈ મળી ગઈ હોત, તો તેણે કોઈ પણ જાતના ખચકાટ વગર પોતાની સરસાઈનો લાભ ઉઠાવ્યો હોત અને તેણે ભારત માટે નિર્ણાયક અને સંભવિતપણે અપમાનજનક પરિણામની માંગણી પણ કરી હોત."

"આનાથી ઊલટું ભારતે યુદ્ધવિરામ પર સંમતિ વ્યક્ત કરી, બરાબર એ જ સમયે જ્યારે તેનાં સશસ્ત્ર બળોએ સરસાઈ હાંસલ કરી લીધી હતી. જોકે, આ પગલું ભારતના સંયમ અને રાજદ્વારી ગણતરી તરફ ઇશારો કરે છે, પરંતુ આને વ્યૂહરચનાત્મક ચૂક સ્વરૂપે જોવામાં આવે એવું જોખમ પણ છે. ભારતનો નિર્ણય સંતુલિત છે, તેમ છતાં એ તેને પરેશાન કરી શકે છે."

અમેરિકન થિંક ટૅન્ક બ્રૂકિંગ્સ ઇન્સ્ટિટ્યૂશનના ફેલો જોશુઆ ટી. વ્હાઇટનું કહેવું છે કે આ સંઘર્ષથી બંને દેશ પાઠ લઈને ભવિષ્યમાં હથિયાર ખરીદી પર વધુ ભાર મૂકશે.

જોશુઆ વ્હાઇટ લખે છે કે, "પાકિસ્તાન સંભવિતપણે ચીન સાથે પોતાની નિકટતા પર બમણું જોર આપશે અને ડ્રૉન માટે તુર્કી સાથે પણ ભાગીદારી વધારશે. પ્રથમ નજરમાં, પાકિસ્તાનના વાયુ સૈન્યે હવાથી હવામાં લડાઈમાં અપેક્ષાકૃત સારું પ્રદર્શન કર્યું છે."

"જોકે, યુદ્ધમાં થયેલા નુકસાનનું આકલન કરવામાં આવે તો પાકિસ્તાનની ઍર ડિફેન્સ સિસ્ટમની વિશ્વસનીયતા પર સવાલ ઊઠે છે. સાથે જ મોટી સંખ્યામાં ડ્રૉન લૉન્ચ કરવા અંગે પણ વિચારવું પડશે, જે ભારતની અંદર માત્ર મામૂલી નુકસાન પહોંચાડે છે."

ભારત અંગે જોશુઆ વ્હાઇટ કહે છે કે, "ભારત સામે ઘણા જટિલ વિકલ્પ છે. એવું લાગે છે કે તેની ઍર ડિફેન્સ સિસ્ટમે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે, અને તેના સૈન્યે બતાવ્યું કે એ એક સાથે હવાઈ અને જમીન મારફતે કરાતા હુમલાથી પાકિસ્તાની સુધી પહોંચી શકે છે. પરંતુ આ સંકટથી ભારતમાં એ વાતની ચિંતા વધવી જોઈએ કે નિરંતર સંઘર્ષ માટે મિસાઇલો અને યુદ્ધ સામગ્રીના ઘણા મોટા ભંડારની જરૂર છે."

લંડનસ્થિત કિંગ્સ કૉલેજમાં સિનિયર લેક્ચરર વાલ્ટર લેડવિગ કતારના મીડિયા સંસ્થાન અલ જઝીરા સાથે વાતચીતમાં કહે છે કે, "હાલના સંઘર્ષે પાકિસ્તાનને કાશ્મીર મુદ્દાના આંતરરાષ્ટ્રીયકરણની તક આપી છે, જે તેનું દીર્ઘકાલીન વ્યૂહરચનાત્મક લક્ષ્ય રહ્યું છે. બીજી તરફ, વ્યૂહરચનાત્મક રીતે ભારતે પાકિસ્તાનસ્થિત આતંકવાદી સમૂહો પર આંતરરાષ્ટ્રીય ધ્યાન ફરીથી કેન્દ્રિત કરવામાં સફળતા હાંસલ કરી છે."

લેડવિગ કહે છે કે હવે આંતરરાષ્ટ્રીય મંચો પર સક્રિય 'આતંકવાદ' વિરોધી પ્રયાસોને સાબિત કરવાની જવાબદારી પાકિસ્તાન પર જ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન